ગુજરાતની ટીનેજ છોકરીઓ માટે પૅડવુમન બની રહી છે મુંબઈની આ બે ગર્લ્સ

કાંદિવલીની વ્રિશા વ્યાસ અને હિનલ જાજલે તન અને મનની સ્વચ્છતા તેમ જ  પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારની છ સ્કૂલમાં પૅડ-ડિસ્પેન્સર અને પૅડ-ડિસ્પોઝર મશીન મુકાવી શરૂ કર્યું અનોખું સેવા-અભિયાન

pad

યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

કાંદિવલીની બે ટીનેજ ગર્લ્સ દ્વારા મેન્સ્ટ્રુએશન સાઇકલ દરમ્યાન રાખવી પડતી સ્વચ્છતા વિશે વિદ્યાર્થિનીઓમાં જાગ્રતતા લાવવા શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ ગુજરાતની છ સ્કૂલોમાં સૅનિટરી પૅડ-ડિસ્પેન્સર મશીન તેમ જ પૅડ-ડિસ્પોઝર મશીન બેસાડવામાં આવ્યાં છે. દહિસર ચેકનાકા પાસે આવેલી સિંગાપોર ઇન્ટરનૅશનલ સ્કૂલના અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વ્રિશા વ્યાસ અને ૧૭ વર્ષની હિનલ જાજલે માસિક સ્રાવ દરમ્યાન ટીનેજ ગર્લ્સ અને યુવતીઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનો હલ શોધી અનોખું સેવા અભિયાન શરૂ કર્યું છે. સ્કૂલના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલા CAS એટલે કે ક્રીએટિવિટી, ઍક્ટિવિટી અને સર્વિસ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે અમલમાં મૂકવામાં આવેલા એક વિચારે હવે NGOનું સ્વરૂપ લઈ લીધું છે. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી ટીનેજ ગર્લ્સને માત્ર બે રૂપિયામાં સૅનિટરી પૅડ મળી રહે એવાં મશીન સ્કૂલમાં મૂકવામાં આવી રહ્યાં છે.

ફિલ્મ ‘પૅડમૅન’ બની નિમિત્ત

આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી એ સવાલનો જવાબ આપતાં વ્રિશા કહે છે, ‘સ્કૂલના અભ્યાસક્રમ અનુસાર વેકેશનમાં અમારે CAS પ્રોજેક્ટ પર કામ કરવાનું હતું. અમારી પાસે પસંદગીના ત્રણ વિષયો હતા. ક્રીએટીવિટીમાં કોઈ સર્જનાત્મક કાર્ય કરી બતાવવાનું હોય. બીજો વિષય હતો ઍક્ટિવિટીનો; જેમાં સ્ર્પોટ્સ, ઍડ્વેન્ચર કે પેઇન્ટિંગ જેવી કોઈ પ્રવૃત્તિ કરવાની હોય અને ત્રીજો વિષય હતો સર્વિસ. સર્વિસમાં તમારે કોઈ પણ પ્રકારની સેવા આપવાની હોય; પછી એ સમાજસેવા હોય, ગરીબોને સહાય કરી હોય કે ઘરકામમાં મમ્મીને મદદ કરી હોય. કોઈ પણ એક વિષય પસંદ કરી એના પર કામ કરવાનું અને રિપોર્ટ સબમિટ કરવાનો. અમે લોકોએ હજી વિષયની પસંદગી કરી નહોતી. એ દરમ્યાન હું અને હિનલ અક્ષયકુમારની ફિલ્મ ‘પૅડમૅન’ જોવા ગયાં. ફિલ્મ જોયા બાદ અમને વિચાર આવ્યો કે આજે પણ આપણા દેશમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં મેન્સ્ટ્રુએશનને લઈને અનેક ગેરસમજણો છે, જેને દૂર કરવાની અત્યંત જરૂર છે. અમે લોકોએ આ જ પ્રોજેક્ટ પર કામ કરવાનું નક્કી કર્યું. વાસ્તવમાં અમારા આ સેવા-અભિયાનમાં ‘પૅડમૅન’ ફિલ્મ નિમિત્ત બની છે.’

ગુજરાતની સ્કૂલોની પસંદગી શા માટે?


પ્રોજેક્ટ માટે સર્વિસ વિષય પસંદ કર્યા બાદ એને અમલમાં કઈ રીતે મૂકવામાં આવ્યો એ સંદર્ભે આગળ વાત કરતાં વ્રિશા કહે છે, ‘આ દિશામાં રિસર્ચ કર્યા બાદ અમને ખયાલ આવ્યો કે ગ્રામીણ વિસ્તારમાં રહેતી છોકરીઓ આજે પણ આ બાબતે વાત કરતાં શરમ અને સંકોચ અનુભવે છે. ઉપરાંત તેઓ પૅડ કે અન્ય હાઇજીનિક વસ્તુઓ વાપરતા જ નથી. અમે નક્કી કર્યું કે સ્કૂલોમાં જઈ છોકરીઓ સાથે વાત કરી માસિક ધર્મને લઈને તેમની ખોટી માન્યતાઓને દૂર કરવાનો તેમ જ આ સમય દરમ્યાન રાખવી પડતી સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું. જોકે છોકરીઓને સમજાવવું સરળ નહોતું, કારણ કે પિરિયડ આવે છે એવું બોલવા માટે પણ તેઓ તૈયાર થતી નહીં. તેમને કમ્ફર્ટ કરવામાં અમને ઘણો સમય લાગ્યો. ગુજરાતની પસંદગી કરવાનું મુખ્ય કારણ એ કે આપણું વતન છે. ગયા વર્ષે મારા બર્થ-ડે સેલિબ્રેશન માટે પપ્પા અમારા મૂળ વતન ખેડ લઈ ગયા હતા. ત્યાંની સ્કૂલમાં અમે ચૉકલેટ્સ અને કેક વહેંચી હતી. આટલી નાનીઅમથી ગિફ્ટ આપી એમાં પણ એ લોકો એટલા ખુશ થઈ ગયા કે મને થયું અહીં ખૂબ જ ગરીબી છે અને આ લોકોને આપણી જરૂરિયાત પણ છે. બીજું મેં જોયું કે અહીંની છોકરીઓ બહુ શરમાળ છે. અમે નક્કી કર્યું કે પ્રોજેક્ટની શરૂઆત અહીંથી જ કરવી જોઈએ.’

મશીન માટે ઊભું કર્યું ફન્ડ

માસિક સ્રાવ દરમ્યાન સ્વચ્છતા બાબતે સ્કૂલોમાં જઈને સમજાવવા માત્રથી કંઈ વળશે નહીં એમ જણાવતાં હિનલ જાજલ કહે છે, ‘વાસ્તવમાં અમારો પ્રોજેક્ટ હતો સ્કૂલમાં જઈને છોકરીઓમાં આ બાબતે જાગૃતિ લાવવાનો અને એનો રિપોર્ટ સ્કૂલમાં સબમિટ કરી દેવાનો, પરંતુ જ્યારે અમે તેમને મળ્યાં અને ગામની દશા જોઈ ત્યારે સમજાયું કે છોકરીઓ ધારે તો પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે એમ નથી; કારણ કે અહીં પૅડ મળતાં જ નથી. જો સાધન ઉપલબ્ધ જ ન હોય તો અમારા સમજાવવાનો કોઈ અર્થ સરે નહીં. અહીંથી જ શરૂઆત થઈ અમારા સેવા-અભિયાનની. અમે છોકરીઓને પૅડ આપવાનું નક્કી કર્યું. આ દિશામાં જેમ-જેમ આગળ વધતાં ગયાં એમ એક નવી જ સમસ્યા સામે આવી. એકાદ વાર પૅડ ડોનેટ કરી દેવાથી કંઈ સમસ્યાનો હલ ન નીકળે. છોકરીઓ માટે પૅડ જીવનાવશ્યક વસ્તુ છે. ઉપરાંત ગામડાની છોકરીઓને પૅડની ખરીદી કરવી પરવડે નહીં. જો કાયમી ધોરણે સાધનની વ્યવસ્થા ન થાય તો ફરીથી એ લોકો એ જ જૂની પદ્ધતિ અપનાવવા લાગશે. અમે ફરીથી રિસર્ચ શરૂ કર્યું. વિદેશમાં મળે છે એવાં પૅડ-ડિસ્પેન્સર મશીનો મૂકવા ઇન્ટરનેટ પર શોધખોળ કરી. દક્ષિણ ભારતમાં પૅડ-ડિસ્પેન્સર મશીન બને છે એ જાણકારી પ્રાપ્ત થયા બાદ મશીનની કિંમત અને ડોનેશન માટે ઝુંબેશ શરૂ કરી. આ સમય દરમ્યાન સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે વાતચીત પણ ચાલતી હતી. મશીનની વ્યવસ્થા થયા બાદ બીજો પ્રશ્ન ઊભો થયો. અમને થયું કે જો પૅડના નિકાલની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવીએ તો કદાચ પર્યાવરણપ્રેમીઓનો વિરોધ વહોરવો પડશે. તેથી અમે પૅડ-ડિસ્પોઝર મશીન મૂકવા પર પણ ભાર મૂક્યો.

પૅડ-ડિસ્પોઝરમાં નાખવામાં આવેલા વપરાયેલા એક પૅડમાંથી એક ગ્રામ ખાતર તૈયાર થશે, જેનો ઉપયોગ ખેતરમાં કરી શકાશે.’

વાતનો દોર હાથમાં લઈ વ્રિશા કહે છે, ‘મશીન અને પૅડની વ્યવસ્થા કાયમી ધોરણે ત્યારે જ શક્ય બને જ્યારે ફન્ડ હોય. બીજું, છોકરીઓને પરવડવું પણ જોઈએ. સામાન્ય રીતે એક પૅડની કિંમત પાંચ રૂપિયા ગણો અને ૨૦૦૦ છોકરીઓમાંથી ૧૫૦૦ છોકરીઓ મશીન વાપરે તેમ જ દર મહિને છોકરીદીઠ ૧૫ પૅડ વપરાય તો પણ મહિને ૨૨,૫૦૦ હજાર પૅડની વ્યવસ્થા કરવી પડે. હવે પાંચ રૂપિયાનો ખર્ચ પણ એ લોકોને પોસાય નહીં. આટલાંબધાં પૅડ કાયમી ધોરણે કઈ રીતે ઉપલબ્ધ થાય? એક પૅડ-ઉત્પાદકે અમારી સહાય કરી અને કાયમી ધોરણે ૩.૫૦ રૂપિયાની કુલ કૉસ્ટ પડે એ રીતે પૅડ આપવાની તૈયારી બતાવી એટલે અમારી હિંમત વધી. અમે લોકોએ માત્ર બે રૂપિયામાં પૅડ આપવાનું નક્કી કર્યું અને દર મહિને ૨૨,૫૦૦ પૅડ માટે ઘટતા દોઢ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે STaMP ચૅરિટેબલ ટ્રસ્ટ નામના NGOની સ્થાપના કરી. છોકરીઓને મહિને દહાડે ૩૦ રૂપિયા બચાવવા સમજાવ્યું. રોજનો એક રૂપિયો તમારા સ્વાસ્થ્યની કાળજી માટે બચાવવો જ પડશે એ વાત તેમના ગળે ઉતારી. અનેક પડકારોનો સામનો કર્યા બાદ ૧૮ જૂને એક હાઈ સ્કૂલમાં પ્રથમ

મશીન મૂકી અમે આ અભિયાનના શ્રીગણેશ કર્યા.’

શું છે આ STaMP?

STaMPનો અર્થ સમજાવતાં વ્રિશા અને હિનલ કહે છે, ‘S એટલે સ્વચ્છતા, TA એટલે તનની સ્વચ્છતા, M એટલે મનની શુદ્ધિ અને P એટલે પર્યાવરણની સુરક્ષા. સ્વચ્છ તન મન પર્યાવરણ ચૅરિટેબલ ટ્રસ્ટ મારફત કાયમી ધોરણે છ સ્કૂલમાં પૅડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ NGO દ્વારા ગ્રામીણ વિસ્તારની વધુ સ્કૂલોમાં આ પ્રકારની સુવિધા ઊભી કરવા અને ફન્ડ ઊભું કરવા અમે કમર કસી છે. ભવિષ્યમાં આ અભિયાનને અમે આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માગીએ છીએ અને તેથી જ આવું અંગ્રેજી નામ આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ ગુજરાત રાજ્યમાં રજિસ્ટર કરવામાં આવ્યું છે.’

વ્રિશા ટ્રસ્ટની CEO તરીકે ફરજ બજાવશે અને હિનલ PRO તરીકે સેવા આપશે. પોતાના સેવા-અભિયાનને આગળ વધારવા હાલમાં બન્ને ટીનેજરો એક વેબસાઇટ પર કામ કરી રહી છે. ૧૫ ઑગસ્ટના દિવસે આ વેબસાઇટ પબ્લિક માટે ખુલ્લી મૂકવામાં આવશે.

STaMPનો સંપર્ક કરવા ૯૮૨૦૯૭૦૨૧૯ પર ફોન કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK