સામાન્ય ઇલેક્શન નજીક આવી રહ્યું છે એમ સરકાર રઘવાઈ થઈ ગઈ હોય એમ નજરે પડે છે

તાજેતરમાં બનેલી બે-ચાર ઘટનાઓ સાથે જોવી જોઈએ કે જેથી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર શું કરી રહી છે એનો ખ્યાલ આવે.

modi2

કારણ-તારણ - રમેશ ઓઝા

‘ઇકૉનૉમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ વડા પ્રધાનના કાર્યાલયે BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કહ્યું છે કે તમારા રાજ્યમાં જો કોઈ પ્રકલ્પ પૂરો થઈ ગયો હોય કે પૂરો થવામાં હોય તો એના ઉદ્ઘાટન માટે વડા પ્રધાનને બોલાવવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રકલ્પ પૂરો થવાની નજીક હોય તો ખાસ અગ્રતાક્રમ આપીને એને પૂરો કરવામાં આવે કે જેથી વડા પ્રધાન એનું ઉદ્ઘાટન કરી શકે. ગયા મહિનાની ૧૦ જુલાઈએ વડા પ્રધાને નોએડામાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફૅક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારંભ રંગેચંગે પતી ગયો ત્યાં કોઈકે કહ્યું કે ફૅક્ટરી તો ૨૦૦૫માં સ્થાપવામાં આવી હતી અને એનું ત્યારે ઉદ્ઘાટન પણ થયું હતું, અત્યારે તો ફૅક્ટરીની ક્ષમતામાં માત્ર વધારો કરવામાં આવ્યો છો. આમ તો મોટા ભાગનાં મીડિયા ખોળામાં બેઠેલાં છે, પણ બે-ચાર મીડિયા એવાં છે જે રંગમાં ભંગ પાડ્યા કરે છે. તેઓ ભક્તોનો નશો ઉતારવાનું મહાપાતક કરી રહ્યા છે એની તેમને જાણ નથી.

બીજી ઘટના ગયા અઠવાડિયે ‘હિન્દુ’ નામના અખબારમાં પ્રકાશિત થઈ છે. અહેવાલ મુજબ દેશભરમાં પેટ્રોલ-પમ્પ પર પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનું વિશાળ કદનું હોર્ડિંગ મૂકવું જરૂરી છે. જે પેટ્રોલ-પમ્પવાળાઓ કોઈ કારણથી હોર્ડિંગ નથી મૂકતા તેમને સમયસર પેટ્રોલ આપવામાં નથી આવતું. ભક્તિ કરો કાં ભૂખ્યા રહો એમ બે જ વિકલ્પ છે તેમની પાસે. એ હોર્ડિંગ પણ પાછું આવતા-જતા પ્રવાસીઓને નજરે પડે એમ પેટ્રોલ-પમ્પની બહારની બાજુએ હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. અંદર હોય એ ન ચાલે. બને છે એવું કે કેટલીક વાર પોલીસ વળાંક પર રસ્તાને ઢાંકતાં હોર્ડિંગો હટાવવાની કે પાછળ ખસેડવાની પેટ્રોલ-પમ્પવાળાઓને સૂચના આપે છે. સાહેબની આડે બે બદામનો RTOઓનો હવાલદાર આવે? પેટ્રોલ સપ્લાય કરવાનું બંધ કરો સાલાઓને એટલે ખ્યાલ આવે કે સાહેબ શું ચીજ છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જેવા ઝકરબર્ગને સાહેબે ધક્કો મારીને બાજુએ હડસેલી દીધા હતા તો હવાલદાર કઈ ચીજ છે? ઝકરબર્ગને ધ્યાન નહોતું રહ્યું કે તે વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા નેતા અને કૅમેરાની વચ્ચે ઊભા છે.  

હવે ત્રીજી ઘટના. બે દિવસ પહેલાં ચૂંટણીપંચે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. ચૂંટણી નજીક છે ત્યારે સ્વાભાવિક ક્રમે ચૂંટણીપંચ રાજકીય પક્ષોની બેઠક બોલાવીને એમને સાંભળે છે. એ બેઠકમાં EVM સહિત અનેક બાબતે ચર્ચા થઈ હતી જેમાં એક મુદ્દો ચૂંટણીખર્ચ ઘટાડવાને લગતો હતો. ચૂંટણીખર્ચ મર્યાદાનું પાલન કરવામાં આવે અને એને લગતા કાયદાઓ અને નિયમો વધારે સખત કરવામાં આવે એવું પંચનું સૂચન હતું. આની પાછળનો જ્રાદો લોકશાહીની ગુણવત્તા સુધારવાનો હતો. દરેક પક્ષે પંચના સૂચનને આવકાર્યું હતું, માત્ર BJPએ એનો વિરોધ કર્યો હતો. બીજા પક્ષોની માફક ઢોંગ પણ શા માટે કરવાનો જ્યારે આપણી પાસે અઢળક પૈસા છે. બીજું સૂચન ગુનેગારી માટે સજા પામેલા ઉમેદવારોને ચૂંટણી લડતાં રોકવાનું હતું. BJPએ એનો પણ વિરોધ કર્યો હતો. હા, ઢોંગ નહીં કરવા માટે BJPને માર્ક્સ આપવા હોય તો સોમાંથી સો આપી શકાય.

ચોથી ઘટના તીન મૂર્તિ હાઉસમાં આવેલા નેહરુ મેમોરિયલ લાઇબ્રેરી ઍન્ડ મ્યુઝિયમને ખેદાનમેદાન કરવાની છે. જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નાખવા માટેની આ ચેક્ટા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે સરકાર આ જે કરી રહી છે એ બરાબર નથી. શા માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નેહરુ મેમોરિયલ લાઇબ્રેરી, IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને ખતમ કરો છો? જોઈએ તો નવી સ્થાપો તમને ક્યાં કોઈ રોકે છે. કોઈની રેખા ટૂંકી કરીને પોતાની રેખા મોટી બતાવવી એ માણસાઈ નથી એમ ભૂતપૂર્વ વડા પ્રધાને લખ્યું છે. તમને તમારી રેખા લાંબી ખેંચતાં ક્યાં કોઈ રોકે છે?

મોદી સરકાર નેહરુ મેમોરિયલ લાઇબ્રેરી ઍન્ડ મ્યુઝિયમને ભારતના દરેક વડા પ્રધાનો માટેના મ્યુઝિયમમાં ફેરવવા માગે છે. આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીને જવાહરલાલ નેહરુની હરોળમાં બેસવું છે. મનમાં રહેલું ઊંડું આકર્ષણ ધિક્કારનું છૂપું કારણ હોય છે એમ જે માનસશાસ્ત્રીઓ કહે છે એ ખોટું નથી. નેહરુ કોઈક એવી ચીજ છે જેની હરોળમાં સ્થાન પામવાની દરેકને ઇચ્છા થાય. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો જાહેરમાં કબૂલ્યું હતું કે તેઓ નેહરુના અનુગામી હોવા માટે ગર્વ અનુભવે છે. તેમને તીન મૂર્તિ ભવનમાં સ્થાન પામવાનો અભરખો નહોતો, કારણ કે આકર્ષણ છૂપું નહોતું, પ્રગટ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયે સો વરસ થવા આવ્યાં છે, પણ સો વરસમાં સંઘે એવી એક પણ સંસ્થા સ્થાપી નથી જેનું નામ પડતાં મનમાં આદરની લાગણી થાય. સંસ્થાઓ એ જ સ્થાપી શકે જેનું વિઝન મોટું હોય, બાકી તોડવા માટે ક્યાં કોઈ વિઝનની જરૂર પડે છે. જવાહરલાલ નેહરુએ આઝાદી પછીના એક દાયકામાં IIT, ઇસરો, BARC, NCL, IIM, એઇમ્સ જેવી એક ડઝન માતબર સંસ્થાઓ સ્થાપી હતી. માત્ર એક દાયકામાં એક ડઝન અને એ પણ બધી વિશ્વવિખ્યાત.

પાંચમી ઘટના મુકેશ અંબાણીની જીઓ યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનું સ્ટેટસ આપવાની છે. જે યુનિવર્સિટીની હજી સ્થાપના નથી થઈ એ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત (યુનિવર્સિટી ઑફ એમિનન્સ) બની ગઈ? કોઈ આવું સાંભળે તો પણ ગાંડા ગણે. પણ એવું બન્યું છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને માહિતી મેળવી છે કે રિલાયન્સ જીઓ યુનિવર્સિટીને ગર્ભાધાન પહેલાં વરાવવાની વડા પ્રધાનની દરખાસ્તનો સરકારના દરેક સંબંધિત મંત્રાલયે વિરોધ કર્યો હતો. વિરોધની નોંધ અને એનાં કારણો ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ એના બુધવાર અને ગુરુવારના અંકમાં આપ્યાં છે. નાણામંત્રાલયે વિરોધ કરતાં કહ્યું હતું કે જેનું અસ્તિત્વ જ ન હોય એને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ગણાવીને કરોડો રૂપિયા આપવા કેવી રીતે? હવામાં જેનું અસ્તિત્વ હોય એને નાણાકીય ફાળવણી કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ નોંધ તમે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જોઈ શકો છો.

શિક્ષણમંત્રાલયે (પ્રકાશ જાવડેકરનું, સ્મૃતિબહેનનું નહીં) પ્રસ્તાવનો વિરોધ કરતાં લખ્યું હતું કે પહેલાં યુનિવર્સિટી સ્થપાવી જોઈએ, એની છથી આઠ બૅચ બહાર પડવી જોઈએ, તેમની પ્લેસમેન્ટ અને બીજા વૈશ્વિક ધોરણ મુજબ એક્સલન્સની ચકાસણી થવી જોઈએ, એ રીતે યુનિવર્સિટીનું એક્સલન્સ એસ્ટાબ્લિશ થવું જોઈએ એ પછી યુનિવર્સિટી ઑફ એમિનન્સનો દરજ્જો આપી શકાય. શિક્ષણમંત્રાલયે લખ્યું છે કે આમાં યુનિવર્સિટી સ્થપાયા પછી ઓછામાં ઓછાં દસ વરસ લાગે.

આમ છતાં નાભિએ ચાંદલો કરીને જીઓ યુનિવર્સિટીને વરાવવામાં આવી જે રીતે રાફેલ સોદામાં અનિલ અંબાણીની હજી અસ્તિત્વ નહીં ધરાવતી કંપનીને નાભિએ ચાંદલો કરીને વરાવવામાં આવી હતી. એક જમાનામાં નાભિએ ચાંદલો કરીને સગપણ થતાં હતાં ત્યારે કમસે કમ ગર્ભાધાન તો થયેલું રહેતું જ્યારે અહીં તો બન્ïને કિસ્સામાં ગર્ભાધાન પણ થવાનું બાકી છે.

આ બધી ઘટનાઓને સાથે જોશો તો શું ચિત્ર ઊપસે છે? વિચારી જુઓ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK