શું તમને તમારું કામ કરવામાં મજા આવે છે?

તમારી આસપાસ કોઈને પણ આ સવાલ પૂછશો તો મહદંશે એનો જવાબ નામાં જ હશે; કારણ કે હવે કામ માત્ર કામ નથી રહ્યું, સ્પર્ધા બની ગયું છે જેનો બધાને થાક અને કંટાળો આવે છે. આ સમસ્યાનો કોઈ ઇલાજ ખરો? આવો જરા વિચારી જોઈએ

varun

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

તાજેતરમાં જ બાળકોનું વેકેશન પૂરું થયું અને સ્કૂલો ખૂલી ગઈ. વેકેશન પૂરું થવા આવે એટલે બાળકોના ચહેરાનું નૂર પણ જાણે ઊડી જાય. આઝાદ પંખી ફરી પાછાં પાંજરામાં પુરાઈ જાય. આખો દિવસ દોસ્તો સાથે બિન્ધાસ્ત રખડવાના સ્થાને ફરી પાછું સ્કૂલ, હોમવર્ક અને ટ્યુશનનાં સમયપત્રક સાચવવાં પડે. ધૂળ, માટી અને પસીનાથી ખરડાયેલાં મેલાંઘેલાં કપડાંના સ્થાને સ્કૂલના ઇસ્ત્રીટાઇટ યુનિફૉર્મમાં ફરી પાછું જાણે બાળપણ જકડાઈ જાય. આ બધું જોતાં આ વખતે સ્કૂલ ચાલુ થવાની હતી ત્યારે મારી સોસાયટીમાં રહેતો એક છોકરો પોતાની મમ્મીને કહેવા લાગ્યો, ‘મમ્મી, હું ક્યારે રિટાયર થઈશ અને મારા જીવનમાં પૂર્ણ શાંતિ ક્યારે આવશે? બલ્કે મને તો સ્કૂલમાં પણ નથી જવું. મારે તો ભણવું પણ નથી. મને સ્કૂલમાંથી ઉઠાડી દો. મને તો આ ભણવાનું ને પછી નોકરી કે બિઝનેસ કરવાનો વગેરે બધાનો જ બહુ કંટાળો આવે છે.’

નાના બાળકના મોઢે આવી વાત જેટલી હાસ્યાસ્પદ લાગે એટલી જ આર્યજનક પણ લાગે, પરંતુ હકીકત તો એ છે કે આપણી આસપાસ જરા નજર કરીશું તો આવા એકાદ-બે નહીં બલ્કે અઢળક લોકો મળી આવશે જેમને પોતાનું કામ કરવાનો કંટાળો આવે છે. એટલા માટે નહીં કે તેઓ આળસુ છે કે તેમને કશું કરવું જ નથી, પરંતુ તેમનું માનવું છે કે તેઓ જે કામ કરી રહ્યા છે એ વાસ્તવમાં કોઈ કામનું નથી. નથી તેમને પોતાનું કામ કોઈ મહત્વનું લાગતું કે નથી તેમને પોતાના કામમાંથી કોઈ મજા આવતી. અરે, ત્યાં સુધી કે કેટલાકનું તો એવું પણ માનવું છે કે પોતે જે કામ કરી રહ્યા છે એ ન થાય તો પણ કોઈ ફરક પડતો નથી.

૨૦૧૩માં હાવર્ડ  બિઝનેસ રિવ્યુ દ્વારા ૧૨ હજાર નોકરિયાતો પર કરવામાં આવેલા એક સર્વેમાં અડધોઅડધ લોકોએ પોતાનું કામ નકામું અને નિરર્થક લાગતું હોવાનું કબૂલ કર્યું હતું, જ્યારે બીજા અડધા જે કંપનીમાં કામ કરતા હતા એના ધ્યેય સાથે સહમત નહોતા. દુનિયાના ૧૪૨ દેશોમાં કરવામાં આવેલા અન્ય એક સર્વેમાં માત્ર ૧૩ જ ટકા લોકોને પોતાનું કામ ગમતું હતું, જ્યારે બ્રિટનમાં કરવામાં આવેલા અન્ય એક સર્વેમાં ૩૭ ટકા લોકોનું માનવું હતું કે તેમનું કામ વાસ્તવમાં સાવ વાહિયાત છે. ભલેને કાગળ પર આ નોકરીઓ વાંચવામાં બહુ સારી લાગતી હોય, ભલેને એ નોકરી કરવાનો તેમને પગાર પણ બહુ તગડો મળતો હોય એમ છતાં રોજ સાંજે ઘરે જતી વખતે તો તેમના કામનો કોઈ અર્થ નથી એ જ વસવસો તેમને સતાવતો હોય છે.

ક્યારેક વિચાર આવે કે અચાનક જ બધાને શું થઈ ગયું છે? શું ખરેખર જ દુનિયામાં એકાએક સારાં કામનો અકાળ વ્યાપી ગયો છે કે પછી કામને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે? ઇકૉનૉમિસ્ટોનું માનવું છે કે ઔદ્યોગિક ક્રાન્તિને પગલે છેલ્લા કેટલાક દાયકામાં દુનિયાભરમાં માણસોએ જાતે કરવા પડતાં કામમાંથી ૮૦ ટકાથી વધુ હવે મશીનો દ્વારા થવા માંડ્યાં છે. આ જ કારણ હતું કે ઔદ્યોગિક ક્રાન્તિની શરૂઆતમાં વિદ્વાનોને મશીનોની ઉપયોગિતા વધતાં બેકારી અને બેરોજગારી વધવાની ચિંતા સતાવી રહી હતી. અલબત્ત, થયું એનું ઊંધું. ન ફક્ત દુનિયાભરમાં નવા જ પ્રકારની નોકરીઓની ડિમાન્ડ ઊભી થઈ, પરંતુ પહેલાં ક્યારેય નહોતાં એવાં કામ કરનારાઓની જરૂરિયાત પણ ઊભી થઈ. આ સાથે મશીનો આવવાથી લોકોના કામના કલાકો ઘટવાની જે આગાહી થઈ રહી હતી એ પણ ખોટી પડી. એમ છતાં પોતાના કામ દ્વારા લોકોને મળતા આનંદ અને સંતોષનું પ્રમાણ તળિયે આવી ગયું છે.

ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થયું? આવું થયું, કારણ કે આપણે કામની સાથે કામમાંથી મળતા આનંદને નહીં પરંતુ સ્પર્ધાને જોડી દીધી. ટાર્ગેટ્સ પૂરા કરવાની સ્પર્ધા, પ્રમોશનની સ્પર્ધા, પગારવધારાની સ્પર્ધા વગેરે-વગેરે. બલ્કે હવે તો આપણી આ સ્પર્ધાત્મક માનસિકતાની યાદી એટલી લાંબી થઈ ગઈ છે કે લોકો દર શનિ-રવિ મોંઘીદાટ હોટેલમાં જમવાની સ્પર્ધાથી લઈ વર્ષમાં બે વાર લાંબા વેકેશન પર જવાની તથા સોશ્યલ મીડિયા પર ખુશ દેખાવાની સ્પર્ધામાં પણ ઊતરવા માંડ્યા છે.

વ્યક્તિ પોતાના વિકાસ માટે સ્પર્ધામાં ઊતરે એમાં કશું ખોટું નથી. બલ્કે દરેકને પોતાના જીવનમાં આગળ વધવાની છૂટ અને મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ, પરંતુ એ માટેની સ્પર્ધા પણ સ્વસ્થ હોવી જોઈએ. બીજાની રેખા નાની કરીને નહીં, પોતાની રેખા લાંબી કરવાની સ્પર્ધા હોવી જોઈએ. અર્થાત સ્પર્ધા પોતાની જાત સાથેની હોવી જોઈએ, પોતાનું કામ વધુ સારી રીતે કરવાની હોવી જોઈએ. જોકે જે દિવસથી લોકો બીજાનું બગાડીને પોતાનું સુધારવાની સ્પર્ધામાં લાગી ગયા એ દિવસથી આપણને કામમાંથી મળતો આનંદ છીનવાઈ ગયો.

તેથી હવે જે દોડ છે એ પોતાની દાળરોટી રળવાની નથી રહી બલ્કે નોકરી ટકાવી રાખવાની બની ગઈ છે. આ જ કારણ છે કે સોમવારે માણસ નોકરીધંધે જાય છે ત્યારે તે પોતાની રોજીરોટી કમાવા નહીં, પોતાના નોકરીધંધા બચાવવા જાય છે. એમાંથી જે પૈસા કે પગાર મળે છે એ જાણે એની બાયપ્રોડક્ટ બની ગઈ છે. જનમાનસનું આ જ પ્રતિબિંબ દર સોમવારે સોશ્યલ મીડિયા પર મન્ડેબ્લુઝ લેબલ હેઠળ મૂકવામાં આવતી પોસ્ટમાં પણ જોઈ શકાય છે. મન્ડેબ્લુઝ એટલે શનિ-રવિ પોતાના ઘર-પરિવારના કમ્ફર્ટ ઝોનમાં વિતાવ્યા બાદ દર સોમવારે ફરી પાછો કામે લાગવામાં આવતો કંટાળો. ક્યારેય આપણે આજે સોમવાર છે, મજા પડી જશે, આખું અઠવાડિયું કામ કરવામાં આનંદ આવશે એવું ક્યાંય કશું વાંચીએ છીએ? ક્યાંય નહીં, કારણ કે સોમવારે કામે જતા લોકોને પોતાની દાળરોટી રળવા જવાની લાગણી નથી થતી બલ્કે યુદ્ધના મોરચે જતા હોવાનો ધ્રાસકો અનુભવાય છે. ફરી પાછું ઑફિસ જવું પડશે, બૉસને ખુશ રાખવા પડશે, અન્ય ઉપરીઓની ચાપલૂસી કરવી પડશે, સહયોગીઓના ટાંટિયા ખેંચીને નીચે પાડવા પડશે, એ માટે રાજકારણ ખેલવું પડશે વગેરે-વગેરે. આવી માનસિકતા સાથે કામે જતો માણસ પોતાના કામથી ખુશ કેવી રીતે હોઈ શકે?

ચોખ્ખા દિલથી વિચારો તો લાગે કે ખરેખર તો આ સમસ્યાનો ઇલાજ સાવ સામાન્ય છે. દરેક વ્યક્તિ પોતપોતાનું કામ પૂરતી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવાનો પ્રયાસ કરે તો ન ફક્ત તેનો, આખા સમાજનો વિકાસ નક્કી છે. એકમેકને નીચે પાડવા કરતાં જો દરેક વ્યક્તિ પોતાના કામને વધુ બહેતર બનાવવા પર ફોકસ કરે; કામને નવી રીતે કરવા પર; નવાં લક્ષ્ય, નવાં ઇનોવેશન્સ અને નવી સ્ટાઇલ વગેરે ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો સફળતા નિશ્ચિત જ છે. બલ્કે આ અભિગમથી તો ન ગમતું કામ પણ પ્રિય બનાવી શકાય છે તો ગમતું કામ તો સ્વાભાવિક રીતે જ અતિપ્રિય બની જવાનું! પછી નહીં રહે કામનો થાક કે નહીં રહે કામનો કંટાળો. દર સોમવારે આપણે નવી જ ઊર્જા‍ સાથે પોતાના કામને ગળે લગાડી શકીશું.

પરંતુ આ કોઈ એકલદોકલના હાથની વાત નથી. આ એક આખી નવી જ પ્રકારની સમાજવ્યવસ્થા નિર્માણ કરવાની વાત છે તેથી એના ઘડતરમાં પણ આખા સમાજે જ લાગી જવું પડે. પરંતુ શું આપણે બધા એ માટે સાથે મળીને કામ કરવા તૈયાર છીએ?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK