સાચું-ખોટું શીખવતા લોકો તો જીવનમાં આવતા રહેશે, શું શીખવું-શું ન શીખવું એ આપણે નક્કી કરવાનું હોય છે


ટીચર્સ ડે નજીકમાં છે. આવા અવસરોએ આપણા જીવનમાં આવેલા શિક્ષકોની યાદ આવવી સહજ છે. સ્કૂલ કે કૉલેજમાં આપણને અભ્યાસ શીખવનારા શિક્ષકો ઉપરાંત આપણા વડીલો, વરિષ્ઠો તથા ઉપરીઓ જેવા પણ બીજા અનેક શિક્ષકો આપણા જીવનમાં હોય છે. જીવનવ્યવહારમાં કેટલીક વાર આ જ સિનિયર્સ આપણને ખોટું બોલવું, ખોટું કરવું તથા ખોટું ચલાવી લેવું જેવી બાબતો જાણતાં કે અજાણતાં શીખવતા રહે છે. આનાથી બચવાનો માર્ગ શું? ચાલો સમજીએ

social scienceસોશ્યલ સાયન્સ  -  ફાલ્ગુની જડિયા-ભટ્ટ


બે દિવસ બાદ પાંચમી સપ્ટેમ્બરે ટીચર્સ ડે આવી રહ્યો છે. આ દિવસ આવે એટલે આપણને સ્વાભાવિક રીતે જ આપણા જીવનના એ પ્રત્યેક શિક્ષક યાદ આવી જાય જેમણે આપણા જીવનને બદલવામાં, નવી દિશા આપવામાં તથા એને બહેતર બનાવવામાં મહkવનો ભાગ ભજવ્યો હોય. વળી ફક્ત શિક્ષકો જ નહીં, એ બધી વ્યક્તિઓ પણ યાદ આવી જાય જેમણે આપણને જીવનના મહkવના પદાર્થપાઠ શીખવ્યા હોય અને આપણા વ્યક્તિત્વને ઉજાગર કરવામાં યોગદાન આપ્યું હતું પછી એ આપણા શિક્ષકો હોય, વડીલો હોય, વરિષ્ઠો હોય કે ઉપરીઓ હોય. જે કોઈએ આપણા જીવનમાં સરળતા, સુગમતા અને સંવાદિતા લાવવામાં ભૂમિકા ભજવી હોય એ બધાને ઓછામાં ઓછું આવા દિવસોએ તો યાદ કરવા જ જોઈએ એ વાતમાં કોઈ બેમત નથી.

અલબત્ત, હકીકત તો એ પણ છે કે જેમ આવા શિક્ષકો, વડીલો, વરિષ્ઠો કે વ્યક્તિઓ આપણને કંઈક ને કંઈક સારું શીખવાડી આપણા જીવનને વધુ સુંદર અને બહેતર બનાવે છે ત્યાં જ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જીવનમાં આપણે જે કંઈ ખરાબ કે ખોટું શીખીએ છીએ એ પણ આપણી સાથે સંકળાયેલી આવી જ કોઈ વ્યક્તિઓ પાસેથી શીખીએ છીએ, કારણ કે કોઈ પણ બાળક જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે સાવ કોરી પાટી જેવું હોય છે. તેનામાં સારા કે ખરાબ ગુણોનો સંચાર તેની આસપાસ રહેલી વ્યક્તિઓ જ કરે છે.  

આ સંદર્ભમાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના એક સમયના વડા સ્વર્ગસ્થ પ્રો. નીતિન મહેતાની વાત યાદ આવી જાય છે. તેઓ હંમેશાં અમને વિદ્યાર્થીઓને કહેતા કે બાળકો ખરાબ નથી હોતાં. એ તેમના સિનિયર્સ હોય છે જે તેમને બગાડી મૂકે છે. બીજા શબ્દોમાં આપણા સિનિયર્સ જ આપણને ખોટું કરતાં શીખવે છે. એ દિવસોમાં તો નાદાન ઉંમરને પગલે તેમની વાતમાં રહેલું તથ્ય બહુ સમજાતું નહોતું, પરંતુ આજે જ્યારે આસપાસ નજર કરું છું તો તેમની વાતમાં રહેલી સચ્ચાઈ ઊડીને આંખે વળગે છે.

વિશ્વાસ નથી થતો? તો ચાલો એક રમત રમીએ. બે મિનિટ માટે આંખો બંધ કરો અને યાદ કરો તમારા જીવનનાં શરૂઆતનાં વર્ષોને. યાદ કરો એ ક્ષણને જ્યારે તમે જીવનમાં પહેલી વાર અસત્ય બોલ્યા હતા. મોટા ભાગના કિસ્સામાં એ એવી ક્ષણ હશે જ્યારે ઘરે કોઈનો ફોન આવ્યો હશે અને આપણા વડીલો ઘરમાં હોવા છતાં તેમને ફોન કરનાર સાથે વાત ન કરવી હોવાથી આપણને પોતે ઘરે નથી એવું કહેવાનું કહ્યું હશે. તેમનો ઇરાદો તો ફક્ત એ સમયે વાત ન કરવાનો હોય છે, પરંતુ તેમને એ નથી સમજાતું કે એક બાળક પાસે આવું જુઠ્ઠાણું બોલાવીને તેઓ કાયમ માટે તેના મનમાં જૂઠું કેવી રીતે બોલવું એના સંસ્કાર રોપી રહ્યા છે.
ધીરે-ધીરે જેમ-જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ-તેમ આપણી જ આસપાસ રહેલી આપણાથી ઉંમરમાં મોટી, પદમાં મોટી, માનમર્યાદામાં મોટી વ્યક્તિઓ આપણને કશું ખોટું કે ખરાબ કેવી રીતે કરવું એ શીખવતી જાય છે. બાપની દુકાને બેઠેલા દીકરાને પિતા પોતાનો જૂનો માલ ગ્રાહકોને વળગાડવાનું શીખવે છે. પોતાના બિઝનેસમાં જોડાયેલા દીકરાને પિતા પોતાનું કામ કઢાવવા સરકારી કર્મચારીઓને લાંચરુશવત આપવાનું શીખવે છે. બૉસ પોતાના કર્મચારીઓનું કેવી રીતે લોહી ચૂસી લેવું એ શીખવે છે તો ઉપરીઓ કેવી રીતે કામચોરી કરી તગડો પગાર મેળવવાનું એ શીખવે છે. મિત્રો કે ભાઈભાંડુઓ પાસેથી આપણે વ્યસનો શીખીએ છીએ તો ઘરના મહિલાવર્ગ પાસેથી આપણે તીખાં-કડવાં વેણ બોલવાનું શીખીએ છીએ.

આપણે કેટલી વાર જોઈએ છીએ કે ઘરે કોઈ પ્રસંગ હોય કે ક્યાંક બહારગામ જવાનું હોવાથી સ્કૂલમાં રજા પાડવી પડે ત્યારે માબાપ જ પોતાનાં બાળકો માટે ડૉક્ટરો પાસેથી ખોટું મેડિકલ સર્ટીફિકેટ લઈ આવે છે. કે પછી રસ્તે ગાડી ચલાવતાં ભૂલથી સિગ્નલ તૂટી ગયું હોય તો પિતા જ સંતાનોની સામે ટ્રાફિક-હવાલદારને પચાસ-સોની નોટ પકડાવી ફાઇન ભરવાની સજામાંથી છૂટી જાય છે. રાજકારણીના છોકરાઓ પોતાના પિતા પાસેથી પોતાની વગ અને શાખનો દુરુપયોગ કરતાં શીખે છે તો પોલીસ કર્મચારીનાં સંતાનો તેમના પિતા પાસેથી જ નજરો સામે થતાં ગેરકાનૂની કામો સામે આંખ આડા કાન કરવાનું શીખે છે. ઍડ્વોકેટને ત્યાં કામ કરતા નવોદિત ટ્રેઇનીઓ સત્યને તોડવા-મરોડવાનું શીખે છે તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ત્યાં કામ કરતા ઇન્ટન્સર્‍ ટૅક્સની ચોરી કરતા શીખે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને પરીક્ષાપત્ર ફોડતા શીખવે છે તો વરિષ્ઠ ડૉક્ટરો પોતાના જુનિયર્સને કિડનીની ચોરી કરતાં કે પછી દરદીઓનું બિલ વધારતાં શીખવે છે.

આપણે એવું માનીએ છીએ કે દુનિયા આખી આવી રીતે જ ચાલે છે, પરંતુ હકીકત એ છે કે દુનિયા આખીમાં ફેલાયેલા દુરાચારો આ રીતે જ જન્મ લે છે. વડીલો, ઉપરીઓ, વડાઓ કે વરિષ્ઠોના સ્વરૂપે આપણા જીવનમાં આવેલા આ શિક્ષકો જ આપણને ખોટું કરતાં શીખવે છે. આ એક આખું ષડયંત્ર છે જેમાં જાણતાં-અજાણતાં ક્યાંક આપણે કર્તા બનીએ છીએ તો ક્યાંક આપણે જ ભોક્તા. તેથી સમાજમાં પરિવર્તન લાવવું હોય તો પહેલી ફરજ ઊંચા હોદ્દા, પદ, વગ, શાખ કે ઉંમર ધરાવનારાઓની થાય છે કે તેઓ પોતાનાં મન, કર્મ, વાણી અને વર્તનથી એવું ઉદાહરણ રજૂ કરે કે નાનાઓની કશું ખોટું કરવાની હિંમત જ ન થાય. બીજી ફરજ વ્યક્તિની પોતાની થાય છે કે તે ક્યાંથી શું શીખી રહી છે.

યાદ રાખો, જ્ઞાન તો ચારે બાજુ વેચાઈ રહ્યું છે, તમે એમાંથી શું પસંદ કરો છો એ તમારા પર નર્ભિર કરે છે. શીખવું જ હોય તો સારી વ્યક્તિ પાસેથી સારું કેવી રીતે કરવું એ જ નહીં, પરંતુ ખરાબ વ્યક્તિ પાસેથી ખરાબ કેમ ન કરવું એ પણ શીખી જ શકાય છે. સજાગતા આપણે આપણી અંદર કેળવવાની છે. તેથી જીવનમાં બીજા કોઈને પોતાનો ગુરુ બનાવીએ કે ન બનાવીએ, પરંતુ એક ગુરુ આપણે આપણી અંદર તો એવો બનાવવો જ જોઈએ જે સતત ફુટપટ્ટી લઈ આપણી પાછળ પડેલો રહે અને સતત અંદરથી આપણું માર્ગદર્શન કરતો રહે. એક વાર આવો ગુરુ જો આપણી અંદર નિર્માણ થઈ જાય પછી ટીચર્સ ડે જેવા અવસરોએ આપણું મસ્તક જીવનના અન્ય ગુરુદેવોની સાથે પોતાની જાત સામે પણ ગર્વ નમી પડશે.               

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK