સંસ્કાર વિચાર આચાર પ્રચાર

જો આ ચારને આમ જ અને આ જ સિરીઝમાં ઓળખી જશો તો ક્યારેય તમે માછલી પાસેથી બાજની અને બાજ પાસેથી ખિસકોલીની અપેક્ષા નહીં રાખો

aish

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

એક વખત ધ્યાનથી જુઓ તો ખરા. એક વખત બુદ્ધિ તો વાપરો કે જેણે સંસ્કાર જૈનિઝમના અને વેજિટેરિયનના આપ્યા છે એ કેવી રીતે કોઈની ગરદન પર કરવત મૂકવાનો વિચાર કરી શકે. વિચાર નહીં કરી શકે તો એના આચાર પણ સ્વાભાવિક રીતે એવા નહીં રહે અને એવા આચાર નહીં હોય તો કેવી રીતે એ પોતાનો પ્રચાર વીર યોદ્ધા જેવો કરે, ક્યાંથી કરે. સંસ્કાર, વિચાર, આચાર અને પ્રચાર. આ એક પૅટર્ન છે અને આ પૅટર્નને વાજબી માનસિકતા સાથે સ્વીકારવાની જરૂર છે. જો આ ચારને આ જ રીતે, આ જ પ્રકારે અને આ જ ક્રમમાં પારખી જશો, ઓળખી જશો તો ક્યારેય તમે ગેરવાજબી અપેક્ષા નહીં રાખો; ક્યારેય માછલી પાસેથી બાજની અને બાજ પાસેથી ખિસકોલીની અપેક્ષા નહીં રાખો.

તમે ગમે એટલા બરાડા પાડો, ગમે એટલી બૂમો પાડો, ચીસો પાડો; પણ એ પાડ્યા પછીયે ડૉગી ત્રાડ નથી પાડી શકવાનો. તમારાથી ડરીને એ ભસશે ખરો, તમારાથી કંટાળીને કે પછી ત્રાસીને એ કરડવા પણ દોડશે; પરંતુ ફાડી ખાવાની આવડત એનામાં ક્યારેય નહીં આવે અને એનું કારણ પણ છે. એ એનો સ્વભાવ નથી. યાદ રાખજો, એ એના સંસ્કારમાં નથી.

સંસ્કાર, વિચાર, આચાર અને પ્રચાર. આ એક પૅટર્ન છે અને આ પૅટર્નને વાજબી માનસિકતા સાથે સ્વીકારવાની જરૂર છે. તમે ફિશને ઝાડ પર ચડાવવા માટે ગમે એટલી મહેનત કરો પણ એ ચડી ન શકે અને સાચું તો એ જ છે કે એને ચડાવવી પણ ન જોઈએ. પાણી એની આવશ્યકતા છે અને એના શ્વસનનો એક ભાગ છે. આ જાણતા હોવા છતાં પણ જો તમે એને ઝાડની નિસરણી આપી દો તો એ મરી જાય. બાળકો સાથે પણ આ જ વાત ધ્યાનમાં રાખવાની છે અને તમારી સાથે જોડાયેલા સૌકોઈ માટે પણ આ જ વાત યાદ રાખવાની છે. જે જેના સંસ્કાર છે એ જ તેના વિચાર રહેશે અને જે વિચાર હશે એ જ મુજબનું તેનું આચરણ રહેશે. રસ્તા પર સફાઈ કરનારીને સલીમ નિકાહ કરીને ઘરે લઈ જાય પછી એ સફાઈવાળીની આંખો ક્યારેય તાજમહલ પર હોય જ નહીં, પણ તાજમહલના ગુંબજ પર ચડેલી ધૂળ અને અંદરની પરસાળમાં પડેલા કચરા પર જ રહે.

વાત તેની નજરની કે તેના કામની નુક્તેચીની કરવાની નથી. વાત છે એ તેની પૅટર્નની છે અને પૅટર્ન હંમેશાં એના રસ્તા પર ચાલે. એ સ્વભાવ છે અને એ સ્વભાવ છે એટલે જ પોતાના એક નિશ્ચિત માર્ગ પર ચાલવાનું કામ કરશે. નરેન્દ્ર મોદી રસ્તા પરથી નીકળશે તો તેમનું ધ્યાન એક ચોક્કસ દિશામાં જ હશે એટલે તેમણે બીજી દિશામાં કેમ ન જોયું એ ફરિયાદ અર્થહીન અને વાહિયાત છે એવું કહેવામાં જરાય ખોટું નથી અને સલમાન ખાન નીકળશે ત્યારે તેનું ધ્યાન કોઈ બીજી જ દિશામાં રહેવાનું છે. એવા સમયે તેણે પહેલી દિશામાં કેમ ન જોયું એ ફરિયાદ ગેરવાજબી લાગવાની છે.

યાદ રાખજો, જે કામ માટે તમે સર્જાયા છો એ કામને એ જ રીતે કરવા માટે સક્ષમતા મેળવો, બીજા કોઈના કામને વધારે વહાલું બનાવીને એના માટેનો જીવ બાળવાની પ્રક્રિયામાં ન પડો. જો બધા ટૉપર બનતા હોત તો ટૉપરની વૅલ્યુ શૂન્ય સમાન થઈ ગઈ હોત. જો પરિવારમાં બધા પરિવારની ભાવનાને મહત્વ આપીને જતું કરવાની ભાવના મનમાં કેળવતા હોત તો કળિયુગનો આરંભ જ ન થયો હોત. રસ્તા પર પસાર થતી છોકરીના નિતંબને ઘૂરનારાઓ ખોટું કરે છે કે નહીં એની ચર્ચામાં પડ્યા વિના કહેવાનું હોય તો કહી શકાય કે એ પોતાનું કામ કરે છે અને કર્મનો સિદ્ધાંત કહે છે કે એ જ કામ માટે તેમનો જન્મ થયો છે. દુર્યોધન પાસેથી પાપાચારને બદલે પુણ્યતાની અપેક્ષા રાખનારાઓના નસીબમાં દુખી થવાથી વિશેષ કંઈ લખ્યું નથી હોતું અને એટલે જ અજુર્ન જ્યારે પોતાનું કર્તવ્ય છોડીને, પોતાની પૅટર્ન છોડીને અપસેટ થાય છે ત્યારે કૃષ્ણના મુખે ભગવદ્ગીતાનો સાક્ષાત્કાર થાય છે. જો કૃષ્ણે ધાર્યું હોત તો કર્મનો આ જ સિદ્ધાંત તેઓ દુર્યોધનને પણ સંભળાવી શક્યા હોત અને યુદ્ધ પહેલાં જ પોતાનું વિશ્વરૂપ દુર્યોધન આણિ મંડળીને દેખાડીને સત્ય હકીકતથી વાકેફ કરાવીને પાંડવોને પાંચ ગામ અપાવી શક્યાં હોત. પણ ના, એવું નથી થયું. યુદ્ધના મેદાનમાં, રણમેદાનમાં કૃષ્ણે ગીતા પણ અજુર્નને જ સંભળાવી અને એ સાંભળ્યા પછી અજુર્ને કુરુક્ષેત્રનો ચાર્જ સંભાળ્યો.

શું કામ?


કહ્યુંને તમને, અપેક્ષા એની જ પાસેથી રાખવાની હોય જે પોતાનું કર્તવ્ય, પોતાની મૂળભૂત પૅટર્નને લઈને આગળ વધે છે. જીવનમાં પણ આ વાત યાદ રાખશો તો ઍટ લીસ્ટ એક લાભ થશે. દુખી થવાની ઘટના ઓછી બનશે અને કાં તો દુખની તીવþતા ઘટી જશે. ડૉગી ક્યારેય ત્રાડ પાડવાનો નથી અને બકરી ક્યારેય ભસવાની નથી. આવી અપેક્ષા મનમાં સેવવાને બદલે જો બકરીને વધારે જાતવાન બનાવવાની પ્રક્રિયામાં લાગી જશો તો અડધો લીટર દૂધ વધારે મળશે અને ડૉગી વધારે વફાદારી દર્શાવશે, પણ જો ભૂલથીયે પાત્રોની હેરફેર કરવાની કોશિશ કરી તો માર્યા ઠાર સાહેબ. દુખી થવાનું તમારા હિસ્સામાં જ આવશે એ નક્કી છે. અપેક્ષાભંગ પણ તમારો જ થશે અને એ પણ નક્કી જ છે. હવે જોવાનું તમારે છે કે દીકરામાં ડૉક્ટર બનવાનું હીર નથી તો પણ તેને પરાણે મેડિકલમાં મૂકવો છે કે પછી જેનામાં જૉઇન્ટ ફૅમિલીને જાળવી રાખવાની આવડત નથી એવી વહુને સંયુક્ત કુટુંબની જવાબદારી સોંપવી છે કે નહીં?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK