બસ, હવે બહુ થયું

રિસર્ચ કહે છે કે વિચારોમાં અસમાનતા, બેવફાઈ, અંત વગરની દલીલો અને આર્થિક સ્વતંત્રતા જેવાં અનેક કારણોસર સ્ત્રીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. પ્રી-મૅરેજ સેક્સ અને લિવ-ઇન રિલેશનશિપની ફૅશને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે

divorce

લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

છેલ્લા બે દાયકામાં વિશ્વભરમાં છૂટાછેડાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સંદર્ભે અનેક સર્વે અને રિસર્ચ થયાં છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅમિલી સ્ટડીઝ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ખુલાસો થયો હતો કે છૂટાછેડાના ૭૦ ટકા કેસમાં સ્ત્રીઓ દ્વારા પહેલ કરવામાં આવી હતી. છૂટાછેડા લેનારી આશરે ૪૩ હજાર સ્ત્રીઓ સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું હતું કે વિચારોમાં અસમાનતા, જીવનનાં અલગ-અલગ લક્ષ્ય અને પતિ દ્વારા બેવફાઈ આ ત્રણ બાબતોને લઈને મોટા ભાગની સ્ત્રીઓએ લગ્નજીવનનો અંત આણવાનું પસંદ કર્યું હતું. નિવૃત્તિને લગતા નિર્ણયો બાબતે મતભેદ થતા છૂટાછેડા લીધા હોય એવા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. ગેરવર્તણૂક, અંત વગરની દલીલો, આર્થિક પરિસ્થિતિ, શારીરિક શોષણ અને માનસિક ત્રાસ બીજાં એવાં મુખ્ય કારણો હતાં જેના લીધે વૈવાહિક જીવનનો અંત આવ્યો હતો.

ભારતમાં લગ્નબંધનને જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. આપણા દેશમાં લગ્ન એટલે સ્ટેબિલિટી. પતિ-પત્ની વચ્ચે નાના-નાના મુદ્દાઓને લઈને થતા ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચવાની જગ્યાએ ઘરમેળે જ ઉકેલી દેવામાં આવે છે. થોડા સમય પહેલાં આપણા દેશમાં એક રસપ્રદ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખુશખુશાલ જીવન વ્યતીત કરતાં કેટલાંક દંપતીઓ સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું છે કે બહારથી સુખી દેખાતાં ૧૦૦માંથી ૯૦ દંપતીઓ માત્ર બાળકોના ભવિષ્ય ખાતર એક છત નીચે રહેવા ફરજિયાતપણે બંધાયેલાં છે. મોટા ભાગના કિસ્સામાં સામાજિક બહિષ્કારના ભયના ઓથાર તળે જીવતાં તેમ જ બાળકોની જવાબદારીઓને ધ્યાનમાં રાખી દંપતી પોતાની વચ્ચેના મતભેદોને બાજુ પર મૂકી લગ્નજીવનને તૂટતું બચાવી લેવાનું પસંદ કરે છે એમ છતાં ભારતમાં પણ હવે છૂટાછેડાનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. છૂટાછેડા લેવાનાં કારણો વ્યક્તિગત હોય છે. પરિસ્થિતિ અને સંજોગો બધાનાં અલગ હોઈ શકે છે, પરંતુ છૂટાછેડા લેનારી સ્ત્રીઓની સંખ્યા વધતી જાય છે એ વાસ્તવિકતા છે. ભારતીય સ્ત્રીઓ વૈવાહિક જીવનનો અંત આણવાનો નિર્ણય કેવા સંજોગોમાં લે છે એ સંદર્ભે આજે વાત કરીએ.

આપણા દેશમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં ડિવૉર્સ હવે સામાન્ય થઈ ગયા છે એમ જણાવતાં દાદરનાં સાઇકોલૉજિસ્ટ ઍન્ડ કાઉન્સેલર નીરુ છેડા કહે છે, ‘વૈવાહિક જીવનનો અંત લાવવાનાં એક નહીં અનેક કારણો હોય છે. આજની યુવતીઓ કોઈના પર અવલંબિત રહેવાનું પસંદ કરતી નથી એ મુખ્ય કારણ કહી શકાય. આજની શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર યુવતીઓને પુરુષની ગુલામી પસંદ નથી. લગ્નબંધનને ટકાવી રાખવા ઍડ્જસ્ટમેન્ટ અને ત્યાગની ભાવના હોવી જોઈએ એ હવે સ્ત્રીઓમાં રહી નથી એવો કકળાટ બધા કરે છે, પરંતુ મારું અંગતપણે માનવું છે કે ઍડ્જસ્ટમેન્ટનો ગુણ પુરુષોએ પણ અપનાવવાની જરૂર છે. આપણી સામાજિક વિચારધારામાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એનું વિશ્લેષણ કરીશું તો જાણવા મળશે કે આજની યુવતીઓના વિચારમાં ઘણો બદલાવ આવ્યો છે, પણ પુરુષોનું માનસ ઓછું બદલાયું છે. મારી પાસે એક વર્કિંગ કપલનો કેસ આવ્યો હતો. યુવતીને ફરિયાદ હતી કે સવારમાં મારો હસબન્ડ જિમમાં જાય અને હું રસોડામાં ટિફિન બનાવું એ થોડું ચાલે? હું પણ જૉબ કરું છું અને મને પણ ઉતાવળ હોય. આજે પણ આપણા સમાજમાં પુરુષોનું માઇન્ડસેટ જોઈએ એવું ચેન્જ થયું નથી. રસોડાનું કામ તો સ્ત્રીએ જ કરવું જોઈએ એવું માનનારા પુરુષોની સંખ્યા વધુ છે. આ બીજું કારણ છે, જેના કારણે વૈવાહિક જીવન છૂટાછેડામાં પરિણમે છે.’

અગાઉના સમયમાં લગ્ન કરવાનું મુખ્ય કારણ હતું શારીરિક જરૂરિયાતો, જે હવે રહી નથી એવો અભિપ્રાય આપતાં નીરુ છેડા કહે છે, ‘પ્રી-મૅરેજ સેક્સ આજકાલ સામાન્ય છે. હું નિયમિતપણે કૉલેજ-સ્ટુડન્ટ્સ સાથે વાત કરું છું અને મારું ઑબ્ઝર્વેશન કહે છે કે ૮૦ ટકા કૉલેજિયનોએ લગ્ન પહેલાં જ સેક્સનો આનંદ લઈ લીધો હોય છે. શારીરિક જરૂરિયાતો માટે લગ્ન ટકાવી રાખવાં હવે જરૂરી નથી રહ્યાં. આ સિવાય સંયુક્ત કુટુંબની જવાબદારી, ઘરખર્ચને લઈને રકઝક, લગ્નબાહ્ય સંબંધો, અંગત જીવનમાં સાસુની દખલગીરી, સ્વભાવ, શોખ એવાં તો અનેક કારણો છે જેના કારણે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. બીજું એ કે છૂટાછેડાની પહેલ કરવામાં સ્ત્રીઓ આગળ છે એવું તો ન કહી શકાય, પરંતુ વડીલો અને પુરુષોએ ચેન્જિસ લાવવાની વધારે જરૂર છે.’

છૂટાછેડાના વધી રહેલા કિસ્સાઓને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ એ સંદર્ભે વાત કરતાં નીરુ છેડા કહે છે, ‘સૌથી પહેલાં તો પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ અત્યંત જરૂરી છે. મારી પાસે આવતા કપલને સૌથી પહેલો પ્રશ્ન મારો એ જ હોય કે તમારે લગ્ન શા માટે કરવાં છે? બધા કરે છે એટલે કરવાં છે કે લગ્ન શબ્દનો અર્થ તમને ખબર છે? જો ન ખબર હોય તો લિવ-ઇન રિલેશનશિપમાં રહો. આવી જ રીતે દીકરાને પરણાવવા નીકળેલા પેરન્ટ્સને મારો પહેલો પ્રશ્ન એ હોય કે તમે તમારા દીકરાને કેમ પરણાવવા માગો છો? વહુ ઘડપણમાં સેવા કરશે એવું વિચારતા હો તો રહેવા દેજો. પ્રી-મૅરેજ કાઉન્સેલિંગમાં અનેક એવી નાની અને સામાન્ય બાબતો છે જે કપલને સમજાવીએ છીએ. તેમને કહીએ છીએ કે આર્થિક બાબતો, પેરન્ટિંગ રિસ્પૉન્સિબિલિટી, કરીઅર તેમ જ કિચનના કામ બાબતે પહેલાં જ ચોખવટ કરી લો જેથી ભવિષ્યમાં આ બાબતને લઈને મતભેદ ન પ્રવર્તે. લગ્ન બાદ યુવતી રસોઈ કરવા ન માગતી હોય તો તેણે પહેલાં જ કહી દેવું જોઈએ કે હું રસોઈ નહીં કરું, તમે રસોયાણી રાખો. આપણા ગુજરાતીઓમાં વહુ આવે એટલે સાસુ રસોડામાં પગ ન મૂકે એટલું જ નહીં, આર્થિક પરિસ્થિતિ સારી હોય તો પણ રસોયાણી રાખવામાં વાંધો પડે. આવા ઘણા કેસ આવ્યા છે. જ્યાં સુધી જાત ચાલે છે સાસુએ વહુને મદદ કરવી જ જોઈએ.

નાની- નાની બાબતોને પહેલાં જ ક્લિયર કરી લેશો તો છૂટાછેડાના સંજોગો ભાગ્યે જ ઊભા થશે.’

ડિવૉર્સ લેવા સરળ નહીં બને એવા કાયદા આવી રહ્યા છે-કાનૂની સલાહકાર નેહા ઠક્કર, મલાડ


કાનૂની સલાહકાર નેહા ઠક્કર ડિવૉર્સના કેસમાં ભારતની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહે છે, ‘છૂટાછેડાના કેસમાં સ્ત્રીઓ દ્વારા કેસ ફાઇલ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે એ વાત સાચી છે. પહેલાં માત્ર ઘરેલુ હિંસા અથવા દહેજને લગતી સમસ્યાઓમાં જ સ્ત્રીઓ કેસ ફાઇલ કરતી હતી, પરંતુ જ્યારથી ૪૯૮-એ કાયદો અમલમાં આવ્યો છે સ્ત્રીઓને પ્રોટેક્શન મળવા લાગ્યું છે. કાયદાની આડમાં સ્ત્રીઓ નાની-નાની વાતમાં ડિવૉર્સની માગણી કરતી થઈ ગઈ છે. મારી પાસે એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં સ્ત્રીઓએ આ કાયદાનો ગેરલાભ લઈ પુરુષને હેરાન કર્યા હોય. અહીં એ વાત સમજવી જોઈએ કે આપણા દેશમાં અને વિદેશમાં અમેન્ડમેન્ટ અલગ છે. હું માનું છું કે આજની યુવતીઓ પર સાઇકો ઇફેક્ટ છે. તેઓ પ્રૅક્ટિકલ લાઇફથી અજાણ છે. આગળ-પાછળના સંજોગોને ધ્યાનમાં રાખી ડિવૉર્સ લેવા જોઈએ એ વાત તેઓ સમજતી નથી. એવું નથી કે દરેક કેસમાં સ્ત્રીઓનો જ વાંક હોય, પરંતુ તેમનો વાંક વધારે હોય છે એ હકીકત છે. ડિવૉર્સના કેસમાં સ્ત્રીઓ બેઝિક મેઇન્ટેનન્સ, ઇક્વલિટી, સેલ્ફ-શેલ્ટર એવી તો અઢળક ડિમાન્ડ પણ કરે છે.’

ડિવૉર્સના કેસ વધી રહ્યા છે એનું મુખ્ય કારણ છે ધીરજનો અભાવ અને ક્વૉલિફિકેશન એમ જણાવતાં નેહા ઠક્કર આગળ કહે છે, ‘આપણા દેશમાં આજે એવી પરિસ્થિતિ છે જ્યાં યુવતીઓ વધારે ભણેલી છે અને યુવકો ઓછું. સ્વાભાવિક છે કે પોતાનાથી ઓછી ઇન્કમ ધરાવતા પુરુષ સાથે જીવન વ્યતીત કરવામાં તેઓ છોછ અનુભવે છે. મેં જોયું છે કે યુવતીઓ કૉલેજમાં અભ્યાસ કરતાં-કરતાં પ્રેમમાં પડે છે અને પરણી જાય છે. હવે આવી યુવતીઓને પ્રૅક્ટિકલ લાઇફનું જ્ઞાન હોતું નથી. મૅરેજ પછી તેને ઓછું કમાતો પતિ અને તેનો પરિવાર ગમતા નથી એટલે ડિવૉર્સ લઈ લે છે. મારી પાસે આવા જ એક કેસમાં મૅરેજના માત્ર બે મહિનામાં યુવતીએ ડિવૉર્સનો કેસ ફાઇલ કર્યો હતો. આવી છોકરમત હવે સામાન્ય થઈ ગઈ છે. બીજું, આજની યુવતીઓને પૈસાવાળો યુવક જ ગમે છે જે તેને હરવાફરવા લઈ જાય, હોટેલમાં જમાડે, તેની ડિમાન્ડ પૂરી કરે. માત્ર લવ-મૅરેજમાં જ નહીં, પેરન્ટ્સે બતાવેલા યુવક સાથે પરણી જાય પછી ડિમાન્ડ પૂરી ન થાય એટલે ડિવૉર્સનો કેસ ફાઇલ કરી દે એવા પણ અનેક કેસ સામે આવ્યા છે. જ્યારથી કાયદા બદલાયા છે મૅરેજનું મહત્વ ઘટતું જાય છે. લિવ-ઇન રિલેશનશિપને કાયદાકીય માન્યતા પ્રાપ્ત થયા બાદ પરિસ્થિતિ વધારે વણસી છે. જોકે સરકાર આ દિશામાં કેટલાક કડક કાયદા લાવવાનું વિચારી રહી છે. ટૂંક સમયમાં એવા કાયદા આવશે જેના કારણે ડિવૉર્સ લેવા સરળ નહીં હોય.’

આજે યુવતીઓના વિચારોમાં ઘણું પરિવર્તન આવ્યું છે, પરંતુ પુરુષોનું માનસ ઓછું બદલાયું છે જેના કારણે છૂટાછેડાના કેસમાં વધારો થયો છે. છૂટાછેડાના વધી રહેલા કિસ્સાઓને નિયંત્રિત કરવા પ્રી-મૅરેજ કાન્સેલિંગ અત્યંત જરૂરી છે. આર્થિક બાબતો, પેરન્ટિંગ રિસ્પૉન્સિબિલિટી, કરીઅર તેમ જ કિચનના કામ બાબતે પહેલાં જ ચોખવટ કરી લેવી જોઈએ

- સાઇકોલૉજિસ્ટ ઍન્ડ કાઉન્સેલર નીરુ છેડા, દાદર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK