આવા લોકો છેને ત્યાં સુધી મારી ગુજરાતી ભાષાને કંઈ જ નહીં થાય

આજે કવિ અને સમાજસુધારક નર્મદના જન્મદિવસ નિમિત્તે ઊજવાતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસે આ દિશામાં સક્રિય સેવાભાવીઓને અને એવા પેરન્ટ્સને મળીએ જેમણે પોતાનાં બાળકોને ગુજરાતી ભાષા લખતાં-વાંચતાં આવડે એ માટે ભરપૂર પ્રયત્નો કર્યા છે

narmad

રુચિતા શાહ

માતા અને માતૃભાષા સાથેનો ઘરોબો સદાકાળ હોવો જોઈએ. જમાનો કેટલો પણ આગળ વધે, ટેક્નૉલૉજિકલી આપણે કેટલા પણ વિકસિત થઈએ, અંગ્રેજી ભાષામાં આપણે ભલે ગમેએટલા પારંગત બનીએ તો પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ સાથેની આપણી આત્મીયતા ઘટવી કે હટવી ન જોઈએ. એ અનિવાર્ય છે. મૂળ વિનાનું ઝાડ ક્યારે જમીનદોસ્ત થઈ જાય એ કહેવાય નહીં એ રીતે આપણી પોતાની માતૃભાષા આપણું મૂળ છે, આપણા અસ્તિત્વનું અને વ્યક્તિત્વનું મૂળ છે. આપણા જીવનમાં ગુજરાતી ભાષાનું એટલું મહત્વ હોવું જોઈએ. આજે ઘણા પેરન્ટ્સ અંગ્રેજી ભાષા પ્રત્યે એટલાબધા આકર્ષિત થયા છે કે ઘરમાં પણ બાળકો ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં વાત કરે એવો આગ્રહ રાખતા હોય છે. તે એ સ્તર સુધી કે અડધું ગુજરાતી અને અડધું અંગ્રેજી બોલવામાં તેઓ બન્ને ભાષાનો દાટ વાળી રહ્યા છે. ‘બેટા, ત્યાં જઈને સીટ કર’, ‘જલદી વૉટર ગિવ કર’, ‘મમ્માએ નો કીધું હતું કે આઉટસાઇડ ફૂડ ઈટ કરવાની’ જેવાં અધકચરાં અંગ્રેજી અને ગુજરાતી વાક્યોએ તો ખરેખર બન્ને ભાષાઓની ઘોર ખોદીને બાળકોને એકેય ભાષાનાં રહેવા નથી દીધાં. આ દિશામાં વિચારવાની ખરેખર જરૂર છે ત્યારે મુંબઈની કેટલીક સંસ્થાઓ અને કેટલાંક માતા-પિતાઓ આશાનું કિરણ બની રહ્યાં છે. બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાથી પણ અપરિચિત ન રહે એ માટે શું ચાલી રહ્યું છે એ વિશે આજે ક્રાન્તિકારી કવિ અને લેખક શ્રી નર્મદના જન્મદિનને અને એ નિમિત્તે ઊજવાઈ રહેલા વિશ્વ ગુજરાતી ભાષા દિવસને વધાવીએ.

૨૫ વર્ષથી વધુ ઉંમરનાં સંતાનો માટે ઘરે ટ્યુશન શરૂ કર્યાં છે આ મમ્મીએ

બાંદરા (ઈસ્ટ)માં રહેતાં કુસુમ શાહને ગુજરાતી ભાષા માટે એટલો પ્રેમ છે કે હવે સંતાનો ૨૫ અને ૨૭ની ઉંમરે પહોંચ્યાં છે છતાં તેમને ગુજરાતી ભાષા આવડવી જોઈએ એ માટે હોમ-ટ્યુશન શરૂ કરવાનો વિચાર કયોર્ છે. તેઓ કહે છે, ‘મારો દીકરો મુલકિત, દીકરી હીરલ અને નણંદની દીકરી નેહાને હું નાનપણથી થોડું-થોડું ગુજરાતી શીખવતી રહી છું. અમે બાંદરામાં રહીએ છીએ એટલે કૉસ્મોપૉલિટન ક્રાઉડ છે. બહુ ઓછા લોકો છે જેઓ અમારા એરિયામાં ગુજરાતી બોલતા હોય. મારા હસબન્ડ મૂલચંદજીને પણ ગુજરાતી નહોતું આવડતું, પણ મારી સાથે રહીને તેઓ પણ શીખી ગયા. હું ઘરમાં બેથી ત્રણ ગુજરાતી છાપાં મગાવું અને છોકરાઓને એ વંચાવું. મોટાં મથાળાંઓ તેઓ વાંચી શકે છે, પણ તેમને હવે થોડીક મૂળની પદ્ધતિસર ટ્રેઇનિંગ મળે એ માટે શનિ-રવિ દરમ્યાન ટીચર ઘરે આવીને તેમને ગુજરાતી શીખવે એવી વ્યવસ્થા કરી છે. અઠવાડિયાના બાકીના દિવસો તો તેઓ ઑફિસમાં વ્યસ્ત હોય, પણ શનિ-રવિ બે-બે કલાક તેઓ આપે તો તેમનો જ ગ્રોથ છે.’

ગૌરાંગ મહેતા તેમના પરિવાર સાથે

કાંદિવલીમાં રહેતા ગૌરાંગ મહેતાની ૧૧ વર્ષની દીકરી શારવી અને પાંચ વર્ષનો દીકરો પ્રાંશુ ગુજરાતી ભાષા શીખવા માટેના વેકેશન-બૅચમાં જાય છે. તેઓ કહે છે, ‘અમારા ઘરમાં અમે બધા જ ગુજરાતી ભાષામાં વાત કરીએ છીએ. તેમને બોલતાં તો આવડે, પણ લખતાં અને વાંચતાં આવડવું જોઈએ. આજે જ્યારે ફૉરેન લૅન્ગ્વેજનો ક્રેઝ આટલો વધ્યો છે ત્યારે પોતાની ભાષા સાથેનો પરિચય ન હોય તો કેમ ચાલે? પોતાની ભાષા તો આવડવી જ જોઈએ. મારી પત્ની જિંકલ પણ આ જ મત ધરાવે છે એટલે અમે બન્નેએ દીકરી જ્યારે પાંચ વર્ષની હતી ત્યારથી તેને ગુજરાતી ભાષા શીખવા મોકલી દીધી હતી. બીજી વાત એ કે ગુજરાતી માધ્યમમાં આજના જમાનામાં છોકરાઓને ભણાવી ન શકાય. તેમને અંગ્રેજીમાં સારું પ્રભુત્વ અને દુનિયાની રીતભાતથી અલિપ્ત રાખી ન શકાય, પણ તેમને પોતાની માતૃભાષા સાથે પણ અંતર ન રહે એ જોવાની જવાબદારી દરેક મા-બાપની છે. આજે મારી દીકરી ગુજરાતીઓમાં કહેવતો બોલે ત્યારે બધા જોતા રહી જાય છે. યોગ્ય સમયે યોગ્ય કહેવતનો ઉપયોગ, વાંચન ઉપરાંત તેની ક્રીએટિવિટી પણ ખીલી છે.’

હિતેશ શાહ તેમના પરિવાર સાથે

શૅરબજાર સાથે સંકળાયેલા હિતેશ શાહ અને તેમના પરિવારના તમામ સભ્યો ગુજરાતી ભાષામાં પારંગત છે. ૧૨ અને ૧૦ વર્ષની હનિશા અને વિનિશા એમ બે દીકરીઓ પણ હવે ગુજરાતીમાં પારંગત બની ગઈ છે. હિતેશભાઈ કહે છે, ‘હું, મારી પત્ની રીના, મારા પિતા વસંતભાઈ એમ અમે બધા ગુજરાતીમાં જ ભણ્યા છીએ; પણ હવે જમાના પ્રમાણે છોકરાઓને ગુજરાતી માધ્યમમાં તો ન મૂકી શકાય. બેશક, મારી મોટી દીકરીને પહેલેથી જ ગુજરાતીમાં રસ હતો. તે જાતે છાપાં વાંચતી. હિન્દી અને ગુજરાતીમાં સરખા શબ્દો હોય તો એને તે ઓળખી શકતી. એ દરમ્યાન ગુજરાતી ભાષાની એક શિબિરમાં ગયા પછી તેની ભાષા ઘણી સુધરી છે. તેને ગુજરાતી ગમે છે એ સૌથી શ્રેષ્ઠ બાબત છે. આજે તે મારા પપ્પા સાથે પણ ગુજરાતીના શબ્દો અને ઉખાણાંઓની વાતો કરે છે. સ્કૂલમાં પણ તેણે ફ્રેન્ચને બદલે ગુજરાતી ભાષા લીધી છે. મારા અનુભવ પરથી કહું છું કે આપણાં સંતાનો આપણી સંસ્કૃતિથી જોડાયેલાં રહે એવું ઇચ્છતા હો તો તેમના પર ભાષાનો સૌથી વધુ પ્રભાવ પડે છે. આજે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તેમનું સર્કલ પણ એ જ પ્રકારનું હોય. આપણી દિવાળી, હોળી કે નવરાત્રિને ઊજવવામાં તેમને રસ પડે અને એમાં તેઓ હોશિયાર બને એવું ઇચ્છતા હો તો તેમને ગુજરાતી શીખવો. અચૂક.’

સલામ છે આમને

ગુજરાતી ભાષાથી એકેય ગુજરાતી બાળક વંચિત ન રહે એ માટે મુંબઈના ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. એ તમામને આજે વંદન. આ દિશામાં સક્રિય કેટલાક લોકો સાથે આજે વાતો કરીએ.

દર વર્ષે એક મહિનો ગુજરાતી ભાષા શીખવવાનો કૅમ્પ થાય છે મુંબઈભરમાં : અનંત મહેતા

શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ નામ અંતર્ગત અનંત મહેતા અને તેમનાં પત્ની મીના મહેતા ઉપરાંત નિરંજન શેઠ, વસંત શાહ જેવા ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે બાળકો ગુજરાતી ભાષા બોલતાં, વાંચતાં અને લખતાં શીખે એવા કાર્યક્રમો યોજવાના. દર વર્ષે મે મહિનામાં મુંબઈના ચાર-પાંચ વિસ્તારોમાં ગુજરાતી પ્રશિક્ષણ શિબિરનું તેઓ આયોજન કરે છે. તેઓ કહે છે, ‘કક્કો-બારાખડીથી લઈને કહેવતો, ઉખાણાંઓ, વાર્તાઓ, કવિતાઓ એમ બધું જ બાળકોને આ ત્રીસ દિવસના ટ્રેઇનિંગ કૅમ્પમાં પીરસીએ છીએ. છેલ્લા દિવસે એની ઉજવણી પણ કરીએ છીએ જેમાં ‘બાળકો માતૃભાષાના માર્ગે’ નામનું એક પુસ્તક પણ તૈયાર કર્યું છે, જેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં વાર્તાઓ છે અને દરેક શબ્દના અર્થ સહિત એની વિગતો આપી છે. વિદ્યાર્થી પાસેથી ૧૦૦ રૂપિયા ટોકનરૂપે લઈએ છીએ અને વર્ષે સવાસોની આસપાસ વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે.’

મિડ-ડેની આટલી વાત માનશો તમે?

આ વાત તમામ પેરન્ટ્સ અને ગ્રૅન્ડપેરન્ટ્સને કહેવી છે. એક વાત અમે સ્વીકારીએ છીએ કે તમારાથી બહેતર તમારા બાળકના ભવિષ્ય માટે શું સારું છે અને શું ખરાબ છે એ કોઈ નક્કી ન કરી શકે. તમે જ એમાં શ્રેષ્ઠ છો, પરંતુ તમારા બાળકને ગુજરાતી વાંચતાં અને લખતાં આવડવું જોઈએ એવું તમે સ્વીકારો છો? કદાચ તે ગુજરાતી માધ્યમમાં ભણે એ બાબત તમને ગળે ન ઊતરતી હોય તો પણ ઍટ લીસ્ટ ગુજરાતી ભાષાને એલિયન ભાષા તરીકે તે ન જુએ અને તેને એ ભાષામાં બોલવાનું, લખવાનું કે વાંચવાનું આવડે એટલી ફરજ તો તમે અદા કરી શકો છોને. અઠવાડિયામાં, મહિનામાં કે વરસમાં થોડાક દિવસ તમે એવા આપી શકો જેમાં તમે તમારા સંતાનને માતૃભાષા શીખવી રહ્યા હો. તમે ન શીખવી શકો તો આ કાર્ય કરી રહેલા લોકોને તો સોંપી જ શકો છો. બસ, તો આજે અમને એક વચન આપો કે તમારું બાળક ગુજરાતી વાંચતાં અને લખતાં શીખી શકે એવા પ્રયત્નો તમે કરશો? પ્રૉમિસ?

અઠવાડિયે એક વાર પોતાના ઘરે ટ્રેઇનિંગ લે છે આ બહેન : બીના ચિતલિયા

છેલ્લાં ઘણાં વષોર્થી નિકુંજ શેઠ અને તેમની ટીમના સેંકડો સ્વયંસેવકોએ માતૃભાષા-ટીચિંગમાં અનોખી ક્રાન્તિ લાવી છે. ગુજરાતી બુદ્ધિવિકાસ અભિયાન હેઠળ આ લોકોએ અત્યાર સુધીમાં લગભગ બારેક હજાર વિદ્યાર્થીઓને ગુજરાતી મૂળાક્ષરથી શરૂ કરીને કવિતાઓ અને મોટા-મોટા લેખ વાંચતાં અને લખતાં કર્યા છે. આ અભિયાન સાથે સંકળાયેલા અને પોતે પોતાના ઘરે અઠવાડિયે એક વાર બાળકોને નિ:શુલ્ક ગુજરાતી શીખવતાં બીના ચિતલયિા કહે છે, ‘બાળકો ખૂબ જ ઇન્ટરેસ્ટથી ભણે અને તેમનો રસ જળવાઈ રહે એ રીતે અમે આખો પ્રોગ્રામ ડિઝાઇન કયોર્ છે. એપ્રિલ અને મે મહિનામાં વીસ દિવસની ટ્રેઇનિંગ હોય છે. આજે ગુજરાતી ભાષા શીખવા માટે માત્ર પેરન્ટ્સ જ નહીં, ઘણાં ધર્મસ્થાનકો પણ આગ્રહ કરે છે. ઘણાં જૈન દેરાસરોનાં સાધુ-સાધ્વીજીઓ પણ તેમને ત્યાં આવા કૅમ્પ યોજી રહ્યાં છે.’

ગુજરાતી ભાષાના શબ્દોનો સાચો ઉચ્ચાર કરવો હોય તો આમને મળો : દિલીપ દોશી

ગુજરાતી ભાષા જેટલી જરૂરી છે એટલી જ અનિવાર્યતા છે ગુજરાતી ભાષાના શબ્દોનું યોગ્ય ઉચ્ચારણ. આ ઉચ્ચારણ સુધારવા માટે દિલીપ દોશી નામના આ ભાઈએ એક અનોખું વૉટ્સઍપ ગ્રુપ શરૂ કર્યું છે જેમાં લગભગ પોણાબસો સભ્યો છે. આ ગ્રુપમાં તેઓ ગુજરાતી ભાષાના વિવિધ શબ્દોના ઉચ્ચારણને લગતી સ્પર્ધા યોજે છે. તેઓ કહે છે, ‘આજે ઘણા દિગ્ગજો અને શિક્ષકો પણ ગુજરાતી ભાષાના અમુક શબ્દોના ઉચ્ચારણમાં ગોથું ખાઈ જાય છે. હું ચેન્નઈમાં ભણ્યો છું, પણ નસીબજોગે મારા શિક્ષકો સારા હતા એટલે એની સમજ મને મળી છે. સાચું ગુજરાતી બોલાય એ મારા પ્રયત્નો છે. આજે અમે આ ગ્રુપ તો ચલાવીએ જ છીએ, એ સિવાય પણ જો મુંબઈમાં ક્યાંય પણ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ શિબિર યોજવી હોય તો હું તદ્દન નિ:શુલ્ક એ શિબિરમાં આવીને મારો સમય આપીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK