ક્યા ફર્ક પડતા હૈ ઉમ્ર સાઠ હો યા પૈંસઠ?

આ જાહેરાતથી સિનિયર સિટિઝનોને લાભ મળશે કે એ માત્ર કાગનો વાઘ છે? સિનિયર સિટિઝન એટલે શું? કઈ ઉંમરે વ્યક્તિ સિનિયર સિટિઝન કહેવાય? તેમની ઉંમર બાબતે ભારે કન્ફ્યુઝન કેમ છે? તમે સિનિયર સિટિઝન થાઓ એનાથી કોને ફરક પડે છે? આ બધા સવાલોના જવાબ મેળવીએ

anupam

વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

કઈ ઉંમરે તમે સિનિયર સિટિઝન કહેવાઓ? જવાબ મળશે ૬૦. એક રીતે આ જવાબ સાચો પણ છે અને એક રીતે ખોટો પણ છે. સાચો એ રીતે કે દુનિયાના દેશો એમાંય ખાસ કરીને યુનાઇટેડ નેશન્સે ડિફાઇન કર્યું હતું કે વ્યક્તિ ૬૦ વર્ષ અને એનાથી ઉપરની વયની હોય તે સિનિયર સિટિઝન કહેવાય. આ રીતે ભારત સરકારે પણ નક્કી કર્યું કે ૬૦ કે એનાથી ઉપરની વયની વ્યક્તિ સિનિયર સિટિઝન કહેવાશે. આ રીતે ભારતમાં વ્યક્તિ ૬૦ વર્ષની થાય એટલે તેને સિનિયર સિટિઝનનું કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે. હવે પેલો જવાબ ખોટો કઈ રીતે એ જોઈએ. સિનિયર સિટિઝનનું કાર્ડ ઇશ્યુ થયું એટલે એ વ્યક્તિ સિનિયર સિટિઝન તો બની જાય છે, પણ સિનિયર સિટિઝનનો લાભ મેળવવા માટે તે હજી સિનિયર સિટિઝન નથી હોતી!

આવું કેમ? ભારે કન્ફ્યુઝનભરી વાત લાગે છેને! ભારત સરકારે સિનિયર સિટિઝનની એજ ૬૦ વર્ષ નક્કી કરી હોવા છતાં જુદાં-જુદાં રાજ્યોમાં આ ડેફિનિશન અલગ શા માટે છે? વડીલોને લાભ આપવાની વાત આવે છે ત્યારે સિનિયર સિટિઝનની ડેફિનિશન બદલાઈ કેમ જાય છે?

વાત એમ છે કે ભારત સરકારે સિનિયર સિટિઝનની ડેફિનિશન ૬૦ વર્ષની કરી, પણ તેમને મળવાપાત્ર કેટલાક લાભ જે-તે રાજ્યના બજેટમાંથી આપવાના હોય છે. તેથી જ રાજ્યની સરકારી તિજોરીને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યએ વડીલોને મળવાપાત્ર લાભ માટે પોતાના બજેટ  મુજબ સિનિયર સિટિઝન કઈ ઉંમરે ગણવા એ નક્કી કર્યું છે. આમ એ મુજબ દરેક રાજ્યમાં સિનિયર સિટિઝનની વય અલગ-અલગ છે. કોઈ રાજ્યમાં ૬૦, કોઈ રાજ્યમાં ૬૨ તો કોઈ રાજ્યમાં ૬૫ છે. એ રીતે મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવાણ ચીફ મિનિસ્ટર હતા ત્યારે ૨૦૧૩ના ઑક્ટોબરમાં સિનિયર સિટિઝનની વય ૬૦ના બદલે ૬૫ કરવાની પૉલિસીની જાહેરાત કરી હતી. આમ કરવાનું કારણ એ હતું કે વડીલોને મળવાપાત્ર લાભના કારણે સરકારી તિજોરી પર બોજ ઘણો વધી જતો હતો, કારણ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ તો વરિષ્ઠને ટિકિટમાં પચાસ ટકા કન્સેશન આપતી હતી. આ અને આવાં બીજાં કન્સેશનોના કારણે સરકારી તિજોરીનો બોજ ઘણો વધી જતો હતો. મહારાષ્ટ્રમાં ૧૩ કરોડ સિનિયર સિટિઝન છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને લઈને વરિષ્ઠો માટે કામ કરતી સંસ્થાઓએ ભારે વિરોધ કર્યો.

૨૦૧૩માં ૬૫ વર્ષની વય જાહેર થયા પછી એ માત્ર ડેક્લેરેશન જ હતું, માત્ર કૅબિનેટ નોટ જ હતી. એ માટેનો GR-ગવર્નમેન્ટ રેઝોલ્યુશન કાઢવામાં જ નહોતો આવ્યો એટલું જ નહીં, આની ફેરવિચારણા થઈ ત્યાં સુધી કાઢવામાં નહોતો આવ્યો. આ સાથે સિનિયર સિટિઝનો માટે કામ કરતી સંસ્થાઓએ વરિષ્ઠોની વયને ૬૫ના બદલે ૬૦ કરવાની પણ માગ કરી અને કેટલાક લાભો જેવા કે મ્યુનિસિપલ અને સરકારી હૉસ્પિટલોમાં પાંચ બેડ સિનિયર સિટિઝનો માટે રિઝર્વ રાખવા અને એમાં જેરિયાટ્રિક ફૅસિલિટી હોવી જોઈએ, વરિષ્ઠો માટે સ્પેશ્યલ વિન્ડો દરેક જગ્યાએ હોવી જોઈએ, જેનરિક દવાઓને પ્રમોટ કરવી જોઈએ વગેરે અને આ માટે બજેટની જરૂર નથી તો એવી સગવડોને ઇમ્પ્લીમેન્ટ કરવાની પણ માગ કરી. 

સિનિયર સિટિઝનો માટે સરકાર, રાજ્ય સરકાર તથા આ લોકોને જ્યાં પણ કન્સેશન મળે છે એ તમામ કંપનીઓ વરિષ્ઠો માટે જે કોઈ ફાયદાઓની વાતો કરે છે એ માત્ર ને માત્ર કાગળ પરની વાતો છે, માત્ર કાગનો વાઘ છે. સિનિયર સિટિઝનો માટે કામ કરતી સંસ્થાઓના દબાણને લઈને સરકારે આ મુદ્દે ચર્ચાઓ કરવા માટે એક કમિટી - સ્ટેટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ગઠિત કરી અને તાજેતરમાં જ સિનિયર સિટિઝનની વય ૬૫થી ઘટાડીને ૬૦ કરવા માટેનો એક GR બહાર પાડ્યો. હવે વાસ્તવમાં આ GR પણ માત્ર ડ્રાફ્ટ જ છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થશે એ જોવું રહ્યું એમ જણાવતાં હેલ્પેજ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રકાશ બોરેગાંવકરનું કહેવું છે, ‘અત્યારે બધું જ કામ પેપર પર છે. એનો લાભ વરિષ્ઠને ક્યારે મળી શકશે એ કહી ન શકાય.’ 

સરકારના આ નિર્ણયથી ૪૦ લાખ લોકો તેમને મળતા જે લાભોથી વંચિત હશે એ મેળવી શકશે, પરંતુ આને લઈને સરકારી તિજોરીને દર વર્ષે ૬૫૦ કરોડનું બર્ડન વધી જશે એમ જે કહેવાય છે એમાં હકીકત શું છે એ જોઈએ.

સિનિયર સિટિઝન માટે કામ કરતી સંસ્થા કર્મયોગના ભૂતપૂર્વ કો-ઑર્ડિનેટર અને આર્કિટેક્ટ ૬૭ વર્ષના દીપક નાચણકર ૬૦ વર્ષના થયા ત્યારે સિનિયર સિટિઝનનું કાર્ડ મેળવ્યું, પણ એ સિવાય કોઈ લાભ તેમને મળી નથી શક્યા એમ જણાવતાં તે કહે છે, ‘મારા કાર્ડનો પાવર ઇન્ડિવિજ્યુઅલ ઍન્ગલ પર છે, મને  બેસ્ટ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની કોઈ બસમાં કન્સેશન નથી મળ્યું. માગવા પર તેઓ કહે છે હજી તેમને આ માટે કોઈ નોટિફિકેશન જ નથી મળ્યું. એ જ રીતે પોલીસ-સ્ટેશન વગેરેમાં તેમને પહેલા અટેન્ડ કરવા પડે એ લાભ નથી મળતો. ફાયદાની વાતો વરિષ્ઠો માટે બહુ થાય છે, પણ કંઈ મળતું નથી; બધું માત્ર પેપર પર જ છે. અમે અમારો અધિકાર માગીએ છીએ, ભીખ નહીં.’    

ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા સુધીર ગાંધીનું પણ કહેવું છે કે તેઓ રેલવેની ટિકિટમાં અને બૅન્કમાં રાખેલી રકમ પર એક ટકો વધુ વ્યાજ સિવાય વધુ કોઈ બેનિફિટ મેળવી શકતા નથી. મ્યુનિસિપલ બસ-સર્વિસમાં કે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં અલગ સીટ સિવાયનો કોઈ બેનિફિટ તેમને નથી મળતો.

ઘાટકોપરમાં રહેતા ૭૪ વર્ષના ભાસ્કર શાહ પણ આ વાતને ટેકો આપતાં કહે છે, ‘વરિષ્ઠને ટ્રેન સિવાય ક્યાંય બેનિફિટ મળતો નથી. મ્યુનિસિપલ બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કે ફ્લાઇટ સર્વિસમાં પણ નહીં.’

સિનિયરો માટે કામ કરતી સંસ્થા મની લાઇફના ટ્રસ્ટી અને વરિષ્ઠોની વય અને ફૅસિલિટીના મુદ્દે ગઠિત કરવામાં આવેલી કમિટીનાં સભ્ય સુચેતા દલાલ પણ આ બાબતે જે કન્ફ્યુઝન પ્રવર્તી રહ્યું છે એની વાત કરતાં કહે છે, ‘વરિષ્ઠને જે ફૅસિલિટીઓ મળવી જોઈએ, કન્સેશન મળવાં જોઈએ, ટૅક્સ વગેરેમાં જે બેનિફિટ મળે છે એ મેળવવા માટે સ્ટાન્ડર્ડ એજ હોવી જોઈએ, પણ એ હજી નક્કી નથી થઈ. મહારાષ્ટ્ર સરકારે ૬૦ વર્ષને રાખવાનો નિર્ણય લીધો છે એનો GR ઇશ્યુ થયો છે પણઅમલબજવણી ક્યારે થશે એ નક્કી નથી. બધું પેપર પર છે. ઇમ્પ્લિમેન્ટ ક્યારે થશે એ જોવાનું છે.’ 

આ બધી વાતો પરથી એક વાત તો નક્કી છે કે વરિષ્ઠ નાગરિકો માટે જે કંઈ સરકારી જાહેરાતો થઈ રહી છે એ માત્ર પેપર પરની જ છે?

મોટી-મોટી વાતો જ માત્ર છે? વાસ્તવમાં કન્સેશન લેવા તેઓ જાય ત્યારે કન્સેશન આપનારી કંપનીઓ હજી કંઈ સૂચન નથી આવ્યું એવું કહીને તેમને લાભથી વંચિત રાખવામાં આવે છે. મતલબ વરિષ્ઠો માટેના લાભની વાતો માત્ર કાગનો વાઘ જ છે.

રાજ્ય સરકાર સામે આવ્યા મહત્વના પ્રસ્તાવ

સિનિયર સિટિઝનને મળવાપાત્ર લાભની વય બાબતે હજી કંઈ ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવ્યું, પણ આ માટેની કમિટીએ રાજ્ય સરકાર સામે કેટલાક મહત્વના પ્રસ્તાવ પણ મૂક્યા છે એ બહુ મહત્વના છે અને જો એ ઇમ્પ્લિમેન્ટ થશે તો વરિષ્ઠોની સ્થિતિને બહેતર બનાવવામાં મહત્વના પુરવાર થશે એમ જણાવતાં પ્રકાશ બોરેગાંવકર કહે છે, ‘જે સંતાનો પોતાનાં માબાપને સારી રીતે રાખે તેમને ઇન્કમ-ટૅક્સમાં ચોક્કસ છૂટ આપવામાં આવવી જોઈએ. અને બીજું, જે સંતાનો તેમનાં માબાપને પરેશાન કરે અને ઓલ્ડએજ હોમમાં મૂકી આવે તેને ડિફૉલ્ટર લિસ્ટમાં મૂકવામાં આવે. ઉપરાંત બિલ્ડરો બિલ્ડિંગ બનાવે એ સાથે ડે-કેર સેન્ટર કે ઓલ્ડએજ હોમ્સ પણ બનાવે. અને જે લોકો બનાવે તેમને તેમને મળતી FSIમાં ચોક્કસ વધારો મળવો જોઈએ. જોકે આમાં સવાલ એ છે કે આ બાબતોનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે એ જોવું રહ્યું.’ 

મહારાષ્ટ્ર સરકારે ૬૦ વર્ષને રાખવાનો નિર્ણય લીધો છે, એનો GR ઇશ્યુ થયો છે પણ અમલબજવણી ક્યારે થશે એ નક્કી નથી. બધું પેપર પર છે. ઇમ્પ્લિમેન્ટ ક્યારે થશે એ જોવાનું છે

- સુચેતા દલાલ, મની લાઇફનાં ટ્રસ્ટી

મને બેસ્ટ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની કોઈ બસમાં કન્સેશન નથી મળ્યું. માગવા પર તેઓ કહે છે હજી તેમને આ માટે કોઈ નોટિફિકેશન જ નથી મળ્યું

- દીપક નાચણકર, કર્મયોગના ભૂતપૂર્વ કો-ઑર્ડિનેટર

રેલવેની ટિકિટમાં અને બૅન્કમાં રાખેલી રકમ પર એક ટકો વધુ વ્યાજ સિવાય વધુ કોઈ બેનિફિટ મેળવી શકતા નથી. મ્યુનિસિપલ બસ-સર્વિસમાં કે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં અલગ સીટ સિવાયનો કોઈ બેનિફિટ તમને નથી મળતો

- સુધીર ગાંધી

વરિષ્ઠને ટ્રેન સિવાય ક્યાંય બેનિફિટ મળતો નથી. મ્યુનિસિપલ બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કે ફ્લાઇટ સર્વિસમાં પણ નહીં

- ભાસ્કર શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK