સજન રે સચ મત બોલો

સત્ય બોલવાની સજા થાય છે. સત્ય બોલવા કોણ તૈયાર છે? સત્ય સાંભળવા કેટલા લોકો રાજી છે? સત્ય સાંભળવાની કોનામાં હિંમત છે? સત્યએ તો સાબિત થવા માટે સંઘર્ષ કરવો પડે છે અને જૂઠ ફટાફટ પોતાનું કામ કરી જાય છે, આવામાં કોઈ સજન રે જૂઠ મત બોલોનું પાલન કઈ રીતે કરે?

column

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આમ તો મસ્ત મજાની હિન્દી ફિલ્મ ‘તીસરી કસમ’ (રાજ કપૂર-વહીદા રહેમાન)નું  સુંદર મજાનું અને પ્રેરણાદાયક-અર્થસભર ગીત છે સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ... પરંતુ હવેના સમય સાથે સત્યનાં અર્થ અને અર્થઘટન બન્ને બદલાઈ રહ્યાં છે. કોણ બોલે છે? ક્યારે બોલે છે? કોની માટે બોલે છે? કયા સંદર્ભમાં બોલે છે? કઈ રીતે બોલે છે? કયા હોદ્દા પરથી બોલે છે? એ પછી સત્ય નક્કી થાય છે. અલબત્ત, આ સત્ય એવું નથી હોતું જે બધાને જ સત્ય લાગે. અમુકને જે સત્ય લાગે એ બીજા અમુકને સત્ય ન પણ લાગે. સત્ય સત્ય છે એ નક્કી કોણ કરે છે? અને એ નક્કી કર્યા બાદ પણ એ જ સત્ય છે એ કોણ નક્કી કરશે એવા સવાલ ઊભા થાય છે. જેમ કે આ જગત ઈશ્વરે બનાવ્યું એમ કોઈ આસ્તિક પૂછે તો ઈશ્વરને કોણે બનાવ્યો એવું કોઈ નાસ્તિક પૂછી શકે.

હવે કોઈ ફિલ્મ બને તો એમાં આવું ગીત હોય: સજન રે સચ મત બોલો, આખિર ઇસ દુનિયા મેં રહના હૈ, યહાં બંગલા, મોટરગાડી હૈ, કહાં પૈદલ હી જાના હૈ? ખેર, આ તો એક વ્યંગની વાત થઈ, પરંતુ આ વ્યંગ આજે સત્ય બની ગયો છે. હકીકતમાં આજે જૂઠું બોલવું સહજ બનતું જાય છે અને સત્ય બોલવું અસહજ થતું જાય છે.

સોશ્યલ મીડિયાનું સત્ય-અસત્ય

હમણાં-હમણાં સમાચારજગતમાં અને સામાજિક જગતમાં એક નવો શબ્દ ચર્ચામાં છે, જે છે ફેક ન્યુઝ. ખોટા-જૂઠા ન્યુઝ, જેને ખરેખર તો ન્યુઝ પણ ન કહેવાય. બલકે ફેલાવાતી વાતો, અહેવાલો, અફવા, ટિપ્પણીઓ, અભિપ્રાય, ગેરમાર્ગદર્શન વગેરે. આ અસત્યની અસર એટલીબધી વ્યાપક બની ગઈ છે કે હવે સત્યને ઓળખવાનું મુશ્કેલ થતું જાય છે. એમાં પણ સોશ્યલ મીડિયાના પગલે અને પરિણામે એકેક માણસ ન્યુઝમૅન થઈ ગયો છે, જેને જે મનમાં આવે તે લખે અને સોશ્યલ મીડિયા પર મૂકી દે. બસ, પછી તો ગાડી એની મેળે દોડે રાખે. જે લોકો પોતે ન લખી શકે એ કોઈના લખેલાને ફૉર્વર્ડ (આગળ ધકેલ્યા કરે) કર્યા કરે. યાદ રાખજો, જેમાં છેલ્લે એવું લખ્યું હોય કે આ મેસેજને વધુમાં વધુ લોકો સાથે શૅર (વહેંચજો) કરજો તો તરત એ મેસેજ પર શંકા કરજો, પછી ભલે એ તમને ગમતા હોય; કેમ કે એ મેસેજ  કાં તો મોટિવેટેડ હોઈ શકે યા પ્લાન્ટેડ હોઈ શકે (હા, આમાં અપવાદ હોઈ શકે, જેને તમે તમારી વિવેકબુદ્ધિથી સમજી શકો). જેથી એને સત્ય સાથે કોઈ સંબંધ ન હોય એવું બની શકે. એ કોઈકની તરફેણમાં હોય અથવા કોઈકની વિરુદ્ધમાં હોય. આ એક ખતરનાક ખેલ છે જે રાષ્ટ્રના હિતમાં નથી, સમાજના હિતમાં નથી. 

સત્ય-અસત્યની ભેળસેળ

સોશ્યલ મીડિયા પર અંકુશ મૂકવાનું કઠિન છે. એ તો ટોળા જેવું છે. ટોળું હિંસા કરે તો સજા કોને થાય? પરંતુ હવે તો ઇલેક્ટ્રૉનિક અને પ્રિન્ટ મીડિયામાં પણ ફેક ન્યુઝ જાણતાં-અજાણતાં (?) ચાલતા હોવાનું જોવામાં આવે છે. તમે જો તમારી સાચી સમજણ અને વિવેક નહીં જાળવો તો તમે આ પ્રવાહમાં તણાઈ જાઓ એ નક્કી છે અને તમારી જાણ વિના તમે દેશદ્રોહી યા અસામાજિક હસ્તી બની જાઓ એવું પણ બની શકે. હા, પણ કોઈને એ સમજાશે નહીં, તમને પણ એનો ખ્યાલ ન આવે એવું પણ ચોક્કસ બની શકે; કારણ કે સત્ય અને અસત્યની વ્યાખ્યા જ બદલાઈ રહી છે. આ બન્નેની ભેળસેળ એટલી જબ્બર છે કે સત્યને તારવો તો સાથે અસત્ય આવી જાય એવી સંભાવના અથવા તમે જેને સત્ય સમજો, પણ એ અસત્ય આવી જાય એવું બની શકે.

જાણીતા ગુજરાતી કવિની આ પંક્તિ સ્કૂલમાં ભણવામાં આવતી હતી એ અહીં યાદ આવે છે.

એ લોકો મને ગોળી નહીં મારી શકે

એ લોકો મને શૂળીએ નહીં ચડાવી શકે

એ લોકો મને ઝેર પણ નહીં પીવડાવી શકે

કારણ કે હું સત્ય બોલવાનો આગ્રહ નથી રાખતો

શું સત્ય આવું છે? શું સત્ય બોલવાથી સજા મળે છે? જે જગત સત્યને જ મહાન અને આદર્શ માને છે કે ધર્મ માને છે એને સત્ય જ કેમ માફક આવતું નથી? શું સત્ય કહેવાની રીત ખોટી યા ભૂલભરેલી હોય છે? સત્ય કડવું કેમ કહેવાય છે? સત્ય બોલતાં માણસો ગભરાતા હોય છે કે સત્ય સાંભળતાં ગભરાતા હોય છે? તો પછી સત્યનો આગ્રહ કેમ રખાય છે? માણસ ઇચ્છે છે કે તેની સામે સૌ સત્ય બોલે તો પછી એ માણસ સત્યને જ કેમ સહન કરી શકતો નથી? અને પોતે બીજાઓ સામે સત્ય બોલવાને બદલે અસત્યનો કેમ સહારો લે છે? 

સત્ય સાથે સતત અન્યાય

એક હિન્દી ફિલ્મમાં બે અભિનેતા વચ્ચેનો સંવાદ છે, જેમાં એક જણ બીજાને કહે છે કે જો ભી કહના સચ કહના હૈ. ત્યારે બીજું પાત્ર કહે છે, સચ હોતા ક્યા હૈ? સબકા અપના-અપના વર્ઝન હોતા હૈ. વાત તો સાચી લાગે. દરેકને પોતાનું સત્ય સાચું લાગે છે. આમાં એમ પણ કહી શકાય કે સંજોગ-સમય મુજબ સત્ય બદલાતાં રહે છે. વાસ્તવમાં સત્ય સાથે વરસોથી અન્યાય થતો રહ્યો છે, જેને એમ કહી આશ્વાસન અપાતું રહે છે કે આખરે જીત સત્યની થાય છે. આ એક મોટો ભ્રમ પણ હોઈ શકે અથવા જેની જીત થાય છે તેની વાતને સત્ય માની લેવામાં આવે છે. સમય સૌથી વધુ પરીક્ષા અને સૌથી કઠોર પરીક્ષા પણ સત્યની જ લે છે. ઇતિહાસમાં એના અનેક દાખલા છે. કેટલીયે વાર આપણને સવાલો થાય છે કે કેમ સાચા માણસે જ વધુ સહન કરવાનું આવે છે? જૂઠ ઝટપટ ચાલી જાય છે, વેચાઈ જાય છે અને જીતી પણ જાય છે; જ્યારે સત્યએ સતત સાબિત થવા માટે સંઘર્ષ કરવો પડે છે. એટલે જ કોઈ પંક્તિ એવી પણ લખાઈ છે, સત્ય ફાંસીએ ચડે અને જૂઠની ધજા ફરફરે આ બધા વિચારોમાંથી જ સમાજમાં સત્ય પ્રત્યેનો વિશ્વાસ ઘટતો જાય છે અને માણસ પછી સત્ય બોલતાં ખચકાય છે. સત્ય બોલવામાં જોખમ માનવા લાગે છે. સત્ય બોલવાનાં, સત્યની ઝુંબેશ ચલાવવાનાં એટલાંબધાં જોખમ અને દદર્‍ ઉઠાવવાનાં આવે છે કે માણસ થાકીને કહી દે તો નવાઈ નહીં કે સજન રે સચ મત બોલો!

સત્ય કહી શકાતું નથી!

વિશ્વવિખ્યાત ચીની ફિલસૂફ લાઓ ત્સે (જે તાઓ તરીકે પણ ઓળખાય છે)એ સત્ય માટે સાવ જ નોખી વ્યાખ્યા કરી છે. જે આજ સુધી જગતમાં કોઈએ કરી નથી એવી વાત તેમણે સત્ય માટે કહી છે. તાઓ કહી ગયા છે, સત્ય ક્યારેય કહી શકાતું નથી, જેવું એ કહ્યું કે એ મટી જાય છે. આમ તો આ વિધાન કે અર્થઘટન સાંભળીને આઘાત લાગી શકે. સત્ય કહી જ ન શકાય એ કઈ રીતે? અને કહેવાય કે એ મટી જાય એ પણ કેવું? પરંતુ આ વિધાનના  ઊંડાણમાં જઈને એનું અર્થઘટન કરશો તો આ વાત સત્ય લાગશે. તમે કહી શકો કે આમાં અમે ક્યાંથી ઊંડાણમાં જઈએ, તમે કેમ નથી કહી દેતા? તો એનો જવાબ છે કે આ વિધાનનું અર્થઘટન સમજવા માટે તાઓ (લાઓ ત્સે)ના ઉપનિષદને વાંચવું બહેતર છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK