કુછ મીઠા હો જાએ!

ભાઈ-બહેનનો સંબંધ મોટાં થતાં-થતાં વિસ્તૃત બનવો જોઈએ. આ સંબંધને આપણે સગાં, પિતરાઈ કે માનેલાં ભાઈ-બહેન એવાં લેબલ લગાડીએ છીએ. આ સંબંધમાં વહેતી લાગણીને કોઈ લેબલની જરૂર નથી. અજાણતાં એકબીજાનું મન દુભાવ્યું હોય, ગેરસમજણ થઈ હોય કે પછી ફરિયાદ હોય... લાગણીને માપવા કરતાં સામસામે બેસી એનું સમાધાન કરી લેવું જોઈએ

sakmanસોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

તહેવારોની મોસમ સાથે ઑગસ્ટ મહિનો હ્રુષ્ટપુષ્ટ થઈ ગયો છે. ક્યાંક વરસાદી આફતનું સંકટ છે તો ક્યાંક પાણી વગર તરસતાં ગામડાં અને ખેતરોમાં વરસાદની જરૂરિયાત મસ્ટ છે. આંખો બધું જ નિહાળી રહી છે અને છતાં બધા પોતાનામાં જ મસ્ત છે. દુકાળ અને પૂરનું દુખ હોય કે સરહદ પર શહીદ થતા જવાનોની શહાદત, મન લાંબો સમય આ પારકી પીડા સાથે તાલમેલ નથી સાધી શકતું. થોડોક સમય મનમાં સણકો ઊપડે અને પછી આપણે આપણી દુનિયામાં પાછા સરકી જઈએ છીએ. બીજાના દુખમાં અફસોસ કરતાં-કરતાં આપણા સુખ તરફ સરકવું આપણને કોઠે પડી ગયું છે.

પાણી વગર તરસતાં ઢોર અને માનવીની વ્યથા પાણીનો ભરપૂર ઉપયોગ કરનારને બહુ-બહુ તો થોડોક સમય વિચલિત કરી શકે. પછી ફરી આપણા હાથ પાણીનો વેડફાટ કરવા લાગી જાય છે. બીજાના દુખમાં સામેલ થવા માટે આપણને ન્ચ્D સ્ક્રીન માફક આવી ગઈ છે. આ સ્ક્રીનને પણ બિચારા, બિચારી, બિચારો શબ્દ પરિચિત થઈ ગયો છે. આખરે મશીન ખરુંને! અને મશીનનો એક ભાગ આપણી અંદર પણ વસવાટ કરે છે. ન્યુઝની વચ્ચે આવતી ઍડ્વર્ટાઇઝમેન્ટમાં આપણને ચમકદમક દેખાય છે.

ન્યુઝ-બ્રેકના એ કલબલાટમાં થોડીક ક્ષણ પહેલાં જોયેલી વ્યથા વામણી બની જાય છે.
જોકે વાત તહેવારોની થઈ રહી હતી ને મન પેલી પારકી, વ્યથામાં અટકી ગયું. પારકી તો પારકી થોડીક તો વિચલિત કરી જાય એવી પીડા માત્ર ટીવી-સ્ક્રીન પર ઓઝલ ન થઈ જાય એ વિશ્વાસ સાથે એવા સંબંધમાં સરકવું છે જે લોહીનો હોય કે પારકો, એક વ્યક્તિના કાંડા પર અને બીજી વ્યક્તિની પ્રાર્થનામાં સતત ધબકતો રહ્યો છે. આ પવિત્ર સંબંધ છે ભાઈ-બહેનનો. સગાં ભાઈ-બહેન હોય કે કઝિન, આ સંબંધ કૅરિંગથી લઈ શૅરિંગ સુધી, વાળ ખેંચવાથી લઈ ગુમ્મો મારવા સુધી, ચાડી ખાવાથી લઈ ચિંતા કરવા સુધી, તોફાનમાં તોફાની બની જવાથી લઈ ઘર-ઘર રમવા સુધીમાં સતત ખીલતો જાય છે.

બાળપણમાં એકબીજાની ચાડી ખાવામાં આ સંબંધ મોખરે હોય છે. ચુપકેથી ચોક ખાતા ભાઈને એકાદ-બે વર્ષ મોટી બહેન દાદાગીરીથી ધમકાવે અને માને ચાડીયે ખાય. ભાઈ આ ચાડીનો બદલો લેવા બહેનની ચોપડીમાં ચુપકેથી લીટા કરી નાખે કાં તો ફાડીયે નાખે. આ નિખાલસ તોફાનમસ્તીમાં ઘર ધબકતું રહે છે.

રમત-રમતમાં લીધેલા અબોલા થોડીક ક્ષણમાં ઓઝલ થઈ જાય. એકબીજા માટેના અબોલા, ફરિયાદ, મનમુટાવ, ગેરસમજણ બધું ભૂલી જવું એ સંબંધની સૌથી મોટી તાકાત છે. દરેક સંબંધને આ વાત લાગુ પડે છે.

કૃષ્ણભક્ત મીરાં અને જયમલ કાકા-કાકાનાં સંતાનો હતાં, છતાં બન્નેમાં એવી સમજ જાગ્રત થઈ નહોતી. સાથે ઊછરતાં બાળકોને લોહીનો સંબંધ સાચો એવી માન્યતા સાથે લેવાદેવા નથી હોતી. મીરાં અને જયમલ બન્ને સાથે રમતાં-ઝઘડતાં, દાદા પાસે વાર્તાઓ સાંભળતાં અને બાળપણની મોજ માણતાં. એક વાર જયમલ ઝાડ પર ચડ્યો એ સમયનો મીરાં અને જયમલનો સંવાદ રમણલાલ વસંતલાલ દેસાઈએ લખેલી નવલકથા ‘બાલા જોગણ’માં બહુ સરસ આલેખાયો છે એ અહીં મૂકું છું... ‘જયમલ! તું ઝાડ પર તો ચડ્યો; ભગવાન કેમ ચડતા હશે?’ મીરાં પૂછતી. ‘તું ચડી આવ, પછી કહું પ્રભુ કેમ ચડતા હશે. એ તું ઝાડ પર ચડે છે ત્યારે બરાબર ભગવાન જેવી લાગે છે.’ કહી જયમલ ઝાડ પર ચડતી મીરાંને નિહાળીને હસી પડતો. જયમલ જેટલી જ ચપળ મીરાં ઝાડ પર ચડી ભાઈને ધમકાવતી:
‘કહે, હું તને ધક્કો મારીને પાડી નાખું તો શું થાય?’‘ભગવાન પોતાના ભાઈને પાડી નાખતા હોય તો તું મને પાડી નાખ બહેન.’ જયમલે જવાબ વાળ્યો
.
‘ના રે ના, એમ તે થાય? મારા ભાઈને મારાથી પાડી નખાય? પણ હું તને ધક્કો મારું તો ભગવાન તને જરૂર બચાવી લે.’

‘ભલે, ધક્કો મારી જો. દાદાજી કહે છે કે ભગવાન ભક્તોને બચાવી લે છે. કપોતનાં બચ્ચાં, માંજારીનાં બચ્ચાં, ભગવાને કેવાં ઉગારી લીધાં હતાં?’
‘પણ ભાઈ! એ તો ભક્ત હોય તેને ભગવાન બચાવે, આપણે ભક્ત ઓછાં છીએ?’ મીરાં કહેતી.

‘મોટાં થઈશું ત્યારે ખૂબ ભક્તિ કરીશું.’ એમ કહી જયમલ અને મીરાં રમવા લાગતાં.
ખૂબ નિખાલસભર્યા મીરાં અને જયમલના આ સંવાદમાં ભાઈ-બહેનનો એકબીજા માટેનો પ્રેમ ભારોભાર છલકાય છે. આ સંબંધ જ એવો છે. ખિસકોલી જેટલી ઝડપથી ઝાડ પર ચડ-ઊતર કરે એ જ રીતે આ સંબંધના અબોલા ચડ-ઊતર કરે.

દરેક સંબંધની જેમ આ સંબંધમાં પણ ગેરસમજણ, અહંકાર પ્રવેશે છે અને ઘણી વાર એટલુંબધું અંતર વધી જાય કે ભાઈ-બહેન વચ્ચે રાખડીનો વ્યવહાર પણ નથી રહેતો. આટલી હદ સુધીનો મનમુટાવ સારો નહીં. રક્ષાબંધનને દિવસે ભાઈ-બહેન કોણ પહેલ કરશે એની રાહ જોતાં બેઠાં રહે અથવા તો અહમ પંપાYયા કરે કે રાખડી નહીં બાંધું કે બંધાવું તો શો ફરક પડે છે? સાચી વાત એ છે કે ફરક તો પડે છે. ભલે બન્ને વચ્ચે અંતર વધી ગયું હોય પણ મનમાં આ સંબંધની ખોટ જરૂર વર્તાતી હોય છે.

ભાઈ-બહેનનો સંબંધ મોટાં થતાં-થતાં વિસ્તૃત બનવો જોઈએ. આ સંબંધને આપણે સગાં, પિતરાઈ કે માનેલાં ભાઈ-બહેન એવાં લેબલ લગાડીએ છીએ. આ સંબંધમાં વહેતી લાગણીને કોઈ લેબલની જરૂર નથી. અજાણતાં એકબીજાનું મન દુભાવ્યું હોય, ગેરસમજણ થઈ હોય કે પછી ફરિયાદ હોય, લાગણીને માપવા કરતાં સામસામે બેસી એનું સમાધાન કરી લેવું જોઈએ, જેથી આ સુંદર સંબંધ જિંદગીભર મીઠો બની રહે. રક્ષાબંધન જેવા પવિત્ર દિવસે આ પવિત્ર સંબંધને રાખડી અને દુઆ બન્નેની જરૂરિયાત સાલતી હોય છે. આ રક્ષાબંધને મનમુટાવ ભૂલી જઈ આપણે જ પહેલ કરી એકબીજાને જરૂર કહીએ કુછ મીઠા હો જાએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK