સંબંધ બંધન બની જાય એ પછી એમાં સુગંધ નથી રહેતી

આપણા કોઈ પણ સંબંધ ધીમે-ધીમે બંધન બનતા જાય છે ત્યારે એ સંબંધની સુંગંધ ઓસરવા લાગે છે અને એક દિવસ એ કરમાઈ પણ જાય છે, એમ છતાં સમાજને બતાવવા માટે આપણે આપણા દંભ ખાતર અને સમાજના ભયને ધ્યાનમાં રાખી સંબંધને બંધન તરીકે પણ ખેંચતાં રહીએ છીએ

couple

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

સંબંધ. આ શબ્દ સાથે જન્મ લઈએ એ દિવસથી જોડાઈ જઈએ છીએ અને આ સંબંધ સતત સમય સાથે વિસ્તરતો જાય છે અને આપણી વિદાય સાથે એ ખતમ ભલે ન થાય, પણ ભૂતકાળ કે યાદ બનીને રહી જાય છે. સંબંધ છે શું? એનું કોઈ નામ ખરું? સંબંધનાં સમીકરણ શું હોય છે? સાચો સંબંધ કે ખોટો સંબંધ જેવું હોય છે ખરું? અથવા સાચો સંબંધ કોને કહેવાય? ઘણી વાર કોઈની સાથે ચોક્કસ સંબંધ હોય છે એમ છતાં એની સાથે આપણને ફાવતું નથી અને ક્યારેક કોઈની સાથે આપણે કોઈ સંબંધ હોતો નથી એમ છતાં એની સાથે આપણને સૌથી વધુ ફાવે છે, ગમે છે. સંબંધ બાબતે ઘણા સવાલો અને મુદ્દા ઊઠી શકે છે, આજે આ વિષયની થોડી ચર્ચા કરીએ, કારણ કે આપણો પણ એક લેખક અને વાચક તરીકેનો સંબંધ છે. આપણે એકબીજાને મળીએ, ન મળીએ, ઓળખીએ કે ન ઓળખીએ, એમ છતાં આપણી વચ્ચે કોઈક સંબંધનો સેતુ હોઈ શકે, જેનું કોઈ નામ નથી, પરંતુ ઘણી વાર નામ વગરના સંબંધ જ શ્રેષ્ઠ બની જતા હોય છે.

આમ તો આ જગતમાં કરોડો લોકો છે, પણ આપણો સંબંધ માંડ-માંડ અમુક સેંકડો લોકો સુધીનો હોય છે, એમ છતાં વાસ્તવમાં આપણે જાણ્યે-અજાણ્યે એકબીજા સાથે સંકળાયેલા છીએ, એકબીજા સાથે સંબંધ ધરાવીએ છીએ, જે આપણું ભીતર જાણે છે, સમજે છે અને ફીલ પણ કરે છે, પણ કહી શકતું કે વ્યક્ત કરી શકતું નથી.

સાચા સંબંધની વ્યાખ્યા શું?

સાચા સંબંધ વિશે એક સરસ વ્યાખ્યા તાજેતરમાં વાંચવા મળેલી, જેમાં કહેવાયું છે કે જ્યાં શબ્દોને ગોઠવીને કે માપીને બોલવા ન પડે એ સંબંધ સાચો. આ એક વિધાન પર ગહનતાપૂર્વક વિચારીએ તો દિલ આ વાતને સત્ય માનશે, કારણ કે સાચા સંબંધ જ એકબીજાની ચિંતા વિનાના હોય છે. એનો અર્થ એ નથી કે એકબીજાને માણસ ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ લે, પણ એકબીજાના આદર સાથે અને નિખાલસતા સાથે સંવાદ કરતી વખતે શબ્દોને માપી-તોલીને બોલવા ન પડે એવી આઝાદી હોય ત્યાં સંબંધ એની સાર્થકતા સાબિત કરે છે, બાકી બધા એક યા બીજા સ્વરૂપે વ્યવહાર અથવા વેપાર ગણાય.

સંબંધનું આયુષ્ય


સંબંધની બાબતમાં એક રસપ્રદ વાત છે કે એ કાયમ એકસરખા નથી રહેતા, જેઓ સ્કૂલમાં આપણા ખાસ મિત્રો હતા, એમાંના કેટલા સાથે આજે આપણે સંબંધ છે? કેટલા ને છેલ્લે ક્યારે જોયા કે મળ્યા હતા? એ જ વાત સ્કૂલના શિક્ષકો માટે પણ લાગુ પડે, જેમણે આપણને શિક્ષણ આપ્યું, આપણા જીવનમાં હવે તેમનું સ્થાન છે ખરું? આ જ રીતે કૉલેજના મિત્રો, કૉલેજના પ્રોફેસરોનું પણ! જ્યાં પહેલાં નોકરી કરી હતી એ નોકરીના સહકર્મચારીઓ હવે ક્યાં અને કેટલા? આ જ વાતને રિલેટિવ્સ માટે વિચારીએ તો કેટલાંય આપણાં સગાંસંબંધીને આપણે વરસો સુધી મળતા નથી યા મળી શકતા નથી. નવી પેઢીમાં તો તેઓ એકબીજાના પિતરાઈ (કઝિન્સ) ભાઈ કે બહેન છે એ પણ તેમને ખબર નહીં હોય. ભૌગોલિક અંતર અને સમયની આપાધાપીએ પણ આમાં ભૂમિકા ભજવી છે. આખરે દરેક સંબંધનું આયુષ્ય હોય છે.

સ્નેહ વિનાનો સંબંધ એ દંભ


સંબંધમાં સ્નેહ ન હોય તો એ સંબંધ દંભ બની જાય છે. આપણે સ્વને પૂછીએ તો આપણા મોટા ભાગના સંબંધ સ્નેહ વિનાના હોય છે. રાખવા પડે એટલે રાખ્યા હોય, સમાજને બતાવવા રાખ્યા હોય કે જાળવ્યા હોય. બે ભાઈઓને કે ભાઈ-બહેનને બનતું ન હોય, પણ સમાજમાં પોતાનું ખરાબ ન દેખાય, લોકો શું કહેશે એવા વિચારે સંબંધ જળવાતા હોય તો એ જાહેર ન થાય તો પણ ખુલ્લા પડી જતા હોય છે, પરંતુ આવા માણસો એનો એકરાર નથી કરતા અને સ્વીકાર પણ નથી કરતા. ઘણી વાર માતા-પિતા અને સંતાનો વચ્ચે પણ નામના કે નામ પૂરતા, દુનિયા-સમાજને બતાવવા પૂરતા સંબંધ હોય છે. લોગ કયા કહેંગેના વિચારમાં જિંદગી વીતી જાય છે. સંબંધોનું સૌથી પાયાનું સૂત્ર નિખાલસતા હોય છે, પણ અભિમાન-ઈગો અને દંભ નિખાલસતાને આવવા નથી દેતા. પતિ-પત્ની વચ્ચે પણ આ બાબત એટલી જ લાગુ પડે છે. જે સંબંધોને સાત જનમ સાચવવાની વાત થઈ હતી એ સાત વરસ યા ઘણી વાર સાત મહિના બાદ પણ ડગુમગુ થઈ જાય છે, એને બચાવવા કે તૂટતાં રોકવા આસપાસના સ્નેહીમિત્રોએ સક્રિય થવું પડે છે. જોકે એમાં સાચી સફળતા મળે કે નહીં એની ખાતરી નથી હોતી. હા, એમાં ક્યારેક સંબંધને એક્સ્ટેન્શન મળી જાય એવું બની શકે અને ઘણી વાર આવાં એક્સ્ટેન્શનમાં સંબંધ સચવાઈ જાય એવું પણ બની શકે.

અપેક્ષા વિનાના સંબંધ હોઈ શકે?

ઘણી વાર વિચાર આવે કે શું અપેક્ષા વિનાના સંબંધ હોઈ શકે? સત્ય જવાબ મેળવવો હોય તો કહી દેવું યા સાંભળી લેવું પડે કે ન હોય. કોઈ પણ સંબંધ અપેક્ષા વિનાનો હોઈ શકે નહીં, પરંતુ અપેક્ષાનો અર્થ દરેક સબંધમાં એકસરખો કરાય નહીં અને થાય પણ નહીં. મિત્રોના સંબંધોમાં કહેવાય કે અપેક્ષા ન હોય, પણ વાસ્તવમાં અંદરખાને તો અપેક્ષા હોય છે. જોકે આ અપેક્ષા બોજ ન લાગે એવી હોય છે. જે અપેક્ષા બોજ યા બંધન લાગવા માંડે એ સંબંધને પણ બોજરૂપ અને બંધનરૂપ કરી નાખે છે.

માતા-પિતા સાથેના સંબંધમાં ઘણી વાર અપેક્ષા એકતરફી જ હોય અથવા પછીથી હોય કે ભાવિની હોય. ઇન શૉર્ટ હૃદયના કોઈક ખૂણે અપેક્ષા બેઠી હોય એ પાક્કું. જોકે અપેક્ષાને લીધે સંબંધ ખોટા કે ખરાબ છે અથવા યોગ્ય નથી એવું દરેક સંબંધ કે દરેક અપેક્ષા માટે માની લેવાની જરૂર નથી. પરસ્પર સમજૂતી અને ભાર વિનાની અપેક્ષા હોઈ શકે અને આપણે એવા વ્યવહાર સાથે સંબંધને સુંદર સ્વરૂપ આપી પણ શકીએ. સંબંધને સુગંધિત બનાવવા આપણા અભિગમ, વિચારધારા અને હૃદય વિશાળ હોવાં જોઈએ. એ સામેની વ્યક્તિ જે પણ કરે, મારે એની સામે શું કરવું એ મારે જ નક્કી કરવાનું છે, હું એને બદલી નહીં શકું, પણ હું મને જરૂર બદલી શકું.

સંબંધ વિશે તાજેતરમાં વાંચેલી એક પંક્તિ સાથે વાતને પૂરી કરીએ.

ગૂંચવાય સંબંધ જો કદી મારા થકી

તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો

કેમ કે સંબંધનો એક છેડો તમારા હાથમાં પણ હશે


સંબંધનો પાયો કોને કહી શકાય?

સંબંધનો પાયાનો આધાર છે સમજણ અને વિવેક તેમ જ માગવા-મેળવવા કરતાં આપવાની મનોવૃત્તિ-માનસિકતા. વાસ્તવમાં સંબંધમાં આપવાથી વધુ મળે છે એ સત્ય હોય છે, પણ એ સત્ય સ્વીકારીને એ મુજબ જીવવા કોઈ તૈયાર નથી હોતું. દરેકને આપ્યા બાદ સામે જોઈતું હોય છે, એ પણ તરત જ. બિઝનેસ-સોદાની જેમ. લિયા-દિયા. તે મને સમજે એમ આપણે કહેતા રહીએ છીએ, પણ હું તેને સમજું એ આપણે ઓછું વિચારીએ છીએ. એ ન સમજે તો પણ હું સમજું એ તો બહુ દૂરની વાત થઈ. ખરેખર તો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ કરતાં પણ વધુ મહત્વનું પરિબળ સમજણ છે. સમજણ હશે તો પ્રેમ આપોઆપ રહેશે, પરંતુ માત્ર પ્રેમ હશે તો સમજણ રહેશે કે નહીં એનો ભરોસો કે ખાતરી નહીં, કારણ કે પ્રેમ સમય જતાં ભાન અને પ્રમાણ ભૂલતો હોય છે. પ્રેમને ડેપ્રીસિએશન લાગી શકે છે, સમજણને નહીં. હા, ઘણી વાર સંબંધોમાં ગેરસમજ આવીને બાજી બગાડી પણ જાય છે, પણ પરસ્પર સમજણ અને વિશ્વાસ મજબૂત હોય તો ગેરસમજ સફળ થઈ શકતી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK