'યુ આર અન્ડર અરેસ્ટ'

મૅન્ચેસ્ટરના સ્ટેડિયમમાં બ્રિટિશ પોલીસે કહ્યું ત્યારે મને તો પરસેવો વળી ગયો હતો

world cup


જેડી કૉલિંગ

(ગયા વીકમાં તમે વાંચ્યું કે રમેશે કૅચ છોડીને ગેમ પાકિસ્તાન અને પાકિસ્તાની ઑડિયન્સ તરફ કરી નાખી હતી એવું કહું તો ચાલે. કૅચ છૂટuો પાકિસ્તાની સર્પોટના કારણે. પાકિસ્તાનની ટીમ બરાબર જોરમાં આવી ગઈ. મને ધીમે-ધીમે બધું દેખાવા માંડ્યું હતું. હું સમજી ગયો હતો કે બધી વાતો હવે પાકિસ્તાનને ફેવર કરવા માંડી છે અને જો એવું ન થવા દેવું હોય તો તિકડમ આપણે જ કરવું પડશે. મારું દિમાગ તિકડમ શોધવામાં લાગી ગયું, પણ એવું કરવા જતાં હું મુસીબત બોલાવી રહ્યો છું એની મને ખબર નહોતી. હવે આગળ...)

રમેશ જ્યાં ઊભો હતો ત્યાં પાકિસ્તાની સપોર્ટરોની સંખ્યા ખૂબ મોટી હતી એટલે એ બાજુએ જેવો બૉલ આવતો કે પેલા બધા એક થઈને ઇન્ડિયા વિશે બોલવા માંડતા અને સાઇકોલૉજિકલી રમેશનું ધ્યાન એ બાજુ ખેંચતા. બનતું એવું કે એને લીધે રમેશથી ફીલ્ડિંગ પણ બરાબર થતી નહોતી. કૅચ તો છૂટ્યો જ હતો અને એ કૅચ પછી પણ બે ચોક્કા ગયા. પાકિસ્તાની પ્લેયર્સ અને ઑડિયન્સ બન્ને જોરમાં આવ્યાં, પણ આપણી ઇન્ડિયન ટીમ; એને પણ સમજાઈ ગયું કે હવે માથું ઊંચકવું જ પડે. બધા સ્ટૅન્ડ-ટુ થઈને કડક મૂડ સાથે ગોઠવાઈ ગયા, જેની અસર એ થઈ કે રન લેવાનું કામ અઘરું થવા માંડ્યું. પાકિસ્તાની પ્લેયર્સ સહેજ દબાયા એટલે આપણું ઑડિયન્સ પણ ગેલમાં આવી ગયું અને પાકિસ્તાનના ૧૯ રન થયા ત્યાં પ્રસાદે પહેલી વિકેટ લીધી. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ સિક્સ ઠોકવાની લાયમાં શૉટ માર્યો અને તે મોહમ્મદ અઝહરુદ્દીનના હાથમાં કેચ આપી બેઠો. અદ્ભુત કૅચ હતો એ અને આખું સ્ટેડિયમ ગાજી ઉઠ્યું. આપણે પણ ભાઈ ખુશ. નવો બૅટ્સમૅન આવ્યો અને પ્રસાદ રનઅપ પર ગયો. આખું સ્ટેડિયમમાં પિનડ્રૉપ સાઇલન્સ અને સ્ટેડિયમમાં ખાલી એક જ અવાજ.

‘કમ ઑન પ્રસાદ.’

આ અવાજ મારો હતો અને આપણે ગેલમાં આવી ગયા હતા. ચૅર પર ચડીને મેં એવી બૂમાબૂમ કરી હતી કે જાણે પ્રસાદ મને એકલાને જ સાંભળવાનો હોય અને મારું કહ્યું માનવાનો હોય. બન્યું એવું કે આખા સ્ટેડિયમમાં મારો અવાજ પહોંચી ગયો એટલે વસીમ અકરમની સાળી લૈલાને પણ જોર ચડ્યું. તેણે મારા ચાળા પાડ્યા અને મને ઉશ્કેર્યો અને હું વધારે જોરમાં આવીને બોલું અને મને એમ થયા કરે કે હું અલગ-અલગ ચૅર પર ચડીને રાડો પાડું અને એક પછી એક વિકેટ પડતી જાય. હું રાડો પાડું એટલે હવે લૈલા ભેગા પાકિસ્તાની ફૅન્સ પણ જોડાઈ ગયા હતા. તે ડબલ જોરથી સામે રાડો પાડે. મેં મારી આજુબાજુમાં જે ઇન્ડિયન્સ હતા તેમને ઉશ્ેકરવાનું કામ કર્યું અને એ લોકો જેવા મારી સાથે જોડાયા કે તરત જ હું ડબલ જોરમાં આવી ગયો. અરે, એક સમયે તો એવું બન્યું કે બધા મને પોતાની પાસે બોલાવવા લાગ્યા કે આવો અહીં, અમારી પાસે બેસો. આપણી તો તમને ખબર, બોલાવે એટલે પ્રેમથી પહોંચી જઈએ. હું તો ત્યાં એટલામાં બધે ફરવા માંડ્યો અને ચિયર કરવાનું તો ચાલુ જ હતું. મને બીજા સહકાર આપે એટલે બહુ જુસ્સો ચડે. એક ચૅર પરથી બીજી ચૅર પર જવું તો વિકેટ પડે અને હું પાંચ-છ જગ્યાએ ફર્યો અને બધે એવું જ થયું. નવી જગ્યાએ નવેસરથી વિકેટ પડે. હું અંધશ્રદ્ધામાં માનતો નથી, પણ એ દિવસે તો ખરેખર મારા મનમાં આ વાત સાચી જ થઈ ગઈ હતી કે જો પાકિસ્તાનની વિકેટ પાડવી હોય તો મારે જગ્યા બદલવી પડે. બ્રિટનમાં તમે ચાલુ મૅચે બિઅર પી શકો એટલે એ દિવસે મેં પણ એકાદ ગ્લાસ પીધો. પ્રસાદ વિકેટ પર વિકેટ લેતો જતો હતો અને આપણને જલસો પડતો હતો. એ મૅચમાં પ્રસાદે પાંચ વિકેટ લીધી હતી. પ્રસાદ જોરમાં આવી ગયો એટલે આપણા બીજા બોલર પણ જોરમાં આવ્યા અને બોલર-ગૅન્ગ જોરમાં એટલે આપણા ફીલ્ડરોએ પણ ચુસ્ત ફીલ્ડિંગ શરૂ કરી દીધી હતી. બધી બાજુથી પાકિસ્તાન ઘેરાવા માંડ્યું અને એ ઘેરાયું એટલે મને જલસો પડી ગયો. એકેક વિકેટ પર મારા અવાજની તાકાત વધતી હતી. ૭૮ રનમાં પાંચ વિકેટ પડી ગઈ એટલે હું તો ગાંડો-ગાંડો થઈ ગયો, પણ મારું એ ગાંડપણ જ મને નડી ગયું.

સ્ટેડિયમમાં નજર રાખતી બ્રિટિશ પોલીસ મારી પાસે આવી અને આવીને મને પકડી લીધો. મને કહે, ચાલો અંદર. પોલીસ મારી અરેસ્ટ કરવા માગતી હતી. હું તો સ્તબ્ધ થઈ ગયો. કહેવું શું અને કરવું શું. બચાવ કરતાં પણ કંઈ ન આવડે અને મેં એવો તો કોઈ ગુનો પણ નહોતો કર્યો કે જેને લીધે મારી અરેસ્ટ થવી જોઈએ. મેં પૂછવાની કોશિશ કરી, પણ તરત જ તેમણે મને કહ્યું કે હું ન્યુસન્સ ફેલાવું છું. હવે નહીં કરું એવું મેં કહ્યું, પણ પોલીસ માનવા તૈયાર નહીં. એની તો એક જ વાત હતી કે આગ્યુર્મેન્ટ કરવી હોય તો એ પોલીસ-સ્ટેશનમાં કરજો, પણ અત્યારે અમારી સાથે ચાલો.

પોલીસ મને લઈને જવાની શરૂ થઈ ત્યાં તો બીજા ભારતીયો અને ત્યાંના લોકલ ગોરાઓ જે ભારતને સપોર્ટ કરતા હતા એ લોકો વચ્ચે પડ્યા અને પોલીસને સમજાવવા માંડ્યા કે આ ભાઈ તો અમને બધાને મજા કરાવે છે, કોઈ ન્યુસન્સ નથી ફેલાવતા. તેમને છોડી દો. લોકલ ગોરાઓની વાતોનો પ્રભાવ પેલા પોલીસ પર પડ્યો. એ લોકો વચ્ચે બ્રિટિશ ઍક્સેન્ટમાં વાત થઈ. એ વાત શું હતી એ તો મને ખબર નહોતી. હું તો ગભરાયેલી અને ડરેલી હાલતમાં એ લોકોનાં ખાલી મોઢાં જોતો હતો. દસેક મિનિટ તેમની વચ્ચે વાતો થઈ અને પછી પેલી પોલીસ મને મૂકીને નીકળી ગઈ.

પોલીસે મને મૂકી દીધો એટલે મને ખરેખર ખૂબ રાહત થઈ, હું તો રાજી થઈ ગયો અને એ વખતે આપણી ટીમ પણ બહુ સારી પોઝિશનમાં હતી. મને જાણવું હતું કે પોલીસ શું કહેતી હતી, પણ પેલા લોકલ ગોરાઓએ કહી દીધું કે કશું નથી, ચાલો આપણે બધા પહેલાંની જેમ જ મજા કરીએ અને અમે બધાએ નવેસરથી જોર-જોરથી રાડો પાડવાનું ફરીથી શરૂ કરી દીધું. મૅચ પર ઇન્ડિયાની પકડ અને અમારું જોર. આ બે જોઈને પેલી બિચારી લૈલા અને વસીમ અકરમના સાઢુભાઈ ભોંઠા પડી ગયા. તેમનો તો ક્યાંય અવાજ પણ સાંભળવા ન મળે. આખા સ્ટેડિયમનું ઍનૅલિસિસ આપું તો એ સમયે સ્ટેડિયમમાં ૭૦ ટકા પાકિસ્તાનીઓ હતા અને ભારતીયો ૩૦ ટકા, પણ એવા માહોલ વચ્ચે પણ આપણે જે બધાનો જુસ્સો વધાર્યો અને જે મજા કરી એ અદ્ભુત હતી.

મૅચ ઇન્ડિયા જીતી ગયું અને પાકિસ્તાન માત્ર ૧૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું. ઇન્ડિયા જેવું જીત્યું કે બધા ગ્રાઉન્ડ તરફ ભાગ્યા હતા. એ સમયે આજ જેટલી સિક્યૉરિટી નહોતી એટલે મૅચ પૂરી થતાં તો ગ્રાઉન્ડ પર અંધાધૂંધી મચી ગઈ હતી. હું પણ ગ્રાઉન્ડ પર ગયો હતો, પ્લેયર્સને મળ્યો હતો અને એ પછી ફરીથી લંડન આવવા માટે બહાર નીકળ્યો હતો. માંડ એક કલાકે સ્ટેડિયમની બહાર આવ્યો. હવે મને નવો પ્રશ્ન નડવાનો હતો. એ સમયે મોબાઇલ હજી સાવ નવા-નવા હતા. મારી પાસે એક મોબાઇલ હતો; પણ એ તો ઇન્ડિયામાં હતો, મૅન્ચેસ્ટરમાં નહોતો અને પેલા બન્ને ભાઈઓના મારી પાસે નંબર નહોતા. હું તો પાર્કિંગમાં ઊભો રહ્યો. બધા પાકિસ્તાનીઓ નીકળે અને બધા મારી સામે જોતા જાય. કહોને, કાતિલ નજરે મને જુએ. રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ છૂટકો નહોતો. એકાદ કલાક મેં રાહ જોઈ હશે. ભારોભાર ટેન્શન વચ્ચે હું તો બધાનાં મોઢાં જોતો ઊભો હતો, બીજો કોઈ છૂટકો જ નહોતો.

સાવ છેલ્લે એ બન્ને ભાઈઓ મને દેખાયા, એ બન્ને પણ ટેન્શનમાં હતા. તેમને મારું જ ટેન્શન હતું કે મને કેવી રીતે શોધશે. મને જોતાં જ એ બન્ને ભાઈઓ ખુશ થઈ ગયા. મને જોઈને બેઉ રાજી થઈ ગયા અને હું પણ તેમને ભેટી પડ્યો. મારો તો અવાજ સાવ બેસી ગયો હતો, ગળામાંથી અવાજ નીકળે જ નહીં. કારગિલ વૉર અને એમાં ઉપરથી ક્રિકેટમાં પણ વૉર. આટલા પાકિસ્તાની ફૉલોઅર્સની વચ્ચે અમે મુઠ્ઠીભર ભારતીયો અને એ મૅચ ફાઇનલી આપણે જીત્યા. અત્યારે લંડનમાં આપણી સિરીઝ ચાલે છે ત્યારે એ મૅચ જોતી વખતે તમને આ કિસ્સો પણ યાદ આવશે તો મારી એ સમયે રાડો પાડવાની, ચિચિયારી પાડવાની અને પ્લેયર્સનો જુસ્સો વધારવાની મહેનત લેખે લાગેલી ગણાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK