એક યુવકે એકલા હાથે કરી આખા ગામની કાયાપલટ

ગામમાં ન તો પાણીની સુવિધા હતી. ન તો વીજળીની. નીલમના પ્રયાસોથી આજે ગામમાં તમામ પ્રાથમિક સુવિધા છે. પરંતુ આ સફરમાં નીલમને અનેક મુશ્કેલીઓ આવી છે

- ભાવિન રાવલ

nilam patelગ્રામશિલ્પી નીલમ પટેલ


ધરમપુર

દક્ષિણ ગુજરાતમાં આવેલો વલસાડ જિલ્લો અને વલસાડનો ધરમપુર તાલુકો. આ ધરમપુરનું નામ તમે કદાચ સાંભળ્યું હશે. સમાચારોમાં તો ક્યારેક પ્રવાસન સ્થળ તરીકે પણ આજે વાત આ ધરમપુર તાલુકાના જ એક એવા ગામની જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. વાત છે ખોબાની. ખોબા એટલે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું ગુજરાતનું અંતિમ ગામ. ધરમપુરથી 55 કિલોમીટર દૂર. પરંતુ રસ્તાની સ્થિતિ એવી કે આ 55 કિલોમીટર કાપતા સ્હેજેય 2 કલાકનો સમય નીકળી જાય. પરંતુ આ બે કલાક ક્યાં જતા રહે તેની ખબર ન પડે. કારણ કે ધરમપુરથી વલસાડનો રસ્તો ભલે ખરાબ હોય, પણ ચારેબાજું કુદરતે છુટ્ટે હાથે વિખેરેલું સોંદર્ય આંખોને તરબતર કરી દે. સહ્યાદ્રીની પર્વતમાળા, ક્યાંક વહેતા ઝરણાં અને પંખીઓનો કલવર. રસ્તાનું દર્દ ભૂલીને પસાર થનાર કોઈ પણ વ્યક્તિ કુદરતમાં જ ખોવાઈ જાય.

કુદરતના આશીર્વાદ વચ્ચે આ 55 કિલોમીટર પાર કરો એટલે આવે ખોબા. આ ગામ પણ વસેલું છે સહ્યાદ્રીની પર્વતમાળાઓ વચ્ચે. લીલોતરી વચ્ચે. લીલાછમ જંગલોની વચ્ચે. ચારેબાજુ ટેકરીઓ હોવાને કારણે ગામનો આકાર હથેળીના ખોબા જેવો છે. એટલે ગામનું નામ પડ્યું ખોબા. અંદાજે 800 લોકોની ગામમાં વસ્તી છે. ખોબા જેવડા જ ખોબા ગામમાં કુદરતી સોંદર્ય ભરપૂર છે. ગામમાં શાળા છે, આસપાસના ગામમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. ગામમાં આધુનિક પદ્ધતિથી ખેતી થાય છે. મહિલાઓ સ્વરોજગારી મેળવે છે. આરોગ્ય કેન્દ્ર છે. સરવાળે કહીએ તો ગામ ખુશહાલ છે. તો પછી ગામમાં ખાસ શું છે ?

ખાસ બાબત એ છે કે આજથી કેટલાક વર્ષ પહેલા ગામમાં આમાંથી કશું જ નહોતું. ન તો ગામમાં શાળા હતી, ન આરોગ્ય કેન્દ્ર હતું. ન પાણીની સુવિધા હતી. એટલે સુધી કે ગામમાં વીજળી પણ નહોતી. અને સાક્ષરતા તો સપનું હતું. પણ ગામમાં આ બધી જ સુવિધાઓ આણી એક વ્યક્તિએ એકલા હાથે. ગ્રામ શિલ્પી નીલમ પટેલે ગામમાં ધામા નાખ્યા અને ગણતરીના વર્ષોમાં ગામની કાયાપલટ કરી નાખી. પરંતુ નીલમ પટેલ માટે આ રાહ આસાન નહોતી.


આ પણ વાંચોઃ EXCLUSIVE:સંઘર્ષ વચ્ચે તપીને સરિતાએ મેળવી 'સુવર્ણ' સિદ્ધિ


આજના સમયમાં જ્યારે મોટાભાગના યુવાનો મસમોટા પગારની કોર્પોરેટ કે સરકારી જોબ મેળવીને સેટલ થવાના સપના જોતા હોય છે, ત્યારે નીલમ પટેલે પસંદ કર્યો સેવાનો માર્ગ. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં રુરલ ઈકોનોમિક્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા બાદ નીલમ પટેલ આગળ એમ ફીલનો અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ સેવાનો ભેખ એવો લાગ્યો કે એમ ફીલનો અભ્યાસ છોડીને નીલમ પટેલ ગુજરાતના છેવાડાના ગામે પહોંચ્યા. નીલમને રસ હતો ગ્રામીણ લોકજીવનમાં અને લોકસેવામાં. નીલમ મૂળ વલસાડ જિલ્લાના જ છે, પરંતુ પોતાના ઘરે રહેવાના બદલે તેમણે કાયમ માટે ખોબામાં જ ધામા નાખ્યા. જેથી ગામના વિકાસનું કામ કરી શકાય. જો કે ખોબાની સિકલ બદલતા પહેલા નીલમ માટે યક્ષ પ્રશ્ન હતો ગામના લોકોનો જ વિશ્વાસ જીતવાનો. ખોબા આવ્યા ત્યારે નીલમ પાસે ન અહીં રહેવાની વ્યવસ્થા હતી. નહોતું ખાસ ફંડ. બસ હતી તો દ્રઢ ઈચ્છા શક્તિ.

નીલમ ખોબા પહોંચ્યા ત્યારે ગામની સ્થિતિ પણ અત્યંત દયાજનક હતી. ગામમાં ન વીજળી હતી. ન પાણીની સુવિધા. મોબાઈલ નેટવર્ક કે છાપું પણ ગામમાં નહોતું પહોંચતું. ગામ સુધી પહોંચવા માટે રોડ પણ નહોતા. બસ પકડવા માટે 8 કિલોમીટર દૂર અવલખાંડી જવું પડે. એટલે કે આ ગામ સુધી પહોંચવા જ સંઘર્ષ કરવો પડે. અને ગામમાં રહેવા, જીવવાનું દુષ્કર હતું. આ સ્થિતિમાં નીલમ પટેલે અહીં સેવાની ધૂણી ધખાવી. શરૂઆત કરી ગામલોકોને નાની બીમારીઓમાં નજીવી ફી લઈને સામાન્ય દવાઓ આપીને. આ કામથી ગામના લોકોને નીલમ પર વિશ્વાસ બેઠો અને નીલમનું ગામમાં રહેવાનું સરળ થયું. જો કે આ તો માત્ર શરૂઆત હતી.

ગામલોકોને સરખું જીવન જીવતા કરવા માટે જરૂરી હતું તેમને રોજગારી મળે, પાયાની સુવિધાઓ મળે અને શિક્ષણ મળે. અહીં નીલમની મદદે આવ્યો ગુજરાત વિદ્યાપીઠનો ગ્રામશિલ્પી કાર્યક્રમ. ગ્રામશિલ્પી બનીને ખોબા આવેલા નીલમ પટેલે આ કાર્યક્રમ અંતર્ગત મળતા થોડા ફંડથી બાળકોને ભણાવવાની શરૂઆત કરી. આસપાસના ગામના બાળકોને પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી. ધીરે ધીરે ગામના આદિવાસી પુરુષો અને મહિલાઓને પણ કેળવવાનું ચાલુ કર્યું. અત્યંત પછાત એવી આદિવાસી મહિલાઓને આ માટે તૈયાર કેવી રીતે કરવી એ જ મોટી સમસ્યા હતી. પણ નીલમે વારંવાર મહિલાઓને સમજાવી, આવકના ફાયદા ગણાવ્યા અને મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપ્યું અને પુરુષોને ખેતી માટે.

ashram

લોકમંગલમ્ આશ્રમ


ગામની સ્થિતિ એટલી દારૂણ કે ખેતી કરવા માટે જમીન હતી પણ સાધનો નહોતા. ત્યારે લોકમંગલમ ટ્રસ્ટની સ્થાપના પછી અહીં ઓજાર બેન્ક શરૂ કરાઈ. જેમાં માત્ર 5 રૂપિયાના ટોકનથી ખેડૂતોને ઓજાર આપવામાં આવે છે. તો આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા ખેડૂતોને બિયારણ પણ પહોંચાડાય છે.


biyaran

ખેડૂતોને બિયારણ વિતરણ


વળી મહિલાઓને સ્વરોજગારી માટે ગૃહ ઉદ્યોગ પણ શરૂ કરાયો છે. નીલમ પટેલની પ્રેરણાથી આજે આ ગામની આદિવાસી મહિલાઓ દક્ષિણ ગુજરાતની ઓળખ એવા નાગલીના રોટલા, નાગલીની પાપડી, મધ, ચોખા, પેપરબેગનું ઉત્પાદન કરીને મહિલાઓ પણ આજીવિકા મેળવી રહી છે. જેના કારણે ગામના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે.


mahilao

યુવાનો સાથે વાત કરતા નીલમ પટેલ


ગામમાં રહીને નીલમ પટેલે સૌથી લોકોને કેળવ્યા તો છે જ, પણ સાથે સાથે પ્રકૃતિ માટે પણ કામ કર્યું છે. નીલમે આસપાસના વિસ્તારની ખેતી, આરોગ્ય અને વીજળી જેવી સેવાઓ પર પણ ધ્યાન આપ્યું છે. એક નર્સરી પણ તૈયાર કરી છે. જેમાં આંબાની કલમ વિતરણ, બિયારણ વિતરણ જેવા કામ થાય છે. પથરાળ વિસ્તાર હોવાને કારણે અહીં કેટલાક છોડ ઉછેરવા મુશ્કેલ હતા. પરંતુ નીલમે વરસાદી પાણીનો સંગ્રહ કરી ડાંગરનો પાક ઉછેરવાની નવી ટેકનીક અપનાવી અને આદિવાસી ખેડૂતોને પણ શીખવી.


nilam

પ્રકૃતિને સાચવવા પણ આપ્યું યોગદાન


સાથે જ નીલમે અહીં સૌથી મોટું કામ કર્યું છે સાગના લાકડાની ચોરી અટકાવવાનું. ખોબાની આસપાસના જંગલમાં સાગના સંખ્યાબંધ વૃક્ષો છે. જેની ચોરી ધોળે દહાડે પણ થતી હતી. પરંતુ નીલમે વૃક્ષ છેદન અટકાવ્યું. આ દરમિયાન તેમણે પોલીસ કેસ જેવી કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ ઝુકે એ બીજા. નીલમનું માનવું છે કે ગાંધી વિચારધારાનો અમલ કરવાને કારણે જ તે આટલી મહેનત કરી શક્યા. તો સરકારમાં વારંવાર રજૂઆત કરીને નીલમે હવે ગામમાં વીજળી પણ પહોંચાડી છે.


nilam

ગામના બાળકોમાં પ્રિય છે નીલમ પટેલ


નીલમના પ્રયાસથી, લોકમંગલમ ટ્રસ્ટના સહકારથી, ગામલોકોની હોંશથી હવે ખોબા ખુશહાલ બન્યું છે. આજથી 10 વર્ષ પહેલાના ગામ કરતા આજનું ગામ આધુનિક છે. વિદ્યાર્થીઓ માટે અહીં છાત્રાલય તૈયાર કરાયું છે. જેથી નજીકના ગામના વિદ્યાર્થીઓ પણ અહીં રહીને શિક્ષણ મેળવી શકે. તો નજીકના કેટલાક ગામોમાં ડિજિટલ શાળા તૈયાર કરાઈ છે. જેથી શિક્ષકો વગર બાળકો ભણી શકે.


children

હોસ્ટેલ અને આશ્રમમાં ભોજન લેતા બાળકો


સરવાળે કહીએ તો નીલમે ગાંધીજીને ખૂબ જ ગમતા ગીત એકલો જાને રેને કાર્યમંત્ર બનાવીને સેવાનું કામ આદર્યું. અને તેમાં સફળ પણ થયા. અકેલા હી ચલા થા જાનિબ એ મંઝિલ મગર, લોગ જુડતે ગયે કાંરવા બનતા ગયાની માફક આજે નીલમને જુદી જુદી સંસ્થાઓની સહાય મળી રહી છે. તો ખોબામાં કરેલા અથાગ પરિશ્રમને કારણે નીલમ પટેલ ગાંધી મિત્ર એવોર્ડ, મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર જેવા અઢળક પુરસ્કારથી સન્માનિત પણ થયા છે.

ટૂંકમાં આજથી લગભગ 10 વર્ષ પહેલા નીલમે આદરેલા સેવા યજ્ઞના ફળ આજે ગામને મળી રહ્યા છે. જે ગામલોકોએ શરૂઆતમાં તેમનો વિરોધ કર્યો તેઓ જ હવે નીલમનો આભાર માનતા થાક્તા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK