સ્ત્રીનાં આંસુ પુરુષને પીગળાવી શકે?

રિસર્ચ કહે છે કે ફિઝિકલી અને મેન્ટલી સુપિરિયર ગણાતો પુરુષ સ્ત્રીનાં આંસુ સામે નબળો પડી જાય છે. આ વાત સાથે કેટલા પુરુષો સહમત છે એ જોઈએ

priyankaમૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા


થોડા સમય પહેલાં મહિલાઓની રડવાની આદતો વિશે કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ હતું કે એક મહિલા વર્ષમાં ઓછામાં ઓછા ૬૪ કલાક માત્ર રડવામાં જ વેડફી નાખે છે. આંસુ નામના હથિયારથી તે પોતાની વાત મનાવીને જ જંપે છે. રિસર્ચ કહે છે કે શારીરિક અને માનસિક રીતે સ્ત્રીની સરખામણીએ ચડિયાતો પુરુષ સ્ત્રીનાં આંસુ જોઈ નથી શકતો. બેફિકર અને બિન્દાસ સ્વભાવનો પુરુષ પણ એક સમયે ઢીલો પડી જાય છે. પુરુષની આ નબળાઈનો સ્ત્રીઓ લાભ ઉઠાવે છે એવું તારણ નીકળ્યુ છે. શું સ્ત્રીનાં આંસુ પુરુષોની નબળાઈ છે? આ સંદર્ભે મુંબઈના કેટલાક પુરુષોનો અભિપ્રાય જાણીએ.

પત્ની આંસુડાં પાડે તો ખબર પડે સાચાં છે કે ખોટાં : શરદ મોદી, કાંદિવલી

આંસુ કોનાં છે અને સાચાં છે કે મગરમચ્છનાં એના પર બધો આધાર છે એમ જણાવતાં કાંદિવલીના શરદ મોદી કહે છે, ‘સ્ત્રીમાં સહનશક્તિ અને ધીરજ ખૂબ હોય છે એથી સામાન્ય રીતે તેઓ રડતી નથી, પરંતુ પુરુષને વિવશ બનાવવાનો પ્લાન હોય ત્યારે તેને નકલી આંસુ સારતાં પણ આવડે છે. શામ, દામ, દંડ, ભેદ એમ બધા જ પ્રયાસો જ્યારે નાકામ જાય ત્યારે પોતાનું ધાર્યું કરાવવાના છેલ્લા હથિયાર તરીકે તે આંસુનો પ્રયોગ કરે છે. એવા સમયે પુરુષને એમ થાય કે જવા દો હવે. મારું માનવું છે કે પુરુષ તાકાતવર જ છે અને તે ઢીલો નથી પડતો, પણ ઘરની શાંતિ ડહોળાઈ ન જાય એટલે જતું કરે છે. તેને સાચાં-ખોટાં આંસુની પરખ તો હોય જ છે. મારી અંગત વાત કરું તો નજીકના સંબંધમાં મૃત્યુ જેવી ઘટના સિવાય મેં ક્યારેય મારી પત્નીને રડતાં જોઈ નથી. તે બહુ જ સ્ટ્રૉન્ગ છે. અમારી વચ્ચે કોઈ બાબતમાં વાદવિવાદ કે વિખવાદ થયો હોય ત્યારે પણ તેણે આંસુ તો નથી જ પાડ્યાં. તેની આંખમાંથી આંસુડાં પડાવવા હવે મારે કંઈક કરવું પડશે. આ બાબતમાં હું નબળો છું. ઘરમાં કોઈ બીમાર પડે એટલે મારી આંખ તરત ભીની થઈ જાય. તમે નહીં માનો પણ હું એવી બાબતોમાં પણ રડી પડું છું જે જોઈને સામાન્ય રીતે સ્ત્રીઓ ડૂસકાં ભરતી હોય. ટીવી પર કરુણ ફિલ્મ કે રિયલિટી શોમાં કોઈની દુખભરી કહાણી જોઉં તો મારી આંખમાં ઝળઝળિયાં આવી જાય, પછી ભલેને એ કદાચ ડ્રામા હોય.’

નારી શક્તિનું રૂપ છે તો પુરુષમાં સહનશક્તિ છે : હાર્દિક મુનિ, કાંદિવલી

મારાં લગ્નને હજી તો ચાર મહિના જ થયા છે એટલે એવો કોઈ અનુભવ થયો નથી, પણ આગળ કહી ન શકાય એમ રમૂજમાં બોલતાં કાંદિવલીનો હાર્દિક મુનિ કહે છે, ‘જેમ સ્ત્રીને આપણે શક્તિસ્વરૂપ માનીએ છીએ એવી જ રીતે પુરુષોમાં અઢળક સહનશીલતા છે. મને લાગે છે કે આજના સમયમાં સ્ત્રીઓ પહેલાં કરતાં વધારે સ્ટ્રૉન્ગ બની છે અને પુરુષો વધારે સહનશીલ બન્યા છે. પહેલાંના સમયમાં સ્ત્રીઓ ઘરમાં રહેતી. પુરુષ પર નર્ભિર રહેવાને કારણે નાની-નાની બાબતમાં તેઓ લાગણીશીલ બની જતી હતી. તેમને બહુ જલદી રડવું આવી જતું. આજની નારી એમ આંસુ સારે એવી ઢીલીપોચી નથી. કામ કઢાવવાના તેમની પાસે બીજા પણ અનેક રસ્તા છે. એજ્યુકેશન, સ્વતંત્રતા અને કરીઅરને કારણે તેમનામાં ઘણો બદલાવ આવ્યો છે. રોજ અનેક લોકોને મળવાનું થતું હોય ત્યાં લાગણીવેડા ન ચાલે આ બાબતની તેમને સમજ છે. હકીકતમાં આ બાબત સારી જ કહેવાય. બીજું એ કે કોઈ માગણી પૂરી ન થાય એટલે આંસુ સારવાની તેમને જરૂર પણ નથી. તેઓ પોતે જ આત્મનર્ભિર છે અને જે ધારે એ કરી શકે છે. એમ છતાં પરિસ્થિતિ, સંજોગો અને સમય જોઈને પુરુષ સ્ત્રીનાં આંસુ સામે કોઈક વાર નબળો પડી જાય ખરો. આંસુ સાચાં છે કે ખોટી રજૂઆત છે એ કદાચ કળી ન શકે, પણ પાડનાર વ્યક્તિ પોતાની હોય એથી દિલને લાગી તો આવે જ.’

સ્ત્રી પોતાનું મન હળવું કરવા કોઈક વાર રડે છે : વિજય પારેખ, ઘાટકોપર

સ્ત્રીનાં આંસુ પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે એવો અભિપ્રાય આપતાં ઘાટકોપરના વિજય પારેખ કહે છે, ‘સ્ત્રીઓનો સ્વભાવ લાગણીશીલ હોય છે. તેમને ચિંતા પણ બહુ થાય. કોઈ બાબતની મૂંઝવણ હોય તો તે રડીને પોતાનું મન હળવું કરી લે છે. મારા કેસમાં એવું છે કે મારી પત્ની રડતી હોય તો હું સમજી જાઉં કે કોઈ બાબતે મૂંઝાતી હશે અથવા આજે તેની તબિયત સારી નહીં હોય. આ બે કારણસર જ તેની આંખમાં આંસુ આવે છે. કોઈ વસ્તુની જીદ પૂરી કરવા તે રડી હોય એવું ક્યારેય નથી બન્યું. પોતાનું મન હળવું કરવા તે ક્યાં જાય? પતિ સાથે વાત શૅર ન કરે તો કોની સાથે કરે? પતિની પણ ફરજ છે કે તેની વાત ધ્યાનથી સાંભળે અને જરૂર લાગે તો સહાનુભૂતિ પણ આપે. મારો અનુભવ તો એ જ કહે છે કે સ્ત્રીઓની આંખમાં આંસુ ત્યારે જ આવે છે જ્યારે તેમની ધીરજ ખૂટી જાય છે. જો કોઈ સ્ત્રી દર બે-ચાર દિવસે આંસુ સારતી હોય તો પુરુષે ચેતી જવું જોઈએ. આંસુ નામના હથિયારથી તે પુરુષને ઇમોશનલી બ્લૅકમેઇલ કરતી હોય છે. વારંવાર રોકકળ કરતી સ્ત્રીનાં આંસુ સાચાં ન હોય. પુરુષે આવી સ્ત્રીને નજરઅંદાજ કરવી જોઈએ. વાસ્તવમાં ખોટાં-ખોટાં આંસુ સારતી સ્ત્રીથી પુરુષ ત્રાસી જાય છે અને એમ વિચારે છે કે આ તો રોજનું થયું. આવી સ્ત્રીઓ પોતાની છાપ ખરાબ કરે છે. આમ સ્ત્રીનાં આંસુનું કારણ જાણ્યા વગર પુરુષ નબળો પડે એ વાતમાં કોઈ માલ નથી.’

માતા અને દીકરીનાં આંસુ પીગળાવી દે : જગદીશ કાણકિયા, ચેમ્બુર

આંસુની પણ વ્યાખ્યા હોય છે એવો અભિપ્રાય આપતાં ચેમ્બુરના જગદીશ કાણકિયા કહે છે, ‘અમારું સંયુક્ત કુટુંબ છે અને ઘરમાં ઘણીબધી સ્ત્રીઓ છે. માતા, પત્ની, દીકરી, વહુ એમ બધાનાં આંસુમાં તફાવત છે. આંસુ સારનાર સ્ત્રીનું પાત્ર જોઈને પુરુષ પીગળે છે. માતાની આંખમાં તો આંસુ ક્યારેય આવવાં જ ન જોઈએ, સિવાય કે હરખનાં આંસુ. બાપ-દીકરીનો તો સંબંધ જ અનોખો છે. દુનિયાનો કોઈ પણ બાપ દીકરીની આંખમાં આંસુ જોઈ ન શકે તો હું કેવી રીતે જોઈ શકું? પત્નીનાં આંસુથી પુરુષ પીગળી જાય એવું દર વખતે જરૂરી નથી. મારું માનવું છે કે આંસુનો સંબંધ પ્રેમ સાથે જોડાયેલો છે. જેના માટે તમને સ્નેહ અને પ્રેમ હોય તેનાં જ આંસુ પીગળાવી દે. બાકી કોઈ રડતું હોય અને તમે પીગળી જાઓ એવું ન હોય. દયા તો તમને ભિખારીની પણ આવતી હોય ને કોઈ દુખિયારી બાઈ જોઈને પણ આવે, પણ તેનાં આંસુ જોઈને કંઈ તમે પીગળી જાઓ છો? પુરુષને એવી જ સ્ત્રીનાં આંસુ પીગળાવી શકે જેની સાથે તે સ્નેહના બંધનથી જોડાયેલો હોય - પછી તે પત્ની હોય કે પરિવારની કોઈ પણ સ્ત્રી હોય. જો સ્ત્રીનાં આંસુ પાછળ કોઈ સ્વાર્થ હોવાનો અણસાર આવી જાય તો પુરુષ પીગળતો નથી તો વળી કોઈક વાર જાણવા છતાં મજબૂરીમાં સર્પોટ કરવો પડે છે. એનું કારણ એ છે કે પુરુષ પણ આખરે તો લાગણીશીલ વ્યક્તિ છે. હવે કોઈ સાવ જ નિષ્ઠુર પુરુષ હોય તો તેને કોઈ પણ સ્ત્રીનાં આંસુ પીગળાવી ન શકે.’    


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK