કુદરતી આફતમાં વડીલોએ શું કરવું?

કુદરતી આફત કહીને નથી આવતી, અચાનક ત્રાટકે છે ત્યારે કોઈ પણ વ્યક્તિનું તકલીફમાં ફસાઈ જવું સામાન્ય છે એટલું જ નહીં, આવા સમયમાં વડીલોની હાલત કફોડી થઈ જાય છે, કારણ કે તેઓ જલદી ભાગી નથી શકતા, બરાબર જોઈ નથી શકતા અને કાને બરાબર સંભળાતું પણ ન હોવાથી જાતને સંભાળવાનું બહુ અઘરું થઈ જાય છે. એથી જ ગયા વીકમાં બોરીવલીમાં સિનિયર સિટિઝનો માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટ્રેઇનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

rain

વડીલ વિશ્વ -પલ્લવી આચાર્ય

મુંબઈમાં જ નહીં આખા ભારતમાં વરસાદે તબાહી મચાવી છે. લોકો આ કુદરતી આફતનો ભોગ બની રહ્યા છે. વરસાદ, ભૂકંપ, વાવાઝોડું કે આગ જેવી કુદરતી આફતો સામે માનવી લાચાર ચોક્કસ છે, છતાં જો થોડી સાવધાની રાખવામાં આવે તો જાન બચાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી ભારત સરકારે સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સુરક્ષા વિભાગે ઇમર્જન્સી સમયે લોકોનું રક્ષણ કરવા માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગ ડિઝાઇન કર્યો છે. નાગરિકોને તેઓ પ્રાથમિક ટ્રેઇનિંગ આપે છે કે કુદરતી આપદા આવી પડે ત્યારે માણસે કેવી રીતે જાતને સંભાળી લેવી જોઈએ.

અચાનક પૂરનાં પાણી ભરાઈ જાય, ભૂકંપ આવે, વાવાઝોડું આવે કે આગ ફાટી નીકળે ત્યારે કોઈ પણ વ્યક્તિ બેબાકળી બની જાય છે અને ડરની મારી એ એવું પગલું ભરી બેસે જે ન ભરવાનું હોય અને આમ ક્યારેક એ જાનથી હાથ ધોઈ બેસે. આવી આપદા સમયે સામાન્ય વ્યક્તિની હાલત જ જ્યાં આવી હોય ત્યાં વડીલોનું તો શું કહેવું! આમાં સિનિયર સિટિઝનોની હાલત કફોડી થઈ જાય છે, પણ તેઓ ગભરાવાને બદલે જો થોડી સાવધાની રાખી શકે તો પોતાને બચવાનું સરળ થઈ પડે. એથી આ બાબતે તેમને ટ્રેઇનિંગ આપવાની ખાસ જરૂરિયાત મહારાષ્ટ્ર સરકારને જણાઈ રહી છે.

ગયા અઠવાડિયે બોરીવલી વેસ્ટમાં સિનિયર સિટિઝનો માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટ્રેઇનિંગનું સ્પેશ્યલ સેશન મંડપેશ્વર સિવિક ફેડરેશન અને વરિષ્ઠો માટે કામ કરતી સંસ્થા સિલ્વર ઇનિંગ્સ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્ર સરકારના સિવિલ ડિફેન્સ વિભાગની ટીમે ટ્રેઇનિંગ આપી હતી. ડિરેક્ટર જનરલ હોમગાર્ડ તથા મહારાષ્ટ્ર જનરલ સિવિક ડિફેન્સ દ્વારા યોજવામાં આવેલો મહારાષ્ટ્રમાં આ પહેલો કાર્યક્રમ હતો. ૩ કલાકના આ કાર્યક્રમમાં ૪૫ વડીલોએ ભાગ લીધો હતો. વડીલો અને તેમના પરિવારજનો માટે આવા કાર્યક્રમો હવે આખા મુંબઈમાં યોજવાનો પ્લાન છે.

આ ટ્રેઇનિંગનો મુખ્ય આશય વડીલોને કુદરતી આપદા સમયે સાવધ કરીને સ્વરક્ષણ કેવી રીતે કરવું એ શીખવવાનો છે. આવા સમયે ડર્યા વિના આપત્તિનો સામનો કરવા માટે મનથી પણ સ્ટ્રૉન્ગ બનીને સિચુએશનને કેવી રીતે હૅન્ડલ કરવી જોઈએ એ શીખવવામાં આવે છે.

ડિઝૅસ્ટર વખતે નાની-નાની ટેક્નિક તમને બહારથી મદદ મળે ત્યાં સુધી બચાવીને રાખે છે એમ જણાવતાં સિનિયર સિટિઝનોને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટ્રેઇનિંગ આપતા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગના અસિસ્ટન્ટ ડેપ્યુટી કન્ટ્રોલર પ્રશાંત કાંબળેનું કહેવું છે કે આ ટ્રેઇનિંગના મુખ્ય ચાર મુદ્દા છે - એક, ડિઝૅસ્ટર કેવાં આવી શકે એની જાણકારી રાખવી જોઈએ. બીજું, પ્રેપરેશન. એટલે કે કુદરતી આપત્તિ ક્યારે પણ આવી શકે એ માટે કેટલીક બાબતોની તૈયારી પહેલેથી જ કરી રાખવી જરૂરી છે.

ત્રીજું છે ફસાયા પછી કેવી રીતે રેસ્ક્યુ થવું અને ચોથું, પરિસ્થિતિને હૅન્ડલ કેવી રીતે કરવી.

આ બધી જ બાબતોની ટ્રેઇનિંગ એમાં આપવામાં આવે છે. પ્રશાંતનું કહેવું છે કે ડિઝૅસ્ટર વખતે સેલ્ફ-સેફ્ટી બહુ જરૂરી છે.

કુદરતી આપત્તિ આવી પડે ત્યારે આટલું કરો

મુંબઈમાં આજકાલ બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બહુ બને છે. તમને લાગે કે બિલ્ડિંગમાં કંઈ હલચલ થઈ રહી છે

અથવા તો ભૂકંપ જેવું લાગી રહ્યું છે તો તરત ઘરમાં તમારી નજીક હોય એ કૉર્નરમાં જતા રહો, કારણ કે સ્લૅબ પડે ત્યારે એ હંમેશાં સીધો જ પડે છે એથી જો તમે કૉર્નરમાં હો તો તમારા પર સ્લૅબ પડવાથી બચી જાઓ.

ભૂકંપ જેવું લાગે ત્યારે બેડ નીચે, ટેબલ નીચે અથવા તો કોઈ એવી વસ્તુ નીચે ભરાઈ જાઓ જેથી કોઈ પણ વસ્તુ પડે એ ડાયરેક્ટ તમારા પર ન પડે. તમારું માથું સચવાય એ રીતે કોઈ મજબૂત વસ્તુ નીચે છુપાઓ.

આગ લાગે ત્યારે જેટલા ઝડપી થઈ શકે એટલા ત્યાંથી બહાર નીકળી જાઓ. ધુમાડો વધુ થઈ ગયો હોય તો તરત નાક પર ભીનું કપડું લપેટી દો જેથી આગના હાનિકારક વાયુ તમારા શ્વાસમાં ન જાય અને તમને પૂરતો ઑક્સિજન મળી રહે.

કોઈ પણ કુદરતી આપદા આવી પડે ત્યારે ઘાંઘા ન થઈ જાઓ. હાંફળાફાંફળા થઈને ભાગાદોડી કરવામાં તમે ઑર તકલીફમાં મુકાઈ શકો એથી શાંતિથી કામ લો.

તમારી પાસે મોબાઇલમાં કે ખિસ્સામાં ઇમર્જન્સી વખતે ઉપયોગી થાય એવી હૉસ્પિટલો, ફાયર-બ્રિગેડ, રેડિયો-સ્ટેશન, કોઈ પણ ન્યુઝ-ચૅનલ જેવી ઇમર્જન્સી સર્વિસિસના કૉન્ટૅક્ટનું લિસ્ટ રેડી જ રાખો.

ઘરમાં એક બૅગ એવી હાથવગી રાખો કે કોઈ પણ ઇમર્જન્સી વખતે ઘર છોડવું પડે ત્યારે તમે એ બેગ લઈને ફટાકથી નીકળી જઈ શકો.

આ બૅગ એટલે તમારી ઇમર્જન્સી-કિટ જેમાં હોવી જોઈએ ફર્સ્ટ-એઇડ કિટ, ટૉર્ચ, તમારો પાસપોર્ટ, બર્થ-સર્ટિફિકેટ, ઇન્શ્યૉરન્સ પૉલિસી, મેડિકૅર કાર્ડ, તમારું વિલ, હેલ્થ રેકૉર્ડ, ફૅમિલી ઇન્ફર્મેશન, બૅન્ક-અકાઉન્ટની માહિતી વગેરેની ફોટોકૉપી જેને એક વૉટરપ્રૂફ ફાઇલમાં મૂકી બૅગમાં રાખો. ઉપરાંત તમારા લૉકરની ચાવી પણ એમાં સાથે જ રાખો.

તમારી ઇમર્જન્સી-કિટમાં થોડી કૅશ, એક્સ્ટ્રા મોબાઇલ ચાર્જર, એક્સ્ટ્રા ચશ્માં અને એક્સસ્ટ્રા ડેન્ચર હોય તો એ પણ મૂકી રાખો. સાથે એકાદ-બે દિવસનો સૂકો નાસ્તો અને પાણીની બૉટલ પણ રાખો અને થોડા દિવસે એને અપડેટ કરતા રહો.

પૂરમાં ફસાયા હો ત્યારે કોઈ હડબડી વિના મદદની રાહ જુઓ, દોરડું તમારી તરફ ફેકાયું હોય તો એને પૂરા જોશ અને હિંમતથી પકડી રાખો.

વધારે વરસાદ અને વીજળી થઈ રહ્યાં હોય તો ઘરનાં ઇલેક્ટિÿક ઉપકરણોના પ્લગ કાઢી નાખો.

વરસાદના પાણીમાં બહાર જવાનું સાહસ ન કરો.

ભૂકંપ સમયે કાચનાં સાધનો અને દરવાજાથી દૂર રહો.

ભૂકંપ વખતે ઘરની બહાર જવાનો પ્રયત્ન ન કરો. બહાર હો તો ખુલ્લા મેદાનમાં જતા રહો અને વીજળીના થાંભલાથી દૂર રહો.

જ્યારે પણ બિલ્ડિંગ હલતું હોય કે આગની ઘટના બને તો તરત ગૅસની લાઇનની સ્વિચ બંધ કરી દો.

ઘરમાં સ્મોક અલાર્મ સિસ્ટમ ફિટ કરાવો જેથી તમારી જાણબહાર ઘરમાં ધુમાડો થાય તો તરત અલાર્મ વાગે ને તમે જાણી શકો.

મોબાઇલની GPS જેવી લેટેસ્ટ સિસ્ટમ શીખવી જરૂરી છે. નવી ટેક્નૉલૉજી આફતોના સમયે વધુ ઉપયોગી થઈ પડે છે.

ઘરમાં પણ ફાયર-એક્સ્ટિંગ્વિશર રાખો.

ગૅસ પર કોઈ વસ્તુ મૂકીને બહાર ન નીકળો. એમાં પણ ખાસ કરીને તેલ તો નહીં જ, કારણ કે તમે ભૂલી જાઓ કે ગૅસ પર કંઈ રાખ્યું છે ત્યારે આગ લાગવાની સંભાવના બહુ વધી જાય છે.

કુદરતી આફત સમયે ગભરાઓ નહીં, શાંતિથી કામ લો. મનથી સ્ટ્રૉન્ગ બનીને એનો સામનો કરો.

આ ટ્રેઇનિંગ ઓલ્ડએજ હોમમાં એકલા રહેતા લોકોને ખાસ આપાવી જોઈએ એમ જણાવતાં વરિષ્ઠ નાગરિકો માટે કામ કરતી સંસ્થા સિલ્વર ઇનિગ્સના વડા શૈલેશ મિશ્રા કહે છે, ‘સામાન્ય રીતે આવી આપદાનો ભોગ સિનિયર સિટિઝનો વધુ બને છે. તેમને જો પ્રાથમિક માહિતી હોય તો તેઓ પોતાનો બચાવ કરી શકે છે.

આવા સમયે બધાને પોતાના જીવની જ વધારે પડી હોય ત્યારે ઘરના બુઝુર્ગોને પ્રાયોરિટી ન મળે એ સ્વાભાવિક છે, પણ તેમણે પોતે જ જો પોતાની સુરક્ષાની ટ્રેઇનિંગ લીધી હશે તો પોતાની જાતને સારી રીતે ચોક્કસ બચાવી શકાશે.

આપત્તિમાં આવી પડો તો આ નંબર ડાયલ કરો : ૧૦૦ , ૧૦૧ અને ૧૦૮.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK