જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા સાવ અધૂરી છે

એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

કારણ-તારણ - રમેશ ઓઝા


હવે પછી શું થશે કે શું પરિણામ આવી શકે છે એનું અનુમાન કરવાની કે જાણી લેવાની ઉત્કંઠા માનવસહજ છે. એ એટલી જૂની વૃત્તિ છે જેટલો આદિમ માનવ છે. ખરું પૂછો તો જગતનો વિકાસ જ છણાવટો, અનુમાનો અને પરિણામલક્ષી જોખમો થકી થયો છે. એટલે તો જોખમ ખેડ્યું હતું એમ કહેવા માટે દાવ લગાડ્યો હતો કે જુગાર ખેલ્યો હતો એમ પણ કહેવામાં આવે છે. માણસ જ્યારે પ્રાપ્ïત હકીકતોની છણાવટ કરીને અને અનુમાનો બાંધીને દાવ લગાડે ત્યારે તેને એમાં સફળતા મળે જ એવું નથી, પરંતુ એ સિવાય બીજો વિકલ્પ પણ નથી હોતો. સુખનો રસ્તો આ માર્ગે જાય છે. વર્તમાન એક પ્રગટ વાસ્તવિકતા છે, પરંતુ વર્તમાન એક ક્ષણમાં જતો રહેવાનો અને સમયના ગર્ભમાં રહેલા અપ્રગટ ભવિષ્યમાં આપણે જીવવાનું છે એ બીજી વાસ્તવિકતા છે, સિવાય કે આ ક્ષણે જ મૃત્યુ આવે. હું આવતી કાલે હયાત હોવાનો એ ભરોસે માણસ જિંદગી જીવે છે અને માટે પ્રયત્ïનો કરે છે.

બીજી વૃત્તિ છે પ્રાપ્ïત હકીકતોની કોઈ પણ પ્રકારની છણાવટ કર્યા વિના પરિણામ જાણી લેવાની ઉત્કંઠા. અહીંથી જ્યોતિષનો પ્રદેશ શરૂ થાય છે. શું પરિણામ આવશે એનો આધાર પ્રાપ્ïત હકીકતો, એની છણાવટ અને અનુમાન પર આધારિત નથી; પરંતુ ગ્રહદશા પર આધારિત છે. હકીકતોની છણાવટ કરવામાં તટસ્થ વૃત્તિ જોઈએ અને એનો સામનો કરતાં કેટલાક લોકો ગભરાતા હોય છે. બીજી બાજુ આ કે પેલે પાર પરિણામ તો આવવાનું જ છે તો એમાં મારું શું થશે એના ડરથી પ્રેરાઈને માણસ જ્યોતિષના શરણે જાય છે.

ત્રીજી વૃત્તિ છે પરિણામો બદલી શકાય કે કેમ એની મથામણ કરવાની. અહીંથી ગુરુઓ, બાબાઓ, તાંત્રિકોનો પ્રદેશ શરૂ થાય છે. પરિણામ બતાવનારા જ્યોતિષીઓ અને પરિણામ બદલી આપવાનો દાવો કરનારાઓ આમ તો સહોદર હોય છે. પ્રાપ્ïત હકીકતો, છણાવટો, અનુમાનો સાથે સ્નાનસૂતકનો સંબંધ નહીં અને છતાંય કેટલાક લોકો પરિણામો બદલી આપવાનો દાવો કરતા હોય છે. મંત્રકૃપા, ગુરુકૃપા, માદળિયાં, રાખની પોટલી, વીંટી, યજ્ઞો, અનુષ્ઠાનો, માનતાઓ, જાત્રાઓના ભરોસે પરિણામો બદલવા માટે કેટલાક લોકો અથાગ પ્રયત્ïનો કરતા રહે છે.

આપણે તેમને પૂછીએ કે આટલી મહેનત પ્રાપ્ïત હકીકતોની ચકાસણી કરવા પાછળ તેમ જ બુદ્ધિપૂવર્કા અનુમાનો કરીને જોખમ ઉઠાવવામાં અને જોખમ ઊંધું ન પડે એ માટે શક્ય એટલું બધું જ કરી છૂટવા માટે કરી હોત તો? તો એનો શું જવાબ મળે ખબર છે? તે મર્ત્ય માનવીની અસમર્થતા અને અમર્ત્ય ગ્રહોની સમર્થતાની વાત કરશે અને પ્રશ્ન પૂછનારને અજ્ઞાની અને અભિમાની સમજીને હસી કાઢશે.

તો એક બાજુ વાસ્તવિકતાઓનો સ્વીકાર કરીને, ચકાસીને, અનુમાનો કરીને પોતાના ભરોસે જોખમ ઉઠાવનારાઓ છે અને બીજી બાજુ આવું કાંઈ જ કર્યા વિના પરિણામો જાણી લેવાની ઉત્કંઠા ધરાવનારાઓ અને પરિણામો બદલવા ઇચ્છનારાઓ છે. એક બાજુ પુરુષાર્થીઓ છે અને બીજી બાજુ કૃપાર્થીઓ છે.

આમાં કોઈક જગ્યાએ જુગાર આવે છે. આપણે જેને રૂઢાર્થમાં જુગારી કહીએ છીએ એ કૃપાર્થી કે શરણાર્થી કરતાં વધારે બુદ્ધિમાન કે હિંમતવાન હોય છે એમ મારું માનવું છે. દાવ લગાડ્યા વિના ભવિષ્ય જાણીને શું કરશો? દાવ લગાડ્યા વિના અનુકૂળ ભવિષ્યની ઇચ્છા રાખનારાઓ બાબાઓના પગમાં આળોટતા હોય છે અને તેમને એમાં ક્યારેય અનુકૂળ ભવિષ્ય હાથ નથી લાગતું. એ એવો પોસ્ટડેટેડ ચેક છે જે ક્યારેય વટાવાતો નથી. કોઈ શંકા જ નથી કે તેમના કરતાં જુગારી વધારે બુદ્ધિમાન અને હિંમતવાન હોય છે.

પણ જુગાર એ અનૈતિકતા છે એનું શું? કેટલાક પ્રકારના જુગાર કાયદાકીય રીતે ગુનો છે એનું શું? પાછા અનૈતિકતાના માપદંડ અને અને કાયદાકીય પ્રતિબંધો આખા જગતમાં એકસરખા નથી. એક જગ્યાએ જે ગુનો છે એ બીજી જગ્યાએ રમત છે. પાછા જુગારના પ્રકાર પણ આખા જગતમાં અનેક પ્રકારના છે. જેમ કે ઓગણીસમી સદીમાં મુંબઈમાં આજે વરસાદ પડશે કે નહીં એ વાતે વરસાદનો જુગાર રમાતો હતો. માનવસમાજમાં જેટલી ભાષાકીય અને અન્ય વિવિધતાઓ છે એટલી જ જુગારની પણ વિવિધતા છે, કારણ કે જુગાર એ અનુમાન કરીને દાવ લગાડવાની એક માનવસહજ વૃત્તિ છે અને એટલે રમત છે. તો બે વાત છે; એક છે અનુમાન કરવાની માનવસહજ વૃત્તિ અને બીજી દાવ લગાડીને નસીબ અજમાવવાની રમત. જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હાર-જીત એ ગુનાનો માપદંડ ન હોય શકે. જો એમ હોય તો શૅરબજારમાં કે બીજાં બજારોમાં કરવામાં આવતા વાયદાના સોદાઓ પણ જુગાર કહેવાય. જેમ ક્રિકેટમાં કઈ ટીમ મજબૂત છે, કોણ ખેલાડી ફૉર્મમાં છે, કોણ કોચ છે, કેવી પિચ છે, ટીમ પર કેટલું પ્રેશર છે વગેરે વાસ્તવિકતાઓની છણાવટ કરીને અનુમાન બાંધવામાં આવે છે અને પૈસા લગાડવામાં આવે છે તો શૅરબજારમાં કે અન્ય બજારમાં વાયદાના સોદા કરનારા પણ એ જ કરે છે. ફરક એટલો છે કે વાયદાના સોદા કોઈ જણસને લઈને થાય છે જ્યારે અહીં જણસ નથી હોતી, માત્ર અનુમાનિત પરિણામને આધારે થાય છે અને માટે સમાજ એને જુગાર તરીકે ઓળખે છે. વાત એક જ પણ સ્વરૂપ જુદું એટલે એક ધંધો અને બીજો જુગાર.

એટલે તો કાયદાપંચે સલાહ આપી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપવામાં આવે. માનવસહજ વૃત્તિ પર પ્રતિબંધ મૂકનારા કાયદા સફળ ન થાય. તમે જો કોઈ ચીજને દુર્ગુણ તરીકે ઓળખાવતા હો અને એ નિર્વિવાદ દુર્ગુણ હોય તો પણ રાજ્ય એના પર અંકુશ મૂકવામાં સફળ ન નીવડી શકે. માણસ ત્યારે જ સુધરે છે જયારે તેને પોતાને સુધરવાની પ્રેરણા થાય. જો બીજા થકી માણસ સુધરતો હોત તો આપણા દેશના અસંખ્ય બાબાઓએ અને બાપુઓએ ભારતને સ્વર્ગ બનાવી નાખ્યું હોત. કાયદાઓની જરૂર જ ન પડત. ઊલટું તેમના આશ્રમોમાં તમે જે કલ્પના કરી શકો એવી દરેક પ્રકારની પાપલીલાઓ થતી હોય છે.

કાયદાપંચે બીજી ભલામણ એ કરી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપીને એનું નિયમન કરવામાં આવે. નિયમન માટેની ભલામણ પાછળનું કારણ એ છે કે આજકાલ જુગાર એ અબજો રૂપિયાનો અને પાછો વૈશ્વિક ધંધો થઈ ગયો છે. આ ધંધો છે માનવસહજ વૃત્તિને ધંધામાં રૂપાંતરિત કરવાનો ધંધો. અનુમાન કરીને દાવ લગાડનારા માટે અનુમાન કરવાનો આનંદ છે, દાવ લગાડવાની હિંમત છે, કદાચ લાલચ છે; પણ એનું બેટિંગ લેનારા બુકીઓ માટે એ ધંધો છે. કાયદાપંચ કહે છે કે બેટિંગના આખા નેટવર્કનું નિયમન થવું જોઈએ. જેમ સેબી શૅરબજારનું નિયમન કરે છે અને બીજી એજન્સીઓ વાયદાના સોદાઓનું નિયમન કરે છે એમ કોઈ એજન્સી હોવી જોઈએ જે બેટિંગનું નિયમન કરે. આનું કારણ છેતરપિંડી રોકવાનું છે. બન્ને જુગાર છે અને બન્નેનું સ્વરૂપ લગભગ એકસરખું છે. બન્નેમાં હાર-જીત થાય છે જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK