પુત્ર દેખાવમાં ભલે પપ્પા જેવો હોય પણ આદતોમાં તો નહીં જ

તમાકુ, સિગારેટ કે આલ્કોહૉલના વ્યસની પુરુષો પણ પોતાના ટીનેજ બાળકમાં આવી કુટેવ ન પડે એ માટે તકેદારી રાખે છે. પુત્રને વ્યસનથી દૂર રાખવા તેઓ કેવી ટ્રિક આજમાવે છે એ જોઈએ

SRK

મૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, ‘પિતા કોને કહેવાય?’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ‘પોતે પીતા હોય, પણ પુત્રને પીતાં જુએ તો ધીબેડી નાખે તેને પિતા કહેવાય’. વાંચીને હસવું આવ્યુંને? પિતાને લગતો આવો જોક આજકાલ સોશ્યલ મીડિયામાં ખૂબ ફરી રહ્યો છે. વાંચવામાં રમૂજ ઉપજાવતા આ જોકની પાછળ છુપાયેલી વાતને અને પિતાની મનોવ્યથાને સમજવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો વાત સાવ સાચી છે. દુનિયાનો કોઈ પણ પિતા ક્યારેય ન ઇચ્છે કે તેનો પુત્ર વ્યસનના રવાડે ચડી જાય. પોતે ભલે આ કુટેવને છોડી શકવા અસમર્થ કે અસફળ રહ્યા હોય, પરંતુ પુત્રને વ્યસનથી દૂર રાખવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. પુત્રમાં કોઈ પણ પ્રકારની બૅડ હૅબિટ ન પડે એ બાબતનું વ્યસની પુરુષો પણ ધ્યાન રાખતા હોય છે. ટીનેજ પુત્રના પિતાના મનમાં સતત દ્વિધા ચાલતી હોય છે કે કઈ રીતે પુત્રને વ્યસનથી દૂર રાખવો. તાજેતરમાં રિલીઝ થયેલી બૉલીવુડ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘સંજુ’માં પણ પુત્રને ડ્રગ્સના સકંજામાંથી છોડાવવા માગતા પિતાની વ્યથાને સચોટ રીતે રજૂ કરવામાં આવી છે.   

સ્મોકિંગ, આલ્કોહૉલ કે તમાકુની લત ધરાવતા કેટલાય પુરુષો પોતાની આ કુટેવને છોડવા માગતા હોય છે; પરંતુ અનેક પ્રયાસો બાદ પણ કુટેવ છૂટતી નથી. વ્યસનના કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે, કૅન્સર જેવા જીવલેણ રોગનો ભોગ બને છે. તેમ છતાં એમાંથી નીકળી શકાતું નથી. વ્યસનનાં ગંભીર પરિણામોનું ભાન થાય છે ત્યાં સુધીમાં તો સમય હાથમાંથી નીકળી જાય છે. હકીકત તો એ છે કે પુત્ર જ્યારે યુવાનીમાં પગ મૂકે છે ત્યારે તેમને આ બાબતની ગંભીરતા સમજાય છે. આજે આપણે કેટલાક પુરુષોને પૂછીએ કે  તેમના મનમાં કેવી ગડમથલ ચાલતી હોય છે? પુત્રને વ્યસનથી દૂર રાખવા તેઓ કેવી ટ્રિક આજમાવે છે? પોતે ભલે સિગારેટ પીતા હોય કે તમાકુ ખાતા હોય, પણ બાળકોમાં એનું આકર્ષણ ઊભું ન થાય એ માટે કેવી તકેદારી રાખે છે?

બાળકો સામે સ્મોક અથવા ડ્રિન્ક ન કરવું એ કોઈ સોલ્યુશન નથી એમ જણાવતાં થાણેના બિઝનેસમૅન અને બે પુત્રોના પપ્પા વિક્રાન્ત બજરિયા કહે છે, ‘જો તમે છુપાઈને કરશો તો પણ તમારાં બાળકોને ખબર પડી જશે. મને કૉલેજ લાઇફમાં સ્મોકિંગની લત લાગી હતી. ૧૮ વર્ષ સુધી સ્મોકિંગ કર્યા બાદ હેલ્થ ઇશ્યુઝ ઊભા થયા એટલે સિગારેટ છોડી દીધી. અત્યારે ક્યારેક સિગારેટ અને ડ્રિન્ક લઉં છું. હું મારાં બાળકોને કહું છું કે જુઓ સ્મોકિંગના કારણે મને આ પ્રૉબ્લેમ આવ્યો છે. એનાથી હાડકાં ગળી જાય અને કૅન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. મારું અંગતપણે માનવું છે કે માત્ર હેલ્થ સંબંધિત ડર બતાવીને તમે બાળકોને વ્યસનથી દૂર ન રાખી શકો. તમે તેને કહેશો કે ખબરદાર આ કર્યું છે તો તે પહેલાં કરશે. બાળકના ફર્સ્ટ રોલ-મૉડલ તેના પપ્પા હોય છે. તેથી તેમની સાથે સ્પષ્ટ વાત કરવી જરૂરી છે. આજકાલની જનરેશનને કૂલ દેખાવાનો ક્રેઝ છે. ફ્રેન્ડ્સની સામે દેખાડો કરવો, બે આંગળીમાં સિગારેટ પકડી કૉર્નરમાં ઊભા રહી ફ્રીડમ ફીલ કરવી, બૅચલર લાઇફ એન્જૉય કરવી એ બધું હવે સામાન્ય થઈ ગયું છે. આપણે તેમને સમજાવવું પડશે કે સ્મોકિંગ કોઈ ફૅશનની વસ્તુ નથી. એન્જૉયમેન્ટ અને થ્રિલ વચ્ચે પાતળી રેખા છે. તમે કોઈક વાર ફૅમિલી કે મિત્રો સાથે ફરવા ગયા હો અને એકાદ પેગ કે એકાદ સિગારેટ લીધી હોય તો એ ચાલી જાય. ફૅમિલી સાથે બેસીને અને ભાનમાં રહીને તમે જે કરો છો એ એન્જૉયમેન્ટ છે, પરંતુ મિત્રોના બહેકાવામાં આવીને તમે જે દેખાડો કરો છો એ થ્રિલ છે. ખરાબ સંગતમાં રહીને મને આ લત લાગી હતી તેથી તમે મિત્રો બનાવતાં પહેલાં સો વાર વિચાર કરજો. જેમને જવાબદારીનું ભાન ન હોય એવા મિત્રો ન બનાવતા. હું મારા પુત્રને કહું છું કે એન્જૉયમેન્ટનો સમય પણ આવશે, પહેલાં તું ૨૧ વર્ષનો થઈ જા. બાળકોને વ્યસનથી દૂર રાખવા સ્પોટ્ર્સ બેસ્ટ છે. ટીનેજ બાળકોને સ્મોકિંગને પ્રમોટ ન કરતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાં જોઈએ.’

અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ ૨૫ વર્ષની પાનમસાલાની આદત છોડવામાં અમુક હદે સફળ થયેલા કાંદિવલીમાં રહેતા યુવાન પુત્રના પપ્પા મનોજ બજરિયા કહે છે, ‘વ્યસનના રવાડે તમે ક્યારે ચડી જશો એની તમને ખબર પણ નહીં પડે. એક વાર લત લાગે પછી એમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. આપણા ગુજરાતીઓમાં પાનમસાલા ખાવાની ટેવ સામાન્ય છે. એમાંય ખાસ કરીને જેમનું નાનપણ ગુજરાતમાં વીત્યું છે એવી વ્યક્તિ લગભગ પાનમસાલા ખાતી હશે. ગામડાંમાં તો મિત્રોનો મીટિંગ પૉઇન્ટ જ પાનનો ગલ્લો હોય. નાનપણમાં પાનના ગલ્લે ઊભા-ઊભા મને તમાકુની આદત લાગી હતી. દુનિયાના તમામ પિતાની જેમ હું ક્યારેય નહોતો ઇચ્છતો કે મારા પુત્રમાં આવી આદત પડે. પુત્રને વ્યસનથી દૂર રાખવા હું શક્ય હોય ત્યાં સુધી તેની સામે તમાકુ ખાવાનું ટાળતો. તેની ગેરહાજરીમાં તમાકુ ખાઈ લેવાનું. આવી તકેદારી રાખવા છતાં મોઢું તો કહી જ દેતું. બીજું, તમાકુની વાસ પણ આવે એટલે તમે ધારો તો પણ છુપાવી ન શકો. મને તે પાન ખાશે એવો ભય નહોતો લાગતો, કારણ કે તમાકુ ખાવાથી દાંત લાલ થઈ જાય અને મોઢામાં પાનનો ડૂચો હોય તો તમારી પર્સનાલિટી બદલાઈ જાય એવું આજની જનરેશન માને છે. હું પાન ખાતો એ વાત તેને પહેલેથી જ પસંદ નહોતી. મારા કેસમાં તો એવું છે કે મને તમાકુની લતમાંથી બહાર કાઢવા તેણે પ્રયાસો કર્યા છે. તે મને સમજાવતો કે પપ્પા તમે કોઈ બિઝનેસ મીટિંગમાં આવી રીતે તમાકુ ખાતા હો એ કંઈ સારું લાગે? મને તમાકુનો ડર નહોતો, પરંતુ કૉલેજમાં અભ્યાસ કરતા પુત્રમાં સિગારેટની લત લાગી ગઈ તો એવો ડર જરૂર લાગ્યો હતો. મુંબઈનો માહોલ એવો છે કે તમાકુ ખાનારી વ્યક્તિ અશિક્ષિત કહેવાય અને સિગારેટ પીવી એ શિક્ષિત હોવાની નિશાની છે. મારું જોયા બાદ પહેલેથી જ તે વ્યસન નથી કરવું એ બાબતમાં સ્પષ્ટ હતો તો પણ હું ક્યારેક તેને પૂછી લેતો કે સિગારેટ નથી પીધીને? તેને મિત્રોના સિલેક્શનને લઈને અનેક સવાલો પૂછતો. જ્યારે જોયું કે તેનું માઇન્ડ સેટ છે ત્યારે ધરપત થઈ.’

બાળકોને ક્યારેય પાનના ગલ્લે ન મોકલો - ગ્રાફોલૉજિસ્ટ અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ અનુપમા આનંદપરા, અંધેરી

સ્કૂલ અને કૉલેજમાં અભ્યાસ કરતાં બાળકોને વ્યસનમુક્ત રાખવા ઝુંબેશ ચલાવતાં જેમ જ ગ્રાફોલૉજી એટલે કે અક્ષર દ્વારા વ્યક્તિની આદતોને ઓળખવાની અને એને સુધારવાની ટેક્નિક પર રિસર્ચ કરી રહેલાં અંધેરીનાં ગ્રાફોલૉજિસ્ટ અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ અનુપમા આનંદપરા કહે છે, ‘જો તમારે ખરેખર તમારાં બાળકોને વ્યસનથી દૂર રાખવાં હોય તો સૌથી પહેલાં તો તમારે જ એમાંથી મુક્ત થવું પડશે. એ વાત સાચી કે વર્ષો જૂની આદતો સરળતાથી છોડી શકાતી નથી, પણ પ્રયત્નો કરવા પડશે. મેં જોયું છે કે જેમના ઘરમાં પુરુષોને પાન-માવા ખાવાની કે સિગારેટ-બીડીની ટેવ હોય છે એ લોકો બાળકોને પાનના ગલ્લે મોકલે છે. બહાર આંટો મારવા નીકળે ત્યારે પણ પાનના ગલ્લે ઊભા રહી જાય. હવે ફૅમિલી સાથે નીકળ્યા છો તો શું કામ પાન બંધાવવા ઊભા રહો છો? નાનપણથી જ તમે તમારા બાળકને પાનનો ગલ્લો બતાવી દો એ જરાય ઉચિત નથી. આવું કરવાથી  તેમનામાં આ ચીજો પ્રત્યે આકર્ષણ વધશે. બાળકને થશે કે આમાં એવું શું છે કે પપ્પાને મજા આવે છે. કુતૂહલવશ તે પણ ટ્રાય કરશે. બાળકોમાં વ્યસનનાં બીજ રોપવામાં તમે જ નિમિત્ત બનશો. હંમેશાં તમે સંગતના કારણે બગડ્યો એવું ન કહી શકો. બેશક તમારું બાળક કેવી સંગતમાં રહે છે એના પર ધ્યાન આપવાની જરૂર તો છે જ. તમાકુ ખાનારા પુરુષે સૌથી પહેલાં એ નક્કી કરી લેવું જોઈએ કે પુત્રને પાનનો ગલ્લો નથી બતાવવો. ક્યાંક બહાર ફરવા ગયા હો અને રસ્તામાં કોઈને પાનની પિચકારી મારતા જુઓ તો તમારા બાળકને બતાવો કે જો પાન ખાવાવાળી વ્યક્તિ કેટલી ગંદકી કરે છે. વ્યસન સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું દુશ્મન છે એ વાત સમજાવવાની શરૂઆત આ રીતે કરો. આજકાલ દારૂ પીવો એ સ્ટેટસ સિમ્બૉલ બનતું જાય છે. ડ્રિન્ક કર્યા બાદ વ્યક્તિને બોલવાનું ભાન રહેતું નથી એ વાત તમારા બાળકને સમજાવો. ક્યારેક જો ઘરમાં તમારો પત્ની સાથે ઝઘડો થયો હોય તો આ બાબતની પણ તમારા બાળક પાસે ચોખવટ કરો અને ખેલદિલીથી સ્વીકારો કે નશામાં હતો એટલે ઝઘડો થયો જેથી તેને ખબર પડે કે નશામાં વ્યક્તિની વર્તણૂક બદલાઈ જાય છે, તેને બોલવાનું ભાન રહેતું નથી તેથી એનાથી દૂર રહેવું જોઈએ. તમારી આદતોને ઢાંકવાની જગ્યાએ એને બાળકો સમક્ષ સ્વીકારો અને વ્યસનની આડઅસર વિશે વાત કરો. તમારા બાળકને મૂવી કે ચિત્રો અથવા કૅન્સરના રોગીઓ કઈ રીતે પીડાય છે તેમ જ એની સારવાર કેટલી દર્દનાક અને ખર્ચાળ છે એ બતાવો. નાનપણમાં જ તમાકુની આદત પડી હોય અને હવે છૂટતી ન હોય એવા પુરુષોએ બાળકને કહેવું જોઈએ કે મારા પર ધ્યાન આપવાવાળું કે સમજાવવાવાળું કોઈ નહોતું, પરંતુ તારી સાથે હું છું. પિઅર-પ્રેશરમાં આવીને તમારું બાળક જો કોઈ વ્યસન કરે તો એમાંથી તેને બહાર કાઢવાનું કામ સૌથી પહેલાં કરો. તેના સર્કલ અને વર્તણૂક પર નિયમિતપણે દેખરેખ રાખો. હવે સમય બદલાયો છે, આજકાલ છોકરીઓમાં પણ સિગારેટ સ્મોકિંગનું ચલણ વધતું જાય છે. માત્ર પુત્ર જ નહીં, પુત્રીની બાબતમાં પણ આવી તકેદારી અનિવાર્ય છે.’

બાળકો સામે સ્મોક અથવા ડ્રિન્ક ન કરવું એ કોઈ સોલ્યુશન નથી. પપ્પાએ સમજાવવું પડશે કે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ક્યારેક એન્જૉયમેન્ટ માટે સિગારેટ પીવી અને કૉલેજમાં ભણતા હો ત્યારે બે આંગળીમાં સિગારેટ પકડી કૉર્નરમાં ઊભા રહી થ્રિલ માટે સિગારેટનો કશ લેવો એ બે વચ્ચે અંતર છે

- વિક્રાન્ત બજરિયા, થાણે

મોઢામાં પાનનો ડૂચો ભર્યો હોય તો તમે અશિક્ષિત હો એવી છાપ પડે છે અને તમારી પર્સનાલિટી બદલાઈ જાય એવું આજની જનરેશન માને છે એટલે મને પુત્ર તમાકુ ખાશે એવો ડર નહોતો, પણ સિગારેટ પીશે તો એવો ભય લાગ્યો હતો. નસીબજોગે તેને આ બાબતનો પહેલેથી જ અણગમો હતો એટલે ધરપત થઈ હતી

- મનોજ બજરિયા, કાંદિવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK