ઊંચી ઉડાન માટે પાંખો નહીં પણ પડકારો સામે ઝઝૂમવાની હિંમત જોઈએ

અકસ્માતમાં થયેલી સ્પાઇનલ કૉર્ડની ઇન્જરીમાં શરીરનો નીચલો હિસ્સો કાયમ માટે ગુમાવી દેનારી વિક્રોલીનાં કાર્તિકી પટેલની વ્હીલચૅરથી લઈને ઇન્ડિયન વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમની કૅપ્ટન બનવા સુધીની સંઘર્ષમય સફરની રૂંવાડાં ઊભાં કરી દે એવી પ્રેરક દાસ્તાન જોઈએ

chair

લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

૨૦૦૮માં એક માર્ગ-અકસ્માતમાં કરોડરજ્જુમાં થયેલી ગંભીર ઈજાના કારણે ચાલવાની શક્તિ ગુમાવી દેનારી ભારતની વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમની કૅપ્ટન કાર્તિકી પટેલે થાઇલૅન્ડમાં યોજાયેલી એશિયન ગેમ્સ ક્વૉલિફાયર રાઉન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પાઇનલ કૉર્ડમાં થયેલી ઈજાના કારણે શરીરનો નીચલો હિસ્સો કાયમ માટે પૅરૅલાઇઝ્ડ થયા બાદ પણ પોતાના સ્પોર્ટ્સમૅન સ્પિરિટને જાળવી રાખનારી મુંબઈમાં જન્મેલી અને ઊછરેલી કાર્તિકી પટેલે અનેક સંઘર્ષોનો સામનો કરી પુરવાર કરી બતાવ્યું છે કે તે શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ કરતાં બે વેંત ઊંચી છે. 

એક આંકડા મુજબ ભારતમાં આશરે ૮ કરોડ લોકો શારીરિક અક્ષમતાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આપણા દેશમાં અક્ષમતા અને નિષ્ફળતાને એકબીજાના પર્યાય માનવામાં આવે છે. ડિસેબિલિટી એટલે જાણે કે ઇનેબિલિટી, આવી પૂર્વગ્રહયુક્ત સામાજિક વિચારસરણી અને માન્યતાઓના કારણે તેમનું જીવન વધુ પડકારરૂપ બની ગયું છે. સામાન્ય લોકો તેમની ક્ષમતાઓ પર શંકા કરે છે. તેથી તેમના માટે સફળતાના માર્ગો વધારે વિકટ બની જાય છે. કેટલીક વાર લોકોની તેમની તરફ જોવાની દૃષ્ટિના લીધે તેઓ દુનિયાથી અલિપ્ત રહેવાનું પસંદ કરે છે. સામાજિક બહિષ્કાર અને શમિંર્દગીનો ભોગ બનનારા અક્ષમ લોકો ગુમનામીની જિંદગી જીવવા મજબૂર થઈ જાય છે. આવા અસંખ્ય લોકોની વચ્ચે એવા કેટલાક વિરલાઓ પણ છે જેમણે અનેક અક્ષમતાઓ સામે ઝઝૂમીને, પડકારોનો હિંમતભેર સામનો કરીને તેમ જ તમામ માન્યતાઓ, શંકા-કુશંકાઓને માત કરી સમાજમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આજે આપણે શારીરિક રીતે અક્ષમ, પરંતુ મજબૂત મનોબળ ધરાવતી આવી જ એક સન્નારીને મળીશું. વિક્રોલીમાં રહેતી કાર્તિકી પટેલ ભારતની વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમની કૅપ્ટન તેમ જ રાષ્ટ્રીય કક્ષાની બૅડ્મિન્ટન પ્લેયર છે. વ્હીલચૅરથી કૅપ્ટન બનવા સુધીની તેની સંઘર્ષમય સફર વિશે જાણીએ.

અકસ્માતે તોડ્યાં સ્વપ્નો

આજથી લગભગ ૧૦ વર્ષ પહેલાં કાર્તિકીએ હૉસ્પિટલના બેડ પર જ્યારે આંખ ખોલી તો આઘાત પામી ગઈ. માર્ગ-અકસ્માતની એ ગોઝારી ઘટનાને યાદ કરતાં કાર્તિકી કહે છે, ‘અમે બધા કઝિન્સ મુંબઈથી કાર કરીને ગુજરાત જઈ રહ્યાં હતાં. હું કારની પાછલી સીટ પર બેઠી હતી. મનોર નજીક એક જગ્યાએ વળાંક લેતી વખતે કાર રસ્તા પરથી ઊતરી ગઈ અને આઠ ફીટ નીચે ફંગોળાઈ ગઈ. કાર ઊંધી વળી જતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. કટોકટીની એ ઘડીમાં મને મનોરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ત્યાર બાદ મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. આ ભીષણ અકસ્માતમાં સ્પાઇનલ કૉર્ડને ગંભીર ઈજા થવાથી મારા શરીરના નીચલા હિસ્સાની મૂવમેન્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. વાસ્તવમાં સ્પાઇનલ કૉર્ડની ઈજા કોને કહેવાય એ જ મને ખબર નહોતી. મારા પગમાં શું ચાલી રહ્યું છે અને એનાં પરિણામો કેટલાં ભયાનક છે એ બધી બાબતથી હું અજાણ હતી. જ્યારે ખબર પડી કે હવે હું ક્યારેય મારા પગ પર ઊભી નહીં રહી શકું ત્યારે ભાંગી પડી. આ અકસ્માતે મારાં અનેક સપનાંઓને રગદોળવાનું કામ કર્યું. એ વખતે મનમાં જે નકારાત્મક વિચારો આવ્યા હતા એને શબ્દોમાં વર્ણવી ન શકાય.’

કાર્તિકીનું જીવન આઘાતોથી ભરેલું છે.

માતા-પિતાની છત્રછાયા તો નાનપણમાં જ ગુમાવી દીધી હતી. એ વખતે કાર્તિકી કાંદિવલીમાં માસા-માસી અશ્વિન અને શૈલા પટેલ સાથે રહેતી હતી. તેને શરૂઆતથી જ બાસ્કેટબૉલ પ્લેયર બનવું હતું. મુંબઈ નૉર્થ ઝોન માટે તે ડિસ્ટિÿક્ટ લેવલ સુધી રમી હતી. ઘણા એફર્ટ નાખ્યા, પરંતુ આગળ વધવાની તક ન મળતાં અભ્યાસ પર ધ્યાન આપવા લાગી. અભ્યાસ દરમ્યાન પણ જ્યારે-જ્યારે સમય મળતો ત્યારે બાસ્કેટબૉલ રમતી. આ ગેમ રમવા તેણે કૉલેજમાં અનેક લેક્ચર બંક કર્યાં છે. કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યા બાદ મલાડની એક ફર્મમાં જૉબ કરતી હતી. જૉબને હજી એક વર્ષ જ થયું હતું ત્યાં આ ઘટના બની હતી. હૉસ્પિટલમાં રહેવું તેને પસંદ નહોતું. તબીબી પરિસ્થિતિ સ્ટેબલ થયા બાદ માસા-માસી તેને ઘરે લઈ આવ્યાં.

છ વર્ષ કાઢી નાખ્યાં

વ્હીલચૅર પર ઘરે આવેલી કાર્તિકી સોશ્યલ લાઇફથી દૂર રહેવા લાગી. તેને કંઈ ગમતું નહોતું. અગાઉ જે લોકો તેની કંપની માણવા ઉત્સુક રહેતા તેઓ પણ દૂર રહેવા લાગ્યા. શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ સાથે સમય વિતાવવામાં કે તેને સહાય કરવામાં કોઈને રસ નહોતો. માસા-માસી સંભાળ રાખતાં હતાં, પણ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આર્થિક પરિસ્થિતિના કારણે કેટલાક નિર્ણયો લીધા વગર ચાલે એમ નથી એ વાત તે સમજી ગઈ. કાર્તિકીને ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું હતું એટલે ફરીથી જૉબ શરૂ કરી. ઘરથી જૉબ અને જૉબથી ઘરમાં તેની દુનિયા સમેટાઇ ગઈ. આ સમય દરમ્યાન તેના અંકલે એક્સરસાઇઝ માટે સ્વિમિંગ શીખવાની સલાહ આપી. પગ વગર કઈ રીતે તરી શકાય એમ વિચારી તેણે હિંમત ન કરી. જૈસા ચલ રહા હૈ ચલને દો જેવી પરિસ્થિતિમાં તેણે છ વર્ષ કાઢી નાખ્યાં.

આગળની વાત કરતાં કાર્તિકી કહે છે, ‘છ વર્ષ બાદ મને થયું કે મારે પોતાના માટે કંઈક કરવું છે. પગ નહોતા, પણ હૈયામાં હામ હતી કે હું કંઈક એવું કરું જેનાથી મારું જીવન બદલાય. સૌથી પહેલો વિચાર સ્વિમિંગનો જ આવ્યો. શારીરિક રીતે અક્ષમ વ્યક્તિને સ્વિમિંગ તો કોઈ શીખવાડે જ નહીં એટલે જાતે પૂલ શોધી કાઢ્યો. ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબમાં આવેલા પૂલમાં સ્વિમિંગ શીખવાનો પ્રયાસ શરૂ કર્યો. પૂલ સુધી જવામાં બહુ જ તકલીફ પડતી. જેમ-તેમ મૅનેજ કરીને પહોંચી તો જતી, પણ પૂલમાં કૂદવું એમ કંઈ સહેલું નહોતું. મનમાં ગાંઠ વાળી લીધી હતી કે કોઈ પણ ભોગે સ્વિમિંગ શીખવું જ છે; પગ નથી તો શું થઈ ગયું, મારા માટે પણ એ બધું પૉસિબલ છે જે સામાન્ય વ્યક્તિ કરી શકે છે. એક વાર માઇન્ડ સેટ થઈ ગયું એટલે હિંમત વધી અને આખરે એક દિવસ સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવી જ દીધી.’

chair1

મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર બની

જેમ-જેમ સમય વીતતો ગયો કાર્તિકીનું મનોબળ વધતું ગયું. સ્પોર્ટ્સમાં પહેલેથી જ રસ હતો એટલે નવી-નવી રમતોમાં દિલચસ્પી લેતી. વ્હીલચૅર પર બેસીને રમત પર હાથ અજમાવવા લાગી. લોકોની સાથે મળવા અને ભળવા લાગી એટલે જીવન જીવવા જેવું લાગ્યું. સ્વિમિંગ દરમ્યાન તેના જેવા અન્ય લોકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે અક્ષમ લોકો માટે પણ કેટલીક સ્પર્ધાઓ થાય છે. સૌપ્રથમ અક્ષમ લોકો માટે નૅશનલ લેવલની સ્વિમિંગ કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું અને બ્રૉન્ઝ હાંસલ કર્યો. ત્યાર બાદ નૅશનલ લેવલની બૅડ્મિન્ટન કૉમ્પિટિશનમાં ૨૦૧૪, ૧૫ અને ૧૬ એમ સળંગ ત્રણ વર્ષ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેણે સૌને ચોંકાવી દીધા. બાસ્કેટબૉલની ક્રેઝી કાર્તિકી કઈ રીતે આગળ વધી એ વિશે વાત કરતાં કહે છે, ‘આપણા દેશમાં અક્ષમ લોકો પણ બાસ્કેટબૉલ રમતા હશે અને એ લોકો માટે કોઈ સ્પર્ધા થતી હશે એવી કોઈ જાણકારી મને નહોતી. હું સ્વિમિંગ અને બૅડ્મિન્ટનની સ્પર્ધા પર જ ફોકસ કરતી હતી. આવી જ એક સ્પર્ધા દરમ્યાન મને ખબર પડી કે તામિલનાડુમાં બાસ્કેટબૉલ સ્પર્ધા થવાની છે. ચેન્નઈમાં આયોજિત વ્હીલચૅર બાસ્કેટબૉલ સ્પર્ધામાં મહારાષ્ટ્રમાંથી ભાગ લેનારી હું એકમાત્ર મહિલા હતી. મુંબઈથી ચેન્નઈ હું એકલી જ ગઈ હતી. મહિલાઓની સંખ્યા ઓછી હોવાથી અલગ-અલગ રાજ્યની મહિલાઓ મળીને એક ટીમ બનાવી રમવું પડ્યું હતું. આ સ્પર્ધા બાદ મહારાષ્ટ્રની ટીમ બની હતી. બસ, ત્યારથી પાછાં વળીને જોયું નથી. ૨૦૧૭માં બાલીમાં આયોજિત વ્હીલચૅર બાસ્કેટબૉલ કૉમ્પિટિશનમાં મને મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરનો અને ટીમને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. કૅમ્પમાં હાજર આંતરરાષ્ટ્રીય કોચની ટીમે વ્હીલચૅર બાસ્કેટબૉલ ફેડરેશન ઑફ ઇન્ડિયાને ભારતીય ટીમના કૅપ્ટન માટે મારું નામ સજેસ્ટ કર્યું. આ વર્ષની શરૂઆતમાં થાઇલૅન્ડમાં આયોજિત વ્હીલચૅર બાસ્કેટબૉલના ક્વૉલિફાયર રાઉન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી.’

ફિઝિકલ ફિટનેસ પણ છે પડકાર

શારીરિક અક્ષમતાઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા મક્કમ મનોબળની સાથે-સાથે તબિયતનું પણ ધ્યાન રાખવું પડે. ફિઝિકલ ફિટનેસ વિશે વાત કરતાં કાર્તિકી કહે છે, ‘સામાન્ય પ્લેયર કરતાં પણ અમારે ફિઝિકલ ફિટનેસ પ્રત્યે વધારે ધ્યાન આપવું પડે છે. આખો દિવસ વ્હીલચૅરમાં બેઠાં-બેઠાં પ્રેક્ટિસ કરો એટલે અનેક સમસ્યાઓ ઊભી થાય. તમારી પાસે પ્રોટેક્શન માટે માત્ર હાથ જ છે એટલે એ સ્ટ્રૉન્ગ રહેવા જોઈએ. હાથ વડે વ્હીલચૅર ચલાવવાની અને બૉલને પણ ઉછાળવાનો. બે કામ એકસાથે કરતી વખતે મગજ સતેજ રહેવું જોઈએ. રમતાં- રમતા ચૅર પરથી પડી ન જવાય એ પણ ધ્યાન રાખવું પડે. પગ પૅરૅલાઇઝ્ડ હોય એટલે ઈજા ફીલ ન થાય, પણ બૉલ વાગે એટલે ઈજા થતી તો હોય જ. બીજું એ કે રમવા માટેની ખાસ અલગ પ્રકારની સ્ર્પોટસ વ્હીલચૅર હોય છે, જેને મૅનેજ કરતાં શીખવું પડે. સામાન્ય પ્લેયરની જેમ અમને પણ ફિઝિયોથેરપિસ્ટ કેટલીક એક્સરસાઇઝ કરાવતા હોય છે. શરીરનો નીચલો હિસ્સો કામ ન કરતો હોય, પણ ઉપરના હિસ્સાને ફિટ રાખવા વર્કઆઉટ કરવું પડે. દર અઠવાડિયે ત્રણથી પાંચ કલાક પ્રૅક્ટિસ કરવી પડે. મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં અમને પ્રૅક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ બધી મુશ્કેલીઓ સામે લડવા મનોબળ તો જોઈએ જ સાથે પરિવારનો સાથ પણ જોઈએ. અહીં સુધી પહોંચવા મારાં માસા-માસીએ મને ઘણો સપોર્ટ કર્યો છે. મારા હસબન્ડ પણ મને સતત પ્રોત્સાહિત કરે છે. અગાઉ જે લોકો મારાથી દૂર ભાગતા હતા અને મને અન્ડરએસ્ટિમેટ કરતા હતા એ બધા આજ મારી પડખે ઊભા રહી ગયા છે. ઊગતા સૂર્યને પૂજવાની આપણી સામાજિક વૃત્તિને જોઈને મને ક્યારેક હસવું આવે છે તો ક્યારેક લોકોની મારા પ્રત્યે જોવાની દૃષ્ટિ બદલાઈ એ જાણી ખુશી થાય છે.’

એક વર્ષ પહેલાં વિક્રોલીમાં રહેતા હર્મન મોન્ટેઇરો સાથે તેનાં લગ્ન થયાં છે. હર્મન IT કંપનીમાં એન્જિનિયર છે. હવે કાર્તિકીએ જૉબ છોડી દીધી છે. હાલમાં તે રમત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસમાંથી માસ્ટર્સ ઇન સોશ્યલ ઑન્ટ્રપ્રનરશિપનો અભ્યાસ કરી રહી છે. શારીરિક રીતે અક્ષમ લોકોની ફિટનેસ માટે કાર્તિકીએ અડૅપ્ટિવ ફિટનેસ નામના બિઝનેસ વેન્ચરની સ્થાપના પણ કરી છે. અનેક પડકારોનો સામનો કર્યા બાદ આ મુકામ હાંસલ કરી સમાજમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરનારી કાર્તિકી સાચા અર્થમાં ગ્રેટ નારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK