પત્નીના હાથમાં કારની ચાવી આપવી જોખમી કે જરૂરી?

પત્નીને તમામ સુખ-સગવડો આપવા તત્પર રહેતા પુરુષો પણ અમુક સમયે તેમની પત્નીની ડ્રાઇવિંગ-હૅબિટને પચાવી નથી શકતા. આ સંદર્ભે મુંબઈના પુરુષોનો અભિપ્રાય પૂછીએ

car1

મૅન્સ વર્લ્ડ

થોડા સમય પહેલાં સાઉદી અરેબિયામાં કેટલીક મહિલાઓ ઉત્સાહમાં આવીને મધરાતે પોતાની કાર લઈને નીકળી પડી હતી. ફુગ્ગા અને ફૂલોથી સુશોભિત કારની ડ્રાઇવિંગ-સીટ પર બેસીને તેમણે આખા શહેરમાં ચક્કર મારીને જશન મનાવ્યો હતો. હમણાં સુધી સાઉદી અરેબિયામાં મહિલાઓને કાર ચલાવવાની પરવાનગી નહોતી. ત્રણ દાયકા બાદ તેમના પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવતાં એ દિવસને મહિલાઓએ તહેવારની જેમ ઊજવ્યો હતો. વિશ્વના અમુક ગણ્યાગાંઠ્યા દેશો સિવાય બધે જ સ્ત્રીઓ અને પુરુષોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. આપણા દેશમાં તો મહિલાઓ માત્ર સ્કૂટર કે કાર જ નહીં; રિક્ષા, બસ અને ટ્રેન સુધ્ધાં ચલાવી જાણે છે. મેટ્રો સિટીમાં તો મહિલાઓ પાસે પોતાનું અંગત વાહન હોય એ બાબત સામાન્ય છે. રોજબરોજના કામકાજ અને સ્કૂલમાં બાળકોને લેવા-મૂકવા માટે પુરુષો જ તેમની પત્નીને ગાડીની સગવડ કરી આપે છે. એમ છતાં આપણી વચ્ચે એવા પુરુષોની સંખ્યા વધુ છે જેમને મહિલાઓના ડ્રાઇવિંગ પર જરાય ભરોસો નથી. પુરુષોનું કહેવું છે કે મહિલાઓમાં વાહન ચલાવવાની ગતાગમ હોતી નથી અને તેમને ટ્રાફિકના નિયમોનું કઈ રીતે પાલન કરવું અને કઈ લેનમાં કેટલી ઝડપથી ગાડી ચલાવવી જોઈએ જેવા સામાન્ય કાયદાઓની પણ જાણ હોતી નથી. વાસ્તવમાં પુરુષોને મહિલાઓના ડ્રાઇવિંગ પર ભરોસો નથી એવું તારણ નીકળ્યું છે.

દેશની એક જાણીતી ઑટોમોબાઇલ કંપની દ્વારા થોડા સમય પહેલાં ભારતીયોની ડ્રાઇવિંગ-હૅબિટ પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં પુરુષો અને સ્ત્રીઓના જવાબમાં રસપ્રદ વિરોધાભાસ જોવા મળ્યો છે. આ સર્વેમાં બે હજાર જેટલાં દંપતીઓને પૂછવામાં આવેલા વિવિધ પ્રfનોમાં ૬૪ ટકા મહિલાઓએ કબૂલ્યું હતું કે તેમને પતિના ડ્રાઇવિંગ પર ભરોસો છે, જ્યારે ૬૭ ટકા પુરુષોએ એનાથી વિપરીત જવાબ આપતાં કહ્યું હતું કે તેમને પત્નીના ડ્રાઇવિંગ પર જરાય વિશ્વાસ નથી. પચાસ ટકાથી વધુ પુરુષોનું કહેવું હતું કે પત્નીની વાહન ચલાવવાની ઝડપને કારણે તેઓ કંટાળી જાય છે. જોકે આ સર્વેનો અર્થ એટલો જ કે મહિલાઓને તેમના પાર્ટનર પર પૂરો ભરોસો છે, જ્યારે પુરુષોને મહિલાઓ વાહન ચલાવે એ બાબત ખાસ પસંદ પડતી નથી. આજે આપણે મુંબઈના કેટલાક હસબન્ડને મળીને પૂછીએ કે જ્યારે તેમની વાઇફ કાર ચલાવતી હોય ત્યારે તેઓ બાજુમાં બેસવાનું પસંદ કરે છે કે વાઇફનું ડ્રાઇવિંગ તેમને અકળાવે છે. એવી કઈ બાબત છે જેના કારણે મહિલાઓના વાહન ચલાવવા બાબતનો તેમને ગમો-અણગમો છે.

પત્નીના હાથમાં કારની ચાવી આપવામાં જોખમ છે એ વાત સાથે હું પૂરેપૂરો સહમત નથી એમ જણાવતાં અંધેરીના યોગેશ વેદ કહે છે, ‘મને સોનલના ડ્રાઇવિંગ પર ભરોસો છે, કારણ કે તે બહુ જ સંભાળીને અને આત્મવિશ્વાસથી કાર ચલાવે છે. બાજુમાંથી પસાર થતાં અને સામેથી સડસડાટ આવતાં વાહનો પર તેનું પૂરું ધ્યાન હોય છે. મારું અંગતપણે માનવું છે કે સ્ત્રીઓનું ડ્રાઇવિંગ સ્લો ઍન્ડ સ્ટેડી હોય છે. આમ જોઈએ તો સલામતીની દૃષ્ટિએ આવું ડ્રાઇવિંગ સારું કહેવાય, પરંતુ અમુક સમયે તેઓ કાર ન ચલાવે એવો આગ્રહ ફરજિયાત રાખવો પડે છે. જેમ કે રાતના સમયે ગાડી ચલાવવાની હોય તો તેમને જવાબદારી ન સોંપી શકાય. રાતે હાઇવે પર વાહનોની ઝડપ વધારે હોય છે. એવામાં જો આપણી કાર ધીમી ચાલે તો પૂરપાટ ઝડપે આવતાં ટ્રક જેવાં મોટાં અને ભારે વાહનોને ઓવરટેક કરવામાં અડચણ આવે અને અકસ્માતના ચાન્સિસ વધી જાય. આ સિવાય શૉર્ટ ડિસ્ટન્સમાં ગીચોગીચ રસ્તા પર કાર ચલાવવાની જરૂર પડી હોય કે કોઈ કટોકટીનો સમય હોય ત્યારે પણ તેના પર ભરોસો ન મૂકી શકું. રાતના સમયે કાર ચલાવવાની પરવાનગી હું તેને નથી આપતો, પણ દિવસના સમયે હાઇવે પર ચલાવે તોય મને વાંધો નથી. સામાન્ય રીતે લૉન્ગ ડ્રાઇવ પર જવાનું હોય કે બહાર ફરવા નીકળ્યા હોઈએ ત્યારે સોનલને તેનો કાર ચલાવવાનો શોખ પૂરો કરવા દઉં, કારણ કે આઉટિંગ માટે જતા હોઈએ ત્યારે સમયની મારામારી ન હોય અને ધીમે-ધીમે જઈએ એમાં આપણો પણ ટાઇમપાસ થઈ જાય.’

સમયની પાબંદી હોય અને વહેલા પહોંચવું અનિવાર્ય હોય ત્યારે લેડીઝને કાર ચલાવવા ન અપાય એ વાત સાચી, પણ વાઇફને કાર ચલાવતાં આવડવું તો જોઈએ એવો મત વ્યક્ત કરતાં અંધેરીના મિલન ગાંધી કહે છે, ‘આજના સમયમાં ફૅમિલીના તમામ મેમ્બર્સને કાર ચલાવતાં આવડવું જોઈએ. ક્યારેક આપણે બહાર ગયા હોઈએ અને તબિયત બગડી હોય કે થાકી ગયા હોઈએ તો વારાફરતી ડ્રાઇવ કરી શકાય. થોડા વખત પહેલાં અમે મહાબળેશ્વર ગયા હતા ત્યારની વાત કરું તો હું બહુ થાકી ગયો હતો અને કાર ચલાવતી વખતે પણ સતત બિઝનેસ-કૉલ આવતા હતા. ડ્રાઇવિંગ કરતી વખતે આપણે ફોન ઉપાડી ન શકીએ અને ન ઉપાડીએ તો કામ રખડી પડે. વૈશાલીએ જોયું કે મારું કામ અટકી જાય એમ છે એટલે તરત તે ડ્રાઇવિંગ-સીટ પર ગોઠવાઈ ગઈ અને લગભગ બસો કિલોમીટર જેટલું ડ્રાઇવ કર્યું. સ્પીડની વાત છે ત્યાં સુધી અમે બન્નેએ પહેલેથી જ લિમિટ નક્કી કરી રાખી છે. મોટા ભાગના અકસ્માત ટાયર ફાટી જવાના કારણે થાય છે. ટાયર ફાટે અને સ્પીડ વધુ હોય તો પાછળ બેઠેલી વ્યક્તિના જાનનું જોખમ થઈ જાય એટલે ગમે તે થાય તો પણ સ્પીડ વધારવાની નહીં. જાન હૈ તો જહાન હૈ. લેડીઝનો પ્રૉબ્લેમ એ છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું સરખી રીતે પાલન કરતી નથી. સિગ્નલ પર કોઈ ન હોય તો કહેશે કે ચાલોને, હવે ઊભા નથી રહેવું. પહેલાં વૈશાલી સિગ્નલ કુદાવી દેતી હતી, પરંતુ જ્યારથી ઈ-ચલાન આવ્યું છે ત્યારથી સમજી ગઈ છે. તેને ખબર છે કે બધે કૅમેરા મૂકેલા છે એટલે જો સિગ્નલ કુદાવશે તો ઘરે પહોંચ્યા પછી પણ દંડ ભરવો પડશે.’

car

કામધંધામાં ખૂબ જ વ્યસ્ત રહેતા પુરુષની પત્નીને ડ્રાઇવિંગ આવડતું હોય તો બહુ ફાયદો થાય છે એ વાત સાથે સહમત થતાં મીરા રોડના બિઝનેસમૅન શૈલેશ કોઠારી કહે છે, ‘મને તો તૃપ્તિના ડ્રાઇવિંગ પર મારા કરતાં વધારે ભરોસો છે. મેં બે-ત્રણ વાર કાર ઠોકી દીધી છે, પરંતુ તેનાથી નજીવો અકસ્માત પણ હજી સુધી થયો નથી. પાર્કિંગથી લઈને સ્પીડ સુધીના તમામ નિયમોની તેને જાણકારી છે. સાંકડી જગ્યામાંથી કઈ રીતે કાર કાઢવી એ પણ તેને બખૂબી આવડે છે. ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો તેને મૂકવા-લેવા જવાની જવાબદારી પણ તે સાચવી લે છે. બે-ત્રણ વાર તો તે મુંબઈથી ગુજરાત જઈ આવી છે. અમારા ઘરમાં તો કાર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી તેના માથે જ હોય છે. એનાં બે કારણ છે. એક તો એ કે હું ધંધામાં ખૂબ જ વ્યસ્ત રહું છું તેથી સામાજિક વ્યવહારો સાચવી શકતો નથી અને બીજું, મારાં મમ્મીની ઉંમર થઈ ગઈ છે તેથી તેઓ ટ્રેનમાં ચડી શકતાં નથી. આવા સમયે તૃપ્તિને કાર ચલાવતાં આવડે છે એ મારા માટે હરખાવા જેવી વાત છે. સાસુ-વહુ બધે જઈ આવે છે તેથી હું નિશ્ચિંતપણે મારા કામકાજમાં ધ્યાન આપી શકું છું. મારા કેસમાં તો એવું છે કે કોઈક વાર મને સમય મળે તો તૃપ્તિ પાસેથી કારની ચાવી માગવી પડે અને કહેવું પડે કે આજે પ્રૅક્ટિસ કરવા દે નહીં તો હું કાર ચલાવતાં ભૂલી જઈશ. મારું માનવું છે કે સમયનો અભાવ હોય એવા પુરુષે તેમની પત્ની પર ભરોસો મૂકીને ડ્રાઇવિંગની જવાબદારી સોંપી દેવી જોઈએ.’

ડ્રાઇવિંગ સારી રીતે જાણતી લેડીઝને પણ અમુક બાબતો ફાવતી નથી એમ જણાવતાં ચેમ્બુરના વિરલ ગાંધી કહે છે, ‘પેટ્રોલ-પમ્પ પર લાંબી લાઇનમાં ઊભા રહેવું, વ્યસ્ત રસ્તા પર પાર્કિંગ માટે જગ્યા શોધવી, સિગ્નલ પર નજર રાખવી વગેરે જેવી સામાન્ય કહી શકાય એવી બાબતોમાં પુરુષની સરખામણીએ સ્ત્રીઓ પાછી પડે છે. જોકે તેઓ નિયમોનું ઉલ્લંઘન નથી કરતી એ સારી વાત છે. પુરુષો એકસરખી સ્પીડમાં કાર ચલાવે છે, જ્યારે સ્ત્રીઓની સ્પીડ નિયમ અનુસાર વધઘટ થાય છે. જેમ કે અમે નવી મુંબઈ જઈએ અને રસ્તામાં બ્રિજ આવે ત્યારે દીપ્તિ સ્પીડ ઘટાડી નાખે. બ્રિજ પર મૂકવામાં આવેલા વાહન ધીમે હંકારવાના બોર્ડને તે બરાબર ફૉલો કરે, જ્યારે હું એને ગંભીરતાથી ન લઉં. મારું માનવું છે કે પુરુષોને ઝડપ ઘટાડવી નથી ગમતી અને સ્ત્રીઓને ઝડપ વધારવી નથી ગમતી. તેથી હાઇવે પર કાર ચલાવવાની જવાબદારી શક્ય હોય ત્યાં સુધી પુરુષે જ ઉપાડવી જોઈએ. સિટીની અંદરના દાયરામાં પત્ની કાર લઈને ફર્યા કરે એ ચાલી જાય. એ લોકોને શૉપિંગ કરવું હોય કે લગ્નપ્રસંગોમાં ઘરથી વાડી સુધી આવ-જા કરવી હોય તો કાર સારી પડે. આ ઉપરાંત રવિવારે રજાના દિવસે લૉન્ગ ડ્રાઇવનો આનંદ લેવો હોય તો વહેલી સવારે રસ્તા પર ટ્રાફિક ન હોય ત્યારે નીકળી જવાનું. એ વખતે વાઇફને ડ્રાઇવિંગ-સીટ પર બેસાડી દેવાની અને આપણે થમ્સ અપની બૉટલ લઈને બાજુની સીટ પર ગોઠવાઈ પ્રકૃતિનો આનંદ લેવાનો. તેમને આવી રીતે કાર ચલાવવાનો ક્યારેક ચાન્સ આપીએ તો ખુશ થઈ જાય.’

સ્ત્રીઓનું ડ્રાઇવિંગ સ્લો ઍન્ડ સ્ટેડી હોય છે એટલે સલામતીની દૃષ્ટિએ સારું કહેવાય, પરંતુ રાતના સમયે ભારે વાહનોની વચ્ચે કાર ચલાવવાની હોય ત્યારે ધીમી ગતિ ન ચાલે તેથી ના પાડવી પડે છે. લૉન્ગ ડ્રાઇવ પર કે આઉટિંગ માટે નીકળ્યા હોઈએ અને ટાઇમપાસ કરવો હોય ત્યારે કારની ચાવી પકડાવી દેવાની એટલે પત્ની ખુશ

- યોગેશ વેદ, અંધેરી

અમારા ઘરમાં કાર ચલાવવાની જવાબદારી મારી પત્નીના માથે છે. મુંબઈથી લઈને ગુજરાત સુધી તમામ સામાજિક વ્યવહારોમાં હાજર રહેવા તે કારનો જ ઉપયોગ કરે છે. મને તેના ડ્રાઇવિંગ પર સંપૂર્ણ ભરોસો છે, પણ તેને મારા પર જરાય ભરોસો નથી. તેને કાર ચલાવતી જોઈને મને લાગે છે કે એક દિવસ હું ડ્રાઇવિંગ ભૂલી જઈશ

- શૈલેશ કોઠારી, મીરા રોડ


મારી વાઇફનું ડ્રાઇવિંગ સારું છે. બહારગામ જઈએ ત્યારે અમે વારાફરતી કાર ચલાવીએ છીએ. જોકે લેડીઝનો પ્રૉબ્લેમ એ છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું સરખી રીતે પાલન કરતી નથી. મારી વાઇફ પહેલાં ટ્રાફિક-પોલીસની ગેરહાજરીમાં સિગ્નલ કુદાવી દેતી હતી, પરંતુ જ્યારથી ઈ-ચલાન આવ્યું છે ત્યારથી તે નિયમોનું બરાબર પાલન કરતાં શીખી ગઈ છે

- મિલન ગાંધી, અંધેરી

રજાના દિવસે લૉન્ગ ડ્રાઇવનો આનંદ લેવો હોય તો વહેલી સવારે રસ્તા પર ટ્રાફિક ન હોય ત્યારે નીકળી જવાનું. એ વખતે વાઇફને ડ્રાઇવિંગ-સીટ પર બેસાડી દેવાની અને આપણે થમ્સ અપની બૉટલ લઈને બાજુની સીટ પર ગોઠવાઈ પ્રકૃતિનો આનંદ લેવાનો. આવી રીતે કાર ચલાવવાનો ક્યારેક ચાન્સ આપીએ તો તે ખુશ થઈ જાય

- વિરલ ગાંધી, ચેમ્બુર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK