દોસ્તી : લાઇફને બ્યુટિફુલ બનાવે છે અને જીવનમાં ઘણુંબધું છે એ સમજાવે છે

મિત્રતા એટલે શું? જેમ નૃત્ય અને નૃત્યકાર એક થઈ જાય તેમ મિત્ર અને મિત્રતા એક થઈ જાય એ મિત્રતા. જેની સાથે વૃદ્ધ થવાનું દિલ થાય એ દોસ્ત. ચાલો, આવા દોસ્તો બનાવીએ અને બનીએ પણ ખરા

pankaj

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

અમારા મિત્રવર્તુળમાં એક મિત્ર બહુ મજાકિયો અને મસ્તીખોર, જેને કોઈ પણ વ્યક્તિ એમ પૂછે કે તમે કોણ તો તેનો દરેક માટે એક જ જવાબ હોય - હું માનવી હરીશ ગાલા, ઈશ્વરની શ્રેષ્ઠ રચના. તે મળે ત્યારે વાતો ઓછી કરે, હસે વધુ. અમે તેને કહીએ ભાઈ, તું શાંતિથી હસી લે! પણ તે વાત કરતાં-કરતાં પણ હસતો રહે, ઘણી વાર તો તેની વાતને બદલે અમને વધુ હસવું તેને હસતાં જોઈને આવી જાય. સદાય છલકાયેલો અને ખડખડાટ વહેતો માણસ. તેના જીવનમાં માત્ર સુખ જ રહેતું હતું એવું નહોતું, કારમા દુ:ખમાંથી પણ તે પસાર થયો હતો.

બીજો એક મિત્ર જિતુ. તેની સાથેની વાતની શરૂઆત ખાસ એક વાક્યથી થાય, જીવનમાં ઘણુંબધું છે. તેનું જીવન સાવ ખાલીખમ હતું. અનેક સંઘર્ષ હતા. તેમ છતાં તેનું વાક્ય આ જ રહેતું. આજે પણ તેનો સંઘર્ષ ચાલુ જ છે, પરંતુ તેનું વાક્ય જીવનમાં ઘણુંબધું છે એ જ ઉત્સાહથી બોલાતું રહે છે. તેની સાથે વાતની શરૂઆત કરતી વખતે અમે પણ એ વાક્ય  બોલીએ, જીવનમાં ઘણુંબધું છે. અમારા ત્રીજા મિત્ર દિનેશનો જીવનમંત્ર છે લાઇફ ઇઝ શૉર્ટ, બટ બ્યુટિફુલ. તેણે પણ સંખ્યાબંધ વેદના-મુશ્કેલીઓનો સામનો કર્યો, પણ તેણે જીવનને સદા સુંદર જ કહ્યું અને એ મુજબ જ જીવવાનું રાખ્યું. જીવનમાં ઉતાર્યું. તેની સાથેની વાતમાં એક સૂર ખાસ આવે, જીવી લઈએ યારો, જીવવાનો રોમાંચ હોવો જોઈએ. ચોથો મિત્ર અમૂલ દેસાઈ, જેની સાથે વાતની શરૂઆત જ ગાળ બોલીને થાય. પરંતુ આ ગાળ મીઠી હોય, ગુસ્સા કે ઝઘડાની ન હોય. યાદ રહે, જેની સાથે આપણે ગાળ આપીને કે લઈને વાત કરીએ એવા મિત્રોની સંખ્યા ઓછી હોય છે. પાંચમો મિત્ર ભાયાણી. આ તેનું નામ નથી, પરંતુ અટક છે. પણ અમારા માટે તે ભાયાણી છે. અમે મજાકમાં તેને મહાન ભાયાણી પણ કહીએ, કારણ કે તેનો સ્વભાવ જ દરેકને સહાયરૂપ થવાનો. જ્યારે બીજાને સહાય કરવાની આવે ત્યારે તે પોતાનાં દર્દ પણ ભૂલી જાય. અલબત્ત, આ મિત્ર પણ અનેકવિધ મુશ્કેલીઓ અને પીડામાંથી પસાર થયો છે. આવા પાંચ મિત્ર જ નહીં બલકે અનેક મિત્રો મારી દોલત છે. ખેર, લગભગ દરેકના જીવનમાં આ પ્રકારના મિત્રો હોય છે અને આનાથી જુદા પ્રકારના દોસ્તો પણ હોય છે. આપના જીવનમાં પણ આવા દિનેશ, ભાયાણી, અમૂલ, જિતુ વગેરે હશે જ. આવા મિત્રોની બાદબાકી કરવાની કલ્પના કરી જુઓ, જીવન ખાલી-ખાલી લાગવા માંડશે.

સંગનો રંગ લાગે ને લાગે

આ પ્રકારના મિત્રો હોવાથી થાય શું? તમને થશે કે આમાં વળી ગ્રેટ શું છે? દોસ્તો તો દરેક પ્રકારના અને સ્વભાવના હોય. પરંતુ યાદ રહે, જે દોસ્તો તેમના વ્યવહાર, વાતો અને આચરણથી તમને પૉઝિટિવ વાઇબ્સ આપતા રહે, સતત ફરિયાદો અને દુનિયાના નામનું રડ્યા કરવા રહેવાને બદલે હસતા રહે, ઝિંદાદિલ હોય, જીવન પ્રત્યે છલોછલ અને રોમાંચક રહે તો એની અસર આપણા જીવન પર પણ પડે છે. આપણી આસપાસનું કહો યા આપણા સંગમાં કોણ છે એની અસર, એનો રંગ આપણને લાગતો હોય છે. જો આપણે આવા દોસ્તો હોવાની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે પણ એ મુજબનું બનવું જોઈએ.  જો આપણને તેમનો પૉઝિટિવ રંગ ન લાગતો હોય તો કમી આપણી જ ગણાય. આમ તો દોસ્તોની વચ્ચે કોઈ અપેક્ષાનું બંધન હોતું નથી, પ્રેમની-લાગણીની જીદ હોઈ શકે. પરંતુ માઠું લાગવું અને કડવું લાગવું એ સાચી દોસ્તીથી માઇલો દૂર હોય છે.

સમજણનું બીજ અને વૃક્ષ

આપણે બધા વરસમાં એક વાર ફ્રેન્ડશિપ ડે (દોસ્તી દિન) ઊજવતા હોઈએ છીએ. દોસ્તી દિન તો રોજ-રોજની ઘટના છે. રોજ તો શું, પળ-પળની ઘટના પણ કહી શકાય. દોસ્તી એટલે શું? મિત્ર એટલે શું? જેમની વચ્ચે ગેરસમજને સ્થાન ન હોય એ મિત્ર, જેમની વચ્ચે અહંકાર અને ઈર્ષ્યાને પ્રવેશ ન હોય એ મિત્ર. જેને કોઈ પણ પ્રસંગે આમંત્રણ ન આપવું પડે, જેની પાસે અધિકાર માગવા ન પડે, જેની સાથે ભરપેટ ઝઘડા કરી શકાય તેમ છતાં તેને ખરાબ લાગ્યું હશે એવી ચિંતા ન કરવી પડે એ ખરો દોસ્ત. જેમની વચ્ચે કોઈ મોટું-કોઈ નાનું ન હોય, જેમની વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોય એ મિત્ર. આવા મિત્રો ટોળામાં ન મળે, અમુક જ મળે. આ એક એવું બીજ છે જે વરસો બાદ સમજણ, સાથ અને વિશ્વાસના સહારે ઘટાદાર વૃક્ષ બને. આવી દોસ્તી કાલ્પનિક લાગે, પરંતુ જો આપણે આવા થોડા સરખા પણ થઈ શકીએ તોય સાર્થક છે. સામેના મિત્ર પણ મારી જેમ કરશે એવી અપેક્ષા રાખ્યા વિના આપણાથી આમ થાય તો વધુ સાર્થક, કારણ કે મિત્રતા એ સોદો કે વ્યવહાર નથી, એ જસ્ટ છે. જેમ એક જાણીતું ગીત કહે છે કે પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો એમ મિત્રતા માટે પણ કહી શકાય.

વંઠેલાને પણ વહાલો કરે એ મિત્ર

તાજેતરની ચર્ચાસ્પદ ફિલ્મ ‘સંજુ’ની સફળતા બાદ ‘સંજુ’ની લાઇફની વાતો તો ખૂબ થઈ, પરંતુ તેના મિત્ર તરીકેની ભૂમિકા ભજવનારની વાતો પણ બહુ થઈ. માત્ર એક ઍક્ટર તરીકે નહીં બલકે એક કૅરૅક્ટર (ચરિત્ર) તરીકે થઈ. લોકો મિત્ર કેવો હોવો જોઈએ એના સંદેશ આ કૅરૅક્ટરના આધારે મોકલવા લાગ્યા હતા; કારણ કે તે મિત્રએ બીજા વંઠેલા મિત્રને, ખોટે માર્ગે ફંટાઈ ગયેલા મિત્રને છોડી દેવાને બદલે ખરા કપરા સમયે મિત્રને અને તેના પરિવારને સાથ આપ્યો, તેને સાચવ્યો, તેને સુધારવાની ભૂમિકા ભજવવામાં પોતે ઘણું  સહન પણ કર્યું. આ ફિલ્મમાં તો ફિલ્મી લાગી શકે, પરંતુ વાસ્તવમાં આવું બન્યું છે એ આપણે સૌ જાણીએ છીએ. સાચી અને ગહન મૈત્રીમાં શબ્દો બોલ્યા વિના વાત થઈ શકે, મૌનને સમજે તે ખરો મિત્ર. આમ તો બૉલીવુડમાં દોસ્તી પર ઘણી ફિલ્મો બની છે. મિત્રતાની મિસાલરૂપ ફિલ્મો આજે પણ આપણને યાદ હશે. દાયકાઓ જૂની પણ સુપરહિટ ગીતોથી સભર ફિલ્મ ‘દોસ્તી’નાં ગીતો આજે પણ આપણા મોઢે રમતાં હોય છે, કોઈ જબ રાહ ન પાએ, મેરે સંગ આએ કે પગ-પગ દીપ જલાએ; મેરી દોસ્તી મેરા પ્યાર...

દોસ્તી તો ખરી દોલત છે!

જેમ નૃત્ય કરનાર જ્યારે નૃત્યમાં ખરા અર્થમાં ઓતપ્રોત થઈ જાય ત્યારે તે નૃત્યકાર અને નૃત્ય બન્ને એટલે કે બે નથી રહેતા બલકે એક થઈ જાય છે. તેમ મિત્ર અને મિત્રતા એક થઈ જાય ત્યારે શ્રેષ્ઠ મિત્રતા જન્મે છે. આવી મિત્રતા અને મિત્ર ઓછાં ભલે હોય, પણ તે સાચવી રાખવાં જેવા હોય છે અને તેમના માટે આપણે પણ સાચવી રાખવા જેવા બનવું જોઈએ. કોણ કેટલો પૈસાદાર કે ધનવાન છે એ માત્ર ધનથી જ મપાતું નથી અને માપવું પણ જોઈએ નહીં. કોની પાસે કેવા મિત્રો છે એના આધારે પણ વ્યક્તિની ખરી સંપત્તિ અને ઊંચાઈ માપી શકાય. દોસ્તો તો જીવનની દોલત કહેવાય છે. મિત્રતા કૃષ્ણ જેવી પણ હોય, જે ગરીબ મિત્ર સુદામાને પણ ચૂપચાપ સાચવી લે અને અજુર્નેને જાહેરમાં જીવનનો એવો પથ બતાવે જે સમગ્ર જગત માટે એક સાચો પંથ અને ગ્રંથ બની શકે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK