શાંતિ કોલાહલ પછીની હોય, માણસ ગયા પછી ખાલીપો વર્તાય

એકબીજા સાથે વર્ષો જીવ્યાનો નહીં પણ વર્ષો વહી ગયાંનો વસવસો આપણને વધુ ઘોંઘાટમય બનાવે છે. આપણે કોલાહલ પછી શાંતિ શોધવા જઈએ અને શાંતિ મળ્યા પછી આપણને કોલાહલની તરસ હોય છે

sanju

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

આપણને સતત ઘોંઘાટ વચ્ચે રહેવાની અને જીવવાની આદત પડી ગઈ છે. ઘોંઘાટ આપણા જીવનની ઘટમાળમાં વણાઈ ગયો છે. બહારના કોલાહલની સાથે ભીતર ચાલતો વિચારોનો ઘોંઘાટ આપણને વધુ અસર કરે છે. આપણે હાશકારો પણ શોધીએ છીએ અને ખાલીપાની વ્યથા પણ આપણને વિચલિત કરે છે.

શાંતિ અને ખાલીપા વચ્ચે બહુ મોટો ભેદ છે. ટ્રાફિક કે પછી માણસોના કોલાહલમાંથી શાંત જગ્યાએ પહોંચીએ અને મનમાંથી હાશ નીકળે. કોલાહલ પછી એકલા પડવાનું થાય ત્યારે મનને ટાઢક વળે. પરમ શાંતિનો અનુભવ થાય. આપણે મુક્તિ અનુભવીએ. અને એટલે જ કોલાહલ પછી જ્યારે આપણે મૌનના નિ:શબ્દ ઘરમાં પહોંચીએ છીએ ત્યારે શાંતિનું પરમ સુખ અનુભવીએ છીએ. પણ અંગત વ્યક્તિના મૃત્યુથી આપણને ખાલીપો વર્તાય છે.

અમુક એવાય માણસો હોય જે સતત કોલાહલમાં જીવ્યા બાદ એકલા પડે તો મૂંઝાઈ જાય. તેમના કાન, તેમનું મન સતત કંઈ ને કંઈ અવાજ ઝંખતું હોય એટલે કોલાહલમાંથી આવ્યા બાદ ફરી પાછા કોલાહલમાં ડૂબી જાય છે. તેમના મનમાં એકલતાનો છૂપો ભય રહેતો હોય છે. એકલા પડતાં જ જાત સાથે સંવાદ ન સાધવો પડે એટલે આવા માણસો ઘોંઘાટિયા સંગીતમાં કાં તો ઘોંઘાટિયા માણસોની સંગતમાં સમય વિતાવે છે.

અમુક માણસો આપણા અંગત જીવનમાં દખલ કરી કોલાહલ મચાવે. આપણા અંગત જીવનમાં શું ચાલી રહ્યું એ જાણવાના તેમના કુતૂહલને કારણે તે આપણા જીવનમાં દાખલ થઈ ધીરે-ધીરે જાતજાતના પ્રશ્નો દ્વારા તેમની અંદર ચાલી રહેલા પ્રશ્નોના ઉત્તર શોધતા રહે છે.

પ્રાર્થનાસભામાં સફેદ વસ્ત્રોમાં કાળા માથાની દખલગીરી અકળાવી નાખે એવી હોય છે. તેમના પ્રશ્નોનો કોલાહલ કાનમાં સતત અથડાયા કરતો હોય. આવા એક કોલાહલ પછી એક કવિતા લખાઈ ગઈ હતી એ અહીં મૂકું છું.

ડેડ બૉડી

ડેડ બૉડી રૂમમાં પડી હતી

આંખમાં આંસુ સાથે આખું વાતાવરણ ગમગીન બની ગયું

કોઈક પોક મૂકી રડ્યું

કોઈક તરફથી સાંત્વના આવી

ને ડેડ બૉડીને વિદાય અપાઈ... હંમેશ માટે

તેમના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના થઈ

ને તરત મારી સામે પ્રશ્નો આવ્યા

‘તમે ગુજરી ગયેલી વ્યક્તિના કોણ થાઓ? ક્યાં રહો છો? ઉંમર કેટલી? પહેલાં કેમ દેખાણા નહીં?

લગ્ન કર્યાં છે? કર્યાં છે તો વર ક્યાં છે? નથી કર્યાં તો કેમ નથી કર્યાં?

પાછાં આવ્યાં છો તો કેમ આવ્યાં છો? બીજી વાર કેમ નથી પરણતાં?

ક્યાં નોકરી કરો છો? પગાર કેટલો? ઑફિસનો ટાઇમ શું? ઘરે કેટલા વાગ્યે પાછાં આવો?

આંખે કૂંડાળાં કેમ છે? આટલાં પાતળાં કેમ છો?

રામદેવબાબાનું ઘી કેમ નથી ખાતાં?

ડ્રેસ ક્યાંથી લો છો? કયા ટેલર પાસે કપડાં સીવડાવો છો?

કોઈ છોકરો ગમે છે?’

એ પછી ગુજરી ગયેલી વ્યક્તિ યાદ આવતા ફરી પ્રશ્નકર્તાની આંખો ભરાઈ આવી ને તે બોલ્યા...

‘કોઈનું કંઈ બગાડ્યું નહોતું મારા ભાઈએ તોય ભગવાને આટલી પીડા દીધી...

કોઈની પીડા થોડી લઈ લેવાય છે? સારું થયું અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. આલા ગ્રૅન્ડ ટ્રીટમેન્ટ ને ખર્ચોય અંબાણી જેવો...

છેલ્લે ન્યુઝ જોયા... મારી સાથે ફોન પર વાત કરી. પછી ‘નાગિન’ સિરિયલ

જોતાં-જોતાં જ... ઢિશ્ક્યાઉં.’

અને ફરી જોરથી પોક મુકાઈ.

મારી સામે ફરી પ્રશ્નો શરૂ થયા

‘કેટલાં ભાઈ-બેન? કોણ ક્યાં પરણ્યાં છે? કોને કેટલાં સંતાનો?

રસોઈ કરતાં આવડે છે? હિંગ ક્યાંની વખણાય? આફૂસ કેરીનો ભાવ શું?’

મેં બધા જ પ્રશ્નોના ઈમાનદારીથી જવાબ આપ્યા અને કહ્યું : ચાલો હવે રજા લઉં

છેલ્લો પ્રશ્ન આવ્યો. ‘જવું છે? કેમ?’

મેં કહ્યું.. ‘ઘરે જઈ માણસાઈના નામનું ન્હાવું તો પડશે ને!’

ને હું નીકળી ગઈ

આખા રસ્તે વિચારતી રહી. હજી તો ડેડ બૉડીની રાખ પણ નથી થઈ

ને માણસાઈનું ઉઠમણું એ પહેલાં જ થઈ ગયું.

- સેજલ પોન્દા

આ હતો મરણ વખતે આસપાસ ચાલતો કોલાહલ. સ્વજનની વિદાય થાય ત્યારે સ્વજનો સિવાય કોઈને લેવાદેવા નથી હોતી એનો જીવતો જાગતો પુરાવો. એક તરફ પ્રશ્નોનો કોલાહલ છે તો બીજી તરફ સ્વજનને ખોવાનો ખાલીપો.

સતત જેમની સાથે જીવતા હોઈએ એ વ્યક્તિની વિદાય આપણામાં ખાલીપો ભરી દે છે. સ્વજનની વિદાય પછી એકલા પડીએ ત્યારે તેમના ન હોવાનો ભાર લાગે. જે મન સતત કોલાહલ પછી એકલું પડતાં શાંતિ અનુભવતું હતું એ જ મન સ્વજનની વિદાય બાદ એકલું પડી વિષાદના વાદળમાં બંધાઈ જાય છે. એક બંધનથી અળગા થવાનું આકરું પડે છે.

એકલતામાં જાતને ઓગાળી દઈએ ત્યારે જીવન ભારરૂપ બની જાય છે. એકમેકથી અળગા થવામાં આપણે ડરીએ છીએ તો બીજી તરફ એકબીજાની સાથે જીવવામાં પણ કોલાહલ લાગે છે. એકબીજા સાથે વર્ષો જીવ્યાનો નહીં, પણ વર્ષો વહી ગયાનો વસવસો આપણને વધુ ઘોંઘાટમય બનાવે છે. આપણે કોલાહલ પછી શાંતિ શોધવા જઈએ. અને શાંતિ મળ્યા પછી આપણને કોલાહલની તરસ હોય છે.

કોલાહલ અને ખાલીપો જિંદગી સાથે જિવાતાં બે મોટાં સત્ય છે. કોલાહલની હલચલ અને ખાલીપાનું લીંપણ ગમે તે કરીએ તોય સંગાથે જ રહેવાનું છે. સ્પર્ધા અને અજંપાના કોલાહલ વચ્ચે આપણે ક્યારેક પલાંઠી વાળીને પણ બેસવું જોઈએ. અને ખાલીપો અનુભવતા હોઈએ ત્યારે એકલતાને ખંખેરી ચાલવા માંડવું જોઈએ.

Comments (1)Add Comment
...
written by CHANDRAKANT SANGOI, July 18, 2018
HONEST TRUTH REAL PRACTICAL ARTICLE

NEW YORK USA
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK