લોકોના જીવનમાં શાંતિ અને સરળતા લાવનારી હસ્તીઓના પોતાના જીવનમાં કેમ આટલી અશાંતિ હોય છે?

આપણને નવાઈ લાગે, પરંતુ આ દુનિયામાં અનેક એવી હસ્તીઓ જોવા મળે છે જેમનાં અદ્ભુત કાર્યોથી લાખો લોકોને શાંતિ, રાહત અને સરળતા મળી હોય છે; પણ એ હસ્તીઓનું અંગત જીવન જો તમે જુઓ તો એ તદ્દન વેરવિખેર હોય છે

muskસોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

થોડા સમય પહેલાં બે રસપ્રદ સમાચાર વાંચવામાં આવ્યા હતા. આમ તો બન્ને સાવ નાની ન્યુઝ-આઇટમ હતી, પરંતુ ધ્યાનથી વાંચો તો વિચારતાં કરી મૂકે એવી હતી. પહેલા સમાચાર હતા ઍલન મસ્ક વિશે. તેમણે થોડા સમય અગાઉ મીડિયામાં એવું વક્તવ્ય આપ્યું હતું કે ટેસ્લાના સીઈઓ તરીકે કામ કરતાં-કરતાં તે થાકી ગયા છે અને અઠવાડિયાના સામાન્ય ૪૫થી ૫૦ કલાકના સ્થાને ૧૨૦ કલાક કામ કરી રહ્યા છે. આટલી તનતોડ અને મનતોડ મહેનત કર્યા બાદ પણ તેમણે રાત્રે સૂવા માટે ઊંઘની દવાઓ લેવી પડે છે અને એની આડઅસરરૂપે ડૉક્ટરો માને છે કે તે કદાચ ઊંઘમાં ચાલતા પણ હોય. આ બધા સાથે ઍલન મસ્કે એવી ઘોષણા પણ કરી દીધી કે તે ટેસ્લાને ફરી પાછી પ્રાઇવેટ કંપની બનાવવાનું વિચારી રહ્યા છે.

ખેર અહીં પ્રશ્ન એ નથી કે ટેસ્લાનું શું કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે અચૂક આ અથવા ગઈ સદીનાં મહાન પાત્રોને જુઓ તો તેમનું વર્તન આપણને મૂંઝવણમાં મૂકી દે એવું હોય છે. માનવજાતના ઇતિહાસમાં સૌથી મહાન કાર્ય કરવાવાળી વ્યક્તિઓના સામાજિક જીવન અને અંગત જીવનને જુઓ તો એમાં આસમાન-જમીનનો વિરોધાભાસ દેખાય છે.

jobs


ઍપલના સ્ટીવ જૉબ્સ વિશે પણ એક સમાચાર થોડા સમય પહેલાં છપાયા હતા. તે જ્યારે મૃત્યુશય્યા પર હતા ત્યારે તેમની પુત્રી તેમને મળવા આવી હતી જેની સામે સ્ટીવ જૉબ્સને કાયમ વાંધો હતો. ત્યાં સુધી કે એક સમયે તો સ્ટીવ જૉબ્સે તેને પોતાની પુત્રી માનવાથી પણ ઇનકાર કરી દીધો હતો. આ પુત્રીથી તેમને એટલો અણગમો હતો કે આટલી મોટી કંપનીના માલિક હોવા છતાં તે દીકરીની સામાન્ય સ્કૂલ-ફી ભરવામાં પણ આનાકાની કરતા હતા. આ પુત્રી જ્યારે મરણપથારી પર પડેલા જૉબ્સને મળવા ગઈ ત્યારે તેમણે પુત્રીને કહ્યું, આજે તેં કયું પરફ્યુમ લગાડ્યું છે? તારામાંથી ટૉઇલેટ જેવી ગંધ આવે છે. આવું તો કોઈ પોતાના દુશ્મનને પણ ન કહે! છતાં પોતાના જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહેલા એક પિતાએ પોતાની દીકરીને આ શબ્દો કહ્યા હતા.

ઍલન મસ્ક અને સ્ટીવ જૉબ્સ બન્નેનું નામ આજની તારીખમાં માનવજાતિનો ઇતિહાસ બદલનાર વ્યક્તિઓમાં કરવામાં આવે છે. સ્ટીવ જૉબ્સે હંમેશાં પોતાની સફળતાનો આધાર પોતાની સરળતાને ગણાવ્યો હતો. તેમનું માનવું હતું કે ફોન કે કોઈ પણ ઉપકરણ વાપરવામાં સરળ અને સુગમ તથા માનવસ્વભાવને સમજવાવાળું હોવું જોઈએ. માનવસ્વભાવને સમજવાના આ પ્રયાસમાં ઍપલે પોતાના ફોનમાં સીરી અસિસ્ટન્ટની રચના પણ કરી, જેને આજે લોકો માનવ-ઇતિહાસમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રથમ વ્યાવસાયિક ઉપયોગ તરીકે જુએ છે. આ અને આવાં બીજાં અનેક નોખાં અને અનોખાં ઇનોવેશન્સે આજે ઍપલને વિશ્વની સૌથી મોટી કંપની બનાવવામાં મહkવની ભૂમિકા ભજવી છે, જેને પગલે કેટલાક દેશોથી વધુ મોટી તો એની સાઇઝ છે. સરળતા અને સુગમતાના આધારે આવી ભીમકાય કંપનીની સ્થાપના કરનારા સ્ટીવ જૉબ્સ કેમ પોતાની જિંદગીમાં આવી સરળતા અને સુગમતા લાવી ન શક્યા એ ખરેખર એક ગૂઢ પ્રfન છે.

ઍલન મસ્કની હાલત પણ કંઈક આવી જ છે. એકથી વધુ વખત પરણીને છૂટા પડેલા મસ્કના અંગત જીવનના ઊતારચડાવ પર તો આખું પુસ્તક લખી શકાય એવું છે. તેમણે હંમેશાં એવો દાવો કર્યો છે કે તે નાનપણથી એકલા રહેવા માગતા નહોતા, એમ છતાં પોતાની પ્રથમ પત્ની પાસેથી છ સંતાનો મેળવ્યા બાદ તેમણે તેને છોડીની બીજી મહિલા સાથે લગ્ન કરી લીધાં. બીજી પત્નીની સાથેનું તેમનું દામ્પત્યજીવન પણ ફક્ત બે જ વર્ષ ચાલ્યું અને તેનાથી પણ તેમણે છૂટાછેડા લઈ લીધા. નવાઈની વાત તો એ છે કે તેમણે ફરી પાછા એ જ મહિલા સાથે લગ્ન કર્યા અને હવે તેને ફરી છૂટાછેડા આપવાની વાત ચાલી રહી છે.

ઊંઘની ગોળીઓ લેવી, અચાનક બેકાબૂ ગુસ્સો કરવો, ૪૮ કલાક ઑફિસમાં પીત્ઝા, કોક અને ચિપ્સના ખાલી ડબ્બાઓ વચ્ચે પડ્યા રહેવું આ મસ્કના શરૂઆતના દિવસોનાં લક્ષણો રહ્યાં છે, પરંતુ આ જ ઍલન મસ્ક જ્યારે ટેસ્લાની હૅટ પહેરે છે ત્યારે ઑટો ઇન્ડસ્ટ્રીમાં હેનરી ફોર્ડ બાદ સૌથી મોટી ક્રાન્તિ લાવનારી વ્યક્તિઓમાં તેમનું નામ બોલાય છે. સામાન્ય પેટ્રોલ અને ડીઝલથી ચાલતી ગાડીઓના સ્થાને ઇલેક્ટિÿક કારની ક્રાન્તિ લાવનાર ઍલન મસ્કને ઑટો ઇન્ડસ્ટ્રીમાં નવી ક્રાન્તિના જનક તરીકે જોવાય છે. ટેસ્લાની ગાડીઓ એટલી સરળ છે કે સામાન્ય ગાડીઓમાં જેટલી મશીનરી હોય છે એનાથી દસમા ભાગની મશીનરી પણ એમાં નથી હોતી. રાતે ગાડી ગૅરેજમાં ચાર્જ પર મૂકો અને સવાર સુધીમાં ગાડી ફરી પાછી માત્ર ચાર્જ જ ન થઈ જાય, પરંતુ મોબાઇલ ફોન્સની જેમ એનું સૉફ્ટવેર અપગ્રેડ પણ થઈ જાય. ટેસ્લાની ગાડીઓને ક્યારેય ગૅરેજમાં લઈ જવાની જરૂર નથી પડતી. મસ્કની કંપની સ્પેસ એક્સ સામાન્ય રૉકેટથી દસમા ભાગની કિંમતે તમને અંતરિક્ષમાં પહોંચાડી શકે છે.

પરંતુ આવી ઐતિહાસિક કંપની ચલાવતી વ્યક્તિના જીવનમાં કોઈ એક વસ્તુ જો મિસિંગ હોય તો એ સરળતા છે. શું એવું થતું હશે કે દુનિયા માટે અત્યાધુનિક છતાં સરળ વસ્તુઓ સતત શોધતા અને વિચારતા મહાનાયકો એ વિચારોમાં જ એટલા ખોવાઈ જતા હશે કે તેમના અંગત જીવનની સરળતા ગુમાવી બેસતા હશે? પોતાનું લક્ષ્ય પામવાના ચક્કરમાં બાકી બધું ભાન ભૂલીને માત્ર પોતાના લક્ષ્ય પાછળ દોડ્યા કરતા આવા લોકોને સનકી ગણવા, સ્વાર્થી ગણવા, અસંવેદનશીલ ગણવા કે પછી ઝનૂની ગણવા? તેમની શોધ મોટી કહેવાય કે પછી તેઓ જ્યારે એ શોધમાં વ્યસ્ત હોય ત્યારે તેમના માટે પોતાની નાની-મોટી ખુશી અને લાગણીઓનું બલિદાન આપનારી વ્યક્તિઓનો ત્યાગ? વળી આ પ્રfન ફક્ત ઍલન મસ્ક કે સ્ટીવ જૉબ્સને જ લાગુ નથી પડતો. ભૂતકાળની મોટા ભાગની એવી વ્યક્તિઓ, જેમની ગણના મહાનાયકોમાં થાય છે તેમનું અંગત જીવન તપાસી જોશો તો એ વેરવિખેર જ દેખાશે. પછી એ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર હોય, કવિ સાહિર લુધિયાનવી હોય, ચાર્લી ચૅપ્લિન હોય કે પછી આપણા કિશોરકુમાર જ કેમ ન હોય. એ બધાનાં અંગત જીવન ભયંકર ભરતી-ઓટના સાક્ષી રહ્યાં છે. કોઈએ એ વેદનામાંથી કવિતા શોધી, કોઈએ હાસ્ય શોધ્યું તો કોઈએ ગીતો ગાવાની નવી શૈલી વિકસાવી, પરંતુ કેમ કોઈ એ વેદનામાંથી સરળતા ન શોધી શક્યું એ એક મોટો પ્રશ્ન છે.

ખેર, દરેક પ્રશ્ન નો જવાબ મળે જ એવું જરૂરી પણ નથી અથવા એમ કહો કે કેટલાક પ્રfનો જવાબો ન મળવા માટે જ સર્જા‍યા હોય છે. જેમ તાજેતરમાં થાઇલૅન્ડમાં ગુફામાં ફસાઈ ગયેલી ફુટબૉલ-ટીમના ખેલાડીઓને બચાવવા ઍલન મસ્કે મિનિએચર સબમરીનની રચના કરી પોતાની ઉદાત્તતાનો પરિચય આપ્યો એવી રીતે જ્યાં સુધી આવા મહાનાયકો પોતાનાં મહાન કાર્યો દ્વારા દુનિયાને વધુ સરળ અને બહેતર બનાવતા રહેશે ત્યાં સુધી તેમના દરેક ગુના દુનિયાએ માફ કરતાં રહેવું પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK