તમે કંઈ કરવા માગો છો તો ક્યારેય મોડું નથી ઉદાહરણ જોઈતું હોય તો મળી લો આ દાદાજીને

૮૩ વર્ષના મનુ શાહ ફિઝિકલી ફિટ છે એટલું કાફી નથી. તેઓ આ ઉંમરે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે જોડાઈને દેશભરમાં ભ્રમણ કરી સેવાપ્રવૃત્તિ કરે છે. ભૂકંપ હોય કે જળહોનારત, મેડિકલ કૅમ્પ હોય કે દેશના અંતરિયાળ વિસ્તારમાં જઈને કામ કરવાનું હોય... મનુભાઈ ત્યાં પહોંચી જાય છે. પાછલી વયે પણ થાક્યા વિના સેવાકામ કરી રહેલા આ વડીલ તેમની વયના લોકો માટે ઉદાહરણરૂપ છે

dadaવડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

મારે તો આ કરવું હતું, પણ કરવા જ ન મળ્યુ એવાં બહાનાં કાઢીને પાછલી વયે પણ જો તમે કોઈ પ્રવૃત્તિ નથી કરી રહ્યા અને તમારી વયના ગલઢેરા મિત્રો સાથે માત્ર ચર્ચાઓ જ કરી રહ્યા છો તો એ ખોટું છે. આખી જિંદગી ભલે દેશ અને સમાજ માટે કંઈ ન કરી શક્યા તો હજી પણ કંઈ મોડું નથી થઈ ગયું. ઘર, પરિવાર, પાડોશી અને સંબંધીઓની નકામી કૂથલીમાં સમય અને માનસિક સ્થિતિ બગાડવાના બદલે પાછલી જિંદગી દેશ અને સમાજને અર્પણ કરો. અને આમાં તો જાગ્યા ત્યાંથી સવાર સમજી લાગી જાઓ સેવાપ્રવૃત્તિમાં, તમારી બચેલી જિંદગીને કરી દો દેશસેવામાં અર્પણ; પછી જુઓ તમને શારીરિક વ્યાધિઓ પણ પીડવાનું ઓછું કરી દેશે. આ સિલસિલામાં આજે આપણે ૮૩ વર્ષના મનુ શાહની વાત કરીશું જે એક રીતે વડીલો માટે દીવાદાંડીરૂપ છે.

દિવાળી પહેલાં મનુ શાહ તેમના પાંચ સાથીમિત્રો સાથે બોધગયાના નેત્રયજ્ઞમાં સેવા આપવા માટે જવાના છે. ૧૯૬૭માં બિહારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો એ સમયે મુંબઈના બિલ્ડર મહેશ ભણસાલીએ ત્યાં બહુ મોટી સેવાપ્રવૃત્તિ કરી હતી. એ પછી તેમને લાગ્યું કે અહીં સેવાપ્રવૃત્તિઓ કરવા જેવી છે અને ત્યારથી તેઓ અહીં નેત્રયજ્ઞ કરે છે. દર વર્ષે દસેક હજાર લોકોને ફ્રીમાં આંખનાં ઑપરેશન કરી આપવામાં આવે છે. અહીં આંખનું ઑપરેશન કરેલા દરદીઓને સુવાડવા, બેસાડવા, આંખમાં દવા નાખવી, દવાઓ આપવી, તેમને જમાડવા વગેરે જેવી સેવા મનુભાઈ કરે છે. પોતાને કોઈ આંખમાં ટીપાં નાખી આપે એવી ઇચ્છા રાખવાની વયે તેઓ બીજાની આંખમાં ટીપાં નાખી આપે છે. 

૧૯૬૭ના દુષ્કાળ સમયે અઢી મહિના સુધી મનુભાઈ ત્યાં રહ્યા હતા અને ગામેગામ ફરી લોકોને અનાજપાણી પહોંચાડવાનું કામ કરતા હતા. ઘણી વાર એવું બને છે કે અસરગ્રસ્તોને દાન કરનારા ઘણા હોય છે, પણ એ વસ્તુઓને તમામ લોકો સુધી પહોંચાડવાવાળું કોઈ નથી હોતું. 
ગયા મે મહિનામાં એટલે કે ૨૦૧૮ની ૮ મેએ ૧૫ દિવસ તેઓ કાશ્મીરના લશ્કરી કૅમ્પ પર થયેલા હુમલા અને એ પછી ઇન્ડિયન આર્મીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકથી જાણીતા બનેલા ઉડી ખાતે ૬૦ જણની ટુકડી સાથે ગયા હતા. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને દેશભક્તિથી ભરપૂર પ્રોજેક્ટ હતો. ઉડીનો પહાડી વિસ્તાર અને ઊંચાઈ પરનું હવામાન સેવાના તેમના બુલંદ મનસૂબાને ડગાવી ન શક્યાં. મનુભાઈ કહે છે, ‘ત્યાંના પહાડી વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ આવે, પણ મારું શરીર ગમેતેવા વાતાવરણથી ટેવાયેલું છે. મારી વયને જોતાં પહેલાં તો આ કૅમ્પના સંચાલકે સાથે લઈ જવાની ના પાડી દીધી, પણ પછી મારી ધગશને જોઈને સાથે લઈ લીધો. ઉડી તાલુકામાં અમારી ટુકડીએ બે કૅમ્પ કર્યા હતા.’

ઉડી તાલુકાના ઉરણગુહામાં અમારી એક ટુકડી હતી. અહીં અમે શાંતિનો સંદેશ લઈને આવ્યા હતા. સ્કૂલોમાં જઈ બાળકોને વિવિધ સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓ કરાવવાની હતી અને ગામેગામ જઈને લોકસંપર્ક કરવાનો હતો એમ જણાવતાં મનુભાઈ કહે છે, ‘અમે ગામેગામ ફરી દુકાનો, હૉસ્પિટલો, લોકોના ઘરે અને ગામના આગેવાનો સાથે મળીને વાતો કરતા અને તેમને અહેસાસ કરાવતા કે તમે આ દેશનું અભિન્ન અંગ છો અને સરકારને તમારી પરવા છે. અહીંના લોકોનું કહેવું હતું કે રાજકારણીઓ અને મીડિયાએ અમને જે રીતે ચીતર્યા છે એને લઈને ભારતના લોકો અમારી તરફ દુર્ભાવથી જુએ છે, બાકી અમે ભારત માટે પ્રાણ આપવા પણ તૈયાર છીએ. લોકોને મળીને અમે ત્યાંના લોકોની બેકારી, તેમની રોજગારની સમસ્યાઓ અને હુર્રિયતના નેતાઓ તેમનાં સંતાનોને ઉશ્કેરે છે વગેરે જાણી શક્યા.’ 


dada1

આ એક નોખો પ્રોજેક્ટ છે. મહેસાણા નજીકના બાસણા ગામમાં સંજય અને તેની પત્ની તુલા સંચાલિત વિશ્વ ગ્રામ સંસ્થા મે મહિનામાં ઉડીના લોકોને શાંતિસંદેશ આપવા માટે ૬૦ જણની ટુકડી લઈને ગઈ હતી. એમાં મનુભાઈ પણ હતા. તેઓ કહે છે, ‘ત્યાંના લોકો સાથે આત્મીયતા બંધાય એવા અમે પ્રયત્ન કર્યા. ત્યાં સ્કૂલનો સમય નવથી ત્રણ હોય છે.  સ્કૂલોમાં પહોંચી અમે તેમની સાથે પ્રાર્થના કરતા અને પછી રમતગમત, રંગોળી, ચિત્રકામ, વિજ્ઞાન અને ગણિતના પ્રયોગો, ગીતો ગવડાવવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવતા હતા.’
કચ્છનો ભૂકંપ હોય, મોરબીનું પૂર હોય, સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં પૂર વખતે ઢોર અને ઊંટ તણાઈ ગયાં હતાં એ દરેક સમયે મનુભાઈએ ત્યાં દોડી જઈને સામાજિક સંસ્થાઓ સાથે મળીને સેવાકાર્યો કર્યા છે. આદિવાસી વિસ્તારોમાં, પર્વતાળ અને અંતરિયાળ વિસ્તારોમાં જઈને આજે પણ તેઓ સેવાકાર્યો કરે છે.
થોડા સમય પહેલાં જૈનોનો રાષ્ટ્રીય લેવલ પર એક કાર્યક્રમ હતો. એમાં સંચાલકોને મળીને  મનુભાઈએ ૧૦ હજાર જૈન દેરાસરોમાં અંગલુછણિયાં અને પાટલુછણિયાં તરીકે ખાદી વાપરવાની હિમાયત કરી અને એ રીતે ૮૭ લાખની ખાદી જુદાં-જુદાં દેરાસરોમાં રાજકોટના ખાદી ભંડારથી પહોંચતી કરાવી. ભારતનાં બધાં નહીં, પણ જે મંદિરને ૧૦૦ વર્ષ થયાં હોય અને જે દેરાસરની મૂર્તિને ૧૦૦ વર્ષ થયાં હોય એવાં ૧૦ હજાર દેરાસરોમાં આજે ખાદી વપરાય છે.

મનુભાઈ જૈન છે, પણ તે કહે છે, ‘એ બધામાં હું માનતો નથી. ઝાઝાં દેરાસરોની કોઈ જરૂર નથી, જરૂર છે માનવમંદિરની. પથ્થરોમાં પૈસા નાખવાના બદલે જીવંત મંદિરરૂપ માણસને પૈસાની મદદ કરો.’

૮૩મા વર્ષે પણ આ પ્રકારની સેવાપ્રવૃત્તિઓ કરતાં તેમને થાક નથી લાગતો? મનુભાઈ કહે છે, ‘સેવાપ્રવૃત્તિઓમાં મને રસ છે એટલે મને થાક જરા પણ નથી લાગતો. દરેક હવામાન સાથે મારું શરીર ટેવાયેલું છે. આ બધી પ્રવૃત્તિઓ કરું તો મારું શરીર સરસ ચાલે છે અને મારો દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની ખબર નથી પડતી.’

મનુભાઈએ સાઇકલ પર જઈ ગામેગામ ખાદી વેચી છે. વૃદ્ધાશ્રમોમાં, બ્લાઇન્ડ સ્કૂલોમાં, અનાથાશ્રમોમાં, રક્તપિત્તના દરદીઓ માટે અનેક સેવા કરી છે. જીવનભર આવી અનેક સેવાપ્રવૃતિઓ મનુભાઈએ ભારતભરમાં ફરીને કરી છે, કરતા આવ્યા છે અને કરી રહ્યા છે.
સણોસરાની લોકભારતીમાં મનુભાઈ ૨૯ વર્ષ ટીચર્સ ટ્રેઇનિંગના અધ્યાપક હતા, પછી વાઇસ પ્રિન્સિપાલ બન્યા અને એ પછી એની શેત્રુંજી ડૅમ ખાતેની સંસ્થાના ૧૩ વર્ષ સંચાલક હતા. ૧૯૯૪માં ૫૮ વર્ષે રિટાયર થયા પછી ૮ વર્ષ મનુભાઈ પંચોલી ‘દર્શક’ સાથે કામ કર્યું.
ગાંધીજી પર, બાળકો પર અને બીજાં પુસ્તકો મનુભાઈએ લખ્યાં છે. લેખો લખે છે અને સંશોધન-નિબંધો પણ લખે છે. તેમણે રાષ્ટ્રીયતા બચપણથી આત્મસાત્ કરી છે. તેઓ ખાદી  જ પહેરે છે. તેમને ત્રણ દીકરાઓ છે. એક મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)માં રહે છે, એક અમદાવાદમાં અને એક ગાંધીનગરમાં રહે છે. મનુભાઈ કોઈ વાર મુંબઈ, કોઈ વાર અમદાવાદ તો કોઈ વાર ગાંધીનગર અને પોતાના ગામ પાલિતાણા નજીકના ભંડારિયા ગામમાં રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK