વાંકી ડોક કરીને સ્કૂટર-બાઇક ચલાવતાં-ચલાવતાં મોબાઇલ પર વાતો કરનારા લોકો કોની સાથે અને શું વાત કરતા હશે?

શું તમે વાંકા મોઢાવાળા માણસોને જોયા છે? ટુ બી સ્પેસિફિક વાંકી ડોકવાળા પુરુષો, મહિલાઓ, યુવાનો, યુવતીઓને જોયાં છે? તમને થશે, આ વળી કેવો વિચિત્ર સવાલ? ખેર, આ જ ઘડીએ અમે ખુલાસો કરીશું તો તમે બધા જ કહેશો કે હા-હા, અમે વાંકાં મોઢાં કે વાંકી ડોકવાળા લોકોને જોયા છે. બાય ધ વે, લગભગ રોજ યા નિયમિત જોઈએ પણ છીએ. હવે બરાબર સમજ્યા! તેમ છતાં જેઓ હજી ન સમજ્યા હોય તેમના માટે વાતને સ્પક્ટ કરી જ દઈએ

mobile

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આપણે સ્કૂટર અથવા બાઇક પર વાંકું મોઢું કે વાંકી ડોક અથવા વાંકો ચહેરો કરીને મોબાઇલ ફોન પર વાત કરતા લોકોને જોઈએ છીએ. કેવી કઢંગી હાલતમાં એ લોકો સ્કૂટર અથવા બાઇક ચલાવતાં-ચલાવતાં મોબાઇલ પર વાત કરે છે, જે જોઈને આપણને ડર લાગી જાય અથવા શંકા થવા લાગે કે આ ક્યાંક પડશે, ક્યાંક ઠોકશે યા ઠોકાશે! નવાઈની વાત એ છે કે આ વીર મોબાઇલવાળા વાત કરતાં-કરતાં સ્પીડ પણ ઘટાડે નહીં અથવા બેધડક સિગ્નલ પણ ક્રૉસ કરી નાખે. આ બહાદુરોની પાછળ તેમના મિત્રો કે પરિવારજનો પણ બેઠા હોય તો પણ તેમને કોઈ ચિંતા નહીં. પેલા પાછળ બેઠેલાં બહાદુર ભાઈ-બહેન, દીકરા-દીકરી, માતા-પિતા મોબાઇલ બહાદુરને કહે પણ નહીં કે જરા સાઇડમાં સ્કૂટર- બાઇક ઊભું રાખીને વાત કરી લેને!

યક્ષપ્રશ્ન એ છે કે આ વાંકી ડોક કરીને એક કાન પર મોબાઇલનો ભાર નાખી વાત કરતા આ બહાદુરો એવી તે કઈ મહત્વની વાત કરતા હશે? શું તેમને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોન આવ્યો હોય છે કે અમેરિકાથી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો કૉલ આવ્યો હોય છે? યુવક હોય તો શું તેની પ્રેમિકા કે પત્નીનો ફોન હોય છે? અને યુવતી હોય તો શું તેના પ્રેમી કે પતિનો ફોન હોય છે? બાઇક ચલાવનાર વેપારી હોય તો શું તેમને બિઝનેસ માટે

લાખો-કરોડોનો ઑર્ડર ફોન પર મળી ગયો હોય છે કે કોઈ મોટી બિઝનેસ-ડીલની ઑફર હોય છે? મહિલા હોય તો શું તેમની સાસુનો ફોન હોય છે? અને નોકરિયાત પુરુષ હોય તો શું તેમને ઑફિસના બૉસનો ફોન હોય છે? સાલું વિચાર એ આવે કે આ મોબાઇલ બહાદુરોને એવા તે કેવા લોકોના ફોન હોય છે કે સ્કૂટર-બાઇક ચલાવતાં પણ  વાત કરવી પડે? શું સામેવાળી વ્યક્તિ આ બહાદુરને એમ કહેતી હશે કે અત્યારે જે પોઝિશનમાં છો એ પોઝિશન ચાલુ રાખીને જ વાત કરવી! શું આ મોબાઇલ પર વાંકી ડોકે વાત કરતા અથવા એક હાથે મોબાઇલ પકડીને અને એક હાથે ડ્રાઇવ કરીને વાત કરતા આ લોકોને પોતાને અકસ્માત થશે તો કેવી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક દશા થઈ શકે એનો વિચાર પણ નહીં આવતો હોય? આવા તો કેટલાય સવાલ આપણને જોનારાઓને થાય એ આ બહાદુરોને કદાચ નહીં થતા હોય. આમાં પણ મહિલાઓ પુરુષો સાથે બરાબરીની સ્પર્ધામાં ઊતરી હોય છે. નાજુક નાર હોય તો પણ મોબાઇલને અન્યાય થવા દેતી નથી.

આ થઈ સ્કૂટર અને બાઇક ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરતા લોકોની વાત. આ જ રીતે આપણે કાર ડ્રાઇવ કરતાં-કરતાં મોબાઇલ પર વાત કરતા અનેક લોકોને જોઈએ છીએ. આમાંના ઘણા ડાહ્યાઓ કે સ્માર્ટ લોકો બ્લુટૂથ વાપરે છે જેથી તેમના હાથ ડ્રાઇવિંગમાં વ્યસ્ત રહી શકે, સ્ટિયરિંગ બરાબર પકડી રાખી શકે. બાકી મોટા ભાગના તો એક હાથે જેમ સિગારેટ પીતા ડ્રાઇવ થાય એમ એક હાથે મોબાઇલ અને એક હાથે સ્ટિયરિંગ પર ચાલુ રહે છે. આવા લોકોને કારણે અકસ્માતનો ભય બીજાઓને લાગે છે. જ્યારે કે પોતાની ભૂલથી કે બેદરકારીથી બીજા નિર્દોષ લોકોએ સહન કરવાનું આવી શકે છે એનો આ બહાદુરોને વિચાર સુધ્ધાં પણ થતો હશે કે કેમ એ સવાલ છે. અલબત્ત, આમાં એક નાનોસરખો ડાહ્યો વર્ગ ક્યારેક જોવા મળી જાય છે જે કાર અથવા સ્કૂટર બાજુએ ઊભા રાખી મોબાઇલ પર વાત પતાવી આગળ વધે છે.

બાકી સવારના સાઇકલ પર દૂધ વેચવા નીકળતા, બાઇક પર નીકળતા, કારમાં ફરવા નીકળતા કે બિઝનેસ-પ્રોફેશન માટે નીકળતા લોકો ડ્રાઇવ કરતાં-કરતાં મોબાઇલ પર વાતો કરતા એવા ટેવાઈ ગયા છે કે તેમને ફોન આવ્યો ન હોય તો તેઓ પોતે ફોન કરીને પણ આ બહાદુરીનું કાર્ય ચાલુ રાખે છે. આવા લોકોના પરિવારના સભ્યો તેમને આવી બાબતથી ચેતવે અથવા આ લોકો પોતે આમ કરતી વખતે અકસ્માતનો ભોગ બને યા અકસ્માત થતો જુએ તો કદાચ સમજે એવું બની શકે.

આ સમસ્યા બાઇક-કાર પૂરતી સીમિત રહી નથી, રિક્ષાવાળા પણ રિક્ષા ચલાવતાં બિન્ધાસ્ત એક હાથે ફોન લે છે અને એક હાથે રિક્ષા ચલાવે છે. આવા સમયમાં આપણે અંદર બેઠા હોઈએ તો આપણે જ તેને કહેવું પડે - ભાઈ, તું રિક્ષા બાજુએ ઊભી રાખી વાત કરી લે અથવા મને ઉતારી દીધા બાદ નિરાંતે વાત કર. આ રોગ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરતા ટેમ્પો, ટ્રક અને માણસોને લઈ જતા બસ (ખાનગી)-ડ્રાઇવરોને પણ લાગ્યો છે. સેલ્ફીના ક્રેઝ કરતાં પણ આ ચાલુ વાહને અર્થાત વાહન ચલાવતા વખતે મોબાઇલ પર વાત કરવી એ આમ કરનાર જ નહીં, અન્ય નાગરિકો માટે પણ જોખમી છે. શું આ વિષયમાં પણ કાયદો લાવવાની ફરજ પડશે? શું લોકો આટલી સ્વશિસ્ત પણ રાખી શકે નહીં?  

થોડો સમય મોબાઇલ પર વાત નહીં કરવાથી શું પૃથ્વી ઊંધી વળી જશે?

ક્યારેક એવું લાગે કે મોબાઇલ યુઝર્સની એક વિચિત્ર પેઢી પેદા થઈ રહી છે અને વિકસી રહી છે. તેઓ કાનમાં ભૂંગળાં (ઇઅરફોન) ભરાવીને મોબાઇલ મારફત વાત કરતા રહે છે, એ વખતે તેમને આજુબાજુનું ભાગ્યે જ ભાન રહે છે. તેઓ પોતાની ધૂનમાં રસ્તે ચાલતા હોય છે. આવા લોકોના અકસ્માતના કિસ્સા આપણે સાંભળતા હોઈએ છીએ. ઘણા વળી સ્પીકર શરૂ કરીને બિન્ધાસ્ત વાત કરતા હોય છે જાણે આસપાસ કોઈ હોય જ નહીં. આમ કરી તેઓ ધ્વનિપ્રદૂષણ ફેલાવતા રહે છે. વળી સિનેમા થિયેટરમાં, નાટuગૃહોમાં કે જાહેર અથવા ખાનગી કાર્યક્રમોમાં સંખ્યાબંધ સૂચનાઓ પછી પણ મોબાઇલ ન વાગે તો ભારતનું નામ બદલી નાખવું પડે. સવાલ ફરી એ જ થાય કે આ લોકો એવી તે શું વાત કરતા હશે? એવા તે કોની સાથે વાત કરતા હશે જે ન કરે તો પૃથ્વી ઊંધી વળી જાય અથવા ધરતીકંપ આવી જાય કે સુનામી આવી જાય કે કરોડોનો લૉસ થઈ જાય? ખરેખર તો આવા લોકોને ટીંગાટોળી કરી બહાર મૂકી આવવા જોઈએ અને વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરતા લોકોનું વાહન અથવા મોબાઇલ જ જપ્ત કરી લેવા જોઈએ. શું કહો છો દોસ્તો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK