આ તે કેવી વિડંબના! આસામનું નસીબ બદલી શકાય એમ નથી, આસામની કમનસીબીનું રાજકારણ થઈ શકે છે ને કરવામાં આવી રહ્યું છે

૧૯૮૦ના દાયકામાં આસામમાં વિદેશીઓ વિરોધી આંદોલન શરૂ થયું હતું

NRC

કારણ-તારણ - રમેશ ઓઝા

૧૯૮૦ના દાયકામાં આસામમાં વિદેશીઓ વિરોધી આંદોલન શરૂ થયું હતું એની કદાચ નવી પેઢીને જાણ નહીં હોય અને જેને જાણ હશે તેમને ૧૯૮૫ની આસામસમજૂતી શા માટે નિષફળ નીવડી એની પૂરી જાણકારી નહીં હોય. એની જો પૃષ્ઠભૂમિ સમજી લેવામાં આવે તો અત્યારે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના નામે રાષ્ટ્રવાદની જે નવી ક્રાન્તિ આકાર લઈ રહી છે એની મર્યાદા ધ્યાનમાં આવશે. અહીં આવો એક પ્રયાસ કરવાનો ઇરાદો છે.

ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ) એ આસામની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સંગઠન છે. ૧૯૮૦ના અરસામાં પ્રફુલ્લ મહંત, ભૃગુ ફુકન વગેરે વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીમાં ભણતા હતા અને આસુનું નેતૃત્વ કરતા હતા. આસામના લોકોમાં ઘણા સમયથી અસંતોષ હતો કે આસામમાં બહારના લોકો ઠલવાઈ રહ્યા છે જેને પરિણામે આસામની અસ્મિતા પાતળી પડી રહી છે. વિદ્યાર્થીઓએ એ પ્રશ્ન ઉઠાવી લીધો અને આંદોલન શરૂ કર્યું જે પાંચ વરસ કરતાં વધુ સમય ચાલ્યું હતું. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં અને તેમણે પ્રારંભમાં એ આંદોલનની ઉપેક્ષા કરી હતી અને એ પછી એને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯૮૩માં લોકોના વિરોધ છતાં આસામમાં ધરાર વિધાનસભાની ચૂંટણી યોજી હતી જેમાં પૂર્વ આસામમાં આવેલા નેલ્લીમાં થયેલા હત્યાકાંડમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.

આ લખનાર અને તેના જેવા ભારતમાં કરોડો લોકો છે જે ઈશાન ભારત માટે, જમ્મુ અને કાશ્મીર માટે અને ભારતના અન્ય પરદેશમાં વસતા આદિવાસીઓ માટે પક્ષપાત ધરાવે છે. એ પ્રજાને દેશની હૂંફ મળવી જોઈએ, તેમને બાથમાં લેવા જોઈએ, તેમની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ અને તેમને શક્ય એટલી મદદ કરવી જોઈએ એમ મારા જેવા અનેક લોકો માને છે. એ સમયે અમે યુવાનોએ આસામ આંદોલનને સક્રિય મદદ કરી હતી. આસામની બહાર આસામ આંદોલનને અમારા જેટલી મદદ બીજા કોઈએ નહીં કરી હોય.

અત્યારે ત્રણ દાયકા પછી એમ લાગે છે કે અમારું એ ભોળપણ હતું. સમાજવાદી વિચારક મધુ લિમયેએ મને કહ્યું પણ હતું કે તમે પ્રશ્નને સાંગોપાંગ સમજ્યા વિના કૂદી પડ્યા છો અને આસામનાં છોકરાંવની નાહક આશા વધારી રહ્યા છો. હું આસામના વિદ્યાર્થીનેતાઓને લઈને મધુ લિમયેને મળવા ગયો હતો ત્યારે મધુ લિમયેએ અમારી ઠીક-ઠીક ધુલાઈ કરી હતી. મધુ લિમયેએ કરેલા પ્રબોધનના પરિણામે અને એ પછી ઈશાન ભારતને સમજવાનો જે કોઈ પ્રયાસ કર્યો છે એ પછી હું એવા તારણ પર પહોંચ્યો છું કે આસામની અને એકંદર ઈશાન ભારતની વિદેશીઓની સમસ્યાનો કોઈ ઉપાય નથી. મધુ લિમયેએ અમારી સાથેની વાતચીતમાં આસામને દેશના અત્યંત કમનસીબ રાજ્ય તરીકે ઓળખાવ્યું હતું.

આગળ વધતા પહેલાં હજી એક વાત સમજી લેવી જોઈએ. કોઈ પ્રજા છેવાડે હોય, ઉપેક્ષિત હોય, આપણી હૂંફની એને જરૂર હોય તો આપણે એ આપવી જોઈએ; પરંતુ એનો અર્થ એવો નથી કે એવી પ્રજાનું કોઈ રાજકારણ નથી હોતું. સ્વાર્થ દરેક વ્યક્તિ અને સમાજ ધરાવતો હોય છે અને એમાં છેવાડેની પ્રજા અપવાદ નથી હોતી. તેઓ કેટલીક વાર અસ્તિત્વની અને કેટલીક વાર સ્વાર્થની લડાઈને અસ્મિતાનો અંચળો ઓઢાડે છે. આસામની પ્રજા અને આસામ આંદોલન આમાં અપવાદ નથી અને નહોતું.

ત્યારે એમ કહેવામાં આવતું હતું કે આસામ આંદોલન આસામની અસ્મિતા બચાવવા માટેનું હતું અને આસામની પ્રજાની અસ્મિતા બચાવવા અમે દોડી ગયા હતા. આસુના કેટલાક નેતાઓ આંદોલન વિદેશીઓ સામે હોવાનું કહેતા હતા તો કેટલાક નેતાઓ એને બહારનાઓની સામે હોવાનું કહેતા હતા. આજે પણ આ બન્ને શબ્દો વાપરવામાં આવે છે. અહીં સવાલ થાય કે કોણ વિદેશી અને કોણ બહારના? સામાન્ય સમજ એવી છે કે વિદેશી એટલે એ લોકો જે મુખ્યત્વે બંગલા દેશમાંથી ભારત આવ્યા હતા, પણ બહારનામાં કોનો સમાવેશ થાય છે? મુખ્યત્વે બંગાળીઓ અને એ ઉપરાંત સાંથાલીઓ તેમ જ બિહારીઓ જે આસામીઓ માટે બહારના છે. આ પ્રજા મુખ્યત્વે અંગ્રેજોના સમયમાં આસામમાં જઈને વસી હતી. બંગાળી ભદ્રવર્ગ સરકારી નોકરી કરવા આસામ અને ઈશાન ભારતનાં બીજાં રાજ્યોમાં ગયો હતો અને ગરીબ લોકો ચાના બગીચાઓમાં અને બીજી મજૂરીઓ કરવા આસામમાં જઈને વસ્યા હતા.

અહીં હજી બીજી એક સ્પક્ટતા કરી દેવી જોઈએ. ભારતને આઝાદી મળી ત્યાં સુધી ઈશાન ભારતનાં સાતેય રાજ્યો આસામનો હિસ્સો હતાં. ઈશાન ભારતમાં એક જ રાજ્ય હતું આસામ અને શિલોંગ એની રાજધાનીનું શહેર હતું. એ સમયે આસુના વિદ્યાર્થીઓના અને હજી અત્યારે પણ આસામના લોકોના મનમાં જે અસંતોષ છે એનું હજી એક કારણ વારંવાર થયેલું આસામનું વિભાજન પણ છે. હજી આસામની સમસ્યાઓનો અંત આવ્યો નથી. આસામમાં કોકરાજહારના પરદેશમાં વસતી બોડો પ્રજા પોતાને આસામીઓથી અલગ ગણાવે છે અને તેઓ અલગ બોડોલૅન્ડની માગણી કરી રહ્યા છે.

નાગરિકત્વની ચર્ચા કરતાં પહેલાં હજી એક ત્રીજી વાસ્તવિકતા પણ નોંધી લેવી જોઈએ. બંગલા દેશમાં સિલહટ નામનો જિલ્લો છે જે એક સમયે આસામનો હિસ્સો હતો. આસામની સરહદે આવેલો બંગલા દેશનો એ મોટો પ્રદેશ છે. અહીં સવાલ થાય કે જે જિલ્લો આસામનો હતો અને જે જિલ્લો ક્યારેય અવિભાજિત બંગાળનો અને પૂર્વ બંગાળનો નહોતો એ પહેલાં પૂર્વ પાકિસ્તાનનો અને એ પછી બંગલા દેશનો હિસ્સો કેવી રીતે બની ગયો? એનું કારણ બંગભંગની લડાઈ છે. અંગ્રેજો હિન્દુ બંગાળી ભદ્રવર્ગની શક્તિ કમજોર કરવા માગતા હતા એટલે તેમણે કોમી ધોરણે બંગાળનું વિભાજન કર્યું હતું. હિન્દુઓના વિરોધને કારણે અંગ્રેજોને એમાં સફળતા ન મળી ત્યારે તેમણે હિન્દુ અને આદિવાસીઓની બહુમતી ધરાવતા અવિભાજિત આસામમાં મુસલમાનોને વસાવવાનું શરૂ કર્યું હતું. ગણતરીપૂર્વક તેઓ આસામમાં વસ્તીકીય પરિવર્તન (ડેમોગ્રાફીક ચેન્જ) કરતા હતા.

આનાં બે પરિણામ આવ્યાં. એક તો આસામે સિલ્ચર જિલ્લો ગુમાવી દીધો જેનો જખમ આજે પણ આસામીઓ અનુભવી રહ્યા છે અને બીજું, બંગલા દેશની સરહદે આવેલા આસામના પ્રદેશમાં મુસલમાનોની વસ્તી વધી ગઈ.

શા માટે દરેક વખતે આસામે કિંમત ચૂકવવાની? આસામનાં ગઈ સદીમાં આઠ વિભાજન થઈ ચૂક્યાં છે અને હજી બીજાં વિભાજન ક્ષિતિજ પર નજરે પડી રહ્યાં છે. એટલો તો મધુ લિમયેએ આસામને કમનસીબ રાજ્ય તરીકે ઓળખાવ્યું હતું.

સમસ્યા એ છે કે આસામનું નસીબ બદલી શકાય એમ નથી. આસામની કમનસીબીનું રાજકારણ થઈ શકે છે અને એ કરવામાં આવી રહ્યું છે જેની વાત આવતી કાલે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK