નાના નિર્ણયોનું મોટું મહત્વ પણ હોય છે

આપણે જીવનમાં મોટા નિર્ણયો ઓછા લેવાના આવે છે, પરંતુ નાના નિર્ણયો રોજબરોજ લેવાતા હોય છે. એ નાના છે એટલે એમની ઉપેક્ષા ન કરો બલકે વધુ મહત્વ આપો, કેમ કે...

irfan


સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

પત્નીઓને પૂછશો કે તેમને પોતાના પતિની કઈ બાબત સૌથી વધારે ઇરિટેટ કરે છે તો મોટા ભાગે જવાબ એક જ હશે. એ હશે તેમના પતિદેવોની વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવાની આદત. બૂટ રૂમમાં વચ્ચોવચ મૂકી દેવાં, મોજાં કાઢીને સોફા પર મૂકી દેવાં, કપડાં કાઢીને વૉશિંગ મશીનની અંદર નાખવાના સ્થાને મશીનની ઉપર જ મૂકી દેવાં, દાંત સાફ કરીને બ્રશ સ્ટૅન્ડમાં મૂકવાના સ્થાને વૉશ-બેસિનની ઉપર જ છોડી દેવું, ટૂથપેસ્ટનું ઢાંકણ બરાબર બંધ ન કરવું વગેરે જેવી સાંભળવામાં સાવ ક્ષુલ્લક બાબતોનો જ પત્નીઓને સૌથી વધારે ત્રાસ થતો હોય છે. આમ જોવા જાઓ તો ખરેખર જ આ બાબતો સાવ વાહિયાત અને નકામી હોય છે અને કદાચ એટલે જ પતિઓને એવું લાગતું હોય છે કે આવીબધી બાબતોને આટલું બધું મહત્વ આપવાની જરૂર જ શું છે? જોકે હકીકત તો એ છે કે એ આવી ક્ષુલ્લક બાબતો જ હોય છે જે મહામહેનતે સજાવેલા ચાર ચાંદ જેવા ઘરને ડાઘ લગાડવાનું કામ કરતી હોય છે અને એ આખો દિવસ પત્નીઓનું કામ વધારવામાં નિમિત્ત બનતી હોવાથી જ તેમને એ બધાનો સૌથી વધારે કંટાળો આવતો હોય છે.

બીજી મહત્વની વાત એ છે કે એ આવી નાની-નાની બાબતો જ હોય છે જે  વ્યક્તિ તરીકે આપણે કેવા છીએ એનો; આપણા વિચારો, આપણી માનસિકતા, આપણી આદતો, આપણા સમગ્ર વ્યક્તિત્વનો ચિતાર આપે છે. બાહ્ય ચિત્ર ગમે એટલું સારું કે સુંદર જ કેમ ન હોય, આખરે તો એમાં રહેલી ઝીણી-ઝીણી બાબતો જ આપણી ખામી કે ખૂબીની ચાડી ખાઈ જતી હોય છે. તેથી જ કદાચ અંગ્રેજીમાં કહેવત છે કે ગૉડ લાઇઝ ઇન ડીટેલ્સ. કેટલાક એના માટે ડેવિલ લાઇઝ ઇન ડીટેલ્સ જેવો વાક્યપ્રયોગ પણ કરે છે. ગૉડ હોય કે ડેવિલ, જે સૌથી વધારે મહત્વનું છે એ તો આ ડીટેલિંગ જ છે.

અહીં વર્ષો પહેલાં ક્યાંક સાંભળેલો એક કિસ્સો યાદ આવે છે. એક વાર એક નામાંકિત ઉદ્યોગપતિ પોતાના એક મોટા પ્રોજેક્ટનું સુપરવિઝન કરવા ગયા હતા. આખા પ્રોજેક્ટનું પરીક્ષણ-નિરીક્ષણ કર્યા બાદ તેમણે સુધારાવધારા કરવાની જરૂર હતી એવી બાબતોની એક આખી યાદી તૈયાર કરી. એ યાદીમાં તેમણે એ પ્રોજેક્ટના એક નાનકડા વિસ્તારમાં એક એક્ઝૉસ્ટ ફૅન ઠીક કરવાનું પણ લખ્યું હતું. મહિનાઓ બાદ જ્યારે તેઓ ફરી પાછા એ પ્રોજેક્ટની મુલાકાતે ગયા ત્યારે કંપનીના ઉપરીઓને ખાતરી હતી કે તેમણે સાહેબની સૂચિમાં લખેલી બધી બાબતોનું ધ્યાન રાખ્યું હોવાથી આ વખતે તો તેઓ તેમની કોઈ જ ભૂલ કાઢી નહીં શકે. જોકે એ ઉદ્યોગપતિએ તો પહેલો સવાલ જ પેલા એક્ઝૉસ્ટ ફૅન માટે પૂછ્યો. સ્વાભાવિક રીતે એ બાબત એટલી ગૌણ હતી કે બધાના ધ્યાનની બહાર જતી રહી હતી. બસ, પતી ગયું. આ એક બેદરકારીથી સાહેબ એટલા નારાજ થઈ ગયા કે એકેએક ઉપરીઓએ કરેલી બીજી બધી તૈયારીઓનું કોઈ મહત્વ રહ્યું નહીં.

પોલીસના ચોપડા ખોલીને જોશો તો એવા અસંખ્ય કિસ્સા મળી આવશે જેમાં પારાવાર આયોજન સાથે કરવામાં આવેલા ગુના ગુનેગારથી રહી ગયેલી એકાદ આવી નાની ક્ષતિથી જ પકડી પાડવામાં આવ્યા હોય. જીવનમાં ડીટેલ્સનું આટલું મહત્વ હોવાથી જ કદાચ ગાંધીજીએ અભ્યાસના સંદર્ભમાં ડિગ્રીઓ કરતાં અક્ષરોના મરોડ પર ધ્યાન આપવાનું કહ્યું હશે અને ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની જેવા ગણાવ્યા હશે. કે પછી આપણામાં માણસને સમજવા તેના દ્વારા બોલાયેલા શબ્દો કરતાં તેના હાવભાવ દ્વારા વણબોલાયેલા શબ્દો પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવતું હશે.

ટૂંકમાં, આ નાની-નાની બાબતો જ છે જે આપણને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. અસંખ્ય નાની કીડીઓ મળીને હાથી જેવા હાથીના મૃત્યુનું કારણ બની શકે છે. નરી આંખે જોવામાં મુશ્કેલ એવી ઊધઈ આખા ને આખા મકાનને કોરી ખાય છે. એક નાનીઅમથી ભૂલ ટાઇટૅનિક જેવી મહાકાય શિપને ડુબાડી દેવામાં નિમિત્ત બની શકે છે. બલકે આવી નાની-નાની બાબતોને અવગણવા જતાં ભોગવવાં પડતાં મોટાં પરિણામોનો વિચાર કરીએ તો સમજાય કે જીવનમાં ખરેખર નાનું કશું હોતું જ નથી. બલકે આપણું સમગ્ર જીવન આવી ક્ષુલ્લક બાબતોનું જ સરવૈયું હોય છે.

તમે જ વિચાર કરો કે લાઇફમાં આપણે શેનો અભ્યાસ કરવો, નોકરી કરવી કે બિઝનેસ કરવો, બિઝનેસ કરવો તો શેનો કરવો, નોકરી કરવી તો ક્યાં કરવી, કોની સાથે પરણવું, બાળકો કરવાં કે ન કરવાં, કેટલાં બાળકોને જન્મ આપવો વગેરે જેવા મોટા અને મહત્વના નિર્ણયો કેટલી વાર લેવા પડે છે? એની સામે આજે ઘરમાં તોફાન કરતાં બાળકો પર ગુસ્સે થવું છે કે તેમને પ્રેમથી સમજાવવાં છે, આજે સાંજે ઘરે જમવાનું બનાવવું છે કે બહાર જમવા જવું છે, આજે દિવસ સારો નથી ગયો તો શાંત રહેવું છે કે કોઈના પર ગુસ્સે થઈને પોતાની અકળામણ કાઢી મૂકવી છે

વગેરે જેવા નાના-નાના નિર્ણયો કેટલી વાર લેવા પડે છે?

રોજિંદા ધોરણે ડગલે ને પગલે લેવાયેલા આવા અસંખ્ય નાના-નાના નિર્ણયો જ આખરે આપણા જીવનની દિશા નક્કી કરતા હોય છે. આ નાના-નાના નિર્ણયો જ આખરે આપણી આદતો, આપણો સ્વભાવ, આપણું સમગ્ર વ્યક્તિત્વ ઘડતા હોય છે. સફળતા કોઈને રાતોરાત મળતી નથી. બધા મહાન લેખકો, મહાન ચિત્રકારો, મહાન કલાકારો આવી ઝીણી-ઝીણી વસ્તુઓ પર ધ્યાન આપતા-આપતા આ મુકામ પર પહોંચ્યા હોય છે. દરેક મોટી શોધની શરૂઆત એક નાના વિચારથી થાય છે. દરેક મહાકાય બિઝનેસનો પાયો નાના સાહસમાં સમાયેલો હોય છે.

તેથી જીવનમાં મોટાં પરિવર્તનો કે મોટાં પરિમાણો જોઈતાં હોય તો એની નાની-નાની બાબતો પર ધ્યાન આપવાનું શીખવું પડે. મોટો સંતોષ અને આનંદ જોઈતા હોય તો આંગણામાં ખીલેલાં ફૂલ, બારીએ આવીને બેસેલા પંખી કે પછી શિયાળાની સવારે બગીચાના ઘાસ પર બાઝી ગયેલા ઝાકળ જેવી કુદરતની નાની-નાની બક્ષિસોને માણતાં શીખવું પડે. પરિવારજનો, મિત્રો કે સગાંસંબંધીઓનો પ્રેમ અને સરાહના ઝંખતા હોઈએ તો થોડું વધારે હસી, થોડી વધારે તેમની વાતો ધ્યાનપૂવર્‍ક સાંભળી, થોડી વધારે પ્રશંસા કરીને થોડી વધારે તેમની મદદ કરવાની તૈયારી દાખવવી પડે. આવી નાની-નાની બાબતો જ આપણને આત્મવિશ્વાસ અને આત્મસંતોષ આપે છે, લોકોમાં આપણને પ્રિય બનાવે છે અને આપણા ગયા બાદ પણ આપણને યાદ કરવાનું કારણ બને છે.

આટલું વાંચ્યા બાદ વાત કંઈક ગળે ઊતરી હોય તો હવે પછી જ્યારે તમારી પત્ની તમારા પર લાઇટ અને પંખાની સ્વિચ બંધ ન કરવા માટે કે પછી પાણીનો નળ બરાબર બંધ ન કરવા માટે કે પછી વસ્તુઓ આમતેમ ફગાવી દેવા માટે ગુસ્સો કરે તો અકળાઈ જવાના સ્થાને ઉપર જણાવેલા મુદ્દાઓ પર ફરી એક વાર ધ્યાન આપજો. પછી જોજો કેવી રીતે તમારી અકળામણ ન ફક્ત બાષ્પીભવન થઈ જાય છે, પરંતુ કેવી રીતે તેમના કજિયામાં પણ તમને તેમનો પ્રેમ દેખાઈ આવે છે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK