દરેક મોસમ ગમતીલી

તેમના ચહેરા પર સદાય સ્મિત રહેતું હોય છે અને આ સ્મિત બધા કરતાં અલગ પડે છે, કારણ કે  આ સ્મિતમાં સંતોષ હોય છે. ઈશ્વર પ્રત્યેનો આભાર હોય છે. જે મળ્યું એને જીવવાની, માણવાની ઘેલછા હોય છે. અને એટલે જ આવું સ્મિત મનમોહક લાગે છે. તેમણે એક વાત પચાવી લીધી હોય છે કે જીવનમાં કશું એકધારું કે એકસરખું રહેતું નથી

october


સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

એક વટેમાગુર્એન ગામડિયાને પૂછ્યું કે આજે મોસમ કેવી રહેશે? ગામડિયાએ જવાબ આપ્યો કે આજે તો મને ગમતી મોસમ જ રહેશે. વટેમાગુર્એય આર્ય સાથે પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો છો? ગામડિયો બોલ્યો કે ‘સાવ સીધીસાદી વાત મેં મારા મનમાં ઉતારી લીધી છે કે ઋતુ ગમે તેવી હોય, એ મને ગમશે જ. એટલે મને ખાતરી છે કે વર્ષના ૩૬૫ દિવસ મને ગમતી મોસમ જ હશે. મેં મનમાં ગાંઠ વાળી છે કે મને પસંદ હોય એવી વસ્તુ ન મળતાં એની પાછળ ધમપછાડા કરવાને બદલે જે મળે એને જ મારી પસંદગીની વસ્તુ બનાવી લઉં.’

મળેલું ગમતું કરી લેવું એક કલા છે. કોઈકને આ કલા જન્મજાત હોય. બાકીના આ કલા પોતાની સમજણથી વિકસાવી શકે છે. સંજોગો, પરિસ્થિતિની અસર આપણા વર્તન પર પડે. સુખ, દુ:ખ, અકળામણ, પ્રેમ, ગુસ્સો, વહાલ, હતાશા, નકારાત્મકતા બધું એક પછી એક આપણી અંદર ચાલ્યા જ કરતું હોય; પણ હતાશા, નિરાશા, ગુસ્સો, સ્ટ્રેસ આ ભાવ જો લાંબા સમય સુધી આપણી અંદર જમાવટ કરી બેસે તો ધીરે-ધીરે આપણો મૂળ સ્વભાવ બદલાવા લાગે છે. કોઈ વ્યક્તિ આપણને જેટલું દુ:ખ નથી આપી શકતી એટલું દુ:ખ આપણા પોતાના વિચારો આપે છે. એટલે જ જિવાતી ક્ષણોનું નિરીક્ષણ બહુ આવશ્યક બની જાય છે.

મનની મોસમ પણ કુદરતની મોસમની જેમ બદલાયા કરે છે. મોસમ બદલાતાં આપણા શરીર તેમ જ સ્વભાવમાં બદલાવ આવવા લાગે. આ બહુ કુદરતી છે. અને જે કુદરતી છે એ સહજતાથી જિવાવું જોઈએ. આમ કરવું જોઈએ - તેમ કરવું જોઈએ જેવાં વાક્યો લખવા, બોલવા અને વાંચવામાં જેટલાં અસરકારક લાગે છે એટલાં પ્રૅક્ટિકલ લાઇફમાં ઓછાં જિવાય છે. પણ અમુક અસરકારક વિચારો આપણી ભીતર આપણને જ ઢંઢોળવાનું કામ ચોક્કસ કરે છે. એ વિચારોને વાસ્તવમાં ઉતારવા કે નહીં એ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે.

કોઈક વ્યક્તિ આનંદિત દેખાતી હોય તો આપણે તેને પૂછી બેસીએ કે કેમ આટલા આનંદમાં દેખાઓ છો? કારણ કે આપણે સતત આનંદમાં રહેવાની ચાવી શોધતા હોઈએ છીએ. આપણને જો ખબર પડે કે આ વ્યક્તિનો આનંદ તો અભાવમાંથી જન્મ્યો છે તો મનમાંથી વાહ જરૂર નીકળશે. આ વાહ આપણા જીવનની રાહ બદલી શકે છે.

જે માણસ માણવાનું ચૂકી જાય છે તે હંમેશાં ફરિયાદ જ કરતો રહે છે. જીવનમાં જે મળ્યું છે તેને ગમતીલું કરવામાં માણસને રસ નથી. ઉનાળાના દિવસોમાં માણસ ફરિયાદ કરે કે ભયંકર ગરમી છે, હવે વરસાદ આવે તો રાહત થાય. વરસાદ પડે ત્યારે પહેલો વરસાદ માણસને વહાલો લાગે. પછી આપણી જરૂરિયાત કરતાં વધારે વરસાદ પડે એટલે માણસ ફરિયાદ કરે કે હવે વરસાદ બંધ થાય તો સારું. ઠંડીની મોસમમાંય માણસ ફરિયાદ કરે કે તડકો દેખાતો જ નથી. જે માણસ સતત ફરિયાદ કરતો રહે તેને અસંતોષી જીવ કહેવાય. અળસિયાં ભીની માટીમાં આળોટતાં હોય એમ માણસો જાતે ઊભા કરેલા દુ:ખમાં આળોટતા હોય છે. 

વરસાદ પડતો હોય અને બારીમાંથી વાછટ આવતી હોય તો ઘર ભીનું થશે એ ડરથી બારી બંધ કરી આપણે તરત વરસાદને જાકારો દઈએ છીએ. પાંચ કે દસ મિનિટ એ વાછટને ચહેરા પર અનુભવવાનો આનંદ આપણને અંદરથી લીલોછમ કરી દેતો હોય તો ડરને બાજુ પર મૂકી દેવો જોઈએ. જીવનમાં આવી અનેક નાની-નાની ક્ષણો તરફ આપણે દુર્લક્ષ કરી એને માણવાનું ચૂકી જઈએ છીએ. મોટા ભાગના માણસો હંમેશાં કંઈક મોટું મેળવવા કૂદકા મારતા હોય છે અને હંમેશાં અધૂરપ અનુભવતા હોય છે. અધૂરપ મનનો ભાવ છે. જો એ હાવી થઈ જાય તો અસંતોષ સિવાય કશું જ બચતું નથી.

મનની મોસમ સદાય મઘમઘતી રહે એ બહુ મોટો પડકાર છે. એ દરેકનું કામ નથી. અમુક માણસોના જીવનમાં દુ:ખ હોય છતાં તે બેફિકરાઈથી ફરતા હોય. તેમને જોઈને ખબર જ ન પડે કે આ માણસને કંઈ તકલીફ હશે. આવું વ્યક્તિત્વ જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણને તરબતર કરી દે છે. એ સદાય આપણા મનમાં વસી જાય છે. દરેક સંજોગને હળવાશથી લેવાની તેમની આવડત, લોકો શું કહેશે એ વાતની  બેફિકરાઈ તેમને બધાથી નોખા પાડે છે. તેમના ચહેરા પર સદાય સ્મિત વહેતું હોય છે. આ સ્મિત બધા કરતાં જુદું પડે છે, કારણ કે આ સ્મિતમાં સંતોષ હોય છે; ઈશ્વર પ્રત્યેનો આભાર હોય છે; જે મળ્યું એને જીવવાની, માણવાની ઘેલછા હોય છે. અને એટલે જ આવું સ્મિત મનમોહક લાગે છે, કારણ કે તેમણે એક વાત પચાવી લીધી હોય છે કે જીવનમાં કશું એકધારું કે એકસરખું રહેતું નથી.

ગમતું હોય એ તો પોતીકું થઈ જ જાય, પણ અણગમતું હોય એને વહાલું કરવું એનું મૉડર્ન નામ છે કૉમ્પþોમાઇઝ. ગમતું બધું જ મળી જાય તો ઈશ્વરની કૃપા સમજવી અને ન મળે તો ઈશ્વરને દોષ ન દેવો. ગમતું બધું જ મળે એવો આગ્રહ એ દર્શાવે છે કે આપણે ભીતરથી સંકોચાયેલા છીએ.

કુદરતની અને જીવનની એમ દરેક મોસમ સાથે અને દરેક મોસમના મિજાજ પ્રમાણે જીવનારો માણસ રોજિંદા જીવનમાંથી એકધારો આનંદ મેળવી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK