રૂઠેલી પત્નીને રીઝવી શકાય ચાંદતારાથી?

રિસર્ચ કહે છે રિસાયેલી પત્નીને મનાવવા ગિફ્ટ આપવાની પ્રથા પુરુષો માટે માથાનો દુખાવો છે. પત્નીને સરપ્રાઇઝ આપવાના પ્રયાસોમાં ક્યારેક સફળ તો ક્યારેક નિષ્ફળ જતા પુરુષોની રામકહાણી તેમના જ શબ્દોમાં


મૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

મુઝે નૌલખા મંગા દે રે ઓ સૈયાં દીવાને... આવું પ્રેયસી જાતે જ કહી દે તો ક્યા બાત હૈ, પરંતુ જો પત્ની રિસાયેલી હોય તો? તેની આવી માગણી હોય તો શું થાય? પ્રેમ હોય કે લગ્ન, શરૂઆતના તબક્કામાં પ્રેમી અથવા ભાવિ પતિ ચાંદતારા તોડી લાવવાની ગુલબાંગોના માધ્યમથી પ્રેયસીને રીઝવવાના અને તેનું દિલ જીતવાના પ્રયાસો કરે છે. લગ્નનાં અમુક વર્ષો બાદ ચાંદતારાના સ્થાને ગિફ્ટ અને ભેટસોગાદો (ખિસ્સાને પોસાય એવી) દ્વારા પત્નીને મનાવવાના પ્રયાસો શરૂ થઈ જાય છે. ભેટસોગાદની લાંચ આપીને રિસાયેલી પત્નીને મનાવવી સરળ છે? રિસર્ચ કહે છે કે ૭૦ ટકા કેસમાં પતિ દ્વારા આપવામાં આવતી ગિફ્ટ પત્નીને પસંદ પડતી નથી. મોટા ભાગની સ્ત્રીઓ ગિફ્ટ બદલાવી આવવાનો આગ્રહ રાખે છે. ભૂલેચૂકે જો પત્નીને ન ગમતી વસ્તુ ગિફ્ટમાં આપી તો સરપ્રાઇઝનું ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે અને ઝઘડો યથાવત રહે છે અથવા વધી જાય છે એવા કિસ્સા પણ જાણવા મળ્યા છે. અભ્યાસ કહે છે કે પત્ની માટે ગિફ્ટ ખરીદવી એ પુરુષો માટે માથાનો દુખાવો છે. તેને શું ગમશે અને શું નહીં ગમે એ સમજવામાં લગભગ તમામ પુરુષો નાપાસ થઈ જાય છે. કેટલાક પુરુષો નાપાસ થવાના ડરથી ગિફ્ટ ખરીદવાનું જોખમ લેતા નથી, પરંતુ પત્નીને મનાવવી તો પડે જ એટલે અન્ય પેંતરા અજમાવે છે.

પતિ-પત્નીના ખાટા-મધુરા સંબંધોમાં રિસામણાં અને મનામણાં ચાલ્યા કરે છે. તેમના સંબંધો દુનિયાના તમામ સંબંધોથી અનોખા હોય છે. ક્યારેક તેઓ દોસ્ત બની જાય છે તો ક્યારેક તેમની વચ્ચે જબરી દલીલબાજી જામે છે. કોઈ વાર વાતોનો અંત નથી આવતો તો વળી કોઈક વાર સાવ જ અબોલા. ક્યારેક લડાઈ તો ક્યારેક પ્રેમ દામ્પત્યજીવનની ખાસિયત છે. રિસાયેલા સંબંધોમાં તાજગી લાવવા માટે જ કદાચ ગિફ્ટ આપવાની પ્રથા શરૂ થઈ હશે. શું ગિફ્ટ આપવાથી ઝઘડો શમી જાય? પત્નીને વારંવાર ગિફ્ટ આપીને રીઝવતા કેટલાક પુરુષોને પૂછીએ કે તેમણે આપેલી ગિફ્ટની લગ્નજીવન પર કેવી અસર થાય છે તેમ જ તેઓ પત્નીની પસંદગીથી કેટલા વાકેફ છે.

મારી દૃષ્ટિએ ગિફ્ટ મટીરિયલિસ્ટિક ન હોવી જોઈએ એવો અભિપ્રાય આપતાં મલાડના કિનેશ ધોળકિયા કહે છે, ‘હસબન્ડ-વાઇફ વચ્ચે કોઈ બાબતે મતભેદ પ્રવર્તે ત્યારે ઝઘડો થાય અને એ ઝઘડો થોડા સમય માટે અબોલામાં પરિણમે. આ અબોલાને તોડવા ગિફ્ટ જેવી પ્રથા અસ્તિત્વમાં આવી હશે, પરંતુ મારું અંગતપણે માનવું છે કે ગિફ્ટમાં કોઈ વસ્તુ આપવી જરૂરી નથી. ગિફ્ટ એવી હોવી જોઈએ જેમાં બન્ને વચ્ચેના અબોલા તૂટે અને નિકટતા બની રહે. અમારી વચ્ચે જ્યારે પણ ઝઘડો થયો છે મેં પૂનમને ડિનર, મૂવી કે હૉલિડે પૅકેજ જેવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું જ પસંદ કર્યું છે. પોતાનો સમય આપવો એ સૌથી અમૂલ્ય ગિફ્ટ કહેવાય. એવું નથી કે મેં તેને ક્યારેય કોઈ વસ્તુ લાવીને આપી નથી, પણ પસંદ-નાપસંદનો પ્રશ્ન ઊભો થાય એમાં મજા ન આવે. શરૂઆતનાં વર્ષોમાં મેં એને મનાવવા ડ્રેસ લાવી આપ્યો હતો, પણ તેને પસંદ ન પડતાં બદલાવવાની નોબત આવી હતી. આપણે જે આપીએ એનાથી જો સામેવાળાને ખુશી ન મળે તો એવી ગિફ્ટનો કોઈ અર્થ નથી. એ દિવસથી નક્કી કર્યું કે હું પૂનમને મારો સમય અને સાથ આપીશ. હસબન્ડ-વાઇફના સંબંધમાં ખુશીની પળો મહત્વની હોય છે. સામાન્ય રીતે ઝઘડો થાય ત્યારે બન્નેનો મૂડ ખરાબ થઈ જાય. રિસાયેલા સંબંધમાં ફરીથી તાજગી લાવવા સાથે સમય વિતાવવો પડે અને મતભેદ દૂર કરવા પડે. ૧૨ વર્ષથી ગિફ્ટ આપવાની આવી અનોખી રીત મને માફક આવી ગઈ છે. આમ કરવાથી મૂડ તરત સારો થઈ જાય છે અને અમે બન્ને રિફ્રેશ ફીલ કરીએ છીએ.’

ગિફ્ટ એટલે શું? પત્નીની ઇચ્છા અને ડિમાન્ડ પૂરી કરવી એને જ હું ગિફ્ટનું નામ આપું છું એમ જણાવતાં કાંદિવલીના બિઝનેસમૅન હિતેશ કોઠારી કહે છે, ‘હું સિમ્પલ વ્યક્તિ છું, મને યુવાનોની જેમ ગિફ્ટ લાવી વાઇફને રીઝવતાં આવડતું નથી. મારી અનુકૂળતા અને સગવડ અનુસાર તેને જે જોઈએ એ લાવી આપું છું. અમારા ૨૯ વર્ષના લગ્નજીવનમાં મોટા ભાગે મેં એવી જ વસ્તુ લાવીને આપી છે જેની જયશ્રીએ માગણી કરી હોય. મારું માનવું છે કે પત્નીને ગમે એ લાવી આપવું એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ ન હોય. વાત-વાતમાં તેણે કોઈ વસ્તુની માગણી કરી હોય એની હું નોંધ રાખું અને જરૂર પડે ત્યારે એ જ વસ્તુ લાવી દઉં. આને તમે ગિફ્ટ કહી શકો છો. દાખલા તરીકે થોડા વખત પહેલાં તેણે પીળા રંગના ડ્રેસની વાત કરી હતી. આ વાત મેં મગજમાં રાખી હતી. જ્યારે ગિફ્ટ આપવાના સંજોગો ઊભા થયા ત્યારે મેં ડ્રેસ લાવી આપ્યો અને તેને પસંદ પણ પડી ગયો. જયશ્રીની માગણી ડ્રેસ કે સાડી સુધી સીમિત હોય છે તેથી ગિફ્ટમાં મેં લગભગ ગાર્મેન્ટ્સ જ આપ્યા છે. બીજું એ કે આટલાં વર્ષોમાં એકબીજાની પસંદગીની જાણ હોય જ એટલે ન ગમવા જેવો કે બદલાવી લાવવા જેવો કોઈ પ્રશ્ન ઊભો થયો નથી. જોકે મારી વસ્તુ તેને કેટલી ગમી છે એ વાત મેં ક્યારેય નોટિસ કરી નથી, પણ જયશ્રીએ મારી લાવેલી ગિફ્ટ બદલવાનો આગ્રહ ક્યારેય રાખ્યો નથી એટલે હું માનું છું કે તેને પસંદ પડતી હશે.’

પત્નીને પતિ દ્વારા લાવેલી ગિફ્ટ પસંદ નથી પડતી એ વાત સાથે સહમત થતાં કાંદિવલીમાં રહેતા અપૂર્વ ગાંધી કહે છે, ‘મારા કેસમાં તો એવું છે કે મારી અને સ્નેહાની પસંદ એકદમ જ અલગ પડે છે. હું લાવું એ તેને ન જ ગમે એ આજ સુધીનો રેકૉર્ડ છે. બે-ત્રણ વાર મારી પસંદ પ્રમાણે વસ્તુ લાવવાનું જોખમ લીધું છે, પણ જોયું કે તેને મારી લાવેલી વસ્તુ નથી ગમતી એટલે બાધા લઈ લીધી કે હવેથી ગિફ્ટ ન આપવી. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ધીરજ અને સહનશક્તિ હોય તો જ દામ્પત્યજીવન વ્યવસ્થિત ચાલે. અમારી વચ્ચે જ્યારે પણ રકઝક થાય ત્યારે બેમાંથી એક શાંત થઈ જાય એટલે ત્યાં જ ફુલસ્ટૉપ મુકાઈ જાય. અમે ઝઘડાને મોટું સ્વરૂપ આપવામાં માનતા નથી એ જ અમારા સંબંધની ખાસિયત છે. મને લાગે છે કે ચુપકીદી બેસ્ટ ગિફ્ટ છે. શાંતિ રાખીએ એટલે સામેવાળાનો ગુસ્સો શમી જાય. અમારી પસંદ ભલે અલગ હોય, પણ બૉન્ડિંગ ખૂબ સ્ટ્રૉન્ગ છે. હું રિસાયેલી પત્નીને મનાવવા ગિફ્ટ આપવી જોઈએ એવું નથી માનતો, પરંતુ પ્રસંગોપાત્ત કંઈક આપવું જોઈએ એવું માનું છું. હાલતાં-ચાલતાં હું સ્નેહા માટે ફાઇવસ્ટાર લઈ જાઉં છું. તેને ફાઇવસ્ટાર બહુ જ ભાવે છે અને આ એવી વસ્તુ છે જેમાં પસંદ-નાપસંદ જેવું કંઈ હોય નહીં. એ સિવાય થોડા સમય પહેલાં અમારાં લગ્નની સિલ્વર જ્યુબિલી હતી એ વખતે મેં તેને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું અને વર્ષોની કસર પૂરી કરી દેતાં એકસાથે ૨૫ ગિફ્ટ તેમ જ ઘણીબધી ફાઇવસ્ટાર આપી હતી. સાચું કહું તો ગિફ્ટ લાવવાની જવાબદારી મારી દીકરીને સોંપી હતી, કારણ કે તે બન્નેની પસંદ સરખી છે. દીકરીની સહાયથી આપેલી આ સરપ્રાઇઝ સ્નેહાને બહુ ગમી હતી.’

couple1


મારું માનવું છે કે ગિફ્ટ મટીરિયલિસ્ટિક ન હોવી જોઈએ. ગિફ્ટ એવી હોવી જોઈએ જેમાં બન્ને વચ્ચેના અબોલા તૂટે અને નિકટતા બની રહે. અમારી વચ્ચે જ્યારે પણ ઝઘડો થયો છે ત્યારે મેં પૂનમને ડિનર, મૂવી કે હૉલિડે પૅકેજ જેવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું જ પસંદ કર્યું છે. પોતાનો સમય આપવો એ સૌથી અમૂલ્ય ગિફ્ટ કહેવાય

- કિનેશ ધોળકિયા, મલાડ


couple2

આપણી સગવડ મુજબ પત્નીની માગણી પૂરી કરવી એનું જ નામ ગિફ્ટ. મારી વસ્તુ જયશ્રીને પસંદ પડે છે કે નહીં એ વાત મેં ક્યારેય નોટિસ કરી નથી, પણ તેણે મારી લાવેલી ગિફ્ટ બદલવાનો આગ્રહ ક્યારેય રાખ્યો નથી એટલે હું માનું છું કે પસંદ પડતી હશે

- હિતેશ કોઠારી, કાંદિવલી


couple33

અમારા બન્નેની પસંદ એકદમ જ અલગ છે. તેથી ગિફ્ટ આપવાનું જોખમ હું લેતો નથી, પણ પ્રસંગોપાત્ત કંઈક આપવું જોઈએ એવું હું માનું છું. લગ્નની પચીસમી વર્ષગાંઠના દિવસે સ્નેહાને ૨૫ ગિફ્ટની સરપ્રાઇઝ આપી હતી, જે તેને ખૂબ પસંદ પડી હતી

- અપૂર્વ ગાંધી, કાંદિવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK