જેમની સાથે લોકો વાત કરવાનું પણ ટાળે તેમને આ માણસે વહાલ કર્યું છે

એશિયાનું નોબેલ પારિતોષિક ગણાતા રેમન મૅગ્સેસે અવૉર્ડ વિજેતા ડૉ. ભરત વટવાણીએ ઘરથી વિખૂટા પડેલા અને માનસિક રીતે અસ્થિર એવા લગભગ ૭૦૦૦ લોકોની સારવાર કરીને તેમના પરિવાર સાથે મેળવીને માનવતાની અનોખી મિસાલ આપી છે. મિડ-ડે સાથેની ખાસ મુલાકાતમાં તેમણે શૅર કરેલી જીવનની અનેક અજાણી વાતો અને અનુભવો અહીં પ્રસ્તુત છે

bharat

રુચિતા શાહ

જીવન સે લંબે હૈં બંધુ

યે જીવન કે રાસ્તે

દિન ઔર રાત કે હાથોં નાપી

નાપી એક ઉમરિયા

સાંસ કી ડોરી છોટી પડ ગઈ

લંબી આસ ડગરિયા

જીવન સે લંબે હૈં બંધુ

જીવન કે રાસ્તે


તાજેતરમાં એશિયાનું સર્વાધિક મોટું સન્માન ગણાતો રેમન મૅગ્સેસે અવૉર્ડ જીતનારા ડૉ. ભરત વટવાણીનું આ સૌથી ફેવરિટ ગીત છે. તેઓ કહે છે, ‘મારા વ્યક્તિત્વ સાથે મેળ ખાતું આ ગીત કહી શકો. જ્યારે-જ્યારે ‘આર્શીવાદ’ ફિલ્મનું ગુલઝારે લખેલું અને મન્ના ડેના સ્વરમાં આ ગીત સાંભળું છું ત્યારે મારી આંખો ભરાઈ જાય છે. હૃદયમાં વલોપાત સર્જાય છે. હજી તો કેટલું બધું કરવાનું બાકી છે, કેટલું ઓછું કામ થયું છે એ વિચારથી મન પીડાયા કરે છે.’

ડૉ. ભરત વટવાણીના બદલે અન્ય કોઈ હોત તો કદાચ તેઓ અત્યારે સાતમા આસમાન પર હોત. છેલ્લા એક અઠવાડિયામાં દુનિયાભરના મીડિયાએ ડૉ. ભરતનો સંપર્ક કરીને તેમના કાર્યની નોંધ લઈને રંગેચંગે તેમને બિરદાવ્યા છે. અનેક જાણીતા અને ઓળખીતા લોકો તેમને અભિનંદનરૂપી ફૂલનો ગુલદસ્તો આપી ગયા છે. ઉપલબ્ધિ પણ એટલી જ મોટી છે. દેશની અનેક મહાન વ્યક્તિઓએ મેળવેલો પુરસ્કાર તેમના નામે નોંધાયો છે. વષોર્ના આ સેવાકાર્ય બદલ આવનારી ૩૧ ઑગસ્ટે તેમને ફિલિપીન્સમાં સન્માનિત કરવામાં આવશે. એશિયાની છ વ્યક્તિમાં તેમનો સમાવેશ થાય છે એ કોઈ નાની બાબત નથી જ. જોકે આ પુરસ્કાર કરતાં પણ અનેકગણું તેમનું કામ મોટું છે. રસ્તે રઝળતા અનેક અસ્વસ્થ નિરાધારને આધાર અને સ્વસ્થતા આપીને ફરી તેમની ઓરિજિનલ જિંદગીમાં પાછા મોકલવાનું શ્રેય તેમને અને તેમનાં પત્ની ડૉ. સ્મિતાને જાય છે. એક-બે નહીં, પણ લગભગ આઠેક હજાર જેટલા લોકોને આ ડૉક્ટરે પોતે અને આગળ જતાં પોતાના ફાઉન્ડેશન દ્વારા સમાજસેવકોની મદદથી રસ્તા પરથી ઉઠાવીને સારવાર હેઠળ લીધા, તેમનો ઇલાજ કરાવ્યો અને વિખૂટા પડી ગયેલા તેમના પરિવાર સાથે ફરી જોડવાનું અનોખું પુણ્યકાર્ય કર્યું છે. કોઈ પણ કારણસર માનસિક રીતે અસ્થિરતા આવી હોય અને નવા શહેરમાં પરિવારથી દૂર એકલા પડી ગયા પછી દેખરેખ વિના ભિખારી જેવી કથળેલી હાલતમાં જીવતા લોકો તરફ મોટા ભાગના લોકો તિરસ્કારથી અથવા તો ઘૃણાથી જોતા હોય ત્યારે ડૉ. ભરત અને સ્મિતાએ તેમને માત્ર રોગી તરીકે જોયા અને તેમનો ઇલાજ કરીને તેમને પણ સામાન્ય જીવન જીવવા માટે ઉપયુક્ત બનાવી શકાય એવી શ્રદ્ધા સાથે પોતે સાચવ્યા પણ. સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી ધરાવનારા મોટા ભાગના લોકો એકલા વાતો કરતા દેખાય, પોતાની કાલ્પનિક દુનિયામાં મહાલનારાઓને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની કોઈ ખબર જ ન પડતી હોય એ સમયે તેમને ગાંડા કહીને ધુત્કારી કાઢનારાઓની કમી નથી. પણ આ ડૉક્ટર દંપતીએ આવા જ લોકોની બીમારી દૂર કરીને તેમના જીવનમાં પ્રકાણ પાથરવાનું કામ કર્યું. ફાટેલાં કપડાં, ગંદા, બદબૂદાર અને અસામાન્ય વર્તન ઉપરાંત ઘણી વાર ઘણા દરદીઓ શારીરિક પીડાગ્રસ્ત પણ હોય ત્યારે તેમની પૂરેપૂરી જવાબદારી ઉપાડી લેવાનો અને સાજા ન થાય ત્યાં સુધી સાચવવાનો વિચાર કેવી રીતે આવ્યો એનો કિસ્સો પણ રસપ્રદ છે. ૧૯૮૯ની વાત છે જ્યારે પહેલી વાર તેમણે દુર્દશામાં સપડાયેલા યુવાનને ગટરની બાજુમાં બેસેલો જોયો. તે નારિયેળની કાચલીથી ગટરનું પાણી પી રહ્યો હતો અને આ ડૉક્ટર કપલનું હૃદય વિહ્વળ થઈ ગયું. કોઈ પણ જાતની ઓળખાણ-પિછાણ વિના તેને પોતાના ઘરે લઈ ગયા અને માનસિક રોગોને સમજનારા મનોચિકિત્સક હોવાને નાતે યુવાનનો ઇલાજ શરૂ કર્યો. થોડાક મહિનામાં યુવાનનું મગજ ઠેકાણે આવી ગયું. તેણે પોતાની સાચી ઓળખ આપી ત્યારે ખબર પડી કે તે સાયન્સ ગ્રૅજ્યુએટ આ યુવાન મુંબઈમાં આવ્યો હતો અને કોઈક સંજોગોમાં તેની હાલત બગડી અને આમ તે માનસિક અસ્થિરતા વચ્ચે રસ્તે રઝળતો થઈ ગયો. આ કપલે પોતાના ખર્ચે તેને તેના પરિવાર સાથે મેળવી આપ્યો ત્યારે પરિવારના સભ્યોના આનંદનો પાર નહોતો. એ પછી શરૂ થયેલી તેમની સફર સતત ચાલુ રહી છે. એક તરફ પ્રાઇવેટ પ્રૅક્ટિસ અને બીજી બાજુ પોતાની રીતે તેમણે આ લોકોની મદદ કરવાની યાત્રા ચાલુ રાખી. એ દરમ્યાન તેમણે તેમના મિત્રો સાથે મળીને શ્રદ્ધા રીહૅબિલિટેશન ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ સ્થાપીને કાર્યને થોડા વિશાળ પાયે કરવાના પ્રયત્ન કર્યા. રસ્તે ભટકતા અને ગરીબ, ગોબરા અને માનસિક રીતે અસ્થિર લોકોને જોઈને આપણે નજર ફેરવીએ અથવા તો નાક પર રૂમાલ મૂકીએ; પણ ડૉ. ભરત અને તેમનાં પત્ની સ્મિતા વટવાણી આ જ લોકોનાં તારણહાર બનીને છેલ્લાં ૩૦ વર્ષથી તેમની સેવા કરી રહ્યાં છે.

બાબા આમ્ટેથી ખૂબ પ્રભાવિત અને તેમને પિતાતુલ્ય ગણનારા ડૉ. ભરત કહે છે, ‘જીવનમાં કેટલાક પ્રસંગો એવા બન્યા જેના આધારે કહી શકું કે જાણે ઈશ્વરે મને આ કાર્ય માટે પસંદ કર્યો છે. જેમ કે આવા જ એક પેશન્ટને મેં મારા પ્રાઇવેટ ક્લિનિકમાં રાખ્યો હતો. એ પહેલાં મેં માનસરોવરની યાત્રા માટે મારું નામ નોંધાવ્યું હતું. પેશન્ટની સારવાર ચાલી રહી હતી એ દરમ્યાન જ મને ત્યાંથી અપ્રૂવલ મળી ગયું, પણ હું પેશન્ટને મૂકીને જઈ શકું એમ નહોતો એટલે મેં મારું જવાનું કૅન્સલ કર્યું. પેશન્ટ સાજો થઈ રહ્યો હતો એ દરમ્યાન ખબર પડી કે હું જે ગ્રુપમાં જવાનો હતો એ ગ્રુપને મોટો અકસ્માત નડ્યો અને બધા જ યાત્રાળુ મૃત્યુ પામ્યા. મારા માટે આ નવું જીવન હતું. એ ઘટનાએ મારી વિચારવાની દિશા બદલી નાખી. એ પછી બાબા આમ્ટે સાથેની મુલાકાતે મારા હૃદયને સંપૂર્ણપણે આ કાર્યમાં રોપી દીધું. અમે તેમને મળવા જઈ રહ્યા હતા એ દરમ્યાન રસ્તામાં એક બેડી બાંધેલો માણસ હાઇવે પર ચાલી રહ્યો હતો. જોઈને મારું મન વિચલિત થયું, પણ અમે આગળ નીકળી ગયા. જોકે વીસેક કિલોમીટર ગાડી આગળ ચાલી હશે ત્યાંથી મેં કાર પાછી લેવડાવીને એ માણસને સમજાવી-બુઝાવીને સાથે લઈ લીધો. બાબાને મળ્યા ત્યારે તેમની આંખોમાંથી વહેતી કરુણાની ધારાએ મને ભીંજવી નાખ્યો. એ વ્યક્તિની પીડાને તેઓ પણ જોઈ શકતા નહોતા. ત્યાંથી જાણે મને આહ્વાન મળ્યું કે હું આ જ કામમાં હવે જીવનનો મોટા ભાગનો સમય પસાર કરીશ.’

નાનકડી જગ્યામાં ખૂબ ઓછા પ્રમાણમાં લોકોની સારવાર કરી શકાતી હતી એટલે ડૉ. ભરત અને તેમના સાથીઓએ એક મોટી જગ્યામાં શહેરના આ લોકો માટે પુનર્વસન કેન્દ્ર જેવું સ્થાપવાના વિચાર સાથે ૧૯૯૩માં તેમણે ભારતભરમાં એક પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યું હતું, જેમાં જાણીતા ચિત્રકારોએ પોતાનાં પેઇન્ટિંગ ડોનેટ કર્યાં અને એના ફન્ડમાંથી દહિસરમાં એક પ્લૉટ લીધો. જોકે ત્યાં કંઈ પણ કામ ચાલુ થાય એ પહેલાં જ અહીં મેન્ટલ હૉસ્પિટલ નહીં જોઈએ એવો વિવાદ કરીને લોકોએ એનો સખત વિરોધ કર્યો. સમાજના જ લોકોનો સમાજે તિરસ્કાર કર્યો હતો. કોર્ટકેસ થયો. ફાઉન્ડેશન કેસ જીતી ગયું. જોકે એ પછી પણ લોકોએ યેન કેન પ્રકારેણ સતામણી ચાલુ રાખી એટલે કર્જતમાં એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું. ૧૨૦ આ પ્રકારના લોકો રહી શકે અને તેમની સારવાર થઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વીસ લોકોનો સ્ટાફ પેશન્ટ સાથે રહે છે. ડૉક્ટર દંપતી નિયમિત ત્યાં આવ-જા કરીને ઇલાજ કરે છે. માનસિક નહીં, પણ શારીરિક સારવાર માટે પૂરતાં સાધનો નહીં હોવાથી માનસિક રોગની સાથે શારીરિક પીડા હોય એવા પેશન્ટના ઇલાજ માટે અન્ય હૉસ્પિટલો સાથે જોડાણ કરવામાં આવ્યું છે.    

બહોત કુછ બાકી હૈ અભી

કર્જતમાં આવેલા શ્રદ્ધા રીહૅબિલિટેશન ફાઉન્ડેશનના સેન્ટરમાં ૧૨૦ પેશન્ટ છે જેમના પિતા, ભાઈ કે પુત્ર બનીને ડૉ. ભરત વટવાણી તેમને રાખી રહ્યા છે. દિવસના દસ કલાક ફિઝિકલી અને ચોવીસે કલાક માનસિક રીતે આ લોકોના હિતમાં કામ કરી રહેલા ડૉ. ભરત કહે છે, ‘સમાજનો મોટો હિસ્સો રસ્તે રઝળતા લોકોથી અજાણ છે, તેમને આ પ્રકારના લોકોની હરકતો પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણની ખબર નથી. સમાજના જે લોકો આ વર્ગ માટેનું કાર્ય ખૂબ જ શાંતિપૂર્વક અને કોઈ અપેક્ષા વિના કરી રહ્યા છે એ પૂરતું નથી. અત્યારે ભારતમાં લગભગ ચાર લાખ કરતાં વધુ લોકો આ રીતે રોડ પર માનસિક અસ્વસ્થતા વચ્ચે ભટકી રહ્યા છે. શ્રદ્ધા દ્વારા અમે સાત હજાર લોકોને તેમના પરિવાર સાથે મેળવ્યા, પણ બાકીના ૩,૯૩,૦૦૦ લોકોનું શું? તેમના માટે કોણ કામ કરશે? હકીકતમાં અમે કંઈ જ અચીવ નથી કર્યું હજી. હું વિચારું છું કે મારું સપનું ત્યારે સાકાર થશે જ્યારે વિશ્વભરના અનેક લોકો રસ્તે રઝળતા લોકોની દરકાર કરે અને એવી અનેક સંસ્થાઓ બને જે આ પ્રકારના લોકોની સારવાર કરીને તેમને ફરીથી સમાજનો હિસ્સો બનવામાં મદદરૂપ થાય. શ્રદ્ધાને મૉડલ તરીકે આખા દેશમાં અનુસરાય. અત્યારે તો એવું પણ થાય છે કે હું મારી પર્સનલ પ્રૅક્ટિસ છોડીને આ પ્રકારની સંસ્થાઓને તેમનો રોડમૅપ બનાવવામાં મદદ મળે એ રીતે મારો અનુભવ અને માહિતી તેમની સાથે શૅર કરું. વધુ ને વધુ સંસ્થાઓ, સમાજસેવકો અને વિદ્યાર્થીઓ આ કાર્ય માટે આગળ આવે. મારું નામ એમાં હોય કે શ્રદ્ધા રીહૅબિલિટેશનને કંઈ મળે એવો ઉદ્દેશ્ય નથી. તમે વ્યક્તિગત ધોરણે કરો, પણ આ લોકોને મદદ કરો બસ એટલું જ કહેવું છે.’

bharat1

કેટલાક કિસ્સાઓ

૨૦૧૦ની વાત છે. ચાલીસેક વર્ષની આસપાસનો માણસ ફુટપાથ પર પડ્યો હતો. અનેક દિવસથી નાહ્યો નહીં હોય એટલે દુર્ગંધ પણ આવતી હતી. વર્તણૂકથી તદ્દન પાગલ જ લાગતા આ યુવાન પર કર્જતમાં વિક્રમ નામના એક સોશ્યલ વર્કરની નજર પડી. ઍમ્બ્યુલન્સના માધ્યમે તેને શ્રદ્ધા નર્સિંગ હોમમાં તેને લઈ આવવામાં આવ્યો અને તેની સારવાર શરૂ થઈ. સ્કિઝોફ્રેનિયાથી પીડાતા આ માણસની સ્થિતિ ધીમે-ધીમે સુધરતી દેખાઈ. પહેલાં પોતાનું નામ પણ નહીં બોલી શકનારી આ વ્યક્તિએ પોતાની સાચી ઓળખ કહી અને પોતાનું સરનામું વગેરે બધું જ સંસ્થાના કર્મચારીઓને આપ્યું. તે મૂળ નાંદેડનો હતો અને મુંબઈમાં જૉબ માટે આવ્યો હતો, પણ જૉબ નહીં મળવાને કારણે થોડો ચિંતામાં હતો એવામાં ક્યારે અને કેવી રીતે તેનું માનસિક સંતુલન ખોરવાયું એની તેને ખબર નહોતી. બીજી બાજુ નાંદેડમાં રહેતા તેના પરિવારે તેની ખૂબ શોધખોળ કર્યા પછી પણ તે ન મળ્યો ત્યારે માન્યું કે તે મૃત્યુ પામ્યો છે એટલે પત્નીએ વિધવા તરીકેનું જીવન શરૂ કર્યું અને ઘરમાં તેના ફોટોને હાર પણ ચડી ગયો. દોઢ વર્ષ પછી સંસ્થાના સોશ્યલ વર્કર એ વ્યક્તિને લઈને શોધતાં-શોધતાં તેના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની અને ત્રણ બાળકો મળ્યાં. જેને મૃત સમજ્યો હતો એ પતિને જીવતો સહીસલામત જોઈને પત્ની અવાચક થઈ ગઈ. તેને સમજાયું જ નહીં કે આ સપનું છે કે હકીકત. પતિ અને પત્ની બન્ને એકબીજાને ભેટી પડ્યાં અને પત્ની સોશ્યલ વર્કરના પગમાં પડી ગઈ. જ્યારે તેમનો ફોટો લેવાની વાત કહી તો પત્નીએ ઊભા રહો કહીને પહેલાં તો પતિના ફોટો પરથી હાર ઉતાર્યો પછી રૂમમાં જઈને તેણે સુહાગણની નિશાનીઓ પહેરી, કપડાં બદલ્યાં અને પછી ફોટો પડાવ્યો.

આવો જ એક બીજો કિસ્સો કર્ણાટકનો છે. કર્ણાટકના મણિપાલ ડિસ્ટ્રિક્ટમાં રહેતા લગભગ ૬૦ વર્ષની ઉંમરના શિનોય પરિવારના વડીલ અચાનક ગાયબ થઈ ગયા. બુલઢાણામાં રહેતો તેમનો પરિવાર સંપન્ન હતો અને સારી વગ ધરાવતો હતો. તેમના ત્રણ પુત્રો અને બધાએ પિતાની શોધ માટે ચારેય બાજુ સૂત્રો લગાવી દીધાં. પોલીસ પર રાજકીય પ્રેશર લાવ્યું અને ખૂબ દબાણ વધ્યું એટલે પોલીસે કોઈક નધણિયાતી બૉડીને તેમના પિતા બનાવીને તેના પરિવાર પાસે ક્રિયાકર્મ પતાવી દીધાં. એક દીકરો લંડનમાં ભણવા જતો રહ્યો. પિતાના ફોટો પર હાર ચડી ગયો હતો. બીજી બાજુ પિતા મુંબઈની સડકો પર દરિદ્ર અને અસ્થિર અવસ્થામાં હતા. કોઈક તેમને ગરીબ સમજીને ખાવાપીવાનું આપી જતું. લગભગ છ મહિનાથી તેમની આ જ દશા હતી ત્યાં એક સામાજિક સંસ્થાના યેરમ્મા નામના કાર્યકરનું ધ્યાન ગયું અને તેની જ સહાયથી તેમને શ્રદ્ધા ચૅરિટેબલ ટ્રસ્ટમાં ઍડ્મિટ કર્યા. તેમને પાછળનું કંઈ જ યાદ નહોતું. સ્કિઝોફ્રેનિયા ઉપરાંત થોડી શારીરિક તકલીફો પણ તેમને હતી. લગભગ આઠેક મહિના તેમનો ઇલાજ થયો. ધીમે-ધીમે તેમને સભાનતા આવી અને પોતાની સાચી ઓળખ વિશે તેમને યાદ આવવા માંડ્યું. કન્નડ ભાષા સિવાય તેમને કોઈ ભાષા નહોતી આવડતી એટલે કન્નડ જાણતા સોશ્યલ વર્કરને તેમણે પોતાની સાચી ઓળખ આપી અને સંસ્થાના કેટલાક સભ્યો આ ભાઈને લઈને તેમના પરિવારને શોધતા-શોધતા તેમના ગામે પહોંચ્યા. ગામના લોકો તો તેમને તરત ઓળખી ગયા. જોકે બધાને આશ્ચર્ય હતું. જે માણસનો અãગ્નસંસ્કાર થઈ ગયા હોય તે જીવતો કેવી રીતે પાછો આવે! શરૂઆતમાં તો તેમનાં સંતાનોએ પણ આ વાત સ્વીકારી નહીં. પિતાએ જ્યારે આખી હકીકત કહી ત્યારે તેમના માનવામાં વાત આવી.

એક સોશ્યલ વર્કરે એક ગુજરાતી સ્ત્રીને ત્રણ વર્ષની દીકરી અને હાથમાં છ મહિનાના બાળક સાથે રઝળતી જોઈ. તેના હાવભાવ પરથી ખબર પડી કે કોઈક પ્રૉબ્લેમ છે. તે તેના બાળકને છોડી નહોતી. આજુબાજુના લોકો પાસેથી ખબર પડી કે ત્રણેક દિવસથી બાળક સાથે આ રીતે તે રસ્તા પર છે. કંઈ બોલતી નથી, ખાતી-પીતી નથી. પછી ખ્યાલ આવ્યો કે તેના હાથમાં રહેલું બાળક મૃત્યુ પામેલું છે. બાળકના મૃત્યુના આઘાતથી તે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે અને બાળકને પોતાની પાસેથી અલગ જ નથી કરી રહી. મહામહેનતે સોશ્યલ વર્કરો અને સમાજસેવકોએ બાળકને જુદું કરીને તેની અંતિમ ક્રિયા કરી. આ મહિલાની સેન્ટરમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ. આજે પણ તે શ્રદ્ધા રીહૅબિલિટેશન ફાઉન્ડેશનમાં છે. તેની દીકરી અભ્યાસ સાથે હવે કામકાજ કરતી થઈ ગઈ છે.

કોણ છે આ ડૉક્ટર દંપતી?


કલકત્તામાં જન્મેલા અને બાળપણમાં જ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયેલા ડૉ. ભરતના પિતા મણિરામ વટવાણી તેઓ જ્યારે બાર વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા અને ખૂબ જ નબળી આર્થિક સ્થિતિ વચ્ચે તેમનો ઉછેર થયો છે. તેમનાં પત્ની કહે છે, ‘બાળપણમાં બાંદરામાં રહેતા ત્યારે તેમણે ઘરે-ઘરે રાજેશ ખન્નાના ફોટો અને તેમના પિક્ચરની સીડીઓ વેચીને પૈસા ભેગા કર્યા છે. તેમની માતા ધર્મીબાઈએ પોતાનાં સંતાનોને ભણાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. સંઘર્ષ કોને કહેવાય, તકલીફ કોને કહેવાય એનો ફસ્ર્ટ હૅન્ડ અનુભવ તેમને છે એટલે તેઓ સામેવાળાની પીડાને બરાબર સમજી શકે છે. તેમનો એક ભાઈ ન્યુરોલૉજિસ્ટ છે અને બીજા રેડિયોલૉજિસ્ટ છે અને ભરતે પણ MBBSનો અભ્યાસ કર્યો છે.’

જનરલ ફિઝિશ્યનની ડિગ્રી મળી ગયા પછી ડૉ. ભરતે એક વર્ષ સુધી પોતાનું ક્લિનિક ચલાવ્યું, પણ તેમને એમાં ખાસ રસ નહોતો પડી રહ્યો. એ પછી તેમણે ડૉક્ટરની પ્રૅક્ટિસ પડતી મૂકીને સાઇકિયાટ્રીમાં વધુ અભ્યાસ કર્યો અને વર્તમાન આપણી સામે છે. ડૉ. સ્મિતા કહે છે, ‘તેઓ મારા કરતાં ભણવામાં આગળ હતા, પરંતુ આ રીતે થોડોક સમય તેમણે બીજાં બધાં કામમાં આપ્યો હોવાથી કૂપર હૉસ્પિટલમાં અમે સાથે થઈ ગયાં. એક સમયે મારા ક્લાસમેટ તરીકે ભણતા ભરતના ક્લાસની ટીચર તરીકે મારે જવાનું થયું.’

તેમનો એ પરિચય આગળ જતાં પરિણયમાં કન્વર્ટ થયો. આજે પણ ડૉ. ભરત પોતે પોતાના લેક્ચરર સાથે લગ્ન કર્યાં છે એ બાબતમાં રમૂજ કરી લે છે. આ દંપતીને મળો તો એક તમને સેન્સ ઑફ હ્યુમર સાથેની એકદમ એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ લાગે, પણ તેમનાં પત્ની તેમનાથી તદ્દન ઑપોઝિટ થોડાંક રિઝવ્ર્ડ અને ઇન્ટ્રોવર્ટ છે. બન્ને સ્વભાવથી સાવ જુદાં હોવા છતાં તેમના સેવાના કાર્યના વિચારોમાં એટલો સુમેળ છે કે તદ્દન અજાણ્યા અને ડિપેન્ડન્ટ લોકોનો સહારો બનવાનો નિર્ણય લેવામાં કોઈ મતભેદ ન થયો. લગ્ન પછી ડૉ. ભરત બાળકોને અડૉપ્ટ કરવા માગતા હતા અને તેમણે ત્રણ બાળકોને અડૉપ્ટ પણ કર્યાં છે એ વિશે ડૉ. સ્મિતા કહે છે, ‘મારે એક વાર માતા બનવું હતું એટલે મારી ઇચ્છાને માન આપીને પોતાનું સંતાન કરવાનું નક્કી કર્યું. એ દરમ્યાન જ નક્કી કર્યું હતું કે જો અમને બાળકમાં દીકરી હશે તો દીકરાને અડૉપ્ટ કરીશું અને દીકરો હશે તો દીકરીને અડૉપ્ટ કરીશું. શરૂઆતમાં આ નિર્ણયને લઈને પરિવારના અન્ય સભ્યોને થોડોક છોછ થઈ રહ્યો હતો, પણ અમે અટલ હતા. અમારે દીકરી જન્મી. એ થોડીક મોટી થઈ એટલે એક દીકરો અમે અડૉપ્ટ કર્યો. એ પછી ફરી એક દીકરીને પણ અડૉપ્ટ કરી. ચોથી વાર હું અચકાતી હતી, પણ મારાં ત્રણેય બાળકો અને ભરતે જાણે નક્કી કરી લીધું હતું અને તેમણે મને કન્વિન્સ કરી લીધી. અમે ચોથો દીકરો અડૉપ્ટ કર્યો.’

અત્યારે અક્ષા, અજુર્ન, કનિકા અને કર્મણ્ય એમ ચાર સંતાનોએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે; જેમાંથી એક દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે. બોરીવલીમાં પ્રાઇવેટ પ્રૅક્ટિસમાં સારીએવી આવક થતી હોવાને કારણે છેલ્લાં ત્રણ વર્ષથી દર મહિને બે લાખ રૂપિયા ડૉક્ટર પોતે પણ શ્રદ્ધા ફાઉન્ડેશનને આપે છે. એ સિવાય તેમણે પોતાના વિલમાં પણ પોતાના પછી અડધી પ્રૉપર્ટી આ ફાઉન્ડેશનને આપવાની ઇચ્છા લખી નાખી છે. જીવતેજીવ તો આ દરદીઓને સમર્પિત રહેવાનું જ, પણ મૃત્યુ પછી પણ દરદીઓને સહારો આપવાની તેમની દૃઢતા ખરેખર તેમના માટેનું માન ચારગણું વધારનારી છે.

રેમન મૅગ્સેસે અવૉર્ડ શું છે?


નોબેલ પુરસ્કારની એશિયન આવૃત્તિ તરીકે ઓળખાતો રેમન મૅગ્સેસે અવૉર્ડ આ વર્ષે એશિયાના છ લોકોને એનાયત કરવામાં આવનાર છે, જેમાંથી બે ભારતીય છે. ડૉ. ભરત વાટવાણી અને સોનમ વાંગચુક. સોનમ વાંગચુક એટલે ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મમાં આમિર ખાનનું પાત્ર જેને પ્રેરિત હતું એ વ્યક્તિ. ન્યુ યૉર્કના રૉકફેલર બ્રધર્સ ફન્ડના ટ્રસ્ટીઓ અને ફિલિપીન્સ સરકાર દ્વારા મળીને ૧૯૫૭માં ઍરક્રેશમાં મૃત્યુ પામેલા ફિલિપીન્સના ત્રીજા પ્રેસિડન્ટ રેમન મૅગ્સેસેની યાદમાં આ અવૉર્ડ આપવામાં આવે છે. વિવિધ કૅટેગરીમાં સમાજને બહેતર બનાવવા તેમ જ એના ઉત્થાન માટે કાર્ય કરનારા લોકોને આ અવૉર્ડથી નવાજવામાં આવે છે. અત્યાર સુધીમાં જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે, મણિભાઈ દેસાઈ, બાબા આમ્ટે, પ્રકાશ આમ્ટે, રવિશંકર, આર. કે. લક્ષ્મણ, મધર ટેરેસા, મહાશ્વેતાદેવી, સત્યજિત રે, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, વર્ગિસ કુરિયન, કિરણ બેદી જેવા ઘણા જાણીતા લોકોને આ સન્માન મળી ચૂક્યું છે.

માનસિક અસ્થિર એટલે કોણ?

માનસિક રીતે અસ્થિર એવા રસ્તે મળતા મોટા ભાગના પેશન્ટ સ્કિઝોફ્રેનિયા નામના રોગથી પીડાતા હોય છે, જેમાં બ્રેઇનમાં ડોપામાઇન નામના હૉમોર્નનો સ્રાવ વધી જવાથી વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર થઈને વધુપડતી કાલ્પનિક દુનિયામાં રહેવા માંડે છે. તેને પોતાનું, પોતાની આસપાસના માહોલનું અને સારા-ખરાબનું કોઈ ભાન રહેતું નથી. કોઈ વાર લોકો એકલા-એકલા બબડાટ કરે, કારણ વિના હસે, અનિયંત્રિત રહેણીકરણી અને વર્તણૂક, ક્યારેક ઝનૂની વર્તન કરવું, એક જ જગ્યાએ દિવસો સુધી બેસી રહેવું, પોતાના ખિલાફ જાસૂસી થઈ રહી હોય એવો અનુભવ થયા કરવો, ભ્રમણાઓમાં મહાલવું, સતત કોઈ તેના વિચારોને સાંભળી રહ્યું છે, બધા તેની પાછળ પડ્યા છે, દુનિયામાં તેનું કોઈ વિશેષ મહત્વ છે, પોતે મહાન છે, અથવા પોતે ક્ષુલ્લક છે જેવી કોઈ પણ અતિની સ્થિતિમાં હોવું, ઊંઘ ડિસ્ટબ્ર્ડ હોવી, બધી જ રીતે સમાજથી વિમુખ થઈ જવું જેવાં કેટલાંક લક્ષણો આ અવસ્થાના લોકોમાં જોવા મળે છે. બાયોકેમિકલ અસ્થિરતા, કોઈ બહુ મોટો આઘાત (જેમ કે સ્વજનનું મૃત્યુ, કુદરતી હોનારત, પ્રેમમાં નિષ્ફળતા, પ્રેગ્નન્સીની પીડા જેવી ટ્રૉમેટિક ઇવેન્ટ) અને વારસાગત હિસ્ટરીને કારણે પણ ઉદ્ભવી શકનારી આ ગાંડપણ જેવી આ સ્થિતિને દવાથી અને કાઉન્સેલિંગથી દૂર કરી શકાય છે. ઘણા લોકો અતેને વળગાડ કે બ્લૅક મેજિક સાથે સાંકળી લેતા હોય છે. જોકે માત્ર દવાઓથી જ ૯૦ ટકા સુધી બીમારીનાં લક્ષણો દૂર થઈ શકતાં હોય છે. અનિવાર્ય સંજોગોમા શૉકથેરપીનો ઉપયોગ પણ નિષ્ણાતો કરતા હોય છે. જોકે મેડિકલ ટ્રીટમેન્ટથી આવા હજારો દરદીઓ સાજા થયા છે. આ દિશામાં અવેરનેસ લાવવાની સૌથી વધુ જરૂરિયાત છે.

તમને પણ આમંત્રણ છે


શ્રદ્ધા રીહૅબિલિટેશનનો મહિનાનો લગભગ વીસ લાખ રૂપિયાનો ખર્ચ છે, જે ટ્રસ્ટને મળતા ફન્ડ પરથી પૂરો કરવામાં આવે છે. ડૉ. વટવાણી અને તેમનાં પત્ની મળીને પોતાની પ્રાઇવેટ પ્રૅક્ટિસમાંથી થતી આવકમાંથી પણ અમુક હિસ્સો સંસ્થાને આપે છે. ડૉ. ભરતનું લોકોને આહ્વાન છે કે પિકનિકના બહાને પણ એક વાર સૌ તેમના સેન્ટરની મુલાકાત લે અને લોકો કેવી સ્થિતિમાં રહે છે એ જુએ. અવેરનેસ એ આ લોકોની મદદ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. વધુ વિગત માટે તમે તેમની વેબસાઇટ shraddharehabilitationfoundation.org  પર વિઝિટ કરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK