આ સંસાર પર્ફેક્ટ્લી ઇમ્પર્ફેક્ટ છે

માણસનું મન સતત કંઈક વધુ સારું, વધુ બહેતર, વધુ ઉત્કૃક્ટની શોધ કરતું રહે છે; કારણ કે અંદરખાને આપણને બધાને ક્યાંક ને ક્યાંક કશુંક ખૂટી રહ્યું હોવાનો એહસાસ સતાવ્યા કરતો હોય છે.

aamir

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

હું નિરંતર ઝંખું કંઈક સરસને, જળનું સરનામું મળે મારી તરસને

આ નહીં તો આવતા જન્મે મળીશું, વીતતાં ક્યાં વાર લાગે છે વરસને

વર્ષો પહેલાં કોઈ અખબારમાં છપાયેલી નવલિકામાં લખાયેલી આ પંક્તિઓ જે દિવસથી વાંચી છે એ દિવસથી ફક્ત કંઠસ્થ જ નહીં, હૃદયસ્થ થઈ ગઈ છે. માણસનું મન પણ ચાતક પંખી જેવું હોય છે. જેમ ચાતક પંખી ચાંચ ખોલી વરસાદ વરસવાની રાહ જોયા કરતું હોય છે એમ માણસનું મન પણ એકધારું પોતાની સાથે કશુંક સારું બનવાના ઇન્તેજારમાં જ રહે છે. મજાની વાત એ છે કે આપણે મન સારાની વ્યાખ્યા એટલે આપણી પાસે હોય એના કરતાં વધુ બહેતર. હોય તેના કરતાં વધુ સુંદર અને સુશીલ પત્ની, હોય એના કરતાં વધુ મોટું ઘર, હોય તેના કરતાં વધુ કહ્યાગરાં બાળકો, હોય એના કરતાં વધુ મોટા પગારવાળી નોકરી વગેરે-વગેરે... વળી એના કરતાં પણ વધુ મજાની વાત તો એ છે કે કોઈ દિવસ આમાંની કોઈ ઇચ્છા પૂરી પણ થઈ જાય તો ફરી પાછું આપણું મન એનાથી વધુ બહેતરના દિવાસ્વપ્નમાં ખોવાઈ જાય છે. ટૂંકમાં આપણને ક્યારેય ધરવ થતો નથી, કારણ કે આપણે સતત પર્ફેક્શનની શોધમાં જ રહીએ છીએ, પરંતુ શું આ દુનિયામાં ખરેખર પર્ફેક્ટ જેવું કશું હોય છે ખરું?

પર્ફેક્ટ એટલે શું? પર્ફેક્ટ એટલે કંઈક એવું જેમાંથી કશું કાઢી ન શકાય કે જેમાં કશું ઉમેરી ન શકાય. બ્લૅક ઍન્ડ વાઇટ કલર જેવું. વાઇટમાંથી કશું કાઢી ન શકાય અને બ્લૅકમાં કશું ઉમેરી ન શકાય. ટૂંકમાં કશુંક એવું જેમાં સુધારાવધારાને કોઈ અવકાશ જ નથી. બીજા શબ્દોમાં કંઈક એવું જે મર્યાદાનાં બંધનોમાં બંધાયેલું છે. મર્યાદા પુરુષોત્તમ રામ જેવું. તેમના જીવનમાંથી કશું કાઢી ન શકાય કે કશું ઉમેરી ન શકાય. તેથી જ આપણાં શાસ્ત્રો પણ રામને કે તેમની કથા રામાયણને આદર્શ ગણે છે, પરંતુ આ દુનિયા રામાયણ જેવી છે એવું ક્યારેય કહેતા નથી. દુનિયાને તો તેઓ મહાભારત સાથે જ સરખાવે છે, કારણ કે મહાભારતમાં જીવનના ગ્રે શેડ્સ જોવા મળે છે. એ કોઈ મર્યાદાનાં બંધનોમાં બંધાયેલું નથી. એનાં પાત્રો સારાં છે તો ક્યાંક ખરાબ પણ છે. યુધિષ્ઠિર ભલે જીવનભર ધર્મનું આચરણ કરે છે, પરંતુ સ્વર્ગમાં ગયા પછી પણ પોતાનો ક્રોધ છોડી શકતા નથી. દ્રૌપદી સતી છે, પરંતુ જીવનભર પોતાનો અહંકાર છોડી શકતી નથી. કર્ણ દાનવીર છે, પરંતુ છેલ્લા શ્વાસ સુધી દુર્યોધનને છોડી શકતો નથી. ટૂંકમાં આ બધાં પર્ફેક્ટ પાત્રોમાં ક્યાંક ને ક્યાંક કંઈક ઇમ્પર્ફેક્ટ રહેલું છે અને તેથી જ મહાભારત આ દુનિયાનું પર્ફેક્ટ ઉદાહરણ છે અને તેથી જ કહેવાય છે કે આ દુનિયામાં જે કંઈ છે એ બધું જ મહાભારતમાં છે અને જે કંઈ મહાભારતમાં છે એ બધું જ આ દુનિયામાં છે.

આપણું જીવન પણ વાસ્તવમાં આવા જ ગ્રે શેડ્સથી રંગાયેલું છે, ઇમ્પર્ફેક્શન્સથી ભરેલું પર્ફેક્ટ છે, પર્ફેક્ટ્લી ઇમ્પર્ફેક્ટ છે. પત્ની સુંદર છે, સંસ્કારી છે; પરંતુ શૉપિંગ બહુ કરે છે. પર્ફેક્ટ્લી ઇમ્પર્ફેક્ટ. દીકરો ડાહ્યો છે, મહેનતુ છે; પરંતુ સવારે થોડો મોડો ઊઠે છે. પર્ફેક્ટ્લી ઇમ્પર્ફેક્ટ. પતિ પ્રેમાળ છે, સફળ છે; પરંતુ સિગારેટ પીએ છે. પર્ફેક્ટ્લી ઇમ્પર્ફેક્ટ. બધું જ છે, છતાં કશુંક ખૂટે છે. આપણે સતત આ જે ખૂટે છે એને પૂરું કરવાના પ્રયત્નોમાં લાગેલા રહીએ, કારણ કે આપણને એમાં સુધારાનો અવકાશ દેખાય છે જે જાણતાં-અજાણતાં આપણને જીવવા માટેનું કારણ પૂરું પાડે છે.

તમે જ વિચારી જુઓ, જો તમારા જીવનમાં બધું જ પર્ફેક્ટ હોય તો તમને ગમે ખરું? તમે ઊઠો એ પહેલાં તમારી પત્ની નહાઈધોઈ તૈયાર થઈ કાંજીવરમ સાડી પહેરી હાથમાં પૂજાની થાળી લઈ તમારી આરતી ઉતારવા તમારી સામે ઊભી હોય, જેવા તમે તૈયાર થઈ ડાઇનિંગ ટેબલ પર પહોંચો એટલે તમારા માટે ભારતીય ઇડલી-વડાંથી લઈ કૉન્ટિનેન્ટલ કૉર્નફ્લેક્સ, બ્રેડ-ટોસ્ટ, કેક વગેરેનો નાસ્તો સજાવીને તૈયાર રાખવામાં આવ્યો હોય, જેવા તમે નાસ્તો કરી ઘરની બહાર પગ મૂકો એટલે આંગણામાં જ તમારું પ્રાઇવેટ હેલિકૉપ્ટર તમને તમારી ઑફિસ પહોંચાડવા રેડી હોય, જેવા તમે ઑફિસ પહોંચો એટલે દુનિયાભરની મોટી કંપનીના CEO તમારી કંપની સાથે બિઝનેસ કરવા લાઇન લગાડીને ઊભા હોય તો શું તમારી પાસે કશું કરવા જેવું કંઈ બચે ખરું? કલ્પનામાં આ બધું ભલેને ગમેતેટલું સારું લાગતું હોય, પરંતુ વાસ્તવમાં જો આ બધું ખરેખર રોજિંદા ધોરણે આપણી સાથે બનવા લાગે તો આપણને ગમે ખરું?

હૃદય પર હાથ મૂકીને વિચારશો તો સમજાશે કે બધું જ જો આટલુંબધું પર્ફેક્ટ હોય તો આપણને ન ગમે, કારણ કે બધું જ જો પર્ફેક્ટ હોય તો આપણી પાસે કરવા જેવું કશું બચતું નથી. આવામાં કદાચ આપણા માટે અસ્તિત્વના પ્રfનો પણ ઊભા થઈ જાય. આમ ખરેખર તો ઇમ્પર્ફેક્શન આપણને જીવન જીવવાનું કારણ પૂરું પાડે છે. કદાચ એટલે જ ઈશ્વર કોઈને પર્ફેક્ટ જીવન આપતો નથી. ક્યાંક ને ક્યાંક, કશુંક ને કશુંક છેલ્લે સુધી બાકી જ રાખે છે અને એમ કરીને આપણને આ દુનિયામાં વ્યસ્ત રાખે છે. આમ જીવતા રહેવા માટે પણ ખરેખર તો જીવનમાં કશુંક ખૂંટતું હોવું આવશ્યક છે.

આ જ કારણ છે કે દુનિયાની અલગ-અલગ સંસ્કૃતિઓમાં કલાકારો પોતાની કલાકૃતિમાં નાનાં-મોટાં ઇમ્પર્ફેક્શન હાથે કરીને ઊભાં કરે છે. તૂર્કી તથા પર્શિયાના કારીગરો પોતાની કાર્પેટમાં ઇમ્પર્ફેક્શન ઊભું કરવા જાણી જોઈને એકાદ ગાંઠ છોડી દે છે. તેમનું માનવું છે કે આ સંસારમાં પર્ફેક્ટ એકમાત્ર ઈશ્વર જ છે અને તેઓ કેમેય કરીને ઉપરવાળા સાથે સ્પર્ધામાં ઊતરવા માગતા નથી. પ્રાચીન સમયમાં આપણા ભારતીય શિલ્પકારો પણ પોતાની કૃતિમાં આવી એકાદ નાની ચૂક સામે ચાલીને ઊભી કરતા હતા. દા. ત. ભગવાન શંકરની નટરાજની મૂર્તિ બનાવી હોય તો એમાં ઇમ્પર્ફેક્શન ઊભું કરવા હાથ કે પગની એકાદ આંગળી થોડી બટકાવી દેતા કે મૂર્તિમાં એકાદ ઘસરકો સામે ચાલીને કરી દેતા. જપાનમાં તો આ સિદ્ધાંત માટે વાબીસાબી જેવો શબ્દપ્રયોગ પણ થાય છે. તો ઝેન સંસ્કૃતિમાં માટલાં બનાવનારા કુંભારો સમજી-વિચારીને પોતાનાં માટીનાં વાસણો પર રંગનું એકાદ ટીપું છોડી દે છે કે જેનાથી તેમનું સર્જન એકદમ પર્ફેક્ટ ન રહેતાં બોરિંગ પણ ન બની જાય.

આ કહેવાનું તાત્પર્ય એ છે કે ઇમ્પર્ફેક્શન આપણા જીવનની સમસ્યા નહીં, પાયાની જરૂરિયાત છે. એ આપણા જીવનને દિશા આપે છે, આપણને કશુંક કરવાની મકસદ આપે છે. તેથી હવે પછી જ્યારે જીવનમાં કોઈ વાતની કમી વર્તાય, કશુંક ખૂટતું હોય એવી લાગણી સતાવ્યા કરે તો દુ:ખી ન થતા કે પછી તમારા મગજના વાયરિંગમાં કંઈક ગરબડ છે એવું પણ ન માનવા લાગતા. જેમ જીવનની પર્ફેક્ટ બાબતોને એન્જૉય કરો છો એવી જ રીતે કેવી રીતે ઇમ્પર્ફેક્શન તમને સહાયક બની રહ્યું છે એનો વિચાર કરશો તો એનો શોક કે રંજ પણ નહીં થાય કે પછી એનો ભાર પણ નહીં વર્તાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK