આજનો દિવસ જિંદગીની દીવાદાંડીઓને નામ

આ લેખ લખવાનું શરૂ કર્યું અને જેવી તારીખ લખી કે યાદ આવ્યું આજે તો દીવાદાંડી દિન છે.

lighthouse

સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ક્યાંક કોઈએ હાથ પકડીને સંબંધના ઊંડા કૂવા

કે ખીણમાં પડતાં આપણને બચાવી લીધા હોય

તો ક્યાંક કોઈએ પોતાની વાણી કે વર્તનથી

આપણા મનના સઘળા અજંપાને દૂર-દૂર હડસેલી

દીધો હોય એવું આપણે સૌએ નથી અનુભવ્યું?


આ લેખ લખવાનું શરૂ કર્યું અને જેવી તારીખ લખી કે યાદ આવ્યું આજે તો દીવાદાંડી દિન છે. અમેરિકામાં ત્રીસ વર્ષથી સાતમી ઑગસ્ટનો દિવસ લાઇટહાઉસ ડે તરીકે ઊજવાય છે. જ્યારથી દુનિયામાં જળમાર્ગે વાહનોની અવરજવર શરૂ થઈ ત્યારથી દરિયાકાંઠે કે વિશાળ નદીઓ પર દીવાદાંડી માનવસંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની ગઈ છે. દીવાદાંડીની મિનારા જેવી ઇમારત પર જલતો  દીવો  જહાજો અને નૌકાઓને ધુમ્મસ, અણિયાળા ખડકો, દરિયાઈ વનસ્પતિનાં ઝુંડ, છીછરાં પાણી અને કિનારા નજીકનાં અન્ય જોખમોથી વાકેફ કરી સલામત અંતર રાખવા ચેતવણી આપતો. હા, વીજળી નહોતી આવી ત્યાં સુધી દીવાદાંડીની મિનારા જેવી ઇમારત પર દીવો પેટાવવામાં આવતો. આરંભનાં વર્ષોમાં તો મોટો અગ્નિ પેટાવવામાં આવતો જેથી દૂરથી જહાજનો કપ્તાન એને જોઈ શકે અને પોતાના જહાજને સલામત અંતરે રાખે. પછી વીજળી આવી અને વીજળીની બત્તીઓ દીવાદાંડીમાં ઝબૂકવા લાગી. આજે તો GPS કે અન્ય આધુનિક માર્ગશોધક યંત્રોના આ જમાનામાં ફિલ્મોમાં કે તસવીરોમાં જોયેલી દીવાદાંડી જ આપણી સ્મૃતિમાં સંઘરાયેલી છે. મોબાઇલમાં GPS ખોલીને દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકાય એવા આ જમાનામાં  દરિયાને ધરતીની નિકટતાનો સંદેશ મોકલતી આ દીવાદાંડીની ઉપયોગિતામાં કદાચ ઓટ આવી ગઈ છે. આમ છતાં એનું અસ્તિત્વ અકબંધ છે.

એક જમાનામાં આ દીવાદાંડીએ પોતાની જ્યોત થકી કેટલાય દરિયાખેડુઓ અને જહાજોને દરિયાઈ ખડકો કે ખરાબાની જમીન સાથે ભટકાઈ જતાં બચાવ્યા હશે. દરિયો ખેડનારાઓની આવી પથદર્શક અને સલામતી રક્ષક બનતી દીવાદાંડી આજે લગભગ ભૂતકાળ બની ગઈ છે. આધુનિક ટેક્નૉલૉજીની નવી-નવી શોધોએે એની ઉપયોગિતાને ઓછી કરી દીધી છે. પરંતુ આજેય દુનિયાના કોઈ પણ દરિયાકાંઠાની નજીક કે નદીકિનારે વસતા લોકો માટે કદાચ દીવાદાંડી એક ચિરપરિચિત સ્થાન હશે.

અમેરિકામાં આજનો દિવસ લોકો લગભગ અતીતનું પ્રતીક બની ચૂકેલી દીવાદાંડીની મુલાકાત લઈને ઊજવે છે. લોકોને દીવાદાંડી ખરેખર શું છે એ જાણવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

દીવાદાંડી શબ્દ મને બહુ ગમે છે. એ સાંભળતાં કે એને જોતાં મનમાં અનેક રોમાંચક છબીઓ ઊપસવા લાગે. સાંજ ઢળી ગઈ હોય અને રાતના ઘેરા અંધકારમાં ચોપાસ દરિયાથી ઘેરાયેલા જહાજના કપ્તાન કે હોડીના નાવિક દૂરથી દીવાદાંડીના પ્રકાશને પારખી લેતા હશે ત્યારે કેવો રોમાંચ અનુભવતા હશે! એ નાનકડા ટમટમતા દીવામાં ધરતી હવે ઢૂંકડી છેનો સંદેશ વાંચી લેતા હશે. દિવસો કે મહિનાઓ સુધી ઘર અને પરિવારજનોથી દૂર રહેલા સૌ દરિયાખેડુઓના મનમાં પ્રિયજનોને મળવાનો ઉમંગ છલકી જતો હશે. ખરું કહું તો પોતાના નાનકડા અસ્તિત્વથી અઢળક લોકોના જીવનને કેડી દર્શાવતા, પોતાના જ્ઞાન અને પ્રતિભાના પ્રકાશથી તેમના મનના અંધકારને ભેદતા અને પોતાના પ્રેમની હૂંફથી તેમનામાં આશાનો દીવો પ્રગટાવનારા લોકોની યાદ અપાવી દે છે દીવાદાંડી. એટલે જ દીવાદાંડી શબ્દ સાંભળતાં કે એની તસવીર જોતાં પણ મનના કૅન્વસ પર આવી કંઈકેટલીય છબીઓ ઊપસી આવે છે. આવી દીવાદાંડીના નામે એક દિવસ કરવાનું અને એને ઊજવવાનું અમેરિકન સરકારને ૧૯૮૯માં સૂઝ્યું હતું.

આ લાઇટહાઉસ ડે વિશે જાણ્યું ત્યારે એક વિચાર આવ્યો : આપણી જિંદગીમાં પણ જુદા-જુદા સ્વરૂપે દીવાદાંડીરૂપ વ્યક્તિઓ આવતી હોય છે. કઈ દિશામાં જવાનું છે એનાથી અજાણ, મૂંઝાયેલા આપણે કોઈ ત્રિભેટે ઊભા હોઈએ અને કોઈએ સાચો માર્ગ ચીંધી દીધો હોય, ક્યાંક કોઈએ હાથ પકડીને સંબંધના ઊંડા કૂવા કે ખીણમાં પડતાં આપણને બચાવી લીધા હોય તો ક્યાંક કોઈએ પોતાની વાણી કે વર્તનથી આપણા મનના સઘળા અજંપાને દૂર-દૂર હડસેલી દીધો હોય એવું આપણે સૌએ નથી અનુભવ્યું?

યાદ કરો, ક્યારેક સંસારના ઝંઝાવાતી પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે જિંદગી ખોડંગાતી હોય,  પ્રત્યેક દિવસ વીતેલા દિન કરતાં કપરો ઊગતો હોય અને દરેક રાત નવો દિવસ કંઈક બહેતર ઊગે એવી પ્રાર્થના સાથે ઢળતી હોય ત્યારે આપણા કહ્યા વગર સઘળું સમજી ગયા હોય અને માગ્યા વિના આપણી મદદે આવી પહોંચ્યા હોય એવા સ્નેહાળ, સમજદાર સ્વજન કે મિત્ર આપણી જિંદગીમાં નથી આવ્યા? દીવાદાંડીની જેમ જ તેમણે પણ આપણને જોખમી જમીનથી દૂર રહેવા ચેતવ્યા છે તો ક્યારેક મંઝિલ હવે નજીક છે એવી હૈયાધારણ આપીને હામ બંધાવી છે. આપણી જિંદગીમાં પથદર્શક બનેલા આવા લોકોને પણ આપણે દીવાદાંડી ન કહી શકીએ? હવે વિચાર કરો કે આપણી જિંદગીમાં દીવાદાંડી બનેલી કેટલી વ્યક્તિઓના સંપર્કમાં આપણે છીએ. કદાચ આ વાંચતી વખતે એવા અનેક ચહેરાઓ નજર સામે આવી જશે. પરંતુ તેમને મળ્યાને કે ઈવન તેમની સાથે વાતો કર્યાને પણ વરસો વીતી ગયાં હશે! શું આવા લોકો માટે આપણે પણ વર્ષમાં એક ખાસ દિવસ ન બનાવી શકીએ?

આમ તો સહૃદયી માણસો કોઈએ તેમને કરેલી મદદ કે અણીને વખતે આપેલો નિરપેક્ષ સાથ-સહકાર ક્યારેય ભૂલી ન શકે. અમારા એક સગા હતા. તેમના કપરા દિવસોમાં અમારા પરિવારના એક વડીલે ઘણી મદદ કરેલી. એ સ્વજન જ્યારે પણ મળતા ત્યારે અમારા એ વડીલની ઉદારતા અને ઝિંદાદિલીનો આભાર વ્યક્ત કર્યા વિના ન રહેતા. અલબત્ત, મતલબ નિકલ ગયા તો પહચાનતે નહીં જેવા લોકોની બહુમતીમાં આવા લોકો આજે બહુ ઓછા જોવા મળે છે. તો કેટલાક વળી દિલથી એ દીવાદાંડીરૂપ સ્વજનોને ભૂલ્યા ન હોય છતાં વરસોથી તેમને મળ્યા ન હોય એવું બને. આ માહોલમાં આવો લાઇટહાઉસ ડે તેમના માટે ફાળવી શકાય. આપણી જિંદગીમાં તેમનું હોવું એ આપણા માટે કેટલી મૂલ્યવાન વાત છે એની પ્રતીતિ તેમને કરાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય તો કેવું?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK