કથા સપ્તાહ : સત-અસત (શક્ય-અશક્ય - ૧)

રેસ્ટોરાંના સ્પીકરમાં ગુંજતા લતાના કંઠને તે આંખો મીંચી માણી રહ્યો. મુંબઈની વ્યસ્ત જિંદગીમાં ચિત્તને ટાઢક આપતી નવરાશ માણવાનું ભાગ્યે જ બને એ હિસાબે વતન વેજપુરનું જીવન કામનોય થાક ન નડે એવું લહેરભર્યું ગણાય!

 

 

 

શક્ય-અશક્ય - ૧

સમીત (પૂર્વેશ) શ્રોફ

 

ચિઠ્ઠીએં...


વેજપુર! નામ પડતાં જ ગામની સીમમાં ગહેકતા મોરલા મનમાં ટહુકવા લાગે, ખેતરોમાં ઝૂલતો મોલ નજર સમક્ષ રમવા લાગે, નદી કાવેરીનો ઓવારો સાદ પાડતો જણાય. કાળિયા ડુંગરની પગદંડીઓનો પોકાર અફળાય, ડુંગરના મથાળે આવેલા મા અંબાના મંદિરની ધજા ફરફરતી દેખાય, પાદરનું બસ-સ્ટૅન્ડ, શાળાનું જર્જરિત મકાન, ઘેલા પટેલની વાડીનો કૂવો, ગાયોનું ધણ, શેરીક્રિકેટ, ઘરઆંગણાનો આંબો - વતનની માટી જ એવી કે એના મહેકભર્યા ઉલ્લેખમાત્રથી આખેઆખું બાળપણ જીવંત થઈ ઊઠે!

‘એ આનંદ... આનંદ અળવીતરા!’ મહિના અગાઉની આ એક બૂમે નામશેષ મનાયેલું સ્મૃતિવન રાતોરાત સજીવન કરી દીધું અને સાથે જ ઠરી ચૂકેલા અંગારા ફરી દહેકવા લાગ્યા હતા!

‘મને ન ઓળખ્યો? હું વિરલ... શામજી વાળંદનો દીકરો!’ ઓળખ આપનારની નજર પછી પોતાના ઠાઠ, કાર, પત્ની પર પડી હોય એમ તે સહેજ ઝંખવાયેલો. ‘સૉરી, હં. મેં અમસ્તો જ તને અળવીતરો કહ્યો... કેટલાં વર્ષે તું દેખાયો! તારી મોંફાડ પરથી મેં પારખ્યું કે આ તો આપણો આનંદ જ!’


‘લાંબા ગાળે મળતા મિત્રને ભેટી પડવાનું હોય, તમે કેમ શૂન્યમનસ્ક થઈ ગયા, આનંદ!’

આછું મલકતી અવનિની ટકોરે, સચેત થયેલા આનંદે મનોભાવ સંકેલી બાળમિત્રને બાથમાં ભીંસ્યો હતો, ‘કેટલા વખતે મળવાનું થયું, વિરલ વાંકડિયા!’


એક અળવીતરો, બીજો વાંકડિયો. એક વાણિયો, બીજો વાળંદ! મુંબઈના જાહેર માર્ગ પર થતું મિત્રમિલન અવનિને સુખદ અકસ્માતરૂપ લાગ્યું.


‘વિરલ આ છે મારી જીવનસંગિની અવનિ. અમારાં લગ્નને સવા વરસ માંડ થયું અને બેમાંથી ત્રણ થવાનું પ્લાનિંગ આવતા વરસ પર ઠેરવ્યું છે એટલું કહી દઉં.’


સાંભળીને સહેજ શરમાતી અવનિ સમક્ષ વિરલે હાથ જોડ્યા હતા, ‘નમસ્તે ભાભી. ગામડે હતો ત્યારે તો આનંદ માધુરી દીક્ષિતનો જબરદસ્ત ફૅન હતો. એમાંય ‘હમ આપકે હૈ કૌન!’ જોયા પછી તો તેની દીવાનગી એટલી હદે ગયેલી કે...’

વિરલ અટક્યો. મિત્રોની નજર મળી, છૂટી પડી. અવનિએ પૂછ્યું હતું – ‘કે?’

‘કે અમને તો એમ જ કે આ અળવીતરો માધુરી સિવાય કોઈને નહીં પરણે! જોકે તમે એવાં જ રૂપાળાં છો.’

વિરલે વાત વાળી લીધાનું અવનિને સમજાયું નહોતું એમ એથી આનંદે અનુભવેલી રાહત પણ તેને કળાઈ નહોતી.

‘વિરલભાઈ, આમ રસ્તે ઊભાં-ઊભાં દોસ્તનાં રહસ્યો ખોલવાની મજા નહીં આવે. તમે એકલા જ છો?’

‘જી. બીવી-બચ્ચાંને લઈ મુંબઈની ઊડતી મુલાકાતે અવાય નહીં એટલું ગીચ છે તમારું શહેર. લૌકિક રિવાજે અહીં નજીકમાં જવાનું છે ત્યાં મૉલમાંથી નીકળતા આનંદને જોયો,’ વિરલે ઉમેરેલું ‘કાલ બપોરની ટ્રેનમાં રિઝર્વેશન છે.’

‘ઓહ, તો કાલ સવારનું જમવાનું અમારે ત્યાં રાખો. કાલે રવિવાર છે એટલે આનંદ પણ ઘરે હશે. મેં કદી આનંદને વતનની યાદ વાગોળતા નથી જોયા.’
‘ભૂલવા જેવું શું યાદ રાખવું!’

આનંદના સ્વરમાં શું હતું એનો અંદાજો પણ અવનિને કેમ આવે?

‘તમે જ કહો, વિરલભાઈ. માન્યું. પિતરાઈ કાકા-કાકીના આશરે ઊછરેલા આનંદે કાકીના કકર્શપણાને કારણે ગામ છોડવું પડ્યું...’


વળી મિત્રો વચ્ચે તારામૈત્રક રચાયું, વીખરાયું.

‘પરંતુ એ કડવાશને કારણે વતનનાં મીઠા સ્મરણોનેય મનવટો દેવાનું પગલું યોગ્ય ગણાય ખરું!’

‘બિલકુલ નહીં. જોજોને ભાભી, મારું આગમન બંધિયાર ઓરડાને હવાબારી આપનારું નીવડશે. કાલ સવારનું જમણ પાકું.’


બન્નેએ ઍડ્રેસ-ફોન નંબરની આપ-લે કરી ત્યાં સુધીમાં આનંદ તો પોતાના જ વિચારોમાં ગુલતાન રહેલો.

‘મને તો વિરલભાઈ સરળ મનના લાગ્યા.’

છૂટા પડી આનંદે ઘાટકોપરના ઘર તરફ કાર હંકારતાં અવનિએ અભિપ્રાય ઉચ્ચાર્યો હતો, ‘મેં પૂછ્યું રસોઈમાં શું બનાવું તો કહે, ભાવ સાચો હોય તો સાદું ભોજન પણ આપણને ચાલશે... ભારે બોલકણા તમારા ભાઈબંધ.’

‘જાતનો વાળંદ ખરોને.’ આનંદ દાઢમાં બોલેલો એમાં સ્થિર થઈ ચૂકેલા વર્તમાનમાં ભૂતકાળનો કાંકરીચાળો કરનાર પ્રત્યેની ચીડ હતી માત્ર, જેનું અવનિએ જુદું જ અર્થઘટન કર્યું.

‘આ શું આનંદ? મુંબઈમાં તમે આપબળે પ્રગતિ કરી એમાં મિત્રની જાતિ ખટકવા લાગી? મેં તમને આવા ન્ાહોતા ધાર્યા!’

- એમ તો મેં પણ નહીં ધાર્યું હોય કે દોઢ દાયકા અગાઉ, માત્ર વીસ વર્ષની ઉંમરે મારા ગામ છોડવામાં કાકીની દોંગાઈ નહીં, એક છોકરીનો સણસણતો તમાચો નિમિત્ત બન્યો હતો!

પત્નીને કહેવાય નહીં એવી માનહાનિની એ ઘટના દફનપેટીમાંથી છૂટવા ધમપછાડા કરતી હતી, પણ એને વાગોળવા માટે એકાંત જરૂરી હતું. અવનિના સૂતા પછી બાલ્કનીના હીંચકે ગોઠવાઈ તેણે ઘેરાયેલાં વાદળ નિરંતરપણે વરસવા દીધાં હતાં...

જૂનાગઢના વંથળી શહેરથી અંતરિયાળ આવેલું વેજપુર ગામ, દોઢબે હજારની વસ્તી, શેરી-ફળિયામાં ઊભેલાં કાચાં-પાકાં મકાનો. ગામમાં પાકી સડક તો પાછળથી થઈ, આનંદનું બાળપણ ધૂળિયા રસ્તે જ વીતેલું. ઊગતા બચપણમાં તેને એટલું સમજાઈ ચૂકેલું કે મા-બાપના અકાળ મૃત્યુ પછી પોતે કાકા-કાકીના આશરે ઊછરવાનું છે. શંકરકાકો કુંજરો, ગોમતી કાકી અદેખી. પરિણામે પોતાનાં પિતરાઈ ભાંડુ જોડેય આનંદને ક્યારેય ન ભળ્યું : હેત-હૂંફના અભાવે તે બરછટ બનતો ગયો. કાકાનો ધાક ખરો, પણ કાકીનાં મહેણાંટોણાંથી બેઅસર રહી શકે એવી નફ્ફટાઈ આવતી ગઈ. તોફાનમાં અવ્વલ. ચાલુ ક્લાસે ડિંગલ કરવામાં એવો ઉત્સાદ કે શાળાના હેડમાસ્તરે જ તેનું નામ આનંદ અળવીતરો પાડી દીધેલું! પછી આનંદ કંઈ ચૂકે? તેણેય બધાનાં નામ પાડવા માંડ્યાં: વાંકડિયાં જુલ્ફો ધરાવતો વિરલ વાંકડિયો, વાતે-વાતે મમ્મીને કહી દઈશનું વાજું વગાડતો મેહુલ માવડિયો... મિત્રોથી આગળ વધી તેણે શિક્ષકોને તો ઠીક, ઘરનાનેય નહોતા છોડ્યા. કાકીને ગોમતી ગાંડી કહેવામાં આનંદને અનેરો આનંદ મળતો!

‘તમારો ભત્રીજો ભણવાનો નથી અને તેના ભણવાથી આપણો કશો ઉદ્ધાર થવાનો નથી. દસમું પાસ કર્યું એટલું બહુ. સ્કૂલેથી ઉઠાડી આપણી કરિયાણાની દુકાને બેસાડો તો એક કારીગરનો પગાર તો બચે!’

‘એ વનેચરને દુકાને બેસાડવાની સલાહ ક્યાં આપે!’ કાકા ભડકેલા, ‘કામ કરવાને બદલે બદમાશ કાજુ-બદામના ફાકા મારતો રહેશે... એના કરતાં ભણાવી-ગણાવી ગામની બ્ાહાર ધકેલી દેવાનું ફાયદામાં રહેશે!’

કાકા-કાકીની કાનાફૂસી સાંભળતો આનંદ મનોમન ધૂંધવાય : મારેય કંઈ તમારી સાથે આખો જન્મારો નથી કાઢવો...

‘પણ તું જઈશ ક્યાં?’ કાવેરી નદીના કાંઠે બેસી પાણીમાં કંકર ફેંકતા આનંદને વિરલ ઉત્સુકતાથી પૂછે. બેઉની ગાઢ મિત્રતા જાણીતી હતી. ગોમતીકાકીને એનુંય દુ:ખ : દોસ્તી કરવા તને હજામનો દીકરો મળ્યો!’

‘મુંબઈ!’

ત્રણેક વર્ષ પછી, વંથળીની કૉલેજ જવાનું શરૂ કર્યા પછી મુંબઈના આકર્ષણમાં ઉમેરો થયો - માધુરી દીક્ષિતને કારણે!

ચઢતી જવાનીનો એ યૌવનકાળ હતો. તોફાની કિશોર નટખટ યુવાનમાં પરિવર્તિત થઈ રહ્યો હતો. કૉલેજ તેને રંગબેરંગી તિતલીઓથી ઊભરાતી લાગતી. વંથળીના ‘આમ્રપાલી’ થિયેટરના પડદે ઝબૂકતી ફિલ્મનટીની અદાઓનો ખુમાર છવાતો. એમાંય માધુરીની ‘હમ આપ કે હૈ કૌન!’ તો લગભગ રોજ જોયેલી. ટિકિટ લેવાનું રોજ પરવડે એવા તો સંજોગો નહોતા એટલે વૉચમૅનને પટાવી હૉલમાં ઘૂસી જતો! ફિલ્મી ચોપાનિયાંમાંથી તેની તસવીરો ફાડતો.

‘યાર, મુંબઈ જઈ એક વાર તો તેને મળવું જ છે...’

‘જોજે ક્યાંક તે વરમાળા લઈને ન ઊભી હોય!’ મિત્રો મશ્કરી માંડતા. આનંદ પોતે જોકે એવાં દિવાસ્વપ્નોમાં ન્ાહોતો રાચતો. કચકડાની નાયિકા કંઈકેટલાં કુંવારાં હૈયાંની ધડકન બની જતી હોય છે, પોતે એમાંનો એકમાત્ર. પ્રશંસકે પોતાની મર્યાદાનો ખ્યાલ રાખવો ઘટે. એટલું વિવેકભાન તો તેને સાબૂત હતું.

જાત સાથે આટલી સ્પષ્ટતા પછી મનને બહેકવા દેવાનું તેને ગમતું. આયનામાં દેખાતું પ્રતિબિંબ ગર્વ ઉપજાવતું. શ્રાવણના મેળામાં કે નવરાત્રિના ગરબે ઘૂમતાં પોતાનેય કોઈ ટાંપી રહ્યું હશે એ કલ્પના મીઠી ગલીપચી જન્માવતી. એવામાં...

ગણેશોત્સવના દિવસો હતા. ફળિયામાં બાંધેલા મંડપમાં એ બપોરે આનંદની ડ્યુટી હતી. એકાદ ફિલ્મ મૅગેઝિન લઈ ટાઇમપાસ કરતા આનંદના કાન ચમક્યા. જોયું તો શંભુ ગોરના ઘરે રહીમચાચાનો ટાંગો અટક્યો હતો. બે સ્ત્રીઓ એમાંથી ઊતરી. એક પ્રૌઢ વિધવા, બીજી તાજી કળી જેવી જુવાન.

‘મા, તમે ચાચાને ભાડું ચૂકવી દો, હું સામાન ઉતારું છું... શંભુમામા...’

કાંસાના રણકાર જેવો સ્વર, સૂર્યકિરણ જેવો ચમકતો વાન, શિલ્પકારે કંડાર્યો હોય એવો અણીદાર નાકનકશો અને ડાળે-ડાળે વસંત પાંગરી હોય એવું જોબન! પીળા ડ્રેસનો દુપટ્ટો સરખો કરતાં તેણે મામાના ઘરની કડી ઠોકી ત્યારે બઘવાઈ ગયેલા આનંદને તો એમ જ થયું જાણે ‘માયેની માયે’ ગાતી માધુરી જ પાડોશીના દ્વારે ઊભી છે!

આવનાર યુવતી નિ:સંતાન ગોરની ભાણેજ છે અને તેના પિતાના અવસાન પછી હંમેશ માટે મા-દીકરી ગામમાં રહેવા આવ્યાં હોવાનું જાણી આનંદના ઉમંગોને વેગ મળ્યો હતો. જોકે તેનાથી ઘાયલ થનારો તે એકલો નહોતો, આખા પંથકમાં તેજલનાં રૂપ-ગુણની ચર્ચા ફરી વળી હતી : છોકરી રૂપાળી એવી જ ટેકીલી છે.


સંસ્કૃતમાં આખી રામાયણ તેને મોઢે છે. કુળની બ્રાહ્મણ એટલે શાસ્ત્રોક્ત વિધિમાં પારંગત પણ છે. મા અંબાની આરતી તો એવા હલકભર્યા કંઠે ગવડાવે કે ચારેકોર ભક્તિભાવ પ્રસરી જાય! રસોઈમાં પ્રવીણ છે એમ ગિલ્લીદંડાની રમતમાંય હોશિયાર છે માયાબહેનની તેજલ!

અઠવાડિયામાં તો ગામમાં તેજલ-તેજલ થઈ ગયું.

‘શું તેવર છે તેજલના! કટારી મારતી નથી તોય જોનારા ઘાયલ થઈ જાય છે!’

‘અબે....’ ગાળ બોલી આનંદે વિરલના માથે ટપલી મારી હતી, ‘તારી થનારી ભાભી માટે આવું બોલે છે?’

‘થનારી ભા...ભી.’

‘યાર, પડદાની હિરોઇન તો મને પરણવાથી રહી, પાડોશની માધુરીને કેમ છોડું?’

આનંદના સ્વરમાં છલકતા કેફે વિરલ સ્હેજ ગંભીર બનેલો, ‘આનંદ, તેજલ કંઈ આવારા, રાહ ચલતી છોકરી નથી. શુદ્ધ આચાર-વિચારમાં માનનારી તેજલ અગ્નશિખા જેવી છે, નજીક જઈશ તો દાઝી મરીશ!’

‘અહં, ઊલ્ટું તેને મારી બાહોમાં જોઈ જોનારા બળી મરશે!’ આનંદના રણકામાં દૃઢતા હતી, તેની જુવાનીને સાંપડેલો પ્રથમ પડકાર હતી તેજલ!

અને એ પડકાર તત્કાળ ઝીલવો પડે એવું કંઈક બન્યું : ગોમતી ગાંડી પોતાના મોટા દીકરા માટે તેજલનું કહેણ મૂકવા વિચારતી હોવાની જાણ થયા પછી ધીરજ ધરાય જ નહીં : પણ તેની અધીરાઈ જોકે ફળી નહીં, આનંદના પ્રયત્નોનો જવાબ તમાચાથી મળ્યો હતો!

આશરે દોઢ દાયકા પછી, મહિના અગાઉ મુંબઈમાં આકસ્મિકપણે ભટકાઈ ગયેલા મિત્રે દફનાઈ ચૂકેલી સ્મૃતિઓ જીવંત કરી. શનિવારની એ રાત્રે બાલ્કનીના હીંચકે બેસી પોતે અથથી ઇતિનું મનોદર્શન કર્યું. એનો હજી તો પૂર્વાર્ધ પૂરો થયો... અંધેરીની ‘કેફિયત’ રેસ્ટોરાંમાં ગોઠવાયેલા આનંદે કાંડાઘડિયાળ જોઈ : મેં બોલાવેલી પાર્ટી આવી પ્ાહોંચે એ પહેલાં ઝડપભેર કથાનો ઉત્તરાર્ધ વાગોળી લઉં - જેથી બદલાની ભાવનાને બળ મળે!

(ક્રમશ:)
(આ વાર્તા સાથે મૂકવામાં આવેલી તસવીરો માત્ર પ્રતીકાત્મક છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK