ખુદ કે લિએ ભી કભી તો જિયા જાએ

બહેનો, આખા દિવસમાં એક વાર થોડા સમય માટે તમામ કામો બાજુ પર મૂકી ફ્કત પોતાના માટે જીવી લો અને પછી જુઓ એનાં સકારાત્મક પરિણામો


લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

સવારે પાંચ વાગ્યે ઊઠવાનું, બાળકોને સ્કૂલમાં મોકલવાનાં, હસબન્ડ માટે ચા-નાસ્તો બનાવવાનાં, ટિફિન તૈયાર કરવાનું, ત્યાર બાદ ઘરકામ માટે આમથી તેમ દોડધામ કરવાની, વર્કિંગ મહિલાઓ હોય તો આ બધાં કામ પતાવી ઉતાવળમાં ટ્રેન કે બસ પકડવી. સવારનો સમય દરેક મહિલા માટે ખૂબ જ થકવી નાખનારો હોય છે. ઘરની અને પરિવારની જવાબદારી મહત્વની છે એમાં ના નથી, પરંતુ આ બધી ધાંધલધમાલની વચ્ચે પોતાના માટે સમય કાઢવો પણ એટલો જ જરૂરી છે એ મોટા ભાગની મહિલાઓ સમજતી નથી. રિસર્ચ કહે છે કે પોતાની અવગણના કરવાને કારણે મહિલાઓ નાની વયે રોગનો અને માનસિક તાણનો શિકાર બની રહી છે. શરૂઆતથી જ પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાનાં ગંભીર પરિણામો પણ ભોગવે છે. અભ્યાસ કહે છે કે સમયાંતરે પોતાની જાતને રિલૅક્સ અને રિફ્રેશ રાખનારી સ્ત્રીઓ એકંદરે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન વિતાવે છે.

બહેનો, જે રીતે તમે મોબાઇલ ચાર્જ કરવાનું યાદ રાખો છો એ જ રીતે તમારા તન અને મનને ચાર્જ કરવાનું યાદ ન રાખી શકો? દિવસનો અડધો કલાક પણ જો તમે પોતાના માટે ન ફાળવી શકો તો આ બધી દોડધામ નકામી છે. તમારી લાઇફમાં મી ટાઇમ એટલે કે મારો સમય જેવું કંઈક હોવું જ જોઈએ. તમને એવું નથી લાગતું કે આખા દિવસમાં એક ચોક્કસ સમય એવો હોવો જોઈએ જ્યાં તમે તમારાં બધાં કામો પડતાં મૂકી પરિવારને એમ કહી શકો કે અત્યારે મારો સમય છે. જોકે આમ કરવું થોડું અઘરું છે, પણ અશક્ય તો નથી જ. આ સમયમાં એટલે કે માત્ર ને માત્ર તમારા પોતાના સમયમાં તમે કોઈ એવી પ્રવૃત્તિ કરો જેના કારણે બાકીના સમયમાં કામ કરવાની ઊર્જા પ્રાપ્ત થાય. આ સમયમાં કોઈ ક્રીએટિવ ઍક્ટિવિટી કરો કે કોઈ પુસ્તક વાંચો અથવા બહેનપણીઓને મળો કે પછી તમારી પોતાની સાથે વાતો કરો. અરે કંઈ નહીં તો પોતાના માટે તૈયાર થાઓ અને અરીસામાં તમારી જાતને નિહાળો. અહીં સમયગાળો મહત્વનો નથી, સમય મહત્વનો છે. પછી ભલે એ ૩૦ મિનિટનો હોય કે બે કલાકનો. આ સમયમાં તમે ફ્ક્ત તમારા માટે જીવો છો એવો અનુભવ કરો અને પછી જુઓ પરિવર્તન અને પરિણામો. મશીનની જેમ આખો દિવસ કામ કરો છો તો યાદ રાખો કે મશીનને પણ ઘસારો લાગે છે. એને સતત ચાલુ રાખવું હોય તો સમયાંતરે સર્વિસિંગ કરાવતા રહેવું પડે. આજે આપણે દિવસભર મશીનની જેમ દોડધામ કરતી કેટલીક મહિલાઓને પૂછીએ કે તેમના જીવનમાં મી ટાઇમ જેવું કંઈ છે કે નહીં? તેઓ કઈ રીતે પોતાના માટે સમય કાઢે છે અને આ સમયમાં કેવી ઍક્ટિવિટી કરે છે જેનાથી તેમને તાજગીનો અનુભવ થાય છે?

ગિરગામમાં રહેતાં મમતા શાહનું શેડ્યુલ એવું હેક્ટિક છે કે ક્યારેક બધાં કામકાજ ફગાવી દેવાનું મન થઈ આવે છે, પરંતુ જવાબદારીઓથી બંધાયેલાં હોવાને કારણે તેમની લાઇફમાં મી ટાઇમ જેવું કશું શક્ય નથી. તેઓ કહે છે, ‘ચાર વર્ષ પહેલાં મારા જીવનમાં એવો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો કે મારી જાતને ફરજિયાત ડાઇવર્ટ કરવી પડી છે. અચાનક માથા પર આવી પડેલી જવાબદારીઓને પાર પાડવાની હોય ત્યારે તમારા અંગત શોખનું મૂલ્ય રહેતું નથી. તમે જ્યારે શૂન્યમાંથી સર્જન કરવા નીકળો છો ત્યારે તમામ ખુશીને બાજુએ મૂકી નવી શરૂઆત કરવાની માનસિક અને શારીરિક તૈયારી રાખવી પડે છે. મારી પાસે સમય ઓછો અને પડકારો વધુ છે. હાલમાં ફૅમિલી-બિઝનેસને આગળ વધારવા સવારે છથી રાતે અગિયાર સુધી સતત કામ કરવું પડે છે. શરૂઆતમાં મને આ બધું બહુ આકરું લાગતું હતું, કંઈક ખૂટતું હોય એવો અહેસાસ થતો હતો, પણ હવે ધીમે-ધીમે હું પરિસ્થિતિથી ટેવાઈ ગઈ છું અને મારા માટે સમય ન મળતો હોવાનું દુ:ખ નથી થતું. ઊલટાનું હવે હું મારા કામને જ પ્રેમ કરવા લાગી છું. કામના ભાર તળે સ્ત્રીઓ પોતાની હેલ્થ પ્રત્યે બેદરકાર બની જાય છે એ વાત સો ટકા સાચી. મને ખબર છે કે જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાનો જ છે અને એ પણ પોતાની તબિયતનું ધ્યાન રાખીને એથી કોઈક વાર તમામ કામો સાઇડ પર મૂકીને મરીન ડ્રાઇવ પર વૉક કરવા નીકળી જાઉં. આ જ મારો મી ટાઇમ હોય છે જેમાં મને આનંદ મળે છે. આ ઉપરાંત જ્યારે-જ્યારે સમય મળે યોગ અને મેડિટેશન કરવાનું ચૂકતી નથી. મેડિટેશનથી ફરીથી કામ કરવાની હિંમત અને તાકાત મળે છે. મારું માનવું છે કે મેડિટેશન ફ્રસ્ટ્રેશનમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.’

વર્કિંગ વુમનની લાઇફમાં મી ટાઇમ જેવું કશું હોતું નથી એ વાત સાથે સહમત થતાં ફાર્મા કંપની સાથે સંકળાયેલાં નાલાસોપારાનાં ભાવેશી સુરેલિયા કહે છે, ‘આજે દરેક સ્ત્રીને પોતાની ઓળખ ઊભી કરવી છે અને એ માટે ખૂબ મહેનત કરવી પડે છે. હૉબી ડેવલપ કરવાનો કે એને બરકરાર રાખવાનો સમય મળતો નથી એ હકીકત છે. મને કામને કારણે આખા ઇન્ડિયામાં ટ્રાવેલ કરવું પડે છે. અત્યાર સુધી તો બહુ વાંધો નહોતો આવતો, પરંતુ લગ્ન બાદ ઘરની જવાબદારી વધી ગઈ છે એથી મી ટાઇમ હોવો જોઈએ એવો હવે વિચાર પણ નથી આવતો. મુંબઈમાં તો ટ્રાવેલિંગમાં જ એટલોબધો સમય વેડફાઈ જાય છે કે એક સમયે તમે દુનિયાથી અલિપ્ત થઈ જાઓ છો. ઘણી વાર તો તમારી આસપાસ શું ચાલે છે એની ખબર નથી પડતી. જોકે મારા માટે કામ કરવું અનિવાર્ય નથી. હું ઇચ્છું તો ઘરમાં રહીને લાઇફને એન્જૉય કરી શકું છું, પણ પછી એમ થાય કે રોજ-રોજ ઘરમાં શું કરવાનું? પોતાની જાતને રિફ્રેશ કરવા વીકેન્ડ મળે જ છે. એ વખતે મૂવી જોવા જઈએ કે બહાર ફરી આવીએ એટલે ફ્રેશ થઈ જઈએ. મારા માટે તો વીકેન્ડનો આનંદ એ જ મી ટાઇમ છે, બીજું કશું કરતી નથી. એમ છતાં હું માનું છું કે દરેક સ્ત્રીએ પોતાના માટે સમય કાઢવો જોઈએ. બીજું કંઈ નહીં તો ઘરમાં એકલાં હોઈએ ત્યારે આંખ બંધ કરીને સૉફ્ટ મ્યુઝિક સાંભળીએ તો ગમે. મને આ રીતે આરામથી પડ્યાં રહેવાનું પસંદ છે.’

વર્કિંગ વુમન હોય કે હાઉસવાઇફ, વાસ્તવમાં સ્ત્રીઓના જીવનમાં જ નિરાંત જેવું કશું હોતું નથી એવો અભિપ્રાય આપતાં બોરીવલીનાં ગૃહિણી ચૈતાલી પંડ્યા કહે છે, ‘ગૃહિણીની સવાર પાંચ વાગ્યે પડી જાય અને રાતે સૂવાનો સમય તો નક્કી જ ન હોય. એમાંય જ્યારે બાળકો નાનાં હોય ત્યારે તો વધારે વ્યસ્ત થઈ જઈએ, કારણ કે તેઓ પોતાનાં કામ જાતે નથી કરી શકતાં. સ્કૂલમાં જવા ઉઠાડવાથી લઈને હોમવર્ક કરાવવા સુધીનાં તમામ કામ આપણે કરાવીએ ત્યારે જ કરે છે. મને લાગે છે કે હું છેલ્લાં આઠ વર્ષથી મારી રીતે જીવી જ નથી. ઘણી વાર કંટાળી જવાય અને ગુસ્સો આવે, પણ કામ કર્યા વગર આરો નથી. મારું માનવું છે કે સ્ત્રીઓ રોજ એમ વિચારતી હોય છે કે કાલથી હું મારા માટે જીવીશ, પણ એ કાલ તેમના જીવનમાં ક્યારેય નથી આવતી. મેં આઠ વર્ષમાં શરીરને એટલું ઘસી નાખ્યું કે હવે ઘૂંટણ અટકી ગયાં. સ્ત્રીઓને જ્યારે હેલ્થ-પ્રૉબ્લેમ ઊભા થાય છે ત્યારે જ તેમની આંખ ઊઘડે છે. આખા ઘરને બાંધી રાખતી સ્ત્રી પોતાની જાતને પ્રેમ નથી કરતી. મારું શરીર અટકી ગયું ત્યારે જ મને સમજ પડી કે મી ટાઇમનું કેટલું મહત્વ છે. હવે કેટલીક એક્સરસાઇઝ કરું છું. આ સિવાય મારી લાઇફમાં મી ટાઇમ એટલે સાંજે દીકરાને લઈને પાર્કમાં જવું. બગીચાની ખુલ્લી હવામાં તે રમે અને આપણે શાંતિથી બેસીને પ્રકૃતિનો આનંદ માણીએ એટલે રિફ્રેશ થઈ જઈએ. મારું માનવું છે કે સ્ત્રીઓના જીવનમાં મી ટાઇમ જેવું કંઈ હોય તો એ યોગ, મેડિટેશન કે જિમ કે પછી બગીચો. બસ, આનાથી વધારે કોઈ સ્ત્રી પોતાના માટે કંઈ કરતી હશે એવી શક્યતા ઓછી છે.’

સ્ત્રીઓએ હવે પોતાની હેલ્થ માટે થોડા સ્વાર્થી બનવાની જરૂર છે - સાઇકોથેરપિસ્ટ ઍન્ડ રિલેશનશિપ-કાઉન્સેલર નીતા શેટ્ટી

મારી પાસે સમય નથી એવો કકળાટ કરતી સ્ત્રીઓને સામો પ્રશ્ન પૂછતાં સાઇકોથેરપિસ્ટ ઍન્ડ રિલેશનશિપ-કાઉન્સેલર નીતા શેટ્ટી કહે છે, ‘સમય કેમ નથી? તમારી પાસે હસબન્ડનું ટિફિન બનાવવાનો સમય છે, બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાનો સમય છે, વડીલોની દવાનો ટાઇમ સાચવવાનો સમય છે, અહીં સુધી કે ફૅમિલી સાથે મૂવી જોવાનો અને બહેનપણીઓ સાથે ફરવાનો સમય પણ છે, માત્ર પોતાના માટે સમય નથી? હકીકત તો એ છે કે સ્ત્રીઓને પોતાના માટે સમય કાઢવાની ક્યારેય જરૂર જ નથી લાગતી. મારું અંગતપણે માનવું છે કે સ્ત્રીઓએ થોડાં સ્વાર્થી બનવાનો સમય પાકી ગયો છે.

ટાઇમ-મૅનેજમેન્ટના અભાવે તે પોતાની માનસિક અને શારીરિક તકલીફોમાં વધારો કરે છે. તમારા રોજિંદાં કામના ટાઇમટેબલમાં જ તમારા પોતાના સમયનો ઉમેરો કરો. બપોરે બે કલાક સૂવાની જગ્યાએ અડધો કલાક સૂઓ તો ન ચાલે? કહે છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. સ્ત્રીઓને આ વાત બરાબર લાગુ પડે છે. એકલી પડશે એટલે નકામા વિચારો કરશે. મનમાં નકારાત્મક વિચારો વધી જાય એટલે જે ન થવું જોઈએ એ બધું તેની જિંદગીમાં થવા લાગે છે. અંગત જીવનમાં ઝઘડા, બાળકો પર ગુસ્સો અને પોતાની જાતને ટૉર્ચર કરવું આ બધું નકારાત્મક વિચારોમાંથી જ ઉદ્ભવે છે. જે સ્ત્રીઓ પોતાના માટે સમય નથી કાઢતી એ ડિપ્રેશનનો ભોગ બને છે. નાની વયે ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની બીમારીનું કારણ બેદરકારી છે. બૉડીમાં જ્યારે કૉર્ટિઝોલ હૉર્મોનનું પ્રમાણ ખૂબ વધી જાય છે ત્યારે શરીર રોગનું ઘર બનતાં વાર નથી લાગતી. માનસિક તાણને કારણે કૉર્ટિઝોલ હૉર્મોનમાં સતત વધારો થાય છે અને કૅન્સર જેવી ભયાનક બીમારી પણ થઈ શકે છે. બૉડીમાં હૅપી હૉર્મોન વધે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, ડાન્સિંગ વગેરે જેવી શારીરિક પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત મેડિટેશન અને વાંચન પણ અનિવાર્ય છે. તમારી લાઇફ-સ્ટાઇલમાં થોડું પરિવર્તન લાવો અને જુઓ ચમત્કાર.’

હૉબી ડેવલપ કરવાનો કે એને બરકરાર રાખવાનો સમય સ્ત્રીઓને નથી મળતો એ હકીકત છે. મારા માટે તો વીકેન્ડનો આનંદ એ જ મી ટાઇમ છે.

- ભાવેશી સુરેલિયા, નાલાસોપારા

સ્ત્રીઓ રોજ એમ વિચારે કે કાલથી હું મારા માટે જીવીશ, પણ એ કાલ તેમના જીવનમાં ક્યારેય નથી આવતી. જ્યારે શરીર અટકે ત્યારે જ સમજ પડે કે મી ટાઇમનું કેટલું મહત્વ છે.

- ચૈતાલી પંડ્યા, બોરીવલી

તમે જ્યારે શૂન્યમાંથી સર્જન કરવા નીકળો છો ત્યારે પોતાના અંગત શોખને બાજુ પર મૂકી દેવા પડે છે એ વાત સાચી, પણ હેલ્થ પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી. મરીન ડ્રાઇવ પર વૉક અને અડધો કલાકના મેડિટેશનમાંથી મને વધુ કામ કરવાની ઊર્જા મળે છે.

- મમતા શાહ, ગિરગામ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK