મુંબઈની ગુજરાતી માધ્યમની સ્કૂલોની ટેન્થ-ટૉપર દૃષ્ટિ ભીમાણીને મળો

માતૃભાષામાં ભણવાનો મને ગર્વ છે અને IQ કંઈ અંગ્રેજી મીડિયમની જાગીર નથી

drishti

યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

દહિસરમાં આવેલી શૈલેન્દ્ર એજ્યુકેશન સોસાયટીના ગુજરાતી માધ્યમમાં ભણેલી ૧૫ વર્ષની ટીનેજર દૃષ્ટિ ભીમાણી દસમા ધોરણમાં ૯૬.૨૦ ટકા સાથે સમસ્ત મુંબઈની ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અવ્વલ નંબરે આવી છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં અને ફાંકડું અંગ્રેજી બોલતાં બાળકોની વચ્ચે ઊછરીને મોટી થયેલી દૃષ્ટિને માતૃભાષામાં ભણવાનો ગર્વ છે. વર્તમાન સમયમાં માતૃભાષામાં ભણનારા વિદ્યાર્થીઓને કોઈ ગણકારતું નથી. ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને ભણાવવાનો જે રીતે ક્રેઝ વધી રહ્યો છે અને રીજનલ લૅન્ગ્વેજની સ્કૂલો બંધ થવાની અણીએ છે એ જોતાં દૃષ્ટિએ કરેલી મહેનત અને તેણે મેળવેલી સફળતાને ઓછી ન આંકી શકાય.

ગુજરાતી હોવાનો ગર્વ

દહિસરના આનંદનગર વિસ્તારમાં રહેતાં અશોક અને હર્ષા ભીમાણીની એકની એક દીકરી દૃષ્ટિને પેરન્ટ્સે ગુજરાતી સ્કૂલમાં મોકલી એ વાતનો તેને કોઈ વસવસો નથી. તે કહે છે, ‘સૌપ્રથમ તો મારાં મમ્મી-પપ્પાએ મને માતૃભાષામાં ભણાવી એ માટે હું તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોની ફી એટલી વધારે છે કે લોકોને એ પરવડતી નથી. એમ છતાં ગાડરિયા પ્રવાહમાં તણાવું પડે છે. વાસ્તવમાં તો મારા પેરન્ટ્સ પણ મને અંગ્રેજી સ્કૂલમાં જ ભણાવવા માગતા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે કમને મને ગુજરાતી સ્કૂલમાં બેસાડી હતી. હું માનું છું કે કારણ જે પણ હોય, મને મારી માતૃભાષાને જીવંત રાખવાનો અવસર પ્રાપ્ત થયો એનું શ્રેય તેમને જાય છે. મારી સફળતામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. જો મને ગુજરાતી ન આવડતું હોત તો કદાચ અફસોસ થાત.’

IQ અંગ્રેજી માધ્યમની જાગીર નથી


આપણે ગુજરાતી હોવાનો ભલે ગર્વ કરીએ, પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં બાળકોને જોતાં નથી લાગતું કે વર્તમાન પ્રવાહમાં ટકવું ભારે પડશે? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં દૃષ્ટિ કહે છે, ‘મને જરા પણ એમ નથી લાગતું કે હું અંગ્રેજી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ સામે ટકી નહીં શકું. અંગ્રેજીમાં ભણતા વિદ્યાર્થીઓ હોશિયાર હોય અને તેમનો IQ ઊંચો હોય એમ કઈ રીતે કહી શકાય? જ્ઞાન કોઈની અંગત જાગીર નથી. ગુજરાતી માધ્યમમાં ભણીને વિશ્વસ્તરે સફળ થયા હોય એવા લોકોની સંખ્યા નાનીસૂની નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી ભાષામાં ભણીને ઊંચા હોદ્દા પર છે. શું તેમની બુદ્ધિમત્તા ઓછી કહી શકાય? મારું અંગતપણે માનવું છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ કરતાં મને ભાષાનું વધારે જ્ઞાન છે. એ લોકોને ગુજરાતી લખતાં કે વાંચતાં નથી આવડતું અને બોલવામાં પણ ઘણી ભૂલો કરે છે, કારણ કે તેમને સેકન્ડ લૅન્ગ્વેજ તરીકે ગુજરાતી ભણાવવામાં આવતી નથી; જ્યારે મને ગુજરાતી માધ્યમમાં ભણીને પણ અંગ્રેજી વાંચતાં, લખતાં અને બોલતાં સારી રીતે આવડે છે. માત્ર ગુજરાતી જ નહીં, હિન્દી અને મરાઠી ભાષા પર પણ મારું સારું પ્રભુત્વ છે. કહેવાય છે કે બાવાનાં બેય બગડે. મારા પેરન્ટ્સે મને ગુજરાતી માધ્યમમાં ન ભણાવી હોત તો એવો જ તાલ મારી સાથે થયો હોત. એક પણ ભાષા સરખી રીતે ન બોલી શકીએ એ જ્ઞાન અધૂરું કહેવાય.’

dridhti

કૉમ્પિટિશનનો સામનો કરવા મક્કમ છું

દસમા ધોરણ સુધી તમે ગમે એ માધ્યમમાં ભણ્યા હો પણ કૉલેજમાં અંગ્રેજી ભણવું ફરજિયાત છે એવામાં કઈ રીતે મૅનેજ કરીશ? આ સવાલનો જવાબ આપતાં દૃષ્ટિ કહે છે, ‘વર્તમાન પ્રવાહમાં ટકી રહેવા માટે અંગ્રેજી ભાષા આવડવી અનિવાર્ય છે એ વાત હું સ્વીકારું છું. આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે ઓળખાતી અંગ્રેજી બધા માટે ફરજિયાત છે તેથી મારે પણ શીખવી પડશે. હાલમાં મેં વિલે પાર્લેમાં આવેલી NM કૉલેજમાં કૉમર્સમાં ઍડ્મિશન લીધું છે. આ કૉલેજમાં ઍડ્મિશન લેનારા વિદ્યાર્થીઓમાં માત્ર સ્ટેટ બોર્ડની અંગ્રેજી સ્કૂલના જ નહીં, CBSE અને ICSE બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધુ હોય છે. એ લોકો શરૂઆતથી જ અંગ્રેજીમાં ભણ્યા હોય છે એટલે સ્વાભાવિક છે કે મારા કરતાં તેઓ વધારે સારું અંગ્રેજી બોલી શકતા હશે, પરંતુ મને કોઈ ડર નથી લાગતો. આઠમા ધોરણથી જ મેં અંગ્રેજી શીખવાનું શરૂ કરી દીધું હતું. આગïળ કહ્યું એમ રીજનલ લૅન્ગ્વેજની સ્કૂલમાં પણ ઇંગ્લિશ તો ભણïવાનું જ હોય છે અને મને અંગ્રેજીમાં પણ સારા માર્ક્સ આવ્યા છે. સ્પર્ધા માટેની મારી માનસિક તૈયારી છે જ. મારા શિક્ષકો અને મિત્રોએ મને અંગ્રેજી શીખવામાં સહાય કરી છે. અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ મારી સામે પડકારો વધારે છે એ વાત સો ટકા સાચી, પણ હું મક્કમ છું. કૉલેજમાં જઈને હું ફાંકડું અંગ્રેજી બોલી શકું એ રીતે મેં મારી જાતને તૈયાર કરી લીધી છે.’

દૃષ્ટિને અંગ્રજી સારી રીતે આવડે છે. ગુજરાતી માધ્યમમાં ભણીને કૉલેજના સ્પર્ધાત્મક માહોલમાં કઈ રીતે ટકી શકાય એ વિશે કેટલીક પ્રૅક્ટિકલ ટિપ્સ શૅર કરતાં તે કહે છે, ‘મને નૉવેલ વાંચવાનો ખૂબ શોખ છે. અંગ્રેજી ભાષામાં લખાયેલાં મનગમતાં પુસ્તકો વાંચવાથી લાભ થાય છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે ગણિત અને વિજ્ઞાનના વિષયોનાં પેપરો અંગ્રેજીમાં કઈ રીતે પૂછવામાં આવ્યાં છે એ વાંચી જવું. મિત્રો સાથે તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં પણ વાત કરવી. થોડી તકેદારી અને સામાન્ય પ્રૅક્ટિસ સાથે અંગ્રેજી શીખી શકાય છે, પણ ગુજરાતી જે આપણી માતૃભાષા છે એ ન શીખી શકાય. એ માટે તો આપણે ભણવું પડે. તમામ ગુજરાતીઓની જેમ મારી નસનસમાં પણ બિઝનેસ વહે છે. મારી પોતાની ભાષાને અંગ્રેજી સાથે મિક્સ કરીને હું સફળ બિઝનેસવુમન બનીશ એવો મને વિશ્વાસ છે. મુંબઈમાં રહેતા પેરન્ટ્સને મારી વિનંતી છે કે તમારા બાળકને કોઈ પણ મીડિયમમાં ભણાવો પણ પોતાની માતૃભાષાથી વંચિત રાખવાની ભૂલ કદાપિ ન કરતા. ‘મારી ભાષા, મારું ગૌરવ’ આ વાત તમારાં બાળકોને જરૂર સમજાવશો. બાળકોને અંગ્રેજીમાં ભણાવવાની હઠના કારણે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થવા પર આવી ગઈ છે જે આપણા સૌ માટે શરમજનક કહેવાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK