આર્ટ ઑફ સ્પીકિંગ અને આર્ટ ઑફ લિવિંગ

પોતાના જીવનમાં જેનો અમલ નથી એવી વાતો બીજાઓને ઉપદેશ આપી સમજાવતા લોકો ભલે કેટલું પણ સારું બોલે, તેઓ પોથીપંડિત જ ગણાય. આવા લોકો પાસે મોટા ભાગે ઉધાર જ્ઞાન હોય છે, જેના આધારે તેઓ સારું બોલી શકે છે, પણ એમાં પોતાનું મૌલિક કંઈ નથી હોતું

social scienceસોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા


એક સૂફી ગુરુના આશ્રમમાં એક યુવાન જીવન વિશેનું જ્ઞાન મેળવવા આવ્યો અને ત્યાં રહેવા લાગ્યો. થોડા દિવસ થઈ ગયા, પણ સંતે તેની સાથે કોઈ એવી વાત કરી નહીં જેનાથી તે યુવાનને લાગે કે તેને જ્ઞાન મળી રહ્યું છે. ગુરુ અલગારી હતા, એથી દરેકને અલગ રીતે મૂલવતા. એક દિવસ ગુરુ પોતાના શિષ્યો સાથે બેઠા હતા ત્યારે એક બીજો યુવાન આવ્યો અને બધાની વચ્ચે તે યુવાને શાસ્ત્રોને આધારે જીવનની ખૂબ ગંભીર વાતો કરી, ઉપદેશો કહ્યા, જેને સાંભળીને પહેલો યુવાન તો એકદમ ચકિત થઈ ગયો. તેને થયું ખરો ગુરુ તો આ છે, જેને કેટલું બધું જ્ઞાન છે; મારે આને જ ગુરુ બનાવવો જોઈએ, હું ખોટો અહીં આ વૃદ્ધ ગુરુ પાસે આશા રાખી આવી ગયો છું.

બીજા આવેલા યુવાને પોતાની વાતો પૂરી કર્યા બાદ આશ્રમના ગુરુને પૂછ્યું, ‘તમે મારી વાત સાંભળીને કોઈ પ્રતિભાવ ન આપ્યો, કેમ એમ? શું હું કંઈ ખોટું બોલ્યો? શું તમને મારી વાત સમજાઈ નહીં?’ એટલે ગુરુએ કહ્યું, ‘હું તો બે કલાકથી બેઠો છું,

આ બે કલાકમાં તું તો કંઈ જ બોલ્યો નથી, તને સાંભળું કઈ રીતે?’

પેલા યુવાનને નવાઈ લાગી, તેણે કહ્યું, ‘હું બે કલાકથી સતત બોલી રહ્યો છું અને તમે કહો છો હું કંઈ બોલ્યો જ નથી?’

હવે ગુરુએ કહ્યું, ‘તું અત્યાર સુધી જે બોલ્યો એ તો તેં ઉપનિષદમાં, વેદમાં, શાસ્ત્રોમાં લખેલું છે એ બધું કહ્યું, તારું પોતાનું શું હતું એમાં? આમ વાંચીને કે અભ્યાસ કરીને કોઈ કેટલું પણ બોલી જાય, એથી શું?’

પેલા યુવાનની બોલતી બંધ થઈ ગઈ! અને પહેલો યુવાન પણ વિચારે ચડી ગયો.
વાત જાણે એમ છે કે મોટી-મોટી, ડાહી-ડાહી વાતો કરનારા, લખનારા અને ઉપદેશ આપનારા લોકો જ્ઞાનની જે વાતો કરે છે એ તેમનું પોતાનું નથી હોતું, ઉધાર જ્ઞાન હોય છે. તેમણે ક્યાંક વાંચેલું, ક્યાંક સાંભળેલું હોય છે. એમાં પોતાનું કંઈ જ મૌલિક નથી હોતું, પોતાનો કોઈ અનુભવ કે અહેસાસ યા અનુભૂતિ નથી હોતાં. બહુ-બહુ તો તેમની એક શૈલી હોય છે, એ ચોક્કસ રજૂઆત હોય છે.

જ્ઞાન સહજ હોય છે


સ્વામી વિવેકાનંદ જ્ઞાન માટે, ભગવાનને પામવા-સમજવા માટે ખૂબ ભટકેલા, ઘણા ગુરુ તેમણે બનાવેલા, કંઈ નક્કર પ્રાપ્ત ન થયું. એક દિવસ તેમને કોઈકે રામકૃષ્ણ પરમહંસ વિશે કહ્યું અને સ્વામીજી પરમહંસજી પાસે આવ્યા. રામકૃષ્ણ પરમહંસ પણ અલગારી જીવ હતા. સ્વામીએ પરમહંસને પૂછ્યું, તમે ભગવાનને જોયા છે. પરમહંસે તરત જ કહ્યું, હા જોયા છે, જેમ તને જોઈ રહ્યો છું એ જ રીતે ઈશ્વરને પણ જોઈ શકું છું. આ પ્રસંગ અને કથા તો લાંબી છે, પણ કહેવાનો આશય એ જ છે કે જેમણે પોતે અનુભવ અને અનુભૂતિ પ્રાપ્ત કર્યા છે તેમણે ઉપદેશ આપવાની જરૂર નથી પડતી, તેઓ જે સહજ બોલે છે એ જ ઉપદેશ થઈ જાય છે. આવી વિભૂતિઓ વાંચીને કે સાંભળીને નથી બોલતી, તેમનું જ્ઞાન ભીતરથી મૌલિક રીતે આવે છે, જેમાં તેમની અંતરયાત્રા અને અંતરભાવ સમાયેલાં હોય છે. 

હું પોતે કરું એ બીજાને કહી શકું

સંત એકનાથ પાસે જ્યારે એક માતા પોતાના નાના દીકરાને લાવીને કહે છે કે મહારાજ, આ છોકરો ગોળ બહુ ખાય છે, તમે તેને કંઈક સમજાવો તો તે ગોળ ખાવાનું ઓછું કરે (આજના સમયની કથામાં આપણે ચૉકલેટ કહેવું પડે). સંત એકનાથ તે સ્ત્રીને કહે છે, તું એક મહિના બાદ આવજે, હું તારા દીકરાને સમજાવીશ. એક મહિના બાદ તે સ્ત્રી પાછી આવે છે અને સંત પેલા દીકરાને સમજાવે છે કે દીકરો તરત માની જાય છે. સ્ત્રી નવાઈ પામતાં સંતને કહે છે, આ વાત તમે તેને જ્યારે હું પહેલી વાર આવી ત્યારે જ સમજાવી હોત તો? સંત નિખાલસપણે કહે છે, બહેન, ત્યારે હું પોતે પણ ગોળ ખાતો હતો, આ એક મહિનામાં મેં ગોળ ખાધો નથી અને પછી કહ્યું, એને લીધે તે તરત સમજી ગયો, જે મારા જીવનમાં નથી તેનું આચરણ કરવાનું હું બીજાને કઈ રીતે કહી શકું?

તાનસેન અને બૈજુ બાવરા

તાનસેન અને બૈજુ બાવરા વચ્ચે પણ એટલે જ બહુ મોટો ફરક છે. તાનસેન ભલે કેટલા પણ મોટા સુપ્રસિદ્ધ ગાયક ગણાતા અને શહેનશાહ અકબરના દરબારના એક રત્ન ગણાતા, પણ બૈજુ બાવરા ગાયકીમાં તેનાથી કંઈક ઊંચે બિરાજતા, કારણ કે તાનસેન રાજા અકબર અને શાહી ધન-સન્માન માટે ગાય છે, જ્યારે બૈજુ બાવરા એક ફકીરની જેમ પરમાત્મા માટે ગાય છે. આપણામાંથી ઘણા લોકો જાહેર સમાજમાં કંઈક હોય છે અને અંગતમાં કંઈક ઓર હોય છે, કારણ કે સમાજ સામે અભિનય થઈ શકે છે, એકલામાં અભિનયની જરૂર નથી પડતી. 

વાણી અને વાક્ચાતુર્ય આજના અમુક અપવાદોને બાદ કરતાં સંતો કે ગુરુઓ કે બાબાઓના પોતાના જીવનમાં જેનો અમલ નથી એ વાતોનો અમલ કરવા લોકોને કહે છે એટલું જ નહીં, પોતે કોઈ દિવસ કરવાના નથી કે કરી શકવાના પણ નથી તેવું કરવાની પણ લોકોને સલાહ આપે છે. જોકે લાખો મૂરખાઓ કથિત સાધુ-સંતોની વાણી (વાક્ચાતુર્ય સમજવું)થી અંજાઈને તેમનાં ચરણોમાં ઢળી પડવા કંઈ પણ કરે છે. એટલે જ આશ્રમોના ધંધામાં કયારેય મંદી નથી આવતી, ઊલટાનું લોકોના ધંધામાં મંદી હોય ત્યારે આશ્રમોમાં તેજી વધી જાય છે. એક જ્ઞાની સજ્જનને કોઈએ પૂછ્યું, તમે આટલાં જ્ઞાન-સમજ મેળવ્યાં કઈ રીતે? તે જ્ઞાનીએ કહ્યું, મેં આ બધાં સમજ-જ્ઞાન મૂરખાઓ પાસેથી મેળવ્યાં છે. સાંભળનારાઓને નવાઈ લાગી : મૂરખાઓ પાસેથી કઈ રીતે? સજ્જને કહ્યું, ‘બહુ સરળ છે, મૂરખાઓ કરે એ આપણે નહીં કરવાનું, બસ આટલું મેં સમજી લીધું.’

રીલ હીરો અને રિયલ હીરો

આપણી હાલત પણ મોટા ભાગે ફિલ્મ, સિરિયલ યા નાટકના કલાકાર જેવી હોય છે; આપણું કંઈ હોતું નથી, જે સંવાદો પર તાળીઓ પડે છે યા લોકોને સ્પર્શે છે એ સંવાદ કોઈ બીજાએ લખ્યા હોય છે; અભિનય પણ ડિરેક્ટરે શીખવ્યો હોય છે, રજૂઆત માત્ર આપણી હોય છે. એટલે જ સમાજમાં રીલ હીરો અને રિયલ હીરો એમ બે જુદા પડે છે. જે પોતાના જીવનમાં કંઈક સારું-પૉઝિટિવ કરે છે તે રિયલ હીરો કહેવાય છે અને જે માત્ર દેખાવ કરે છે તે ભલે કેટલું પણ ધન કમાય, પ્રસિદ્ધિ પામે, પણ તે અસલી હીરો તો નથી જ. 

બીજાને સલાહ આપતાં પહેલાં આપણે પણ આપણા જીવનમાં જ્યારે બીજાને સલાહ, સમજણ કે જ્ઞાન આપવાની વાત કરીએ ત્યારે જાતને પહેલાં પૂછી લેવું જોઈએ કે હું જે બીજાને કહું છું એનું પોતે પાલન કરું છું ખરો? વાંચી-વાંચીને ઘણા લોકો પંડિત થઈ જાય છે અને પ્રવચનો આપવા માંડે છે, પણ જીવનમાં અમલની વાત આવે તો તેઓ સામાન્ય માનવીથી પણ પાછળ હોય છે. યાદ રહે, આર્ટ ઑફ સ્પીકિંગ અને આર્ટ ઓફ લિવિંગ સાવ જુદાં છે. કોઈ વ્યક્તિ વાંચી, સાંભળીને, તાલીમ લઈને સારું (એટલે લોકોને ગમે એવું) બોલી શકે છે; પરંતુ સારું બોલવું અને સારું જીવવું એ બે વચ્ચે પણ બહુ મોટો ફરક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK