મૈં હૂં નાની ઘણી જરૂર ઢળતી વયે હોય છે

હજાર હાથીની તાકાત અને શેર જેવી હિંમત આપે છે આ એકાક્ષરી ત્રણ શબ્દો. એનો અનુભવ જેને થયો હોય તે જ જાણે. જુવાનિયાઓ અલગ-અલગ સંદર્ભમાં આ શબ્દો વાપરતા રહે છે, પણ આ શબ્દો દ્વારા મળેલી હિંમતની સૌથી વધુ જરૂર જીવનસંધ્યાએ પહોંચેલા લોકોને હોય છે એ તેમની પાસેથી જ સાંભળીએ

pranayam

વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ઘડપણની વ્યથા રજૂ કરતો એક મેસેજ વાંચ્યો. આ મેસેજમાં આમ તો બધું સામાન્ય હતું, પણ અંતમાં વડીલ પતિપત્ની વચ્ચે જે ડાયલૉગ હતો એણે લાગણીઓને ઝકઝોરી દીધી અને આ વયની એક વાસ્તવિકતાને ઉજાગર કરી દીધી. વાત આમ છે...

આજે મૂડ સારો નથી, ચાલ કોઈ પિક્ચર જોવા જઈએ?

કયું પિક્ચર જોવું છે? પત્ની બોલી.

ચાલ હવે ટેકો કર તો હું ઊભો થઈ શકું.

આ પગ પણ... (સાથ નથી આપતા એવો ભાવ હતો.)

પત્ની ભેટી પડી. એટલું જ બોલી, મૈં હૂં ના.

હું ફરીથી જાણે ૨૫ વર્ષનો નવજુવાન

થઈ ગયો. એવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી.

માણસ ૨૫નો હોય કે ૮૦નો, મૈં હૂં ના કહેનારના એક પ્રેમભર્યા જબરદસ્ત સપોર્ટની તેને જરૂર હંમેશાં રહે છે. મુશ્કેલીના વંટોળમાં ફસાયા હોઈએ ત્યારે નજીકના સ્વજનના આ શબ્દો જબરદસ્ત કરિશ્મા સરજી દે છે. માણસ ભલે ગમેતેટલો હિંમતવાન હોય; પણ પોતાની વ્યક્તિ તરફથી મળેલી હિંમત, હૈયાધારણ તેના જીવનમાં અજબ શક્તિ ફૂંકી દે છે.

 ‘મૈં હૂં ના’ને સાદી રીતે સમજીએ તો એનો અર્થ થાય છે હું છું પછી તને શાની ચિંતા છે, હું બેઠો છું, તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું, તારી તકલીફો હું જોઈ લઈશ, તને ચિંતા શું કામ? આ એક બહુ મોટું કમિટમેન્ટ છે એમ જણાવતાં સાઇકોથેરપિસ્ટ મયૂરિકા દાસ વિશ્વાસ કહે છે, ‘જિંદગીના અંતિમ દોરમાં સ્વાસ્થ્ય કથળી ગયું હોય છે, આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હોય છે, રિટાયરમેન્ટના કારણે પૈસા ઓછા થઈ ગયા હોય છે, સંતાનોનો સપોર્ટ પણ ઓછો થઈ ગયો હોય છે, પેરન્ટ્સ તો રહ્યા જ નથી હોતા અને દોસ્તો પણ રહ્યા નથી હોતા. ભાઈ-બહેનની સંખ્યા પણ ઓછી થઈ રહી હોય છે. જીવનમાં કૉન્ફિડન્સ કમ  અને એક્સ્પીરિયન્સ વધી ગયો હોય છે. જિંદગીની ઘણી કડવી વાતો ગળી જવી પડી હોય છે, જિંદગીનાં સારાં પાસાંની જેમ ઘણાં ખરાબ પાસાં પણ જોઈ ચૂક્યા હોવાથી તેઓ હતાશ પણ હોય છે. આ ઉપરાંત જીવનસાથી સાથેની લાંબી મજલ કાપી હોવાથી સથવારો વધુ મજબૂત બની ચૂક્યો હોય છે અને એથી આ સમયમાં બોલાતું વાક્ય મૈં હૂં ના વધુ સભાનતા અને વધુ જવાબદારીપૂર્વકનું હોય છે.’ 

વાત તો સાવ સાચી છે. આ વયે ગુસ્સો અને પ્રેમ બધું જ ચાલ્યા કરે, પણ બેમાંથી કોઈનો વાળ પણ જરા વાંકો થાય તો એકબીજાનું પડખું વધુ મજબૂત બની જાય છે. બોરીવલી (વેસ્ટ)માં રહેતાં ૬૧ વર્ષનાં બકુલા પારેખ અને ૬૩ વર્ષના ગજેન્દ્ર પારેખ તેમના જીવનમાં મૈં હૂં ના કહેવા માટેની સિચુએશન ક્યારે આવી હતી એની વાત કરે છે. ગજેન્દ્રભાઈ હાલ તો રિટાયર્ડ છે, પણ નોકરીમાં હતા એ સમયની વાત કરતાં બકુલા કહે છે, ‘રિટાયર થવા પહેલાં નોકરીમાં તેમના પર કોર્ટમાં એક કેસ થયો. જિંદગીમાં પહેલી વાર આવી બાબત બની હોવાથી અમે બન્ને બહુ હતાશ અને નાસીપાસ થઈ ગયાં હતાં. શું કરવું એ સૂઝતું નહોતું. અમારી સાથે જ આવું કેમ થયું એમ લાગતું હતું. પણ એ સમયે મેં પતિને કહ્યું કે સારા દિવસો જેમ રોજ નથી રહેતા એમ ખરાબ દિવસો પણ રોજ નહીં રહે, જે થયું છે એમાં તમે જરાય ચિંતા ન કરતા, જે થશે એમાં હું સદાય તમારા પડખે રહીશ. અને એ દિવસો વીતી ગયા.’

થોડા સમય પહેલાં ગજેન્દ્રભાઈને ડેન્ગી થયો હતો. પ્લેટલેટ્સની સંખ્યા સાવ ૩૦૦૦ થઈ ગઈ એટલું જ નહીં, ઘટતી જતી હતી. આંખમાંથી લોહી પડવા લાગ્યું અને પરિસ્થિતિ સાવ કથળી ગઈ. એ સમયે તેમના બન્ને દીકરા લંડનમાં હતા તેથી બકુલાબહેને દીકરાઓને બોલાવવાનો આગ્રહ કર્યો, પણ ગજેન્દ્રભાઈએ કહ્યું કે દીકરાઓને પોતાનું કામ કરવા દે, તું મારી સાથે છે તો બધું જ છે, તને જોઈને મને લાગે છે કે બધું સારું થઈ જશે.

લંડનમાં પાસપોર્ટ માટેની સ્ટ્રગલ તેમનો દીકરો કરી રહ્યો હતો તેથી તેને આવવું હોય તો પણ પાસપોર્ટ હાથમાં નહોતો. જેવો એ મYયો કે તેમનો મોટો દીકરો પેરન્ટ્સ માટે લંડન છોડીને તેમની પાસે કાયમ માટે આવી ગયો. 

ઢળતી વયમાં વ્યક્તિને માનસિક હૂંફની બહુ જરૂર હોય છે. આ વયે તેમના રિલેશનમાં શારીરિક બાબતો ગૌણ બની જાય છે એટલું જ નહીં, મૈં હૂં ના પ્રકારનો સધિયારો આપે એવી વ્યક્તિની ખાસ જરૂર હોય છે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતા ૬૩ વર્ષના નલિન ભુતા કહે છે, ‘મારી બે ફ્રેન્ડ્સ જેમાં એક મારાથી નાની છે અને એક મોટી છે એ બન્નેનો મને ભરપૂર સપોર્ટ છે. મારા કરતાં વયમાં ૧૦ વર્ષ નાની ફ્રેન્ડ સાથે તો વર્ષમાં માંડ એકાદ વાર મળવાનું થાય છે. આ એ વ્યક્તિ છે જેણે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે તેણે એકેય વાર એવું ન કહ્યું કે હું તમારી સાથે છું, પણ એ તેણે પ્રૂવ કરી બતાવ્યું. તે હંમેશાં એટલું મોટિવેટ કરે કે તમને દુ:ખ ક્યાંય લાગે જ નહીં. તે મારી જ નહીં, મારા પરિવારની પણ એક્સ્ટ્રા કૅર લે છે.’ 

નલિન ભુતાનાં પત્ની ઉવર્શી  સવા વર્ષ પહેલાં ગુજરી ગયાં. તેમને લંગ ફાઇબ્રોસિસની બીમારી હતી. આ સમય નલિનભાઈ માટે ખૂબ ખરાબ હતો એની વાત કરતાં તે કહે છે, ‘ઉંમર અને બીમારીના કારણે છેલ્લા દિવસોમાં ઉવર્શીૂ બહુ મિસબિહેવ કરતાં હતાં. તેઓ વારંવાર મારી પાસે પાણી માગે, ચા માગે, બિસ્કિટ માગે વગેરે.’

નલિનભાઈને પગની તકલીફ છે. કાયમ લાકડી લઈને ચાલવું પડે છે. તેથી આ બધું કરવામાં તેમને બહુ તકલીફ પડતી. તેઓ રિટાયરમેન્ટ પહેલાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જૉબ કરતા હતા. આ બધું કરવામાં નલિનભાઈ બહુ થાકી જતા. તેમના માટે આ બધું કરવું અઘરું હતું. તેઓ નાસીપાસ થઈ જતા હતા એટલે વાઇફ પર ગુસ્સે થઈ જતા હતા. તેઓ કહે છે, ‘મને આ બધું બહુ પિન્ચ કરતું તેથી હું મારી ફ્રેન્ડને કહેતો. તે મને કહે નલિન ચિંતા ન કર, આ સમય પણ નીકળી જશે, ધીરજ રાખ, આ તારો સેવા કરવાનો સમય છે, તું જ્યાં પણ થાકે ત્યાં મને બોલાવી લેજે, હું હાજર હોઈશ. ૭૫ વર્ષની મારી આ ફ્રેન્ડ ૨૫ વર્ષથી રોજ મને સવારે ફોન કરે છે અને રોજ તેનો પહેલો પ્રશ્ન એ જ રહેતો કે ઉવર્શીત કેમ છે? મારી આ મિત્રના પતિ અને મારી પત્ની સહિત અમે ચારે સાથે જ ફરવા જતાં. એક વાર ઉવર્શી ની તબિયત બગડી તો તે લોનાવલાથી અમારી સાથે પાછી આવી ગઈ હતી. મારા માટે મૈં હૂં ના ટાઇપની આ બે વ્યક્તિઓ જીવનમાં મજબૂત દીવાલની જેમ મને ટેકો આપી રહી છે. મારા ઘરે કોઈ પણ નાનો પ્રસંગ હોય તો તેઓ હાજર હોય અને તેમના ઘરે નાનો પણ કોઈ પ્રસંગ હોય તો હું હાજર હોઉં.’

જીવનની આ વયમાં માણસ મનથી ઢીલો પડી જાય છે એમ તનથી પણ ઢીલો પડી જાય છે. સ્વાસ્થ્ય કથળતું જતું હોય છે. કોઈ ને કોઈ નાની-મોટી બીમારીએ ડેરો જમાવી લીધો હોય છે. આમ આ સમયમાં સ્વાસ્થ્યને લઈને પણ એકબીજાના મજબૂત સપોર્ટની જરૂર રહે છે.

બોરીવલીમાં રહેતા રમેશ સંઘરાજકાને થોડા સમય પહેલાં પૅરૅલિસિસનો અટૅક આવ્યો. તેમનું જમણું અંગ ડૅમેજ થઈ ગયું. આ અટૅકથી રમેશભાઈ થોડા નાસીપાસ થઈ ગયા. જોકે પરિવારે પણ પહેલાં તો તેમને જણાવ્યું જ નહોતું કે અટૅક કેટલો જબરદસ્ત હતો. રમેશભાઈને ત્યારે તેમની વાઇફ વિલાસબહેને ભારે સધિયારો આપ્યો એની વાત કરતાં તે કહે છે, ‘મને વિલાસે કહ્યું કે તમે જરા પણ ચિંતા ન કરો, તમને કંઈ વાંધો નહીં આવે, જલદી સાજા થઈ જશો, બધું સારું થઈ જશે, નસીબમાં જે માંડ્યું છે એ તો થવાનું જ છે.’ 

પત્નીના આ સધિયારા સાથે અને ટેકા સાથે રમેશભાઈ આજે હિંમતથી જીવે છે. પત્ની પોતાના ખભાનો ટેકો આપી રોજ તેમને ફરવા લઈ જાય છે.

રમેશભાઈ અને વિલાસબહેનને બે દીકરીઓ અને એક દીકરો છે. દીકરો તેમની સાથે જ રહે છે. રમેશભાઈની મોટી દીકરીને કૅન્સર ડિટેક્ટ થયું. વિલાસબહેન ત્યારે બહુ પડી ભાંગ્યાં. આ સમયમાં રમેશભાઈ તેમના પડખે રહ્યા એની વાત કરતાં વિલાસબહેન કહે છે, ‘આખી સારવાર દરમ્યાન તેમણે મારી આંખમાંથી એક આંસુ પડવા નહોતું દીધું. મને કહે બનવાકાળ જે બનવાનું હતું એ બની ગયું, તું નાસીપાસ ન થતી, ખાજે-પીજે, નહીં તો તેની સેવા આપણે કેમ કરી શકીશું? હું તારી સાથે છું. આપણી દીકરીને કંઈ નહીં થાય.’

આજે તેમની દીકરીના ઘરે પણ ભર્યો સંસાર છે.

યુવાન વયે બોલાતા મૈં હૂં ના શબ્દો કરતાં ઢળતી વયે બોલાતા આ શબ્દોમાં ફરક શું હોય છે એની વાત કરતાં મયૂરિકા દાસ વિશ્વાસ કહે છે, ‘આ શબ્દો એમનેમ નથી બોલી શકતા, એમાંય ઢળતી વયે જ્યારે તમારા બધા જ સોર્સિસ ઘટી ગયા છે ત્યારે એ બોલવું બહુ અઘરું છે અને છતાં જો આ હૈયાધારણ મળતી હોય તો એ બહુ મોટી વાત છે. આમાં વ્યક્તિની સપોર્ટ કરવાની ઇચ્છાશક્તિ બહુ મહત્વની હોય છે. તમે સપોર્ટ કરવાની ઇચ્છા કરો તો જ એ કરી શકો છો. ભલે પછી તમારાથી જેટલો થાય એટલો સપોર્ટ કરી શકો, પણ એ માટેની ઇચ્છા કરવી જ બહુ મહત્વનું હોય છે. મારાથી થઈ શકશે એટલું તો હું કરીશ જ એવી તે ઇચ્છા કરે છે.’ 

આ બહુ મોટું કમિટમેન્ટ તો છે જ પણ એ માટે સુપર સક્સેસફુલ થવું પડે એની વાત કરતાં મયૂરિકા કહે છે, ‘યુવાનો આમ કહે છે ત્યારે તેમનું કૉન્ફિડન્સ-લેવલ વધારે હોય છે અને એક્સ્પીરિયન્સ કમ હોય છે. આમ બોલી પછી આગળ લાઇફમાં શું કમિટ કરવું પડશે, કેટલો સમય, રૂપિયા, એનર્જી‍ ખર્ચ કરવાં પડશે એની ખબર નથી હોતી. પણ દર વખતે જ્યારે આ વાક્ય બોલાય છે ત્યારે એ દિલથી જ બોલાય છે એ સો ટકા વાત છે. અને જ્યારે તમે કોઈને કહો છો મૈં હૂં ના ત્યારે એ વ્યક્તિની હિંમત હજારો ગણી વધી જાય છે.

આ શબ્દો એમનેમ નથી બોલી શકતા, એમાંય ઢળતી વયે જ્યારે તમારા બધા જ સોર્સિસ ઘટી ગયા છે ત્યારે એ બોલવું બહુ અઘરું છે અને છતાં જો આ હૈયાધારણ મળતી હોય તો એ બહુ મોટી વાત છે. આમાં વ્યક્તિની સપોર્ટ કરવાની ઇચ્છાશક્તિ બહુ મહત્વની હોય છે. તમે સપોર્ટ કરવાની ઇચ્છા કરો તો જ એ કરી શકો છો

મયૂરિકા દાસ વિશ્વાસ, સાઇકોથેરપિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK