મેરે પાસ માં-બાપ હૈ! હવે આમ બોલનારા કેટલા?

હવે એવો સમાજ આકાર પામી રહ્યો છે જ્યાં માતા-પિતા બોજ બનવા લાગ્યાં છે. ધન-સંપત્તિનું મૂલ્ય એટલું વધી ગયું છે કે સંતાનો પોતાની પાસેના ફ્લૅટ, બંગલો કે ગાડી છે એની વાતો ગૌરવપૂર્વક કરે છે, પરંતુ પોતાની સાથે મા-બાપ છે કે નહીં એના વિશે ચૂપ રહે છે; કારણ કે...

maa

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

અમિતાભ બચ્ચન અને શશી કપૂરની યાદગાર ફિલ્મ ‘દીવાર’નો ક્યારેય ન ભુલાય અથવા ભૂલવો ન જોઈએ એવો આ ડાયલૉગ આપ સૌને યાદ હશે જ્યારે ફિલ્મમાં આ બે ભાઈઓ વચ્ચે સંવાદ થાય છે, જેમાં પૈસાદાર બની ગયેલો મોટો ભાઈ (અમિતાભ) સાધારણ  માણસ તરીકે જીવતા નાના ભાઈ (શશી કપૂર)ને કહે છે, આજ મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ? ત્યારે શશી કપૂર કહે છે, મેરે પાસ માં હૈ. આ વિધાન બાદ અમુક સેકન્ડ માટે સન્નાટો છવાઈ જાય છે. મોટા ભાઈનાં ઢગલાબંધ વજનદારï વિધાનો સામે નાના ભાઈના એક નાના વિધાનનું વજન વધી જાય છે. ધનવાન અમિતાભની બોલતી બંધ થઈ જાય છે. આ રીલ લાઇફની વાત આજે રિયલ લાઇફમાં સાવ જ બદલાઈ રહી છે જે આજના સમાજની તો સૌથી મોટી કરુણતા તો છે જ અને એથી પણ વધુ આગામી પેઢી માટેની કમનસીબી અને કરુણતા છે.

માતા-પિતાના વારા


આજે એવા ઘણા લોકો પાસે ગાડી, ફ્લૅટ, બંગલો બધું જ છે પરંતુ મા-બાપ નથી. જોકે ટ્રૅજેડી એ વાતની છે કે એ લોકોને એનો રંજ પણ નથી. આ લોકોનાં મા-બાપ નથીનો  અર્થ એ છે કે તેમની સાથે નથી અને સાથે હોય તો પણ માત્ર શરીર કે હાજરી પૂરતાં  છે, તેમનું કોઈ મહત્વ કે ગરિમાપૂર્ણ સ્થાન નથી. સમાજના ભય કે ચિંતાથી સંતાનોએ માતા-પિતાને સાથે રાખ્યાં છે. એમાં પણ ઘણી વાર માતા-પિતાના રહેવાના વારા નીકળે છે. થોડા દિવસ એક દીકરાના ઘરે, થોડા દિવસ બીજા દીકરાને ત્યાં, વળી થોડા દિવસ ત્રીજાને ત્યાં માતા-પિતા શિફ્ટ થયા કરે છે. કોઈ એક દીકરો તેમને હંમેશ માટે રાખવા સંપૂર્ણ રાજી નથી. એમાં પણ જે માતા-પિતા પાસે પોતાના બહુ પૈસો કે સંપત્તિ ન હોય એવાં લાચાર માતા-પિતા બહુ જલદી બિચારાં બની જાય છે.

સ્ટાર વૃદ્ધાશ્રમ


કેટલાંય ગાડી, ફ્લૅટ કે બંગલોવાળાનાં માતા-પિતા વૃદ્ધાશ્રમમાં હોવાના કિસ્સા પણ છે. હા, કદાચ ફરક એટલો કે આ લોકો પેઇડ અને સારી સુવિધાવાળા (સ્ટાર) વૃદ્ધાશ્રમમાં રહે છે. પરંતુ પોતાનાં સંતાનોથી તેઓ દૂર છે. શરીરથી અને હૃદયથી પણ. ખરેખર તો ઘણા કિસ્સામાં હવે મા-બાપને દીકરાઓ કરતાં વધુ સારી રીતે દીકરીઓ સાચવે છે. જોકે એક કરુણતા એ પણ ખરી કે કેટલીક દીકરીઓ જ્યારે બીજાના ઘરે વહુ બનીને જાય છે ત્યારે પતિનાં માતા-પિતાને સાચવવામાં તે એટલાં જ પ્રેમ-લાગણી-સહયોગ આપે છે કે નહીં એ  સવાલ છે. ઘણા કિસ્સામાં દીકરો પરણ્યા બાદ નવી આવેલી વહુ જ તે દીકરાનાં મા-બાપને દીકરાથી દૂર કરાવવામાં નિમિત્ત યા કારણ બને છે. તેથી ઘણી વાર હવે એવું પણ કહેવાય છે કે દીકરો તો પારકી થાપણ કહેવાય!

માતા-પિતા ક્યાં, સંતાનો ક્યાં

આજે મા-બાપ ક્યાં છે અને સંતાનો ક્યાં છે? પરિવાર સતત તૂટી રહ્યા છે, જુદા થઈ રહ્યા છે. દરેકને પોતાની આઝાદી, પોતાના માટે સ્પેસ જોઈએ છે. મારું અને પોતાનું આ શબ્દ તેમના ફેવરિટ બની ગયા છે. તેમને કોઈ સલાહ-સૂચન ગમતાં નથી, તેમને કોઈ પણ વ્યક્તિ તેમના જીવનમાં દરમ્યાનગીરી કરે એ જોઈતું નથી, પછી ભલે તે કંઈ પણ ખોટું-અયોગ્ય કરી રહી હોય. ઘરમાં મા-બાપ હોય તો પણ તેમનું મૂલ્ય કેટલું? હા, તેમની પાસે મોટી મૂડી હોય તો મૂલ્ય ખરું, પરંતુ નાણાં વિના તો તેઓ પણ માત્ર નાથાલાલ! આવા નાથાલાલ કે નાથીબહેનને સંતાનો તરફથી સ્પક્ટ કહી દેવામાં આવે છે - તમે અમારામાં માથું નહીં મારો, અમને અમારી રીતે જીવવા દો. પરિણામે ઘણા ઘરમાં જ વૃદ્ધાશ્રમ બની જાય છે, જ્યારે ઘણાને વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જવાની નોબત આવે છે. આજે આપણા દેશમાં  વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે અને વૃદ્ધાશ્રમની કરુણતા પણ વધી રહી છે એ એક કડવી વાસ્તવિકતા છે.

મા-બાપ પોતે જ સમજવા લાગ્યાં

આજે વૃદ્ધો પણ સંતાનો કંઈ કરે એ પહેલાં સામેથી જુદા થવા લાગ્યા છે. જેમની પાસે પૂરતાં ધન અને સગવડ છે તેવાં માતા-પિતા પોતાનાં સંતાનોને લગ્ન થાય કે તરત જ અલગ ઘરની વ્યવસ્થા કરી આપે છે જેથી બે પેઢી વચ્ચે કંકાસ કે વિવાદની શકયતા ઓછી અથવા નહીંવત થઈ જાય. જો માતા-પિતા આવી આર્થિક ક્ષમતા ધરાવતાં નથી અને  સંતાનો ધરાવે છે તો તેઓ એવું કરે છે કે પોતાના ઘરથી નજીક જુદું ઘર લઈ લે છે કાં તો સમાન મકાનમાં અથવા આસપાસના મકાનમાં જેથી રોજની ખટપટની શક્યતા ન રહે. આમ જુદાના જુદા અને સાથેના સાથે ગણાય. પરંતુ આ બન્ને પેઢી પાસે આર્થિક સુવિધા ન હોય તો બન્ને એકબીજા સાથે ઍડ્જસ્ટ કરે છે. ઘણાં કપલ્સ એવાં હોય છે જે પતિ-પત્ની બન્ને નોકરી કરતાં હોય છે. તેથી પોતાનાં બાળકોને સાચવવા માતા-પિતાને સાચવે છે. આવાં માતા-પિતા પાસે બીજો કોઈ વિકલ્પ પણ હોતો નથી. તેઓ તો  લાગણીથી એ બાળકોને સાચવે છે, પરંતુ કરુણતા એ થઈ છે કે આમ કરવું એ તેમની ફરજ બની જાય છે. એ પછી તેમને પોતાની મરજી કે સ્પેસ મળવી મુશ્કેલ થઈ જાય છે. તેમ છતાં આ માતા-પિતા બાળકોને બોજ નથી ગણતાં, જ્યારે કે પરિવારમાં તેમનાં જ સંતાનો તેમને બોજ માનતાં થઈ જાય છે. આમ આપણો સમાજ એક ભયંકર વિષમ સ્થિતિ તરફ જઈ રહ્યો છે. દરેક પરિવારમાં આવું જ છે એમ કહી શકાય નહીં, પરંતુ આવું થવાનું વધવા લાગ્યું છે એમ ચોક્કસ કહી શકાય. હવે તો સંતાનો વિદેશ ભણવા જઈ ત્યાં જ નોકરી કરી રહેતાં થઈ જાય છે ત્યારે અહીં માતા-પિતાનું પોતાનું ઘર પણ વૃદ્ધાશ્રમ જેવું બની જાય છે. આ એક જુદી કરુણ કથા છે. જોકે દરેક સિક્કાની જેમ દરેક કિસ્સાની પણ બે બાજુ હોય છે.  

પછી યાદ કરીને શું?


આજના સમયમાં સંતાનો પોતાનાં મા-બાપની વિદાય બાદ પરંપરાના ભાગરૂપ પ્રાર્થનાસભા રાખીને માતા-પિતાની યાદોનાં, તેમની કુરબાનીઓનાં, તેમનાં સ્નેહ-લાગણીનાં ગીતો ગવડાવે છે. પરંતુ એ જ મા-બાપ જીવતાં હતાં ત્યારે આ જ સંતાનો  તેમને લાગણીના બે શબ્દો પણ વ્યક્ત કરવાનો સમય કે ભાવ કાઢી શકતાં નથી. આવા લોકો માટે એમ કહેવાનું દિલ

થાય કે...

તેઓ મરી જશે પછી તેમને કરીને યાદ શું કરશો?

હાલ તેઓ જીવે છે એ કેમ યાદ નથી કરતા?

પછી તેમને શાંતિ જ હશે

તમારે તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવાની જરૂર નહીં રહે

પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ અખબારોમાં ફોટા સાથે

એ તમારી છે ખ્વાહિશ, તેમને હવે કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા નથી

એ જીવતાં હતાં ત્યારે દૂર કરતા રહ્યા સતત તેમને

હવે તમે છો અમારી આસપાસ એવા શબ્દોની જરૂર નથી

- જ. ચિ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK