બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનો અરીસો છે તેમનું આલિંગન

આલિંગન એ બે વ્યક્તિઓ વચ્ચે લાગણીની આપ-લેનું કેટલું પાવરફુલ સાધન છે એનો અનુભવ તો આત્મીય અને અંગત સંબંધો ધરાવનાર સૌકોઈને હોઈ શકે, પરંતુ અજાણ્યા કે અલ્પપરિચિત લોકો સાથે આ પ્રકારની નિકટતા ઘણા લોકોને ફાવતી નથી

modi

સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

સામાન્ય રીતે આપણી સંસદના સત્રમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એની આમ  આદમીને બહુ પડી નથી હોતી, સિવાય કે ગૃહમાં સભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી કે જોરદાર અફડાતફડી મચી ગઈ હોય અને ટીવી-ચૅનલો પર લગાતાર એ દૃશ્યો ટેલિકાસ્ટ થતાં હોય. પરંતુ તાજેતરમાં લોકસભામાં વિરોધ પક્ષોએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો એ સેશન દેશભરમાં મશહૂર બની ગયું છે. એનું કારણ ન તો સંસદમાં વિપક્ષ અને શાસકના સભ્યો દ્વારા ચર્ચાયેલા મુદ્દાઓ છે કે ન તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું આક્રમક વક્તવ્ય છે. એનું કારણ છે રાહુલ ગાંધીએ અચાનક જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને આપેલું આલિંગન! સંસદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર વિપક્ષી નેતાએ શાસક પક્ષના વડાને આવી જપ્પી આપી છે અને એ જે રીતે તદ્દન અચાનક અપાઈ એનાથી મોદીજી ચોંકી ગયા હતા. 

એ દૃશ્ય ટીવી પર વારંવાર દર્શાવાયું છે એટલે તમારામાંના ઘણાખરાએ જોયું જ હશે. રાહુલ ગાંધી ઝૂકીને નરેન્દ્ર મોદીને ભેટ્યા ત્યારે મોદીજીની બૉડી-લૅન્ગ્વેજ જોવા જેવી હતી. તેઓ એકદમ અક્કડ અને સીધા ચહેરા સાથે માત્ર બેસી રહ્યા હતા. તેમણે રાહુલના આલિંગનને પ્રતિસાદ આપવાની બિલકુલ તસ્દી નહોતી લીધી. પરાણે આલિંગન સહન કરી રહ્યા હોય એવું તેમના ચહેરા પરથી લાગતું હતું. આ પ્રકારના આલિંગનને ‘ધ લંડન બ્રિજ’ હગ કહેવાય છે, જેમાં વ્યક્તિને અનિચ્છાએ ભેટવું પડે છે.

માન્યું કે આપણા દેશમાં અભિવાદન માટે ગળે મળવાની પ્રથા પશ્ચિમના દેશો જેટલી પ્રચલિત નથી, પરંતુ આપણા દેશમાંય અનેક સમુદાયો અને કોમમાં તો આ પ્રથા છે જ. વળી દુનિયાની રીતરસમોથી પરિચિત યુવાઓમાં આ પ્રકારે ભેટવાનું કૉમન છે. અરે, મોદીજીને પણ આપણે અનેક વિશ્વનેતાઓ સાથે હૂંફાળા આલિંગનમાં જોયા છે. ઇઝરાયલના પ્રેસિડન્ટ હોય, જપાનના વડા પ્રધાન હોય કે અન્ય કોઈ પણ દેશના વડા; સૌની સાથે હૂંફ અને હોંશભેર ભેટતા મોદીજીની સેંકડો તસવીરો મળી આવશે.

સંસદમાં થયેલું આ આકસ્મિક આલિંગન સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયું અને દેશભરના નેટિઝન્સ તરફથી કમેન્ટ્સનો ધોધ વરસ્યો છે. લોકસભામાં સ્પીકર સહિત અનેક સભ્યોએ રાહુલના આ વર્તનને સદનના શિક્ટાચાર અને ગરિમાનો ભંગ કરનાર ગણાવ્યું છે.

સ્પીકર સાહેબાની કમેન્ટ સાંભળી એક વિચાર આવી ગયો : સંસદના કે વિધાનસભાના ફ્લોર પર એક સભ્ય બોલતો હોય ત્યારે તેની વાત સાંભળી ન શકાય એ માટે સતત બરાડા પાડતા, વિરોધ દર્શાવવા હાથાપાઈ પર ઊતરી જતા, એકમેકનાં કપડાં ફાડી નાખતા કે પૂરેપૂરાં સત્રો કોઈ પણ કામકાજ કર્યા વગર વેડફી નાખતા સભ્યોને આપણે જોયા છે. એવી ઘટનાઓની સરખામણીએ એક આકસ્મિક આલિંગન તો ખાસ્સું નિર્દોષ ન ગણાય?

અલબત્ત, સ્પીકરની ટીકા આલિંગન કરતાં વધુ ત્યાર બાદની રાહુલ ગાંધીની હરકત વિશે હતી. એ આલિંગન પતાવીને રાહુલ ગાંધી પોતાની બેઠક પર જઈને બેઠા. પછી જે રીતે તેમણે પોતાના સાથીસભ્ય સામે આંખ મારી એ ચોક્કસ શાલીન તો નહોતી જ (જોયું, વડા પ્રધાનને કેવા ઝડપી લીધા! જોરદાર હતોને મારો પફોર્ર્મન્સ? એ પ્રકારના ભાવ એમાં હતા). સાથે જ એ જેસ્ચરે એ પણ દર્શાવી આપ્યું કે રાહુલનું એ ભેટવું ખરેખર દેખાતું હતું એટલું આકસ્મિક નહોતું. અગાઉથી તૈયાર કરેલા તેમના ભાષણની જેમ જ શક્ય છે કે એ પણ તેમની સ્ક્રિપ્ટનો એક પહેલેથી આયોજિત હિસ્સો હતો. તેમની ભેટવાની અને આંખ મારવાની હરકતોને સાથે જોઈએ તો સ્પીકરની કમેન્ટને સમજી શકાય.

આલિંગન એ બે વ્યક્તિઓ વચ્ચે લાગણીની આપ-લેનું કેટલું પાવરફુલ સાધન છે એનો અનુભવ તો આત્મીય અને અંગત સંબંધો ધરાવનાર સૌકોઈને હોઈ શકે, પરંતુ અજાણ્યા કે અલ્પપરિચિત લોકો સાથે આ પ્રકારની નિકટતા ઘણા લોકોને ફાવતી નથી. જીવનઘડતર સંબંધી એક વર્કશૉપમાં ત્રણ દિવસને અંતે છૂટા પડતાં પહેલાં હગ-સેશન રાખવામાં આવે છે. એમાં બધા જ સભ્યો એકમેકને અને વર્કશૉપ લેનાર ફૅસિલિટેટરને પણ ભેટીને વિદાય લે. ત્રણ દિવસમાં વર્કશૉપ દરમ્યાન સહૃદયી ફૅસિલિટેટર સાથે સૌને એટલી આત્મીયતા કેળવાઈ ગઈ હોય કે હગ-સેશનમાં સૌ દિલથી એકરૂપ થઈ શકે. આવી વર્કશૉપ કાશ્મીરમાં યોજાયેલી. એમાં ભાગ લેનારા સભ્યોમાં મોટા ભાગના સ્કૂલના પ્રિન્સિપાલ્સ, મુખ્ય વહીવટીઓ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા. તેમનામાંના કેટલાક લોકોને હગ-સેશનમાં ભેટતી વખતે થતી અવઢવ પેલા ફૅસિલિટેટરે અનુભવી હતી. પરંતુ પહેલી વર્કશૉપમાં જે પ્રિન્સિપાલે ભેટવાની ના જ પાડી દીધેલી તેઓ બીજી વર્કશૉપના અંતિમ દિવસે તેમને હેતથી ભેટ્યા હતા. એ વખતે તેમની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. એ આલિંગન દિલથી અપાયું હતું. સૌએ નોંધ્યું હતું કે એ દિવસ બાદ તેમના વ્યવહારમાં એક અજબની હળવાશનો અનુભવ થતો હતો. એ હતો પ્રેમાળ જપ્પીનો જાદુ. 

થોડા દિવસ પહેલાં ટ્રેનમાં એક યુવતી મારી પાસે આવીને ઊભી રહી. તે મારાં લખાણો વાંચતી હતી એટલે મને ઓળખતી હતી અને ઘણા સમયથી મને મળવાનું વિચારતી હતી. તેણે વાત શરૂ કરી અને અમે ચર્ચગેટ ઊતર્યાં. સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે તેણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી. અમે ભેટ્યાં અને છૂટાં પડ્યાં. પછી તેનો મેસેજ આવ્યો કે યુ મેડ માય ડે. મને ત્યારે એહસાસ થયો કે તેની ખુશી ઝીલવામાં હું મારો આનંદ વ્યક્ત કરવાનું તો ચૂકી ગઈ! મેં તેને એ વાત લખી અને તેનો જવાબ  આવ્યો : કંઈ વાંધો નહીં, તમારા આલિંગનમાં મેં એ અનુભવ્યો હતો! આલિંગન દ્વારા થતો મૂક સંવાદ કેટલો સચોટ હોય છે! આલિંગન વિશેના અભ્યાસમાં એના અનેક પ્રકાર વર્ણવાયા છે. જુદા-જુદા એ તમામ પ્રકારોમાં એક બાબતનું સામ્ય છે કે આલિંગન બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનો અરીસો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK