પુરુષ પર સારી કમાણીનું પ્રેશર વધ્યું કે ઘટ્યું?

પુરુષોની આવક તેમની ક્વૉલિટી ઑફ લાઇફ માટે મહત્વનું પરિબળ રહ્યું છે. સોશ્યલી, સાઇકોલૉજિકલી અને ઇમોશનલી આપણે ત્યાં પુરુષોની ઇન્કમની કેવી અસર પડે છે એના પર એક નજર કરીએ

moneyu

મૅન્સ વર્લ્ડ - પ્રતિમા પંડ્યા

યુનાઇટેડ કિંગડમના જાણીતા અખબાર ‘ઇન્ડિપેન્ડન્ટ’એ ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં ત્યાંની સ્થાનિક યુનિવર્સિટીના એક સર્વેનું તારણ છાપ્યું છે કે પુરુષો હવે એક ઊભી રેખાથી વિભાજિત થયા છે, સારુંએવું કમાનારા અને સાવ ઓછું કમાનારા! સમૃદ્ધ પુરુષો સ્વયં પણ કમાતા હોઈ શકે અથવા તેમના બાપદાદાની મિલકત ભોગવનારા પણ હોઈ શકે. બીજે છેડે એવા યુવાનો છે જે ઘણું ઓછું કમાય છે કે ઓછું કમાઈ શકે છે. યુનાઇટેડ કિંગડમમાં સારું કમાતા પુરુષોમાં સાતમાંથી એક પુરુષ એકલો રહે છે, જ્યારે ઓછી આવકવાળા પુરુષોમાંના ત્રણમાંથી એક પુરુષ એકલો રહે છે. ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફિસ્કલ સ્ટડીઝનો સર્વે જણાવે છે કે સારી કમાણીવાળા પુરુષ માટે સારા જીવનસાથી મેળવવાનું સરળ છે. સર્વે એમ પણ જણાવે છે કે ઓછી આવકવાળા પુરુષોમાં લગ્નસંસ્થા તરફ વળવાનું પ્રમાણ કે લગ્ન કર્યાં હોય તો એ ટકાવી રાખવાનું પ્રમાણ ભયજનક રીતે ઘટતું ગયું છે. આંકડા જણાવે છે કે ઓછી આવકવાળા પુરુષોમાં  લગ્નવિચ્છેદનું પ્રમાણ વધુ આવકવાળા પુરુષો કરતાં બમણું છે.

આજે તો મોટા ભાગનાં ક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી ખભેખભા મિલાવીને કામ કરે છે છતાં હજારો વર્ષોથી અર્થોપાર્જન એટલે કે કમાવાનો ભાર મોટા ભાગે પુરુષોએ ઉપાડ્યો છે. તીરકામઠું લઈ આદિપુરુષ જંગલમાં જતો. પરિવારજનોની ભૂખ મિટાવવા જંગલમાંથી ફળ કે કોઈ નાનું પ્રાણી આદિપુરુષ લઈ આવતો ત્યાંથી માંડીને આજના બારથી ૧૪ કલાક વૈતરું કરી ફૅમિલીનું પેટ ભરતા મુંબઈના પુરુષની કથાની આપણને જાણ છે.

હજારો વર્ષોથી ગોઠવાયેલી આ પ્રથામાં હજી ઝાઝો બદલાવ નથી આવ્યો. પુરુષ સખત મહેનત કરી યેન કેન પ્રકારેણ પોતાના પરિવારની ફક્ત ભોજનની જ નહીં પણ સારા ઘરની, બાળકોના સારા ઉછેરની, બાળકોના સારા ભણતરની તથા ફૅમિલીની અન્ય સુખ-સગવડની અપેક્ષાઓ સંતોષે એવું પરિવાર તથા સમાજ ઇચ્છતો હોય છે.

હિન્દુસ્તાનની વાત જોકે અલગ છે. અહીંનો માનવી ટાંચાં સંસાધનો વચ્ચે પણ જીવતાં શીખી ગયો હોય છે. ઓછી આવક ધરાવતો પુરુષ પણ પોતાને યોગ્ય એવી લાઇફ-પાર્ટનર મેળવી શકે છે અને પરિવાર નિભાવી લે છે. સંયુક્ત  કુટુંબપ્રથા પણ ઘણી વાર ઓછી આવકવાળા સભ્યને સાચવી લે છે. જોકે હવે ન્યુક્લિયર પરિવાર વધતા જાય છે.  પતિ, પત્ની ઔર દો બચ્ચેના કુટુંબે પતિના ખભા પર ભાર વધાર્યો છે. મુંબઈ જેવા ઝાકઝમાળ મહાનગરમાં પત્ની તથા બાળકોની અપેક્ષાઓ પણ વધતી જાય છે ત્યારે મુંબઈમાં એકલા રહેવું પસંદ કરે એવા યુવાનોની સંખ્યા વધી રહી છે? એકલા રહેતા યુવાનો ડિપ્રેશનના વહેલા શિકાર બને એવી શક્યતા ખરી?

પૈસા કમાઈ પરિવારનું ભરણપોષણ કરવાનું કાર્ય પુરુષના ખભા પર નાખવામાં આવ્યું છે. ભારતીય પુરુષ કોઈક કારણસર ઓછું કમાય તો ડિપ્રેશન તરફ જાય છે કે  પછી તેનું પરિણીત જીવન છૂટાછેડા તરફ ફંટાઈ જાય એવું બને છે ખરું? એવો પ્રશ્ન જાણીતાં કાઉન્સેલર ડૉ. દેવાંગી વખારિયાને પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું, ‘પુરુષ પોતે ઓછું કમાય છે એવી વાત સ્વીકારતો નથી કે નથી જાહેરમાં કે કાઉન્સેલર પાસે ચર્ચા કરતો. પુરુષ ઓછું કમાય અને સ્ત્રી વધારે કમાતી હોય એવા કેસો મારી પાસે આવ્યા છે, પણ એમાં એ બન્ને વચ્ચે ખટરાગ હોય એવું નથી જોયું. એ તેમણે સ્વીકારી લીધેલી પરિસ્થિતિ છે. તકલીફ કોને થાય છે? તેમની આસપાસનાને! આસપાસના મિત્રો ને સંબંધીઓ પત્નીને પૂછ્યા કરે કે તારો વર એવો કેવો કે તારા કરતાં ઓછું કમાય છે! એકાદ કેસમાં પતિ ઓછું કમાતો હોવાને કારણે પત્ની છૂટાછેડા લેવાનો વિચાર કરતી હતી ત્યારે મારે તેને સમજાવવી પડી હતી, આ પતિથી છૂટા પડ્યા પછી તને આનાથી વધુ યોગ્ય પતિ જ મળશે કે તારી પરિસ્થિતિ સુધરી જ જશે એવી ખાતરી ખરી? બાકી ભારતીય પુરુષો ઓછું કમાતા હોવાને કારણે ડિપ્રેશનમાં જાય એવું બનતું નથી. તે તો કહી દે છે કે જે છે એ આ છે અને એમાં જ ચલાવવું પડશે.  આપણે ત્યાં એવું બને છે કે પુરુષ ઓછું કમાતો હોય તો સ્ત્રી પણ કામ કરીને ઘરના બે છેડા મેળવી લે છે. આજીવિકા મેળવવા પુરુષ વિદેશમાં જઈને એકલો રહે તો પણ મોટા ભાગે તે ત્યાંના જીવનમાં સેટ થઈ જાય છે અને એકલતાને નવા મિત્રો દ્વારા દૂર કરે છે.’

જાણીતાં કાઉન્સેલર દર્શના મહેતાના અનુભવ પણ દેવાંગીબહેને જણાવ્યા એવા જ છે. દર્શનાબહેન કહે છે, ‘કેટલાક પુરુષો એવા હોય કે જેને કશું જ ન કરવું હોય કે કશું જ ન કરતા હોય. તેમની પત્ની મહેનત કરી ઘરપૂરતું કે સારુંએવું કમાતી હોય એવું બને. પણ આજની છોકરીઓ સ્વતંત્ર વિચાર ધરાવતી થઈ ગઈ છે. પુરુષ ન કમાતો હોય અને તેનો રવૈયો બદલાય એવાં કોઈ લક્ષણો ન દેખાતાં હોય ત્યારે છોકરીઓ તેનાથી છૂટાં થઈ જવાનું પસંદ કરે છે. ઓછું કમાતા કે ન કમાતા આર્થિક રીતે નીચલા વર્ગના પુરુષની વાત કરીએ તો ઘણી વાર તો પત્નીની કમાણી પણ વાપરી ખાતો હોય છે અને પાછો ઘરમાં મારપીટ પણ કરતો હોય છે. છતાં આ બધી ઘટનાઓને કારણે પુરુષોને ડિપ્રેશન આવતું હોય એવું નથી બનતું. કેટલાક કિસ્સામાં ભણેલીગણેલી છોકરીઓ ઓછું ભણેલા છોકરાને, ઓછું કમાતા છોકરાને પરણે છે અને વિચારે છે કે આગળ ઉપર જોયું જશે. પણ ન કમાવાની આદત જેને સહજ છે એવો પુરુષ બદલાતો પણ નથી. કેટલાક કિસ્સામાં છોકરી તેને સાચવી લે છે તો કેટલીક વાર છોકરી છૂટાછેડા લઈ લે છે!’  

ઘણાબધા પુરુષો ગુજરાત, રાજસ્થાન,  બિહાર કે સાઉથમાંથી આવીને મુંબઈ જેવા શહેરમાં કામ કરવા આવે છે. ઘરથી દૂર દેશમાં કે વિદેશમાં એકલા રહેતા આવા પુરુષોનું કમ્યુનિટી બૉન્ડિંગ સારું હોય છે એટલે ડિપ્રેશન જેવું થતું નથી. જે સારું કમાય છે એ તો પોતાની ફૅમિલીના સંપર્કમાં રહે છે અને અવારનવાર પરિવારને મળી પણ લે છે. જે બહુ સારું નથી કમાતા તે પણ ફોન દ્વારા તો પરિવારના સંપર્કમાં રહે છે જ!

ડૉ. રાજન ભોસલે, જે મુંબઈના જાણીતા સાઇકોલૉજિસ્ટ છે તેઓ કહે છે, ‘એ વાત સાચી છે કે મુંબઈમાં પણ હવે જે યુથ છે, જે લો ઇન્કમ ગ્રુપમાં હોય છે  એમાંના ઘણાએ લગ્ન કરવાનું ડિલે કરવું પડે છે અથવા તો તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. આ એકલા રહેવાના કેસ વધી રહ્યા છે. પૂછીએ ત્યારે કહે છે કે પૈસા તો એટલા કમાતા નથી કે ઘર ખરીદીએ કે લગ્ન કરી ઘર વસાવીએ. બીજું, તેમને લગ્ન પહેલાં છોકરીઓ પણ પૂછે છે કે તે રહે છે ક્યાં? કેવડું ઘર છે? શું કમાય છે? વગેરે. આજની છોકરીઓ સારું ભણે છે અને ઘણા કિસ્સાઓમાં સારું કમાય પણ છે તો તેઓ ઓછું કમાતા છોકરાને પસંદ નહીં કરે. છોકરીઓના વધુ એજ્યુકેશનને કારણે તેમની આવક પણ વધી છે અને અપેક્ષા પણ વધી છે. આ કારણે ઓછું કમાતા છોકરાઓને રાહ જોવી પડે અથવા બૅચલર રહેવું પડે એવા કિસ્સાઓ વધ્યા છે. પણ આ બાબત છોકરાઓને ફ્રસ્ટ્રેટ કરે કે ડિપ્રેશન આવે એવા કિસ્સાઓ ઓછા બને છે, કારણ કે  ભારતીય યંગસ્ટર્સનો એન્ડ્યુરન્સ પાવર શ્ધ્ના યુવાનો કરતાં વધારે છે. બીજું, અહીંનું પૉપ્યુલેશન વધારે હોવાથી સામાજિક સપોર્ટ સિસ્ટમ છે. છોકરાઓ ગલીના નાકે ઊભા રહીને પણ પોતાના મિત્રો મેળવી લેશે.’

એકલતા અનુભવતા યુવાનોના સાઇકોલૉજિકલ પ્રશ્નોને કઈ રીતે ટૅકલ કરો છો એમ પૂછતાં ઉત્તરમાં ડૉ. રાજને જણાવ્યું, ‘ગરીબોને સાઇકોલૉજિકલ ઇશ્યુ નથી હોતા એવું નથી; પણ તેમના પરિવારજનો એ માટે તેને પૅમ્પર નથી કરતા, પંપાળતા નથી. બીજી તરફ પૈસા છે એટલે સાઇકોલૉજિકલ ઇશ્યુઝ નથી એવું  પણ નથી. વધુ પૈસા હોય છતાં હેરિડિટરી સાઇકોલૉજિકલ પ્રશ્નો પણ હોઈ શકે. એનો એક એક્સ્ટ્રીમ પ્રકાર સાઇકોસિસ છે, જેને બાહ્ય પરિસ્થિતિ સાથે કંઈ લેવાદેવા નથી. જ્યારે ડિપ્રેશન અલગ વસ્તુ છે. ડિપ્રેશન પરિસ્થિતિ આધારિત છે. યુવાનો એમાંથી પસાર થાય તો બે-ત્રણ મહિનાની દવા કે કેટલાક વખતના ફૉલોઅપ દ્વારા ફરી નૉર્મલ બની શકે છે. કેટલાક સ્ટુડન્ટ્સ સારું ભણ્યા હોય, પણ પછી જો તેને સારી જૉબ ન મળે કે સારી સૅલરી ન મળે તો તે ઘરમાં બેસી રહે, મિત્રોથી દૂર થઈ જાય, તેને ઊંઘ ન આવે એવા ડિપ્રેશનના કેસ પણ અમારી પાસે આવતા હોય છે; કારણ કે પુરુષોને માટે કમાણી એટલે પોતાની જરૂરિયાત પૂરી પાડવાનું, પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનું, પોતાનું મહત્વ પરિવારમાં બરકરાર રાખવાનું, પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવાનું અને વ્યસ્ત રહી કંઈક મેળવ્યાનો સંતોષ આપનારું સાધન છે.’

દહિસરમાં રહેતા એક ભાઈ પોતાની ઓળખ છતી ન કરવાની શરત સાથે  કહે છે, ‘મારી આવક ઓછી છે. આમાં ન ઘર લઈ શકાય, ન પરિવારને સાચવી શકાય. એટલે સંયુક્ત ફૅમિલીમાંથી છૂટો પડીને હું પેઇંગ-ગેસ્ટ તરીકે રહું છું. પરણ્યો નથી. નજીકનાં સગાં છે, પણ કોઈના ઘરે જતો નથી. જાઉં તો બધા પૂછ્યા કરે છે,  હમણાં શું કરે છે? એટલે હું કોઈને ત્યાં જવાનું ટાળું છું. આમ જીવન પસાર થયા કરે છે. ન કોઈ આનંદ, ન કોઈ દુ:ખ.’

કાંદિવલીમાં રહેતા પ્રકાશ ખિરૈયા કહે છે, ‘સંઘર્ષ તો દરેકના જીવનમાં હોય. દાયકાઓ સુધી ઓછી આવક હતી તો એમાં જ સંસાર નિભાવવાની કોશિશ કરી છે. ક્યારેક અચાનક ખર્ચો આવી જાય તો દોસ્તારો કે સગાંઓએ મદદ કરી છે અને ધીરે- ધીરે તેમને પાછા ચૂકવીયે દીધા છે. આપણું ભણતર ઓછું એટલે આવક એવી જ હોયને? પણ પરિસ્થિતિને જેવી છે એવી જ મેં અને મારી પત્ની મનીષાએ સ્વીકારી છે. મનીષાએ બહારનાં રસોઈનાં કામ હાથમાં લઈ મને સહકાર આપ્યો છે. આપણા પરિવારની ભાવના એટલી મજબૂત હોય કે પુરુષને ડિપ્રેશન જેવું કંઈ થાય જ નહીં. ટૂંકમાં આપણી લિમિટમાં રહી જીવીએ તો ઓછી આવકમાંય માણસ ટકી જાય.’

મૂળ વાતનો સાર એવો છે કે UK અથવા USAમાં ભલે ઓછી આવક પુરુષોને ડિપ્રેશન તરફ ધકેલતી હોય, ભારતના ૯૯.૯૯ ટકા પુરુષોની વિચારધારા અલગ છે. ઓછી આવકમાં પછેડી એટલી સોડ તાણવી એ સૂત્રને પુરુષો અમલમાં મૂકે છે. પત્ની તથા પરિવારનો સહયોગ તેમને આ પરિસ્થિતિમાં મળતો રહે છે. કમાવાના આશયથી મુંબઈ આવેલા બીજાં રાજ્યના પુરુષો પણ મોટા ભાગે એકલતા અનુભવતા નથી. મુંબઈની પ્રજાનો પચરંગી મિજાજ, મનોરંજનનાં સાધનો, સાત-આઠ જણનું બૅચલર અકોમોડેશન તેમના ચહેરાના સ્મિતને જાળવી રાખે છે. ઓછું કમાતો માણસ એનાથી સંતુક્ટ રહે છે અથવા આવતી કાલે કદાચ પોતે વધુ કમાઈ શકશે અને પરિવારને રાજી રાખી શકશે એવી આશામાં આંખોનાં રંગબેરંગી સપનાં જળવી રાખે છે અને આ જ તો છે મુંબઈનો ફાઇટિંગ સ્પિરિટ!’

પુરુષ ઓછું કમાય અને સ્ત્રી વધારે કમાતી હોય એવા કેસો મારી પાસે આવ્યા છે, પણ એમાં એ બન્ને વચ્ચે ખટરાગ હોય એવું નથી જોયું. એ તેમણે સ્વીકારી લીધેલી પરિસ્થિતિ છે. તકલીફ કોને થાય છે? તેમની આસપાસનાને! આસપાસના મિત્રો ને સંબંધીઓ પત્નીને પૂછ્યા કરે કે તારો વર એવો કેવો કે તારા કરતાં ઓછું કમાય છે!

- ડૉ. દેવાંગી વખારિયા, કાઉન્સેલર

મુંબઈમાં પણ હવે જે યુથ છે, જે લો ઇન્કમ ગ્રુપમાં હોય છે એમાંના ઘણાએ લગ્ન કરવાનું ડિલે કરવું પડે છે અથવા તો તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. આ એકલા રહેવાના કેસ વધી રહ્યા છે. બીજું, તેમને લગ્ન પહેલાં છોકરીઓ પણ પૂછે છે કે તે રહે છે ક્યાં? કેવડું ઘર છે? શું કમાય છે?

- ડૉ. રાજન ભોસલે, સાઇકોલૉજિસ્ટ


કેટલાક પુરુષો એવા હોય જેમને કશું જ ન કરવું હોય કે કશું જ ન કરતા હોય. તેમની પત્ની મહેનત કરી ઘરપૂરતું કે સારુંએવું કમાતી હોય એવું બને. પણ આજની છોકરીઓ સ્વતંત્ર વિચાર ધરાવતી થઈ ગઈ છે. પુરુષ ન કમાતો હોય અને તેનો રવૈયો બદલાય એવાં કોઈ લક્ષણો ન દેખાતાં હોય ત્યારે છોકરીઓ તેનાથી છૂટા થઈ જવાનું પસંદ કરે છે.

- દર્શના મહેતા, કાઉન્સેલર


સંઘર્ષ તો દરેકના જીવનમાં હોય. દાયકાઓ સુધી ઓછી આવક હતી તો એમાં જ સંસાર નિભાવવાની કોશિશ કરી છે. આપણા પરિવારની ભાવના એટલી મજબૂત હોય કે પુરુષને ડિપ્રેશન જેવું કંઈ થાય જ નહીં. ટૂંકમાં, આપણી લિમિટમાં રહીને જીવીએ તો ઓછી આવકમાંય માણસ ટકી જાય

- પ્રકાશ ખિરૈયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK