થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ

કેમ ભાઈ, શું કામ? ઇચ્છાઓને મારી નાખવાનું કામ પહેલાં શાસ્ત્રોએ કર્યું અને એ પછી આ જ કામ આપણા પૂર્વજોએ કરી બતાવ્યું, પણ આ માનવામાં માલ નથી અને આ રસ્તે ચાલવામાં સાર પણ નથી

notes

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

પૅટર્ન જ ખોટી પાડી દીધી છે આપણા સૌની. પહેલેથી જ કહી દેવામાં આવે છે, ક્યાં વધારે જરૂર છે, કરવાનું કોના માટે, શું કામ આટલું ભાગવાનું, શું ભેગું કરીને કરીશું અને એવું ઘણું-ઘણું કહી દેવામાં આવે છે. શાયર પણ સાલ્લા આ જ લોકોની સાથે ઊભા રહીને લલકારવા માંડે છે : થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ. ના ભાઈ, ના. જરાપણ નહીં અને ક્યારેય નહીં. શું કામ થોડું હોય અને થોડું મળી જાય તો ખુશ થવાનું, શું કામ? શું કામ ઇચ્છાઓનો વધ કરવાનો અને શું કામ અપેક્ષાઓની હત્યાનું પાપ મસ્તક પર લેવાનું. પહેલાં આ કામ શાસ્ત્રોએ કર્યું અને એ પછી આ જવાબદારી વડીલોએ લઈ લીધી, પૂર્વજોએ લઈ લીધી; પણ આ વાત માનવામાં માલ નથી અને આ રસ્તે ચાલવામાં સાર પણ નથી.

ઇચ્છાઓને આધીન થવાનું કામ ક્યારેક તો જીવનમાં થવું જોઈએને. જો ઇચ્છાઓમાં વિકૃતિ ન હોય, જો ઇચ્છાઓમાં કોઈનું અહિત ન હોય અને જો ઇચ્છાઓમાં કોઈને નુકસાન ન જતું હોય તો પછી એ ઇચ્છાઓને આ ‘થોડા હૈ, થોડે કી ઝરૂરત’નું ટૅગ મારવાની જરૂર નથી. યાદ રાખજો, માઇન્ડને આ પ્રકારે કેળવી દેવામાં આવ્યું છે અને એ કેળવી દેવામાં આવ્યું છે એટલે હવે એ દિમાગ પણ ગાંડું થઈને આ જ પૅટર્ન પર કામ કરે છે. એ પણ આ જ ગાણું ગાયા કરે છે અને આ ગાણું ગાઈને એ જ દિશામાં લઈ જવાનું કામ કરે છે; પણ ભૂલતા નહીં, આ દિમાગ જેવું શ્રેષ્ઠ સર્વન્ટ જગતમાં બીજું કોઈ નથી. એ એટલું જ કરે છે જેટલું તમે એને કહો છો. એ એટલું જ દોડે છે જેટલું તમે એને દોડાવો છો અને એ એટલું જ આપે છે જેટલું તમે એને ઑર્ડર કરો છો.

ન કમ, ન ઝ્યાદા.

જો એને તમારા આદેશની આટલી જ કદર હોય તો શીખેલી કે પછી પરાણે શીખવવામાં આવેલી પૅટર્નને તોડી નાખો અને એ દિશામાં આગળ નીકળી જાઓ જે દિશામાં આગળ જવાની, આગળ વધવાની ના પાડી દેવામાં આવી છે. શરત માત્ર એક જ કે ઇચ્છાની એ દિશા કોઈને હાનિ પહોંચાડનારી કે પછી કોઈને દુખ આપનારી ન હોવી જોઈએ. એ ઇચ્છામાં કોઈના માટે વિકૃતિ ન હોવી જોઈએ અને કોઈને નુકસાન પહોંચાડવાની ક્ષમતા પણ એનામાં હોય નહીં. બાકી એક વાત બહુ સ્પષ્ટ છે. પાણી માગશો તો દૂધ મળશે એ વાત સદંતર ખોટી છે. પાણી માગો તો પાણી જ મળે અને દૂધ મળવું પણ શું કામ જોઈએ. તમે પાણી જ માગ્યું છે તો પછી પાણી જ મળવું જોઈએ.

એક બેડરૂમના ફ્લૅટમાં હો અને બે બેડરૂમમાં જવાની ઇચ્છા થતી હોય તો એ ઇચ્છાને પૂરી કરવા માટે ભાગવું પડે, દોડવું પડે અને એ દોટ પણ મૂકવી જોઈએ. એ સમયે થોડા હૈ, થોડી કી ઝરૂરતની વ્યાખ્યાને જો અનુસરવા બેસો તો વાજબી પ્રાઇસમાં મળતો ટૂ-BHK ફ્લૅટ વેચાઈ જાય અને બીજો આવીને પોતાના સપનાના આશિયાનાને સજાવવાનું શરૂ કરી દે. ‘થોડા હૈ, થોડી કી ઝરૂરત’ની આ ફિલોસૉફી તાતા-બિરલા અને અંબાણીએ મસ્તકમાં નથી ભરી રાખી, એનો અર્થ શું એવો થયો કે તેમને જિંદગી જીવવા જેવી નથી લાગતી? એનો અર્થ શું એવો થયો કે એ લોકો જિંદગી નથી જીવતા? જીવે છે અને મારા-તમારા-આપણા કરતાં શ્રેષ્ઠ રીતે જીવે છે. વર્ષમાં બે વેકેશન કરે છે અને દર દસ દિવસે અબ્રૉડ પણ જાય છે. આ મહાનુભાવોને પણ ખબર જ છે કે બધું મૂકીને જ ફાની દુનિયાને અલવિદા કહેવાની છે અને તે એવું જ કરવાના છે અને એમ છતાં પણ દોટને ક્યાંય તેમણે ‘થોભ’ નથી કહ્યું. કહેવાનું પણ ન હોય.

મુંબઈના એક જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કપલને કોઈ બાળક નથી અને એ પછી પણ તેમણે ક્યારેય આવકને વધારવાનો કોઈ પ્રયાસ પડતો નથી મૂક્યો. આજે પણ એ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ફ્રેન્ડ રાતે એક વાગ્યા સુધી કામ કરે છે અને સવારે આઠ વાગ્યે તેમનો મોબાઇલ સેકન્ડ-લાઇન પર મળવા માંડે છે. એક વખત તેને પૂછ્યું હતું કે પાછળ ખર્ચનારું કોઈ નથી તો પછી શું કામ આટલું ભાગવાનું ત્યારે તેમણે જે જવાબ આપ્યો હતો એ જવાબ જીવનની ફિલસૂફી બનવાને સક્ષમ છે. તેમણે કહ્યું હતું, ‘તમને લાગે છે કે પાછળ ખર્ચ કરનારું કોઈ નથી, પણ હકીકત એ છે કે મેં પાંચ હજાર બાળકો અડૉપ્ટ કર્યાં છે અને મારે હજી પાંચ હજાર બાળકો અડૉપ્ટ કરવાં છે. મરીશ એ પહેલાં બધું ખર્ચી નાખીશ અને એની જ મને ખુશી છે. હું કમાયો અને મેં ખર્ચી નાખ્યું.’

જો શ્રેષ્ઠતમ જીવન જીવવું હોય તો અને જો શ્રેષ્ઠતમ સુવિધાઓ વાપરવી હોય તો પણ કમાવું અને કમાવા માટે ભાગવું જરૂરી છે. મંદિરમાં કે પછી દેરાસરમાં બેસીને પ્રભુધ્યાન ધરવું એ દરેક ઉંમરે સંતોષનો માપદંડ નથી, નથી ને નથી જ. એ નાસીપાસ માનસિકતાનું પણ પરિણામ હોઈ શકે છે અને એ આળસની પ્રકૃતિ પણ હોઈ શકે છે, એ ક્યાંક ને ક્યાંક શરણાગતિ સ્વીકારવાનો સ્વભાવ પણ હોઈ શકે છે અને એ ક્યાંક ને ક્યાંક જીવન પ્રત્યેના અણગમા કે પછી મિડલ ક્લાસ લાચારીને આદર આપવાની વૃત્તિ પણ હોઈ શકે છે. જગતમાં કેટલાક લોકો એવા છે પણ ખરા જેમને હંમેશાં મજબૂરી વહાલી લાગી છે અને જો એવા લોકો આસપાસમાં હોય તો પહેલું કામ એનાથી જોજનો દૂર જવાનું કરજો. જો એ કરવામાં થાપ ખાઈ ગયા તો એક દિવસ એવો આવીને ઊભો રહેશે કે જ્યારે તમે પણ કહેતા થઈ જશો, ‘થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ...’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK