થોડી સંવેદનશીલતા અને વધુ સતર્કતાથી આપઘાતને રોકી શકાય

કોઈ પણ વ્યક્તિ આપઘાત કરે ત્યારે તેના સ્વજનને તેના મૃત્યુના દુખ કરતાં એ વાતનો અફસોસ વધુ હોય છે કે અમે તેને બચાવી ન શક્યા. આપઘાતને રોકી શકાય છે જો આપણે આપણી આજુબાજુના લોકો પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ ને સતર્ક બનીએ તો. આજે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડેના દિવસે સમજીએ આપઘાત પછીના અફસોસ કરતાં એ પહેલાંની સતર્કતાનું મહત્વ

suicideવર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે - જિગીષા જૈન

સ્વજનનું મૃત્યુ પોતે જ એક અત્યંત પીડાદાયક પરિસ્થિતિ છે; પરંતુ આ મૃત્યુ જ્યારે આપઘાત હોય ત્યારે એ પીડા વધુ ઘેરી બની જાય છે, કારણ કે એ પીડા સાથે એક અપરાધભાવ પણ જોડાયેલો હોય છે. આપઘાત જે ઘરમાં થાય છે એ ઘરના લોકોનું દુખ એ સ્વજનને ગુમાવવાનું તો હોય જ છે; પરંતુ એનાથી મોટી પીડા એ છે કે કાશ, અમે તેને બચાવી શક્યા હોત! મરનારી વ્યક્તિને શું દુખ હતું, શું મૂંઝવણ હતી, તે કઈ પીડામાંથી પસાર થઈ રહી હતી એ કાશ, અમે જાણી શક્યા હોત. તેને એ ધરપત આપી શક્યા હોત કે ચિંતા ન કર, આપણે આ તકલીફમાંથી બહાર આવી જઈશું. કાશ, અમે સમય કાઢીને તેની જોડે વાત તો કરી હોત. કાશ, અમે જ્યારે પૂછ્યું કે તને શું થયું છે ત્યારે તેણે વાત ઉડાવવાને બદલે સત્ય કહ્યું હોત. કાશ, તે કઈ દવાઓ લે છે એ તરફ અમે થોડું ધ્યાન આપ્યું હોત! કાશ, તે જે એકલવાયું જીવન જીવતી હતી એને તેની સ્પેસ સમજવાને બદલે અમે તેના એકલવાયા જીવનમાં ડોકિયું કર્યું હોત.

આપઘાત વ્યક્તિગત પ્રશ્ન નથી

ઘણાં માતા-પિતા એવાં છે જેમના ખિજાવાથી બાળકે રિસાઈને આત્મહત્યા કરી હોય છે. એ માતા-પિતાની માનસિક હાલત શું થતી હશે? ઘણાં બાળકો એક્ઝામમાં માર્ક્સ ઓછા આવવાને કારણે આપઘાત કરે છે. વિચારો કે તેમના તે શિક્ષકોની હાલત શું થતી હશે જેમણે તેમને ઓછા માર્ક્સ આપ્યા છે. આ લોકો કયા લેવલનો અપરાધભાવ અનુભવતા હશે એ સમજવું ખૂબ જ અઘરું છે. ઘણા યુવાનો બ્રેકઅપ થાય એટલે આપઘાત કરે છે, ઘણાના માથે ખૂબ દેવું હોય છે એટલે આપઘાત કરે છે, ઘણા લોકો પૈસેટકે ખુવાર થઈ જાય એટલે આપઘાત કરે છે, ઘણા લોકો અસહ્ય માંદગીથી પીડાતા હોય છે એટલે આપઘાત કરે છે. આ બધા આપઘાતોની અસર સમાજ પર કેટલી ઊંડી થાય છે એ સમજવું જરૂરી છે. જેમ કે કોઈ એક માણસ દેવાંમાં ડૂબેલો હોય અને તેને ખબર પડે કે ફલાણી વ્યક્તિના માથે દેવું હતું અને તેણે આપઘાત કર્યો ત્યારે તે માણસને પોતે પણ એવો વિચાર નહીં આવે શું? જો માંદગી સામે લડતી કોઈ વ્યક્તિને પોતાના જેવી જ વ્યક્તિના આપઘાતના ખબર મળે તો તેની રોગ સામે લડવાની માનસિક શક્તિ આપોઆપ ઓછી નહીં થઈ જાય? કેમ આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકની સ્કૂલમાં જે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે એ વાતથી આપણે તેને દૂર રાખીએ? કારણ કે ભૂલથી પણ જો તેના મનમાં આ વાત ઘર કરી ગઈ તો! એ ડરથી આપણે તેને આપઘાત જેવી બાબતોથી દૂર રાખીએ છીએ. આમ આપઘાત એ કોઈ વ્યક્તિગત કે ઘરનો પ્રશ્ન નથી. આપઘાત સમાજ અને દેશનો પ્રશ્નન છે એટલે જ દુનિયાભરમાં આજે સુસાઇડ પ્રિવેન્શન ડે ઊજવવામાં આવે છે. ભારત સરકારે પણ આ વખતે આ દિવસની ઉજવણીનું ઑફિશ્યલ સમર્થન કર્યું છે. આપઘાતને રોકવા વિશે જેટલા પ્રમાણમાં જાગૃતિ આપણે ફેલાવી શકીએ અને એને અટકાવી શકીએ એ હેતુસર આ દિવસ ઊજવવામાં આવે છે.

લાગણીથી જોડાઓ

ડેન્ગી અને મલેરિયા કરતાં લોકો આપઘાતથી વધુ મરે છે છતાં આ બાબતે આપણે જાગૃત નથી. આપઘાતનો વિચાર ઘણો જ સામાન્ય છે. મોટા ભાગની વ્યક્તિઓને જીવનમાં કોઈ સમયે તો એક વાર આ વિચાર આવી જ જાય છે. જોકે વિચાર કરવો જેટલો સામાન્ય છે એટલો જ આપઘાત કરવો અસામાન્ય છે. આ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘નોકરી જતી રહેવી, લગ્ન તૂટી જવાં, ફેઇલ થઈ જવું એ દરેક બાબતને કારણે વ્યક્તિ શરમ અનુભવે છે. હવે આ શરમ સાથે જ્યારે ડિસકનેક્શન ભળે એટલે કે એવી વ્યક્તિ જ્યારે એકલી હોય કે એકલી બની જાય ત્યારે આ બન્ને વસ્તુઓનું મિશ્રણ આપઘાત માટેનું કૉકટેલ સાબિત થાય છે. હવે જો આપણે આ વ્યક્તિને બચાવવી હોય તો શું કરી શકાય? તેના જીવનમાં ફેલ્યર ન આવે એ માટે આપણે કઈ ન કરી શકીએ, પરંતુ એ ફેલ્યર વખતે તે એકલી ન પડે એનું ધ્યાન આપણે રાખી શકીએ. કોઈ વ્યક્તિને તમે દરરોજ પાંચ મિનિટ મળતા હો તો રૂટીનની વાત થાય. તેના મનની વાત થાય જ નહીં. એ માટે બે કલાક તેને મળવું પડે. આ ઇમોશનલ રીકનેક્શનની ખૂબ જરૂર રહે છે. એ જ્યારે હશે ત્યારે વ્યક્તિને આપઘાત કરવાની જરૂર નહીં રહે.’

ઇલાજ

આપઘાતના વિચારો જે વ્યક્તિને આવતા હોય તેને ત્રણ કૅટેગરીમાં વહેંચવામાં આવે છે. માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર. આ ઇલાજ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ફેબિયન અલ્મેડા કહે છે, ‘જે લોકો માઇલ્ડથી મૉડરેટ લેવલ પર છે તેમના પર યોગ, મેડિટેશન, એક્સરસાઇઝ, લોકોનો સાથ, કાઉન્સેલિંગ બધું સારું કામ આવે છે. આ સિવાય અમુક ટેãક્નક જેમ કે આવા વિચારો આવે ત્યારે મનને બીજી કોઈ જગ્યાએ લગાડવું પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે. જેમ કે ક્રૉસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી મગજને એમાં પકડી રાખે એ પ્રકારની રમતો એ સમયે રમો તો મનને બીજી તરફ વાળવું સરળ બને છે. જેમને આપઘાતના વિચારો ખૂબ વધારે આવતા હોય તેમને દવાઓ આપવી જરૂરી છે. દવાઓની સાથે સપોર્ટિવ હેલ્પ, ટ્રેઇન થયેલા થેરપિસ્ટનું કાઉન્સેલિંગ પણ એની સાથે મહત્વનું છે.’

સતર્ક રહો

આપઘાતને પહેલાં તો રોકી શકાય છે એ વાત ઘર કરી લેવી જરૂરી છે. આપઘાત થઈ ગયા પછી અફસોસ કરવો એના કરતાં એ પહેલાં સતર્ક રહીએ એ વધુ જરૂરી છે. એના માટે સમાજ અને દેશમાં રહેતી દરેક વ્યક્તિએ મેન્ટલ હેલ્થ સોલ્જર બનવાની જરૂર છે. આ સોલ્જરે તેની આસપાસની વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું. એ વિશે જાણીએ ડૉ. હરીશ શેટ્ટી પાસેથી...

તમારા બિલ્ડિંગમાં કે ઑફિસમાં બધા વાતો કરતા હોય કે ગણેશોત્સવ ચાલતો હોય ત્યારે એક વ્યક્તિ એક કૉર્નર પર જ બેઠી રહે, કોઈ સાથે વાત ન કરે તો તેને પડતી ન મૂકો. સામેથી તેની પાસે જાઓ, તેની સાથે વાત કરો અને જાણવાની કોશિશ કરો કે બધું ઠીક છે કે નહીં. ઘણા લોકોનો સ્વભાવ હોય છે કે તેઓ ખૂબ સોશ્યલાઇઝ નથી કરતા; પરંતુ તે લોકો ખુશ તો રહેતા જ હોય છે, ઉત્સવ તો માનવતા જ હોય છે.

જો તમારી આજુબાજુની કોઈ વ્યક્તિ અચાનક ખૂબ જ ગુસ્સો કરવા લાગી હોય, વગર કારણે ચીડચીડી થઈ જતી હોય અથવા ખૂબ એકલી-અટૂલી રહેવા લાગી હોય તો તેને જરૂર છે તમારી. તેની સંભાળ લો, તેની સાથે વાત કરો, તેને સારું લાગે એવું કઈક કરો.

તમારી સતર્કતા વધારો. કોઈ વ્યક્તિ દરરોજ વૉટ્સઍપ ગ્રુપમાં ગુડ મૉર્નિંગનો મેસેજ અચૂક મોકલતી જ હોય અને અચાનક એ બંધ થઈ જાય તો તેને પૂછો કે બધું બરાબર છેને? આવાં ઘણાં નાનાં-નાનાં લક્ષણો સામે આવતાં હોય છે જેને આપણે અવગણવાં ન જોઈએ. કોઈ વ્યક્તિ જો અચાનક ફરિયાદો કરવા લાગે કે મને કોઈ પ્રેમ નથી કરતું, મને કોઈ મહત્વ નથી આપતું અને હું ઘર છોડીને જતી રહીશ વગેરે તો તમે તેની જોડે વાત કરો. જો લાગે તો તેને એક વખત મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે લઈ જઈને સ્ક્રીનિંગ કરાવડાવો. કોઈ વ્યક્તિ અચાનક પોતાની વસ્તુઓ સમેટવા લાગે, પોતાની મનગમતી વસ્તુઓ કે એવી વસ્તુઓ જે તેના માટે હજી પણ કામની હોય એ બીજાને આપી દે, પોતાનું વિલ તૈયાર કરાવી દે તો થોડું સતર્ક થઈ જવું જરૂરી છે. આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ વ્યક્તિ શા માટે કરી રહી છે એ વિશે તેની જોડે વાત કરવી આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ હાલમાં જ મોટા દુ:ખમાંથી પસાર થઈ છે જેમ કે બ્રેકઅપ કે સ્વજનનું મૃત્યુ કે ડિવૉર્સ વગેરે તો આ વ્યક્તિઓ હાઈ રિસ્કમાં આવે છે. આ સિવાય જેના પરિવારમાં કોઈ વ્યક્તિએ આપઘાત કરેલો છે તે વ્યક્તિઓ પણ હાઈ રિસ્કમાં આવે છે. તેમનું ધ્યાન રાખવું.ઉપરની કોઈ પણ પરિસ્થિતિમાં તમને લાગે કે ફક્ત વાત કરવાથી કામ બન્યું નથી, વ્યક્તિ હળવી નથી થઈ અને તેનું વર્તન હજીયે શંકાસ્પદ છે જ તો તેને સાઇકિયાટ્રિસ્ટ કે સાઇકોલૉજિસ્ટ પાસે લઈ જવી અને તેનું સ્ક્રીનિંગ કરાવવું. જ્યારે તમે તેને ડૉક્ટર પાસે લઈ જશો ત્યારે ચોક્કસ ખબર પડશે કે વ્યક્તિની શું હાલત છે અને તેને કયા પ્રકારના ઇલાજની જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK