સ્માર્ટફોનના માધ્યમથી ગૃહિણીઓ ઘેરબેઠાં તમામ કામ કરવામાં બની ગઈ છે સ્માર્ટ

એવી કેટલીક મહિલાઓને મળીએ જેઓ વધારે ભણેલી ન હોવા છતાં તેમની કોઠાસૂઝ અને બુદ્ધિચાતુર્યથી નેટ બૅન્કિંગ, ઇલેક્ટ્રિસિટી બિલ, ગૅસબિલ, મોબાઇલ રીચાર્જ જેવાં અનેક કામ કરી જાણે છે

phone

લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

આપણે ટેક્નૉલૉજી પર કેટલા ડિપેન્ડન્ટ છીએ એ આજના જમાનામાં કોઈને સમજાવવાની જરૂર નથી. આ ફીલ્ડમાં આપણે બધા એટલા આગળ વધી ગયા છીએ કે સ્માર્ટફોન, વિડિયો ચૅટિંગ, ફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાથી લઈને ઑનલાઇન શૉપિંગ, ઈ-મેઇલ અને ઈ-પાસબુક જેવાં એટલાંબધાં માધ્યમો છે જેના વગર ઘડીયે ચાલે એમ નથી. ટેક્નૉલૉજીએ ચોક્કસ આપણા જીવનમાં સુવિધાઓ પૂરી પાડી છે. મોબાઇલ અને વિડિયો કૉલથી અનેક કામ સરળતાથી પાર પડી જાય છે, પરંતુ શું ડિજિટલ ભાષાને સમજવામાં બધા જ સમર્થ હોય છે? જે મહિલાઓને અંગ્રેજી ભાષા આવડતી નથી કે વધારે શિક્ષિત નથી તેમના માટે આ બધાં કામો આપણે ધારીએ છીએ એટલાં સરળ છે?

આપણી સમજ એટલી જ છે કે જેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોય તેમના માટે ટેક્નૉલૉજી શીખવી અઘરી છે, પરંતુ આપણી આસપાસ એવી ઘણી મહિલાઓ છે જે હાઉસવાઇફ તેમ જ ઓછું ભણેલી હોવા છતાં ટેક્નૉલૉજીના ઉપયોગમાં ઘણી શાર્પ હોય છે. ચૅટિંગથી લઈને ઑનલાઇન શૉપિંગ સુધીનાં તમામ કામ તેઓ ચપટી વગાડતાં કરી જાણે છે. તેમનું ટેક્નૉલૉજીનું જ્ઞાન જોઈને કેટલીક વાર આપણે અચંબિત થઈ જઈએ છીએ. ચાલો આજે આપણે એવી કેટલીક મહિલાઓને મળીએ જેઓ પોતાની સામાન્ય સમજથી ટેક્નૉલૉજીનો બખૂબી ઉપયોગ કરી જાણે છે.

ટેક્નૉલૉજીનું મને પહેલેથી જ આકર્ષણ રહ્યું છે એમ જણાવતાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરનાર બોરીવલીનાં ગૃહિણી ડિમ્પલ ધકાણ યાદવ કહે છે, ‘નાનપણથી જ મને નવી-નવી વસ્તુ શીખવાનો જબરો શોખ રહ્યો છે. સંજોગોએ સાથ ન આપ્યો એટલે કૉલેજમાં નથી ગઈ, પણ શીખવાનું ક્યારેય છોડ્યું નથી. કમ્પ્યુટર અને મોબાઇલ આવ્યાં ત્યારથી જ એનો ભરપૂર ઉપયોગ કરું છું. સ્માર્ટફોનમાં એવું તો શું છે? કુતૂહલવશ ખણખોદ શરૂ કરીને બધું જ શીખી લીધું. પેટીએમથી પૈસા મોકલવા, લાઇટબિલ ભરવું, ગૅસબિલ ભરવું, મૂવીની ટિકિટ બુક કરવી આ તમામ કામો ફટ દઈને કરી લઉં છું. સમય પણ બચે અને કૅશબૅક પણ મળે. લગભગ પાંચેક વર્ષથી તો હું મોબાઇલ દ્વારા જ બિલો ભરું છું એટલું જ નહીં, ગૂગલમાંથી પણ નવું-નવું શોધી કાઢું. ઘણી વાર તો મારાં બાળકો મને કહે કે મમ્મી, આ તેં ક્યાંથી શોધ્યું? ઘરમાં કોઈના મોબાઇલમાં રીચાર્જ કરવું હોય તો પણ ઑનલાઇન કરી આપું. પેમેન્ટ મોકલ્યું હોય અને ન પહોંચ્યું હોય તો આગળ કેવી રીતે પ્રૉબ્લેમ સૉલ્વ કરવો એ પણ આવડે છે. સામાન્ય રીતે તો ક્યાંય કામ અટકતું નથી, પણ જો ક્યારેક અટકે તો કસ્ટમર કૅરવાળાને આપણા માટે જ બેસાડ્યા છે. એકાદ વાર એવું બન્યું છે કે વધારે ખણખોદ કરવાના કારણે કંઈક ભળતું જ ડાઉનલોડ થઈ જતાં મોબાઇલ હૅન્ગ થઈ ગયો. આવા વખતે પણ મેં મગજ દોડાવી ફોનમાં જે કંઈ પણ સેવ કરેલું હતું એને કમ્પુટરમાં અને પેનડ્રાઇવમાં લઈ લીધું અને પછી ફૉર્મેટ મારી દીધું એટલે ફરીથી ફોન નવા જેવો થઈ જાય. તમે નહીં માનો, પણ મારી આસપાસ રહેતી મહિલાઓ પણ જ્યારે અટકે ત્યારે મારી પાસે જ આવે છે.’

પોતાની સ્માર્ટનેસ અને સ્માર્ટ મોબાઇલની મદદથી વસઈનાં ગૃહિણી બીના મકવાણા અનેક કામ સરળતાથી કરી જાણે છે. માત્ર દસમા ધોરણ સુધી ભણેલાં બીનાબહેન કહે છે, ‘વૉટ્સઍપ તો એટલું સરળ છે કે બધાને જ આવડે એમાં કોઈ નવાઈ નથી, પણ મને એનાથી વધારે આવડે છે. ટેક્નૉલૉજીની સુવિધાનો લાભ લઈ મારા સાઇડ બિઝનેસને આગળ વધારવા મેં કેટલીક સામાન્ય ટિપ્સ શીખી લીધી. હું ઘરમાં બેસીને સ્ટિચિંગ કરું છું. ડ્રેસ અને બ્લાઉઝની ડિઝાઇન ગૂગલ અને યુટ્યુબથી ડાઉનલોડ કરીને અથવા સ્ક્રીન શૉટ લઈને કસ્ટમરને વૉટ્સઍપ પર મોકલી દઉં. આટલું તો સરળ છે, પણ આ ડિઝાઇન માટે કેવું મટીરિયલ પસંદ કરવાનું એ જણાવવાનું હોય તો અંગ્રેજીમાં લખવું પડે અને મને અંગ્રેજી લખતાં આવડતું નથી. અહીં મારી સ્માર્ટનેસ બહુ કામ લાગી છે. બે-ત્રણ વાર ગૂગલ પરથી સ્પેલિંગ શોધીને ટાઇપ કર્યા પછી મારી તેજ નજરે જોઈ લીધું કે તમે વારંવાર જે શબ્દ ટાઇપ કરો એ ઑટોમૅટિકલી આવી જાય. દાખલા તરીકે કૉટન શબ્દ લખવો હોય તો તમે Co ટાઇપ કરો ત્યાં Cotton લખેલું આવી જાય. હું તરત જ કૉપી-પેસ્ટ કરીને મોકલી દઉં. જો વધારે પડતું ટાઇપ કરવું પડે એમ હોય તો વૉઇસ મેસેજનો ઑપ્શન તો હાજર જ છે. આ રીતે કામ કરતાં-કરતાં હું તૂટી-ફૂટી અંગ્રેજી પણ શીખી ગઈ. આ ઉપરાંત કોઈ ઇન્ફર્મેશન જોઈતી હોય તો ફટ દઈને ઍપ ડાઉનલોડ કરીને અથવા ગૂગલ પરથી શોધી લઉં. ગૃહિણી હોવાના નાતે વધારે સમય મળતો નથી, પણ હજી વધારે એફર્ટ નાખું તો ઘણુંબધું કરી શકું એમ છું.’

જુનિયર કૉલેજના પ્રથમ પગથિયા બાદ જ ભણવાનું માંડી વાળનાર બોરીવલીનાં ગૃહિણી અને બિઝનેસવુમન પ્રીતિ કૂવાવાલા કહે છે, ‘અત્યાર સુધી હું ફુલટાઇમ ગૃહિણી હતી, પણ છેલ્લાં થોડાં વર્ષથી હસબન્ડને બિઝનેસમાં હેલ્પ કરું છું. અમારો કમ્પ્યુટર તેમ જ લૅપટૉપ ઍસેમ્બ્લિંગ અને રિપેરિંગનો બિઝનેસ છે. હું માત્ર અગિયાર ચોપડી ભણી છું તેમ છતાં એમ્પ્લૉઈની સૅલેરીથી  પર્ચેઝરના પેમેન્ટ સુધી આખો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળું છું. મારું માનવું છે કે ટેક્નૉલૉજી શીખવા માટે ડિગ્રી નહીં, મગજ જોઈએ. હું ભણેલી નથી, પણ ગણેલી છું અને મારી ગણતરી એટલી પાકી છે કે ભાગ્યે જ કોઈ ભૂલ થાય. ફાઇનૅન્સને લગતાં બધાં જ કામો કમ્પ્યુટર અને મોબાઇલ પર જ કરી લઉં. જોકે શરૂઆતમાં મને થોડી હેલ્પની જરૂર પડી હતી ખરી. બેઝિક નૉલેજ મેળવી લીધા બાદ આગળ મેં આપમેળે જ મૅનેજ કરી લીધું. હવે તો તમામ કામ ફટાફટ કરી આપું છું. ઑનલાઇન શૉપિંગ પર બહુ ભરોસો નથી એટલે એેનાથી દૂર રહું છું; પરંતુ તાતા સ્કાયનું રીચાર્જ, નેટ બૅન્કિંગની સહાયથી મની-ટ્રાન્સફર વગેરે કરી આપું. અહીં સુધી કે મારાં બાળકોની સ્કૂલ અને કૉલેજની ફી પણ હું ઑનલાઇન જ ભરું છું. મને રીડિંગનો શોખ છે અને હવે તો બધી બુક ઑનલાઇન અવેલેબલ હોય છે એટલે એનો ફાયદો પણ ઉઠાવું. ઘર અને ઑફિસ બન્ને સંભાળવાનાં હોય અને સમયની મારામારી રહેતી હોય ત્યારે શિક્ષિત કે અશિક્ષિત દરેક વ્યક્તિને ઇન્ટરનેટની સુવિધાનો લાભ લેતાં આવડવો જ જોઈએ.’

સ્માર્ટફોન શીખવા માટે શિક્ષિત હોવું અનિવાર્ય નથી એ વાત સાચી, પણ જે સ્ત્રીઓ વધુ ભણેલી નથી હોતી તેમને થોડી સહાયની જરૂર તો પડે જ છે એવો મત વ્યક્ત કરતાં માત્ર આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કરનાર દહિસરનાં ગૃહિણી પ્રવીણા પરમાર કહે છે, ‘મારી પાસે સ્માર્ટફોન છે અને એનો ઉપયોગ કરી જાણું છું, પરંતુ બધું જ નથી આવડતું. ગૃહિણીઓને ફોન વાપરવાનો સમય મળે તો કંઈ શીખેને. ત્રણ બાળકોની અને ઘરની જવાબદારીમાં વ્યસ્ત રહેવાના કારણે ફોનમાં ખણખોદ કરી શકાતી નથી. મને લાગે છે કે જે સ્ત્રીઓ ઓછું ભણેલી છે તેમ છતાં ઇન્ટરનેટના ઉપયોગમાં સ્માર્ટ છે તેમની પાસે સમય રહેતો હશે. આ ઉપરાંત તેઓ ભલે ઓછું ભણી હશે, પણ અંગ્રેજી ભાષાનું થોડુંઘણું જ્ઞાન હશે જ; નહીં તો ન આવડે. હું ગુજરાતના ગામડામાં ઊછરી છું અને માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે એટલે મને સહાયની જરૂર પડે. હા, એક વાર શીખવાડો પછી ભૂલી ન જાઉં. મારું અંગતપણે માનવું છે કે ઓછું ભણેલી સ્ત્રીઓ પોતાની કોઠાસૂઝ અને સમજણશક્તિથી બધું વાપરતાં શીખી શકે અને તક મળે તો ટેક્નૉલૉજીના વપરાશમાં પણ આગળ વધી શકે છે.’

પેટીએમથી પૈસા મોકલવા, લાઇટબિલ ભરવું, ગૅસબિલ ભરવું, મૂવીની ટિકિટ બુક કરવી આ તમામ કામો ફટ દઈને કરી લઉં છું. સમય પણ બચે અને કૅશબૅક પણ મળે. ક્યારેક અટકી જાઉં તો કસ્ટમર કૅરવાળાને આપણા માટે જ બેસાડ્યા છે. ખણખોદ કરવામાં મોબાઇલ હૅન્ગ થઈ જાય તો ફૉર્મેટ મારતાં પણ આવડે

- ડિમ્પલ ધકાણ યાદવ, બોરીવલી

ટેક્નૉલૉજીનો લાભ લેવા કેટલીક સામાન્ય ટિપ્સ શીખી લીધી. બે-ત્રણ વાર ગૂગલ પરથી સ્પેલિંગ શોધીને ટાઇપ કર્યા પછી મારી તેજ નજરે જોઈ લીધું કે તમે વારંવાર જે શબ્દ ટાઇપ કરો એ ઑટોમૅટિકલી આવી જાય. તમારે માત્ર કૉપી-પેસ્ટ કરવાનું હોય. જો વધારે પડતું ટાઇપ કરવું પડે એમ હોય તો વૉઇસ મેસેજનો ઑપ્શન તો હાજર જ છે

- બીના મકવાણા, વસઈ


હું વધુ ભણેલી ભલે નથી, પણ મારી ગણતરી પાકી હોય છે. સામાન્ય જ્ઞાનથી આખો ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટ સંભાળું છું. તાતા સ્કાયના રીચાર્જથી લઈને નેટ બૅન્કિંગ પણ આવડે એટલું જ નહીં, બાળકોની ફી પણ ઑનલાઇન જ ભરી દઉં

- પ્રીતિ કૂવાવાલા, બોરીવલી

ઇન્ટરનેટના માધ્યમથી ફટાફટ બધાં કામ કરવાની કુનેહ ધરાવતી સ્ત્રીઓ ભલે ઓછું ભણેલી હશે, પણ થોડુંઘણું અંગ્રેજી આવડતું જ હશે અન્યથા આટલી સરળતાથી સ્માર્ટફોન ન વાપરી શકે. હું ગુજરાતી માધ્યમમાં ભણેલી છું એટલે મને થોડી સહાયની જરૂર પડે

- પ્રવીણા પરમાર, દહિસર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK