વરસાદની સીઝનને માણો શરીરે સ્વસ્થ રહીને

જુવાનિયાઓની જેમ પલળતાં-પલળતાં વર્ષાગીતો ગાઈને કે રેઇન-ડાન્સ કરીને તો વડીલો હવે વરસાદની સીઝનને ન માણી શકે, પણ અનેક રોગો સાથે લઈ આવતી આ સીઝનમાં સ્વસ્થ રહી એને ચોક્કસ માણી શકાય.

rain

વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

વરસાદની સીઝન ભલે પ્રેમી હૈયાંને અને કવિઓને ગાંડાંતૂર કરી મૂકતી હોય, પણ વાસ્તવમાં આ સીઝનમાં સ્વાસ્થ્યને લઈને લોકો હેરાનપરેશાન થઈ જાય છે. જાતજાતનાં ઇન્ફેક્શન, પેટની તકલીફ અને સ્કિનના રોગ આ સીઝનમાં સામાન્ય છે. યુવાનોને પણ જો આ સીઝનમાં તકલીફ થઈ આવતી હોય તો વડીલોની તો વાત જ શું કરવી! આમ પણ આ વયે તેમની હેલ્થની નાની-મોટી તકલીફો ચાલ્યે જતી હોય એમાં વરસાદની સીઝન આવે ત્યારે તકલીફો ઓર વધી જવાના ચાન્સ રહે છે. આ સીઝનમાં સ્વાસ્થ્યને લગતી તકલીફો ન થાય એ માટે જો પ્રૉપર ડાયટ જાળવવામાં આવે અને સ્વાસ્થ્યની થોડી તકેદારી લેવામાં આવે તો વરસાદની સુંદરતાને તમે ચોક્કસપણે માણી શકો છો. આજે આપણે ડૉક્ટર પાસેથી જાણીશું કે આ સીઝનમાં કેવી તકલીફો થઈ શકે અને એનાથી બચવા માટે શું કરી શકાય એટલું જ નહીં, ડાયટ-એક્સપર્ટ પાસેથી એ પણ જાણી લઈએ કે આ સીઝનમાં ડાયટ કેવી હોય તો તકલીફોને દૂર રાખી શકાય.

ચોમાસામાં દરેકને હેલ્થની તકલીફો જલદી થઈ આવે છે એમાં સિનિયર સિટિઝનો રોગના ભોગ જલદી બને છે, કારણ કે આ વયે તેમની હેલ્થ જોઈએ એટલી મજબૂત નથી રહી હોતી.

વરસાદની સીઝનમાં સામાન્ય રીતે દરેકને લૂઝ મોશન અને ડિહાઇડ્રેશન જેવા પાણીજન્ય રોગો થાય છે. એ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી મલેરિયા, ડેન્ગી જેવા રોગો પણ થાય છે. સિનિયર સિટિઝનો આ બધા રોગોની ચપેટમાં વધુ આવે છે એમ જણાવતાં કાંદિવલી (વેસ્ટ)માં ક્લિનિક ધરાવતા જાણીતા ડૉ. દિલીપ રાયચુરા કહે છે, ‘સિનિયર સિટિઝનોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોવાથી તેઓ રોગનો ભોગ જલદી બને છે અને તેમનું શરીર ઇલાજને રિસ્પૉન્સ પણ ઓછું આપતું હોવાથી તેમને સાજા થતાં વાર લાગે છે. તેથી આ સમયમાં તેમણે પોતાની હેલ્થની કાળજી રાખવી બહુ જરૂરી છે.’

આ સામાન્ય તકલીફો ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ઠંડા હવામાનના કારણે હાથ, પગ અને ઘૂંટણના સાંધા દુખવાની તકલીફ વધી જાય છે તેથી ધ્યાન ન રાખવામાં આવે તો પડી જવાય છે અને એને લઈને ફ્રૅક્ચર વગેરે થઈ શકે છે.

ઠંડા અને ભેજવાળા વાતાવરણના કારણે ફંગસને લગતા અને વાઇરલ ડિસીઝ વધુ થાય છે એમ જણાવતાં ડૉ. રાયચુરા કહે છે, ‘વડીલોના ખાસ કરીને પગના નખ વધુ કડક થઈ ગયા હોવાથી તેમને એ કાપવામાં તકલીફ પડે છે. એને લઈને ત્યાં ફંગસના કારણે સૂજન આવી શકે છે એટલું જ નહીં, ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં પરસેવો ઓછો થાય છે એને લઈને ડાયાબિટીઝવાળાઓની તકલીફ આ સમયમાં વધી જાય છે. એને લઈને તેમને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે એટલું જ નહીં, રાત્રે પણ વારંવાર ઊઠવું પડતું હોવાથી ઊંઘમાં ખલેલ થાય છે. અચાનક ઊઠવાથી ક્યારેક પડી જવાના કેસ પણ બને છે.’

રાત્રે ઊઠવું પડે ત્યારે દરેક વડીલને એક સલાહ છે એમ જણાવતાં ડૉ. રાયચુરા કહે છે, ‘રાત્રે ઊઠવું પડે તો અચાનક પથારીમાંથી ઊભા ન થાઓ. પથારીમાં એક મિનિટ બેસો. ભગવાનને યાદ કરો અને પછી ઊભા થાઓ. પથારીમાંથી ઊભા થયા પછી પણ પથારી આગળ એક મિનિટ ઊભા રહીને જુઓ ચક્કર વગેરે કંઈ નથી આવતુંને! ïનહીં તો અચાનક પડી જવાશે અને તકલીફ ઓર વધી જશે.’

 આ સીઝનમાં પાણીને લઈને થતી બીમારીઓ કે વૉટર-બેઝ્ડ શરદી, ખાંસી, પેટની તકલીફો અને મલેરિયા જેવી બીમારીઓની અસર જલદી થાય છે એમ જણાવતાં જાણીતાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘પડી જવાના ડરથી વરસાદમાં સિનિયર સિટિઝનોનું બહાર જવાનું ઓછું થઈ જતું હોવાથી તેમની ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી જાય છે. ઍક્ટિવિટી ઘટી જવાની અસર તેમના ડાઇજેશન પર પડે છે. આમ પણ તેમનું ડાઇજેશન વધુ પાવરફુલ નથી હોતું. આ સીઝનમાં આમ પણ ડાઇજેશન ધીમું થઈ જાય છે અને એમાં પ્રવૃત્તિ ઘટી જવાથી તેમનું ડાઇજેશન ઓર વધારે મંદ પડી જાય છે. તેથી આ સમયમાં તેમને ખાવાપીવામાં વધુ ધ્યાન રાખવાની જરૂર હોય છે.’

આ સીઝનમાં હેલ્થ જાળવી રાખવા માટે યોગિતા ગોરડિયાએ સિનિયર સિટિઝનોને કેટલાંક સૂચનો કર્યાં છે એ જોઈએ.

આ સીઝનમાં કોઈ પણ વસ્તુ કાચી ન ખાઓ. સૅલડ કે સૅન્ડવિચ કોઈ પણ વસ્તુનેï કાચી ન જ ખાઓ...

રેઝિસ્ટન્સ-પાવર આ સીઝનમાં વધારવાની જરૂર છે. એ માટે જુદા-જુદા પ્રકારનાં વેજિટેબલ સૂપ પીવાનું રાખો. આમાં મગ, દૂધી અને સરગવાની શિંગનું મરી અને મીઠું નાખેલું સૂપ સૌથી શ્રેષ્ઠ કહી શકાય.

પત્તાવાળી શાકભાજી કોઈ ન ખાઓ, કારણ કે એનાં પત્તાં પર અનેક જીવાત ચોંટેલી  હોય છે તેથી જો બરાબર સાફ ન થાય તો એ બીમારી લાવી શકે. દરેક શાકને પણ ગરમ પાણીથી બરાબર ધોઈને પછી જ યુઝ કરો.

તમે જો રૂટીન દાળ, ભાત, રોટલી અને શાક રોજ ડાયટમાં લો તો કોઈ વાંધો નથી;  પણ કાચો તથા પચવામાં ભારે હોય એવો ખોરાક, કઠોળ તથા તળેલી વસ્તુઓ વગેરે ન ખાઓ.

તુલસી, આદું, મરી અને ફુદીનાને ઉકાળીને તૈયાર કરેલો ઉકાળો રોજ પીવાનું રાખો. એનાથી શરદી-ખાંસીમાં રાહત લાગશે.

આ સીઝનમાં શાકભાજી બહુ લિમિટેડ થઈ જાય છે; પણ ચેરી, ખારેક, પીચ, પ્લમ જેવાં કલરફુલ ફળો બહુ મળે છે એ ખાવાનું રાખો. આ ફળોમાં ભરપૂર ફાઇબર હોય છે, જે શાકભાજીના ફાઇબરની પૂર્તિ કરશે.  

એકલું દૂધ પીવાના બદલે ડ્રાયફ્રૂટ અને દૂધનો મસાલો નાખેલું દૂધ પીવાનું રાખો. ઉપરાંત થોડું કેસર નાખશો તો શરીરને ગરમાવો રહેશે. આ સીઝનમાં સાદું દૂધ પીવાને બદલે મિલ્ક મસાલાવાળું દૂધ જ પીઓ. 

જે લોકોને દહીં માફક હોય તેમણે પણ તાજું જ દહીં ખાવું જોઈએ. એટલે કે સવારનું મેળવેલું દહીં બપોરે અને બપોરનું મેળવેલું દહીં રાત્રે ખાઈ શકાય.

કઠોળ ખાવાં હોય તો ફણગાવેલાં કઠોળને બૉઇલ કરીને ખાઈ શકો.

આ સીઝનમાં તમારી ઍક્ટિવિટી ઓછી થઈ જવાના કારણે ખાવાપીવામાં બરાબર ધ્યાન રાખશો તો તમે ચોક્કસ વરસાદની સીઝનને એન્જૉય કરી શકશો.

વરસાદમાં કઈ બાબતનું ધ્યાન રાખશો?

વરસાદ ચાલુ હોય ત્યારે નાછૂટકે જ બહાર જવું.

તમને ઉતાવળે ચાલવાની ટેવ હોય તો પણ વરસાદની સીઝનમાં નાનાં પગલાં ભરીને ધીમે-ધીમે ચાલવાનું રાખો.

બહારથી આવો ત્યારે અને ઘરે હો ત્યારે પણ હાથ અને પગને દિવસમાં ત્રણથી ચાર વાર સારી રીતે ધોઈ લો.

ચોમાસામાં પાણી હંમેશાં ઉકાળેલું જ પીવાનું રાખો. ઉકાળેલું પાણી પાણીજન્ય રોગો અને થ્રોટ-ઇન્ફેક્શનથી બચાવશે.

વરસાદમાં ભીંજાવાની મજા લેવાના દિવસો હવે ગયા, વરસાદમાં ભીંજાવાનું ટાળો.

જો તમે ડ્રાઇવ કરતા હો તો ધીમે-ધીમે વાહન હંકારો. 

વરસાદમાં સ્ટ્રીટ-ફૂડ ખાવાનું ટાળો.

ભેજવાળાં કે સુકાયાં ન હોય એવાં કપડાં ન પહેરો. વરસાદમાં ત્રણથી ચાર જોડી કપડાં રાખો, જેથી વારાફરતી પહેરી શકાય. સુકાયું ન હોય એવું કપડું ન જ પહેરો.

ઘરમાં સાફસફાઈ પૂરતી રાખો. મચ્છર ન થાય એ ખાસ જુઓ. મચ્છરથી બચો.

કંઈ વાગ્યું હોય કે ઘા થયો હોય તો એની પ્રૉપર કાળજી લો. ઘાને ખુલ્લો ન રાખો.

આ સીઝનમાં તમને માફક હોય એવું અને હેલ્ધી ફૂડ ખાઓ.

લીલી શાકભાજી ખાવાનું ટાળો. દરેક શાકને ગરમ પાણીમાં બરાબર ધોઈને પછી જ યુઝ કરો.

જૂતાં અને કપડાંને બરાબર સૂકાં કર્યા પછી જ પહેરો.

બહાર જવાનું થાય ત્યારે છત્રી કે રેઇનકોટ હંમેશાં સાથે રાખો, જેથી ભીંજાઈ ન જવાય.

ઘરમાં ટૉર્ચ કે કૅન્ડલ હાથવગી રાખો જેથી લાઇટ જતી રહે તો એ ઉપયોગી થઈ પડે.

પેટમાં દુખાવો, તાવ, રૅશિસ કે વૉમિટ જેવી કોઈ પણ તકલીફ થાય તો તરત ડૉક્ટર પાસે જાઓ.

ફેંકી દેવું પડે તો ચાલે, પણ ચોમાસામાં ઠંડું ન જ ખાઓ. વાસી ખોરાક લૂઝ મોશનને નોતરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK