બેટી બચાઓ નહીં, હવે ગાંવ બચાઓ

ગામમાંથી નીકળીને બધાને સિટીમાં સેટલ થવું છે, પણ સેટલ થવા જતાં ગામડાંઓ તૂટી રહ્યાં છે એનો કોઈ વિચાર નથી કરતું

bhavya gandhi



આરંભ હૈ પ્રચંડ – ભવ્ય ગાંધી

હમણાં અમારી એજના યંગસ્ટર્સની ડિગ્રીની મોસમ ચાલે છે અને સાથે-સાથે નોકરી શોધવાની કે પછી પેરન્ટ્સની સાથે તેમના બિઝનેસમાં જોડાવાની ઉતાવળ પણ છે બધાને. જેવી ડિગ્રી આવશે કે બધા પોતાના ફ્યુચર પ્લાનિંગ પ્રમાણે જૉબ કે પછી બિઝનેસ કે પછી બીજા કોઈ કામમાં લાગી જવાના છે. આ તો બધાને કરવું જ છે; પણ સાથોસાથ એ પણ એટલું જ નક્કી છે કે બધાને કંઈક અલગ કરવું છે, બધાને કંઈક નવું કે નોખું કરવું છે. તમારે જોવું હોય તો જુઓ તમે. અત્યારે બધા પોતપોતાની રીતે કિકી ચૅલેન્જનો વિડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે અને પોલીસ-ડિપાર્ટમેન્ટે રિક્વેસ્ટ કરીને કહેવું પડે છે કે પ્લીઝ, આ પ્રકારના વિડિયો ન બનાવો. આ કિકી ચૅલેન્જના વિડિયોની શરૂઆત ચાલુ ગાડીમાંથી ઊતરીને ડાન્સ કરવાથી થઈ હતી. જેવું એ જૂનું થયું કે તરત જ નવા આઇડિયાનો અમલ થવા માંડ્યો અને ઘોડા પરથી ઊતરીને કે પછી બાબાગાડીમાં કે ઘરના બારણામાં કિકી ચૅલેન્જના વિડિયો શૂટ કરીને અપલોડ કરવામાં આવ્યા. આ કિકી બહુ વાઇરલ થયું છે અને એમાં પણ આવું નવીન કરવાવાળા વધુ વાઇરલ થાય છે. વાઇરલ થવાની પણ જાણે કે હોડ લાગી છે. પૉઇન્ટ એ છે કે બધાને કંઈક ને કંઈક નવું જ કરવું છે, ચર્ચામાં જ રહેવું છે અને ચર્ચામાં રહેવા માટે કંઈક અમેઝિંગ કરવું છે. મારું માનવું છે કે તમે કોઈના કામની કૉપી કર્યા વગર તમારા મનથી તમારી રીતે કરો. એ હંમેશાં નવું જ રહેવાનું છે, કારણ કે તમે કર્યું છે અને તમારા રસ્તે દુનિયા ચાલવાની છે.

મને આ આર્ટિકલ લખવાનો વિચાર ક્યાંથી આવ્યો એ હું હવે તમને કહું. હમણાં હું મારા ગામમાં ગયો હતો. ફ્રેન્ડ્સ, ગામમાં શું હોય? ચારે બાજુ ખેતર, જ્યાં જુઓ ત્યાં ખુલ્લી જમીન અને ચોખ્ખી હવા. ગામમાં રહેવાની ખૂબ મજા આવે અને મારી વાત કરું તો મને તો ગામમાં રહેવું ખૂબ જ ગમે છે. એનું કારણ પણ છે. અમારા ગામમાં મારી એજના ઘણા છોકરાઓ છે. કીર્તિ, પ્રલ્હાદ અને બીજા અનેક ફ્રેન્ડ્સ છે મારા ત્યાં. હું મુંબઈ પાછો આવી જાઉં તો પણ આ બધા ફ્રેન્ડ્સ મારી સાથે કૉન્ટૅક્ટમાં હોય છે. ગામમાં હું જ્યારે પણ જાઉં ત્યારે તે બધા મારી સાથે રમવા, મારી સાથે રહેવા આવી જાય અને અમે બધા સાથે જ રહીએ. આ વખતે પણ મને એમ જ હતું કે હું ગામમાં રહેવા જઈશ એટલે અમે બધા ભેગા થઈશું અને સાથે મળીને રહીશું. જોકે થયું ઊલટું. મારા એ બધા ફ્રેન્ડ્સને બદલે મને તેમના પેરન્ટ્સ મળવા આવ્યા અને મારા જેટલા ફ્રેન્ડ્સ હતા એમાંથી માંડ બે-ચાર છોકરાઓ જ મારે ત્યાં આવ્યા. આવું થયું એટલે મેં ત્યાં આવ્યા હતા એ ફ્રેન્ડ્સને પૂછ્યું કે બાકીના ફ્રેન્ડ્સ ક્યાં ગયા?

મને એમ કે હમણાં કહેશે કે તે બધા તો ખેતરે ગયા છે, પણ જવાબ સાવ જુદો જ આવ્યો. મને કહેવામાં આવ્યું કે તે બધા તો શહેર ગયા છે. સિટીમાં જવાનું કારણ પણ મેં પૂછી લીધું તો મને ખબર પડી કે તે બધાને ત્યાં જૉબ મળી ગઈ અને સૅલેરી પણ સારી હતી એટલે હવે ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. મને ખરેખર નવાઈ લાગી હતી કે આવું શું કામ? પૂછ્યું તો જવાબ મળ્યો કે અહીં રહીને કરશે પણ શું એ લોકો? ખેતી કરે એના કરતાં તો સારા પગારવાળી નોકરી શું ખોટી? દેખીતી રીતે કોઈને પણ એવું લાગે કે એમાં કશું ખોટું નથી. ગ્રોથ માટે કોઈએ પણ આ કામ કરવું જોઈએ અને એ કરવામાં જ બુદ્ધિ છે. આવી બધી વાતો થતી રહી અને પછી રાતે અમે બધા છૂટા પડ્યા.

એ રાતે સૂવા માટે ટેરેસ પર ગયો હતો. ખુલ્લું આકાશ અને હું. ધીમે-ધીમે મારા મગજમાં આ વાતનું રિપીટ ટેલિકાસ્ટ શરૂ થઈ ગયું અને જેમ-જેમ એ વાત મને યાદ આવવા માંડી એમ-એમ મને થવા માંડ્યું કે આપણે ખરેખર ખોટી દિશા તરફ ભાગીએ છીએ. ખોટી દિશા તરફ અને ખોટી રીત તરફ પણ.

આપણે રહીએ છીએ ખેતીપ્રધાન દેશમાં. આપણા ખેડૂતો અને તેમનાં સંતાનો જ જો ખેતી કરવા રાજી નહીં થાય તો આ દેશમાં ફાર્મિંગ કરશે કોણ? મને એ પણ વિચાર આવ્યો કે ફાર્મિંગની વાત શું કામ આ જ લોકો વિચારે? માણસને ગ્રોથનો હક છે અને શહેરમાં જ સૌથી સારો ગ્રોથ થઈ શકે તો પછી એ રીતે જોઈએ તો સારું જ થયું કે તે ફ્રેન્ડ્સ સિટીમાં સેટલ થવા માટે ગયા. જોકે આ વિચારની સાથે જ મને લાગ્યું કે આવું વિચારવાનો હક ત્યારે જ હોઈ શકે જો તમારી પાસે કરીઅરના ઑપ્શન્સ ન હોય. તમારી પાસે ખેતીની જમીન ન હોય કે પછી તમારા ખેતરમાં પાક ન થતો હોય. નવી જનરેશન નવી રીતે ખેતી પણ કરી જ શકે છે અને સારામાં સારી રીતે ખેતી કરી શકે છે. આજે ફાર્મિંગના ક્ષેત્રમાં પણ નિતનવી રીત આવી ગઈ છે તો નવાં સાધનો વસાવીને આ કામ બેસ્ટ રીતે કરી શકાય છે. અત્યારે ઑર્ગેનિક ફાર્મિંગનું પ્રમાણ ખૂબ વધ્યું છે તો એ રીતે પણ વધારે પાક લઈ શકાય અને સિટીને ઍટ્રૅક્ટ કરવાનું કામ પણ થઈ શકે. હું એમ નથી કહેતો કે ફૉરેનમાં થાય છે એ રીતે ફાર્મિંગ કરે કે પછી પેસ્ટિસાઇડ વાપરીને મૉડર્નાઇઝેશનના નામે ખેતી કરે. થોડીક વધુ મહેનત અને ટેક્નૉલૉજીનો યુઝ કરીને આ કામ બેસ્ટ રીતે થઈ શકે છે. અરે, તમને કહ્યું એમ ઑર્ગેનિક ખેતીનું ખૂબ જ મહત્વ છે હવે તો. ઑર્ગેનિક પ્રોડક્ટ્સના ભાવ રૂટીન પ્રોડક્ટ્સ કરતાં ઑલમોસ્ટ ડબલ કે ટ્રિપલ હોય છે. તમે તમારી વેબસાઇટ બનાવીને માલ ડાયરેક્ટ કન્ઝ્યુમરને વેચી શકો છો. હવે તો મોટી-મોટી કંપનીઓ ઑનલાઇન ડીલ કરે છે એટલે તમે ડાયરેક્ટ એ જ કંપનીને માલ વેચીને બેસ્ટ પેમેન્ટ પણ લઈ શકો છો.

 તમને એમ પણ થશે કે આ તેમની કરીઅર છે, તેમની ચૉઇસ છે, તેમણે જે કરવું હોય એ કરે; તેમને જૉબની ઇચ્છા થાય તો જૉબ કરે અને તેમને ફાર્મિંગ કરવું હોય તો ફાર્મિંગ કરે. વાત સાચી છે કે તેમના મનની અને તેમની ઇચ્છાની વાત છે, પણ હવે ખાલી એટલું વિચારીએ કે મારો ફ્રેન્ડ પ્રહ્લાદ આજે જે કોઈ મોટી સિટીમાં સેટ થઈ ગયો છે, સરસ જૉબ કરતો થઈ ગયો છે અને તેને જોઈએ છે એવી લાઇફ મળી ગઈ છે. ફ્યુચરમાં તે મૅરેજ કરશે ત્યારે સ્વાભાવિક રીતે છોકરી ગામડે રહેવા તૈયાર નહીં થાય એટલે પ્રહ્લાદ સામે ચાલીને ઘરે આવીને કહેશે કે હું ખેતી તો કરવાનો નથી અને મારે હવે શહેરમાં જ રહેવું છે. જે સમયે પ્રહ્લાદ આ વાત કરશે ત્યારે પહેલાં તો તેના પેરન્ટ્સ સિટીમાં આવવા તૈયાર નહીં થાય અને એવું બનશે એટલે પ્રલ્હાદ એકલો જ સિટીમાં સેટલ થશે અને અહીંથી આખું એક વિષચક્ર શરૂ થશે.

હવે મકાન કે ફ્લૅટ લેવાની વાત આવશે. એના માટે પ્રહ્લાદ સૌથી પહેલો વિચાર લોન લેવાનો કરવાને બદલે ખેતીની જમીન વેચવાનો કરશે અને એ જમીન વેચી પણ દેશે. ખેતી તો થતી નથી અને બાપુ ક્યાં સુધી ખેતી કરશે એટલે બિચારો બાપ પણ જમીન દેવા રાજી થઈ જશે અને એ જગ્યાએ કોઈ ફૅક્ટરી બનશે. જે જગ્યાએ ખેતી થતી હતી અને આખું વર્ષ પાક આવતા હતા ત્યાં આજે એક ફૅક્ટરી ઊભી છે અને એ ફૅક્ટરી આખા ગામને પ્રદૂષણ આપવાનું કામ કરે છે.

આવું કરવાને બદલે ગામડાંને ડેવલપ કરવાનું કામ કરવાની જરૂર છે અને આજના સમયમાં તો ગામડાં પણ હવે બહુ સારી રીતે ડેવલપ થઈ રહ્યાં છે. સારું ઘર, સારું ફૂડ, સારું પાણી અને સારું વાતાવરણ ગામડાંમાં મળે જ છે. હવે તો ગામોમાં ખેતી સારી થતી હોય છે એટલે કોલ્ડ સ્ટોરેજ પણ થવા માંડ્યાં છે. આવી અવસ્થામાં સિટીનો મોહ શું કામ અને કયા કારણે? જો મારું ચાલે તો હું મુંબઈમાં રહેવાનું જરાય પસંદ ન કરું, જો મારું ચાલે તો હું ખરેખર આ પ્રકારના કોઈ એક નાનકડા ગામમાં જઈને રહું અને ખરું કહું તો મેં એવો પ્લાન પણ બનાવ્યો છે કે એક એજ પછી હું મારા ગામે રહેવા જતો રહીશ. ગામડાંઓ તૂટતાં અટકાવવાની અને ગામને બચાવવાનું કામ કરવાની આપણને બધાને તાતી જરૂર છે અને એ માટે સરકાર જ સૌથી અસરકારક પગલાં લઈ શકે. સરકારે આ પગલાં લેવા માટે જે કોઈ યોજના જાહેર કરવા જેવી લાગે એ કરવી પડશે. નહીં તો એક તબક્કો એવો આવી જશે કે આ દેશ પાસે ગામડાં નહીં હોય અને આ દેશ પાસે ખેતી માટે જમીન પણ નહીં હોય. આજના યંગસ્ટર્સમાં ઘણા એવા છે જેઓ પોતાના ફાધરનો બિઝનેસ જૉઇન નથી કરતા, કંઈક અલગ જ કામ કરે છે. મારી જ વાત કરું તો મારા પપ્પા બિલ્ડર છે, પણ હું એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં છું અને મારો ભાઈ એન્જિનિયર બનીને પપ્પાની સાથે જોડાયો છે. આજની તારીખે પણ મારા ઘરમાં કોઈ બિઝનેસની વાતો ચાલતી હોય તો મને એમાં બિલકુલ ગતાગમ પડતી નથી હોતી અને મને એમાં સંકોચ પણ નથી, કારણ કે હું માનું છું કે આપણે ડેવલપ થવાનું છે; પણ ડેવલપ થવા માટે, વિકાસ કરવા માટે મૂળને છોડવાનું નથી. મહેશ ભટ્ટની ફિલ્મ ‘ઝખ્મ’નો એક ડાયલૉગ છે જે મને ખૂબ ગમે છે: માઁ ઔર મુલ્ક બદલે નહીં જાતે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK