શકુનિ, મંથરા, દુર્યોધન, કંસ અને રાવણ તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ

આ જ નહીં, આ સિવાયનાં પણ અઢળક પાત્રો એવાં છે જે આજે પણ તમારી આસપાસ ફરી રહ્યાં છે. ફરી રહેલાં એ પાત્રોની વચ્ચે જ જીવવાનું છે અને આ જ પાત્રો વચ્ચે તમારે તમારી અંદરની સારપને ઉજાગર કરવાની છે

krishn

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

જોવાનો પ્રયાસ કરો, જોવાની કોશિશ કરો અને જોવાની નીતિ રાખશો તો તમને દેખાશે. શકુનિ પણ દેખાશે અને મંથરા પણ દેખાશે. કંસ અને દુર્યોધન પણ દેખાઈ આવશે અને રાવણ પણ નજરે ચડશે. કહ્યું છેને તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. એવું નથી કે આ પાત્રો ઇતિહાસ થઈ ગયાં છે અને હવે એ તમને ક્યાંય જોવા નથી મળવાનાં. ના, જરાય નહીં. આજે પણ, અત્યારે પણ આ પાત્રોનું અસ્તિત્વ અકબંધ છે અને આ તમામ પાત્રો તમારી આજુબાજુમાં મોજૂદ પણ છે. ચાલબાજ શકુનિ પણ તમને ઑફિસમાં જોવા મળશે અને કાનમાં કીડા પડે એવી સલાહ આપીને ચડામણી કરતી મંથરા પણ તમને કુટુંબમાં દેખાઈ આવશે. નજરથી જ બળાત્કાર કરી લેનારા દુ:શાસનોનું અસ્તિત્વ ડગલે ને પગલે હાજરી પુરાવશે અને બધું હડપ કરી લેવાની નીતિ રાખનારાઓ દુર્યોધન પણ તમને જોવા મળે જ છે. ફરક માત્ર એટલો છે કે નજરે ચડનારા આ વિરલાઓની સાથે તમને સાચી સલાહ આપનારા કૃષ્ણને તમે ઓળખી નથી શકતા અને તમારા નકશેકદમ પર પગ મૂકનારી સીતા તમને દેખાતી નથી. ઘરમાં એક જગ્યાએ નાકની દાંડી પર ચશ્માં મૂકીને ચૂપચાપ પારિવારિક મહાભારત જોનારા ભીષ્મ પણ તમારી જ આસપાસમાં છે અને આખી સોસાયટીનો આંખે દેખ્યો અહેવાલ આપનારો સંજય પણ તમારા પાડોશમાં જ છે, પણ આ ભીષ્મ અને સંજયને પારખવાની ક્ષમતા વચ્ચે તમે ક્યાંક અને ક્યાંક અભિમન્યુ અને એકલવ્યને અવગણી બેઠા છો અને એનો આડકતરો બહિષ્કાર કરી ચૂક્યા છો. ક્યાંક તમારાથી લક્ષ્મણ જેવો સાથી વીસરાઈ ગયો છે અને ક્યાંક તમારા સુગ્રીવ અને હનુમાનને તમે ઓળખવામાં થાપ ખાઈ ગયા છો. ખાધેલી આ થાપ જ તમને તમારા આ મહાભારત અને રામાયણમાં અટવાવી દેવાનું કામ કરે છે.

નકારાત્મકતા વચ્ચે પણ હકારાત્મકતા શોધવી પડશે. નકારાત્મકતા વચ્ચે પણ સાચો માર્ગ પસંદ કરવો પડશે અને નકારાત્મકતા વચ્ચે પણ પૉઝિટિવ એનર્જી શોધવી પડશે. જે સમયે આ પૉઝિટિવ એનર્જી શોધવાનું કામ કરી શક્યા એ મિનિટે, એ ક્ષણે તમે સરળતાથી તમારા કુરુક્ષેત્રના યુદ્ધને અંતિમ ચરણ સુધી પહોંચાડી શકશો. રહેશે, શકુનિ યથાવત રહેશે; પણ તેને ઓળખવો પડશે. મંથરાને પારખી લેવી પડશે અને દુર્યોધન-દુ:શાસનને પણ ઓળખી લેવા પડશે. નહીં ચાલે, જો તમે એ કરવામાં થાપ ખાઈ ગયા તો અને નહીં ચાલે જો તમે તેને પારખી ન શક્યા તો. આસપાસના વતુર્ળમાં જ છે આ સૌ. મૂકબધિર પ્રેક્ષક બનીને ભીષ્મનો સ્વાંગ પહેરીને બેસી રહેલા વડીલો સામે ઊભા રહેવાનું કૌવત તો જ આવશે જો તમે તમારા કુરુક્ષેત્રનાં હકારાત્મક પાત્રોને પામી લેશો, પારખી લેશો.

કૃષ્ણને ઓળખવાનું કામ અઘરું નથી, સદાય સાથ આપવાની તત્પરતા દાખવનારા લક્ષ્મણને ઓળખવાનું કામ પણ અઘરું નથી; પણ એ કામ અનાયાસ તમારાથી અઘરું બની ગયું છે. આખો દિવસ ઉકરડામાં ફરનારા ડૉગીના નાકને જો ઉકરડાનો કચરો અને એંઠવાડ જ સૂંઘવાની આદત પડી જાય તો એ ડૉગી ક્યારેય પરફ્યુમની મહેક પકડી ન શકે. આખો દિવસ ચકળવકળ ભટકતી આંખો જો એકધારી દૃષ્ટિ મૂકવાની આદત ધરાવતી થઈ જાય તો એ ક્યારેય દૃષ્ટિકોણને પામી શકે નહીં અને આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એકધારું દોડતા રહેવું, એકધારું ભાગતા રહેવું અને એકધારી ડાંફ મારતા રહેવાની માનસિકતા વચ્ચે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી રહેતી તો પછી કેવી રીતે કોઈને પારખવાનો અને કોઈને જાણવાનો સમય રહે? ચવાઈ ગયેલી અને વંચાઈ-વંચાઈને અધમૂઈ થઈ ગયેલી એક વાર્તા યાદ આવે છે.

એક કૃષ્ણભક્ત હતો. સવાર-બપોર-સાંજ કૃષ્ણભક્તિ સિવાય બીજું કંઈ સૂઝે નહીં. એક દિવસ ગામનો ડૅમ તૂટ્યો અને પાણી બધું ગામમાં આવી ગયું. પૂરનું વાતાવરણ સર્જાઈ ગયું. લોકો ભાગી-ભાગીને ઊંચાણવાળી જગ્યા પર પહોંચી ગયા અને રેસ્ક્યુ-ઑપરેશન પણ શરૂ થઈ ગયું. બધાને બહાર કાઢવામાં આવ્યા, એકમાત્ર કૃષ્ણભક્તે ના પાડી દીધી આવવાની. પૂરનાં પાણી વધતાં ગયા, જેમ પાણી વધે એમ પેલો ભક્ત વધારે ઊંચાઈવાળી જગ્યાએ જાય. પાણી ગુંબજ સુધી પહોંચી ગયાં એટલે પેલો ભક્ત મંદિરની ધજાનો દંડો પકડીને ત્યાં ચડી ગયો. ફરીથી રેસ્ક્યુ-ઑપરેશનવાળી ટીમની બોટ તેને બચાવવા આવી, પણ ભાઈએ ના પાડી દીધી. જવાબ હતો તેનો, મારો લાલો આવશે મને બચાવવા. બોટવાળાઓએ બહુ કાકલૂદી કરી, પણ ભાઈ મુશ્તાક હતા તેના લાલા પર. ન આવ્યો તે ન જ આવ્યો. બોટ રવાના થઈ અને પાણી વધવાનું ફરીથી શરૂ થયું.

કૃષ્ણભક્ત ડૂબી ગયો. આખી જિંદગી સેવા કરી હતી એટલે સીધો ગયો સ્વર્ગમાં. સ્વર્ગમાં કૃષ્ણનો દરબાર ભરાયેલો હતો. પેલા ભક્ત મહાશય ધૂંઆપૂંઆ થતા અંદર પહોંચ્યા અને કોઈ જાતના આદર વિના એકદમ બૂમબરાડા ચાલુ કરી દીધા. દેકારો મચાવી દીધો તેણે કૃષ્ણના દરબારમાં : મને લેવા કેમ ન આવ્યો? આખી જિંદગી તારી પૂજા કરી, સેવા કરી, તારી ભક્તિ કરી અને છેલ્લે આવો જ બદલો આપ્યો તેં?

કૃષ્ણ પોતાના ચિરપરિચિત સ્મિત સાથે તેનો બધો દેકારો સાંભળતા બેસી રહ્યા એટલે ભાઈ વધારે અકળાયા. કહે કે આમ શું વેખલાની જેમ હસ્યા કરે છે? જવાબ આપ, કેમ મને લેવા ન આવ્યો?

કૃષ્ણએ ધીમેકથી કહ્યું, ‘તારો ભ્રમ છે ભાઈ. તને લેવા આવ્યો હતો, એક વાર નહીં ત્રણ-ત્રણ વાર અને એ પણ બોટ લઈને. છેલ્લે તો જોખમ હતું તો પણ લેવા આવ્યો; પણ તું આવ નહીં, મને ઓળખ નહીં તો હું શું કરું?’

ઓળખવો પડશે કૃષ્ણને, ઓળખવો પડશે અજુર્નને અને ઓળખવી પડશે ઊર્મિલાને. જો એ ઓળખવામાં થાપ ખાઈ ગયા તો મંથરા, દુર્યોધન અને શકુનિ વચ્ચે અટવાયા કરવું પડશે અને યાદ રાખજો, જે અટવાય છે તે ક્યારેય યુદ્ધ જીતતો નથી. આ હકીકત છે. જો જીતવું હોય તો ઓળખવી પડશે એ સઘળી એનર્જીને જે તમને યુદ્ધમાં દોરવવાનું કામ કરવાની છે. નકારાત્મકતાના વંટોળ વચ્ચે પણ સકારાત્મક અને હકારાત્મક પરિબળોને પામવાં પડશે, એને ઓળખવાં અને અપનાવવાં પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK