આપણે પ્રેમને ક્યાં સુધી આવકારી શકીએ છીએ?

પહેલાં જેવું બધું કોઈ દિવસ કેવી રીતે રહી શકે? બદલાવ જ જીવનનો નિયમ અને હકીકત છે. એકસરખી મોસમ કુદરતની નથી હોતી, એકસરખો સ્વાદ રસોઈનો નથી હોતો, એકસરખું સુખ ક્યારેય મળતું નથી, એકસરખું દુ:ખ ક્યારે ટકતું નથી તો પછી એકસરખો પ્રેમ વરસ્યા કરે એવો નાદાન વિચાર કેમ?

kinka

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

પ્રેમ શબ્દમાં જ એટલો જાદુ છે કે માત્ર આ શબ્દ બોલવાથી જ કલ્પનાના ઘોડા દોડવા લાગે. પ્રેમ જ્યારે થઈ જાય ત્યારે સ્વતંત્રતા પર લગામ લાગી જાય એવું મોટા ભાગના લોકો અનુભવે છે. પ્રેમ એકલતા દૂર કરે અને પ્રેમ જ એકલતાનું કારણ બને. આપણી એકલતાને કોઈકનો સુંવાળો પ્રેમ મળી જાય તો એકલતાની આપોઆપ બાદબાકી થઈ જાય. અને જેવો પ્રેમ ઓસરી જાય કે આપણે ફરી એકલતાના કોચલામાં સરી પડીએ. પ્રેમનો સરવાળો આપણને એક કરે અને પ્રેમની બાદબાકી આપણને એકલતા સુધી દોરી જાય છે.

પ્રેમ કેમ થાય એનાં કારણો વ્યક્તિદીઠ જુદાં અને જુઠ્ઠાં હોય. બે અજાણી વ્યક્તિઓ પહેલી વાર મળે અને કોઈક એવું ગેબી તત્વ તેમની આસપાસ વીંટળાઈ વળે કે જાણે બન્ને એકબીજાને વર્ષોથી ઓળખતી હોય. પ્રેમના પાયામાં આકર્ષણ છે અને પ્રેમના અંતિમ છેડે ઘર્ષણ. બે જણ પ્રથમ વાર મળે એ સમયે અનુભવાતી કનેક્ટિવિટી બે વ્યક્તિને એકબીજાની નજીક લાવવામાં કારણભૂત બને છે. આ કનેક્ટિવિટીમાં દેખાવ, સ્માર્ટનેસ, સ્વભાવ, વર્તન આ બાબતો આપણને જલદી સ્પર્શી જાય છે; કારણ કે આપણે એવા જ દેખાવ, સ્વભાવ, વર્તનની શોધમાં હોઈએ છીએ. કોઈ વ્યક્તિને મળ્યા પછી મનમાં એવો સંવાદ ચાલે કે મને આવું જ પાત્ર જોઈએ છે તો પછી એ મુલાકાત લાંબી સફર બની શકે છે.

બે જણ જોડાય ત્યારે જીવનભર જોડાવાનું જ નક્કી કરે છે, જેને આપણે કમિટમેન્ટ કહીએ છીએ. પ્રેમ કરતાં-કરતાં આપણે એકબીજાને એવું કમિટમેન્ટ આપીએ કે જીવનભર એકબીજાની સાથે રહીશું. અને કદાચ એ જ ક્ષણથી આપણને જાણ ન થાય એ રીતે આપણે ગમતી વ્યક્તિથી દૂર જવાનો રસ્તો બનાવતા જઈએ છીએ. જીવનભર સાથે રહેવાની વાત પ્રેમ અને લાગણીથી કહેવાયેલી હશે તો પણ વ્યાવહારિક જીવનમાં મોટા ભાગના કિસ્સામાં આ વચન હંબગ સાબિત થાય છે. પ્રેમ કરતી બે વ્યક્તિઓ વચનને લીધે જીવનભર સાથે તો રહી જાય છે, પણ સાથે જીવતી હોય એવું ઓછા કિસ્સામાં બને છે.

પ્રેમ વર્ષો વીતતાં ઓગળી જાય છે એવું મોટા ભાગના લોકો માને છે અને હકીકતમાં એવું જોવા પણ મળે છે. એકબીજામાં ઓગળી જનારા બે પ્રેમીઓને સાથે જીવવાનો થાક લાગે. જે ખોળામાં માથું મૂકી દુનિયાનો તમામ થાક ઊતરી જતો હતો એ જ ખોળાનો ભાર લાગવા લાગે છે.

 પ્રેમ થાય એટલે સાથે જીવવાની ઇચ્છા થાય. પ્રેમ સતત સહવાસ ઝંખતો હોય. પ્રેમમાં વ્યક્તિઓ એકબીજા માટે ઝૂરતી હોય છે. પ્રેમ ક્યારેય એકસરખો નથી જિવાતો. પ્રેમ જુદા- જુદા તબક્કામાં વહેંચાઈ અને વીખરાઈ જાય છે. પ્રેમનો ઉતાર-ચડાવ આપણા જીવનનો સૌથી મોટો પડકાર બની રહે છે. આ

ઉતાર-ચડાવમાં આપણે અકળાઈએ છીએ. બધું પહેલાં જેવું નથી રહ્યું એવી ફરિયાદ કરીએ છીએ, પણ એક સત્ય સમજી શકતા નથી કે શરૂઆતના તબક્કામાં જેવો પ્રેમ હતો એવો પ્રેમ આગળના તબક્કામાં શક્ય જ નથી. પહેલાં જેવો જ પ્રેમ સતત વરસતો રહે એવી અપેક્ષા જ પ્રેમીઓને એકબીજાથી દૂર કરે છે.

પ્રેમ એકસરખો રહેવો જોઈએ, એકધારો વરસવો જોઈએ આવાં વાક્યો વાંચવામાં, સાંભળવામાં જેટલાં અસરકારક લાગે છે એટલાં વાસ્તવમાં જિવાતાં નથી. અને શક્ય પણ નથી. સાથે જીવતાં-જીવતાં સંજોગો પ્રમાણે પ્રેમમાં ઉતાર-ચડાવ આવતા જ રહેશે. પ્રેમ કરતી વ્યક્તિને જ્યારે આપણે એમ કહીએ છીએ કે તું મને પહેલાં જેવો પ્રેમ નથી કરતો કે તું મને પહેલાં જેવો પ્રેમ નથી કરતી એનો અર્થ એ જ છે કે આપણે પ્રેમના સત્યને સમજ્યા જ નથી. પહેલાં જેવું બધું કોઈ દિવસ કેવી રીતે રહી શકે? બદલાવ જ જીવનનો નિયમ અને હકીકત છે. એકસરખી મોસમ કુદરતની નથી હોતી, એકસરખો સ્વાદ રસોઈનો નથી હોતો, એકસરખું સુખ ક્યારેય મળતું નથી, એકસરખું દુ:ખ ક્યારે ટકતું નથી તો પછી એકસરખો પ્રેમ વરસ્યા કરે એવો નાદાન વિચાર કેમ?

સુખના સમયમાં મળતા પ્રેમમાં બધું હૅપી-હૅપી હોય છે. આપણી આસપાસ પડકારો નથી હોતા, કોઈ ચિંતા નથી હોતી એટલે એ સમયે પ્રેમ વધુ ખીલતો હોય છે. કપરા સમયમાં મન-મગજ સાથે ઘર્ષણ ચાલતું હોય, મનમાં હતાશા-નિરાશા હોય, સામે અનેક પડકાર આવીને ઊભા હોય, મસમોટી ચિંતા થતી હોય એવા સમયે આપણું મન પ્રેમથી છલોછલ નથી થઈ શકતું; કારણ કે સંજોગોને માત આપવા આપણે એ તરફ આપણી શક્તિ લગાડીએ છીએ. આવા સમયે એકબીજાને પ્રેમ ઓછો કરવો જોઈએ અને સમજવું વધારે જોઈએ. કપરા સમયમાં એકબીજાને સમજવા લાગીશું તો એકધારા પ્રેમની અપેક્ષા નહીંવત્ થઈ જશે.

ગમતી વ્યક્તિ સાથે રહેવાનો મોટિવ પ્રેમ તો છે જ, પણ એકબીજાને સાચવવાની વાત જેટલી બોલાય છે એટલી જિવાતી નથી. અને એટલે જ પ્રેમ સચવાતો નથી એવું લાગ્યા કરે છે.

પ્રેમમાં ઓટ આવશે જ એ સત્ય આપણે સ્વીકારવું પડશે. અને એ ઓટ સમય-સંજોગોને આધીન હશે. કપરા સંજોગો પાર થઈ જતાં પ્રેમને ફરી તાજો થવાની તક મળે છે. ઓટ ઓસરી ગયા બાદ વ્યક્તિ જ્યારે પ્રેમને તાજો કરવા ફરી પાછી ફરે છે ત્યારે તેને જાકારો ન દેવો જોઈએ. તમારી વ્યક્તિ તમારી પાસે જ પરત ફરે ત્યારે તેને આવકારવી જ જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK