સમયનો સદુપયોગ કરવો કે સમયને માણવો?

આપણો મોટા ભાગનો સમય તો આપણી જવાબદારીઓ, આપણી ફરજો અને આપણી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં જ નીકળી જાય છે; પણ શું આપણે સમયને માણીએ છીએ ખરા? હકીકત તો એ છે કે આપણે સમયની વચ્ચે તણાતાં કે ખેંચાતાં રહીને એને માણવાનું જ ચૂકી જઈએ છીએ. તો ચાલો હવે માણવાનું પણ શરૂ કરીએ

kriti

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

તમે ક્યારેય કોઈની રાહ જોઈ છે? આપણી પ્રિય વ્યક્તિ આપણાથી દૂર જાય ત્યારથી માંડીને આપણી પાસે પાછી આવી જાય એ વચ્ચેનો સમય જાણે મણ-મણના ભારની જેમ વીતે છે. પણ પાછું એ જ વ્યક્તિ સાથે વિતાવેલાં વર્ષો હાથમાંથી રેતીની માફક સરી જાય છે. આવું થાય ત્યારે એવું લાગે કે જાણે જીવન આપણી સાથે રમત રમી રહ્યું છે. દિવસો કેમેય કરીને નીકળતા નથી અને વર્ષો જાણે પાણીની જેમ વહી જાય છે. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનની થિયરી ઑફ રિલેટિવિટી આ જ તો છે. થિયેટરમાં બેસીને ફિલ્મ જુઓ ત્યારે ત્રણ કલાક એક ક્ષણની જેમ વીતી જાય, પણ જો ક્યાંક ભૂલથી ગરમ તવા પર હાથ મૂકી દેવાય તો એક ક્ષણ પણ કલાકો જેવી લાગે.

ફિલસૂફીની ભાષામાં કોઈ પણ બે અંતિમો વચ્ચેનો આવું દ્વંદ્વ ટેન્શન ઑફ ઑપોઝિટ તરીકે ઓળખાય છે. રબરબૅન્ડના બે છેડા જેવું. બન્ને એકમેકને તોડવા જાણે મરણિયો પ્રયાસ કરી રહ્યા હોય એવું. બલકે ખરું પૂછો તો આપણું આખું જીવન જ આવા ટેન્શન ઑફ ઑપોઝિટથી ભરેલું પડેલું છે. કરવું હોય કંઈ અને કરવું પડે કંઈ. કહેવું હોય કંઈક અને કહેવું પડે કંઈક. જવું હોય ક્યાંક અને જવું પડે ક્યાંક. જીવનભર આપણે આવાં બે અંતિમો વચ્ચે ખેંચાતા અને તણાતા રહીએ છીએ અને આ તાણઝૂડ વચ્ચે ક્યારે આપણું અસ્તિત્વ ખરી પડ્યું એનો પણ ઘણી વાર તો આપણને ખ્યાલ આવતો નથી.

આ જ કારણ છે કે મોટા ભાગના લોકો આપણને સમયનો સદુપયોગ કરવાની તથા એને મન ભરીને માણી લેવાની સલાહ આપે છે, પરંતુ ખરું પૂછો તો આ વાત પણ ટેન્શન ઑફ ઑપોઝિટ જેવી જ છે. આજે આપણી પાસે કરવાનું એટલુંબધું છે કે દિવસના ચોવીસ કલાક અને વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ઓછા પડે. પરિણામે જો આપણે સમયનો સદુપયોગ કરવા જઈએ તો આપણી પાસે માણવા માટે કોઈ સમય જ બચતો નથી. આપણું ટુ ડૂ લિસ્ટ એટલું લાંબું થઈ ગયું છે કે જીવનના અંતિમ શ્વાસ સુધી પૂરું થાય નહીં અને છેલ્લી ઘડીએ પણ કદાચ આપણને બધું કર્યું છતાં આ કામ કરવાનું તો રહી જ ગયું એવો વસવસો રહી જાય તો પણ નવાઈ નહીં.

ક્યારેક વિચાર આવે કે ક્યાં ગયો આપણો એ સમય જે આપણે આપણી જાત સાથે કે આપણા લોકો સાથે વિતાવી શકતા હતા? ક્યારેક સાવ નવરા ધૂપ હોઈએ ત્યારે કૉફીનો કપ હાથમાં પકડી બારીમાં ઊભા રહી વરસતા વરસાદને જોઈ શકતા હતા કે પછી આપણાં બાળકો સાથે ઉઘાડા આકાશ નીચે સૂતાં-સૂતાં તારા ગણી શકતા હતા? વેકેશનમાં મામાને ઘરે જઈ બદામ, પિસ્તાં, રસગુલ્લાં અને સાકર નાખેલી મલાઈની લહાણી ઉડાવી શકતા હતા કે પછી ઘરના ઓટલે પાડોશીઓ સાથે ગપ્પાં મારતાં-મારતાં તેમનાં અને આપણા ઘરનાં પાપડી, વટાણા અને વાલોળ છોલી શકતા હતા? કે પછી શનિ-રવિની નવરાશમાં પ્રિયજનોના ઘરે જઈ શકતા હતા કે તેમને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી શકતા હતા?

આજે તો બાળકોના માથે પણ ભણવાનો બોજો એટલો વધી ગયો છે કે તેમની પાસે નીચે રમવા જવાનો પણ સમય રહ્યો નથી. ગૃહિણીઓ પણ બાળકો, વડીલો અને પોતાના જીવનસાથીના શેડ્યુલ સાચવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે પોતાનું જ ધ્યાન રાખી શકતી નથી. બીજી બાજુ આજના સ્પર્ધાત્મક યુગમાં ફક્ત કૉર્પોરેટ જૉબ્સ કરનારા જ નહીં, બૅન્કોમાં અને સ્કૂલોમાં સરકારી નોકરીઓ કરનારાઓના માથે પણ હવે તો કામનો એટલોબધો ભાર નાખી દેવામાં આવ્યો છે કે કેટલાક તો દિવસો સુધી પોતાના પરિવારજનો સાથે બે ઘડી બેસી પણ શકતા નથી. ટૂંકમાં આજે ખરા અર્થમાં લોકો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ રહી નથી.

એક સમય હતો જ્યારે લોકો વર્ક હાર્ડ ઍન્ડ પાર્ટી હાર્ડર જેવી ઉક્તિ વાપરી એ મુજબનું જીવન જીવવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હવે વર્કનું જ પ્રમાણ એટલુંબધું વધી ગયું છે કે પાર્ટી કરવાની વાત તો દૂર પાર્ટીનો વિચાર કરવાનો પણ સમય બચ્યો નથી. આ બધાને પગલે લોકોના જીવનમાં માનસિક તાણનું પ્રમાણ એટલું વધી ગયું છે કે શનિ-રવિની રજામાં પણ તેઓ નિરાંતે બેસી શકતા નથી. એક વ્યક્તિએ આ થકાનને વર્ણવતાં બહુ ધારદાર વાત કરી હતી. તેનું કહેવું હતું કે એક સમય હતો જ્યારે હું શનિ-રવિની આતુરતાપૂવર્ક  રાહ જોતો હતો, કારણ કે ત્યારે શનિ-રવિ આનંદપ્રમોદ અને લોકોને હળવામળવાના દિવસો હતા; જ્યારે હવે શનિ-રવિ આખા અઠવાડિયાના થાકને દૂર કરવાના દિવસો બની ગયા છે. પરિણામે હવે હું શનિ-રવિમાં આરામ કરવાના સ્થાને એ વિચારથી વધુ વિહ્વળ રહું છું કે સોમવાર આવતાં જ ફરી પાછી દોડ ચાલુ થઈ જશે. પરિણામે આ અજંપો મને વીક-એન્ડમાં પણ જંપવા દેતો નથી.

ટૂંકમાં જીવન ખૂબ ઝડપથી આપણા હાથમાંથી સરકી રહ્યું છે અને છતાં દિવસો લાંબા ને લાંબા બનતા જઈ રહ્યા છે. આ બધાની વચ્ચે વાસ્તવમાં આપણને અંદરથી જે કચડી રહ્યું છે એ તો ઉપર જણાવ્યું એ ટેન્શન ઑફ ઑપોઝિટ જ છે. આપણને સમય માણવો છે, પણ આપણી પાસે ફક્ત સમયનો સદુપયોગ કરવા સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નથી. આપણને કરવું ઘણું છે, પણ આપણી પાસે જે કરવાનું છે એ કર્યા કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નથી.

તો આ દ્વંદ્વમાં જીત કોની થાય છે? જીત થાય છે તેની જે બન્નેની વચ્ચે રહે છે, જે સમતુલા જાળવી શકે છે. જે સમયનો સદુપયોગ પણ કરે છે અને સમયને માણી પણ જાણે છે. જે કામ કરવાની સાથે પોતાની જાત માટે, પોતાના અંગત આનંદ માટે, પોતાનાઓ માટે સમય કાઢી શકે છે. અને આ સમય કોઈની પાસે હોતો નથી, કાઢવો પડે છે. ક્યારેક સ્કૂલ કે ઑફિસમાંથી રજા લઈ નાના-મોટા વેકેશન પર જઈને તો ક્યારેક માંદગીનું બહાનું બતાવી એકાદ દિવસની ગાપચી મારીને. ક્યારેક સગાંવહાલાંની માંદગીમાં તેમની પડખે ઊભા રહીને તો ક્યારેક એકાએક રાતના બાર વાગ્યે મિત્રના ઘરે પહોંચી જઈને. ક્યારેક ઊંઘ ન આવતી હોવા છતાં મોડે સુધી પથારીમાં પડ્યા રહીને તો ક્યારેક એક જ દિવસમાં ત્રણ ફિલ્મો જોઈને.

હવે કોઈ કહેશે આવું બધું તે કરાય? તો કેમ ન કરાય? બલકે હવે સમય આવી ગયો છે જ્યારે આપણે જેટલી શિદ્દતથી આપણા સમયનો સદુપયોગ કરવાનું શીખી ગયા છીએ એટલી જ શિદ્દતથી આપણે આપણા સમયને માણવાનું પણ શીખી જઈએ. જીવન આખું આપણી આંખની સામે સરી જાય એ પહેલાં એને થોડું જીવી પણ લઈએ. થોડું હસી લઈએ, થોડું ગાઈ લઈએ, થોડું નાચી લઈએ. ક્યા પતા કલ હો ના હો. બીજા શબ્દોમાં સતત ટેન્શન ઑફ ઑપોઝિટની લડાઈમાં ખેંચાવાના સ્થાને બન્નેની વચ્ચે રહેતાં શીખીએ. પોતાના કામ, પોતાની ફરજો, જવાબદારીઓ અને મહત્વાકાંક્ષાઓને પ્રેમ કરવાની સાથે થોડો પોતાની જાતને તથા થોડો પોતાનાઓને પણ પ્રેમ કરી લઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK