ઘરમાં પતિની હાજરી પત્નીને ખટકે છે

રિસર્ચ કહે છે કે ચોવીસે કલાક ઘરમાં પડ્યોપાથર્યો રહેતો પુરુષ સ્ત્રીને સાસુ જેવો અળખામણો લાગે છે

serial

વર્ષા ચિતલિયા

આજના વ્યસ્ત સમયમાં પુરુષો ઘરે આવ્યા બાદ પણ મોબાઇલ અથવા લૅપટૉપના માધ્યમથી ઑફિસનાં કામ કરતા હોય છે. આખો દિવસ કામમાં જ રચ્યાપચ્યા રહેતા લોકોની પત્નીઓને પતિનો ફોન બીજી પત્ની જેવો લાગે છે. આપણે ઘણી વાર સ્ત્રીઓને તેમના પતિના કામકાજ વિશે વાત કરતાં સાંભળીએ છીએ કે નોકરી તેમની પહેલી પત્ની છે અને હું બીજી. આ વાત મજાકમાં જ કહેવાતી હશે કે ખરેખર સ્ત્રીઓ પોતાનો બળાપો કાઢતી હશે એ તો કહી ન શકાય, પરંતુ તાજેતરમાં આ સંદર્ભે એક નવું જ સંશોધન બહાર આવ્યું છે. ઑફિસનાં કામ ઘરે લાવતા પુરુષોની પત્નીઓ કરતાં પણ વધારે પરેશાન એ પત્નીઓ છે જેમના પતિદેવ ઘરમાં રહીને પોતાનો વ્યવસાય કરે છે. આ સંશોધનમાં શોધી કાઢવામાં આવ્યું છે કે ઘરેથી કામ કરનારા પુરુષોની પત્નીને તેનો પતિ સાસુ જેવો અળખામણો લાગે છે.

રિસર્ચ કહે છે કે આખો દિવસ ઘરમાં રહેતા પતિના કારણે પારિવારિક સંબંધોમાં કડવાશ આવે છે. ચોવીસે કલાક પતિની હાજરીથી પત્નીની સ્વતંત્રતા છીનવાઈ જાય છે, પરિણામે અંગત જીવનમાં ખટરાગ ઊભો થાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે એમાં આર્યની વાત નથી, સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિને અમુક સમયે મોકળાશ જોઈતી હોય છે. આખો દિવસ ઘરમાં પડ્યાપાથર્યા રહેતા પતિની નજર પત્નીની દરેક ગતિવિધિ પર પડે છે, જે સંબંધોમાં તાણ અને તિરાડ ઊભાં કરવાનું કામ કરે છે. એક હજારથી વધારે સ્ત્રીઓ સાથે વાત કર્યા બાદ નોંધવામાં આવ્યું હતું કે સાસુની કચકચથી સ્ત્રીઓ સમય જતાં ટેવાઈ જાય છે, પરંતુ પતિની કચકચ તેમને ખટકે છે. આજે આપણે એવી પત્નીઓને મળીએ જેમના પતિદેવ ઘરેથી પોતાનો બિઝનેસ કરે છે. શું પતિદેવની હાજરીથી તેમનું રોજિંદું કામકાજ ખોરવાઈ જાય છે? શું તેમના પતિ સાસુ જેવા કચકચિયા છે? આ સંદર્ભે તેમના અનુભવો, બળાપા અને સુઝાવોને રમૂજ સાથે મમળાવીએ.

આખો દિવસ ઘરમાં પતિની હાજરીથી ક્યારેક તો કંટાળો આવી જાય એ વાતની કબૂલાત કરતાં અંધેરીમાં રહેતાં ગૃહિણી તેજલ કાણકિયા કહે છે, ‘મારા હસબન્ડનો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ-સપ્લાયનો બિઝનેસ છે. તેમનું કામકાજ લોકો કરતાં ઊંધી દિશામાં ચાલે છે. બધા પુરુષો સોમથી શુક્ર ઑફિસમાં જઈને કામ કરતા હોય અને વીક-એન્ડ ફૅમિલી માટે ફાળવતા હોય, પરંતુ મારા પતિદેવ તો ચાલુ દિવસે ઘરમાં હોય અને વીક-એન્ડ આવે એટલે સુરત ઊપડી જાય. તેમણે મને લગ્ન પહેલાં જ જણાવી દીધું હતું કે હું તને ક્યારેય

વીક-એન્ડ આપી નહીં શકું. બીજું, અમારા ઘરમાં બધા જ પુરુષો રાતના રાજા છે. હું તો એ લોકોને લેટ લતીફ જ કહું છું. મોડી રાત સુધી રેડિયો પર ગીતો સાંભળે એટલે સવારે મોડા ઊઠે. હવે મારે તો બાળકોની સ્કૂલના કારણે વહેલા ઊઠવું જ પડે. હું સવારની ઊઠી હોઉં એટલે થાક લાગે ને તેઓ છેક બપોરે બે વાગ્યે જમવા બેસે. જેમના પતિ સવારના ટિફિન લઈને નીકળી જાય તેમને કેવી શાંતિ લાગતી હશે એવો વિચાર મને ઘણી વાર આવે. મને તો ટિફિન બનાવવાનો મોકો જ નથી મળ્યો. ક્યારેક બહાર જવું હોય તોય રોટલીની ચિંતા કરવાની. નાનાં-નાનાં કામો ઠેલાતાં જાય. કામનો ભાર હળવો થવાની જગ્યાએ હવે નવો ઉમેરો થયો છે. ઘરમાં રહીને બિઝનેસ કરતા હોય એટલે આપણે તેમના બિઝનેસનાં પણ કેટલાંક કામ કરી આપવાં પડે. હું નવરી પડું એટલે કમ્પ્યુટર પર બિલ બનાવવાં બેસાડી દે. બપોરે સૂવાનું તો વિચારી જ ન શકાય. જોકે હવે તો અઢાર વર્ષ થઈ ગયાં એટલે ટેવાઈ ગઈ છું.’

પતિની સામે પિયરિયાં સાથે વાત કરવી સ્ત્રીઓને ગમતી નથી એવી માન્યતા છે, પરંતુ મારા કેસમાં આ બાબતની શાંતિ છે એમ રમૂજમાં બોલતાં તેજલબહેન કહે છે, ‘વાસ્તવમાં મારા પિયરમાં એક બહેન સિવાય કોઈ છે જ નહીં. આમ તો હસબન્ડને બધી વાતની ખબર જ હોય અને ચોરીછૂપીથી કામ કરવાની કોઈ આવશ્યકતા નથી તો પણ કેટલીક વાર બહેન સાથે અંગત વાતો શૅર કરવાની ઇચ્છા થાય તો તેમની ગેરહાજરીમાં કરી લઈએ. મારા હસબન્ડને રોજ સવારમાં મંદિર જવાની ટેવ છે. તે મંદિર જવા ઊપડે એટલે ફોન કરી લેવાના. તેઓ ભલે ઘરમાં રહેતા હોય, પરંતુ બહાર ફરવા જવા પર કોઈ બીજી રોકટોક કે પ્રતિબંધ નથી રાખ્યા. તેઓ મને સેલ્ફ-એમ્પ્લૉઇડ બનવા માટે મોટિવેટ કરતા રહે છે. માત્ર તેમના ટાઇમ સાથે ઍડ્જસ્ટ કરવું પડે. બહેનપણીઓ સાથે મૂવી જોવા અથવા લંચ માટે બહાર જવાનું હોય તો શનિવારનો પ્રોગ્રામ બનાવું જેથી ઘરનાં કામકાજની ચિંતા ન રહે. કોઈ પણ સ્ત્રીને અમુક સમયે બ્રેક તો જોઈએ જ. વીક-એન્ડમાં મને થોડી શાંતિ લાગે. આ ઉપરાંત ઘરે હોય તો ક્યારેક મગજમારી થાય, પણ સાસુની જેમ કચકચ કરે છે એમ તો ન કહી શકું, કારણ કે મને તો સાસુનો અનુભવ જ નથી. ઊલટાનું મને તો એવું લાગે છે કે કદાચ તેમની હાજરી હોત તો કામ વહેંચાઈ ગયાં હોત અને આરામ મળતો હોત.’

ગૃહિણીને પતિની હાજરી ક્યારેક ખટકે, પરંતુ વર્કિંગ વુમનના હસબન્ડ જો ઘરેથી કામ કરતા હોય તો એ વરદાન છે એવો અભિપ્રાય આપતાં બોરીવલીમાં રહેતાં માનસી ગોરડિયા કહે છે, ‘હું કૉલેજમાં પ્રોફેસર છું અને મારા હસબન્ડ એક અમેરિકન કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર છે. તેઓ પાંચ વર્ષથી ઘરેથી જ કંપનીના ડેવલપિંગ પ્રોગ્રામ સંભાળે છે. અમારા બન્નેનો કામનો સમય એટલો અલગ છે કે ઘરનાં કેટલાંક કામ આપમેળે વહેંચાઈ જાય છે. બહારનાં કામ ઍડ્જસ્ટ થઈ જાય એટલે નિરાંત રહે. હું સવારે કૉલેજમાં જાઉં ત્યારે તે હજી ઊઠ્યા જ ન હોય અને આવું ત્યાં સુધીમાં તેઓ પરવારી ચૂક્યા હોય એટલે મને તેમનું કોઈ કામ પહોંચતું નથી. આપણા સમય અનુસાર તેમનું કામ સાંજે છ વાગ્યા પછી જ શરૂ થાય અને હું બપોરે એક વાગ્યે આવી જાઉં તેથી લગભગ પાંચ કલાકનો સમય અમને સાથે રહેવા મળે. હા, અમારે મૂવી જોવી હોય તો બપોરના શોમાં જવું પડે. લંચ સાથે લઈ શકીએ, પણ ડિનર માટે ન જઈ શકીએ. મને એક જ વાત ખટકે અને એ છે રાતે મોડે સુધી તેમની મીટિંગો. આપણી રાત અને અમેરિકાની સવાર એટલે તેમના વિડિયો-કૉલ્સથી કોઈક વાર ત્રાસ પડે. તે કામ કરતા હોય ત્યારે આપણે ઘરમાં મોટેથી બોલાય નહીં, ટીવી જોવા પર પાબંદી આવી જાય, કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તેમને કહી દેવું પડે કે તે નહીં મળી શકે, રાતે જમવા માટે પણ બોલાવી ન શકાય. આવા કેટલાક ગેરલાભ છે. મારા કેસમાં તો એવું છે કે લોકોને મારી ઈષ્ર્યા થાય છે, મને ઘણા લોકો કહે કે કેવું સારું હસબન્ડ ઘરેથી કામ કરે છે!’

ઘરમાં પતિદેવની હાજરીથી સ્વતંત્રતા છીનવાઈ જાય એ વાત પરિસ્થિતિ પર આધાર રાખે છે એવો અભિપ્રાય આપતાં બિન્દુબહેન કહે છે, ‘આપણા ગુજરાતી પરિવારમાં સ્વતંત્રતા છીનવાઈ જાય એવું બહુ ઓછું બને છે. ઘર હોય તો કોઈક વાર મગજમારી થાય અને અરસપરસની ચિંતા પણ થાય. સંસારમાં આવું તો ચાલતું જ રહેવાનું, એનાથી કંઈ અંગત સંબંધોમાં તિરાડ ન પડે. મારા કેસમાં અગાઉ જણાવ્યું એમ ઘર બહુ મોટું છે અને તેઓ તેમના કામમાં વ્યસ્ત રહે તેમ જ હું મારા રૂમમાં પડી રહું. અમે એકબીજાના કામમાં રસ ધરાવતાં નથી એટલે કોણ શું કરે છે એ બાબતની ચોખવટની આવશ્યકતા નથી રહેતી. બીજું એ કે અમારાં લગ્નને ૩૫ વર્ષ થઈ ગયાં છે, આટલાં વર્ષોમાં તો તમે બધી રીતે ટેવાઈ જાઓ. હવે મને પોતાને એમ થાય છે કે આ ઉંમરે બન્નેમાંથી કોઈએ દોડધામ ક્યાં કરવી છે.’ 

હાલમાં તો કામ ડહોળાઈ જતું હોય એવું કે કચકચ જેવું મને લાગતું નથી એમ જણાવતાં માનસીબહેન કહે છે, ‘મારાં લગ્નને હજી તો ચાર વર્ષ જ થયાં છે. સામાજિક અને પારિવારિક જવાબદારીઓ વધી નથી તેમ જ કામ વહેંચાઈ જાય છે તેથી અત્યારે તો ખબર પડતી નથી, પરંતુ કદાચ ભવિષ્યમાં તેમની હાજરી થોડી ખટકે એવું બને પણ ખરું. મને લાગે છે કે જેમ-જેમ જવાબદારી વધશે એમ મારાં કામ ડહોળાશે. એ સમયે મને વિચાર આવે પણ ખરો કે તેમની અહીંના સમય અનુસાર જૉબ હોત તો કેવું સારું થાત. બીજું એ કે ઘરમાં પુરુષની હાજરી હોય તો સ્ત્રીઓ તેમની અંગત વાતો પિયરિયાં સાથે શૅર કરતાં અચકાય એ સ્ત્રીસહજ સ્વભાવ છે. વાતમાં ન જણાવવા જેવું કંઈ ન હોય અથવા સાવ કામ વગરની નકામી વાતો અને ગપાટા જ હોય તો પણ દરેક સ્ત્રીને એમ થાય કે હું મમ્મી સાથે વાત કરું છું. મારા મતે આ બાબતને લઈને પણ કોઈક વાર પત્નીને પતિની હાજરી ખટકે છે.’

ઘરમાં પુરુષની હાજરીના કારણે રોજિંદાં કામ ડહોળાઈ જાય એ વાત સો ટકા સાચી છે, પરંતુ જો ઘરમાં વસ્તી ઓછી હોય તો પતિની હાજરીથી ઘર ભર્યું-ભર્યું લાગે એવો મત વ્યક્ત કરતાં બોરીવલીમાં રહેતાં બિન્દુ શાહ કહે છે, ‘જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો કે પરિવારના સભ્યોની સંખ્યા વધારે હોય તો ઘરેથી કામ ન જ થાય. ગૃહિણીનાં કામકાજ ખોરવાઈ જાય એટલે નહીં, પણ હસબન્ડનું કૉન્સન્ટ્રેશન પણ ન રહે. ઘર હોય તો લોકો આપસમાં વાતચીત તો કરે જને. આખો દિવસ કંઈ તમે એવું ધ્યાન ન રાખી શકો. તમે જોજો, ઘરમાં એક વ્યક્તિ પણ વધી જાય તો ગૃહિણીનું કામ વધુ ડહોળાય. મારા હસબન્ડ શૅરબ્રોકર છે અને ઘરમાં માત્ર અમે બે જ જણ રહીએ છીએ એટલે વાંધો નથી આવતો તેમ છતાં જમવાનો ટાઇમ કોઈક વાર ખોરવાઈ જાય છે. તેઓ સમયસર જમવા ન આવે તો મારે તેમની થાળી ઢાંકીને મૂકી દેવી પડે તેમ જ એકલાં જમી લેવું પડે, કારણ કે હું ડાયાબિટીઝની દરદી છું અને મારે દવાનો સમય સાચવવાનો હોય. બહાર જઈને કામ કરતા પુરુષોની પત્નીઓને જોઈને શરૂઆતમાં મને થતું કે એક ટિફિન મોકલી દઈએ એટલે પત્યું, આખો દિવસ રસોડામાં રમખાણ ન રહે. ઘરમાં રહેતા હસબન્ડને થોડી-થોડી વારે ચા-નાસ્તો અથવા ફ્રૂટ્સ કે એવું સમારીને આપવું પડે. એ રીતે થોડાં બંધાઈ જઈએ. મારું માનવું છે કે ઘરે રહીને કામ કરવાનો પુરુષોનો નિર્ણય અને સ્ત્રીનાં કામ પરિસ્થિતિ, જગ્યાની મોકળાશ અને પરિવારના સભ્યોની સંખ્યા પર નિર્ભર કરે છે.’

મારા હસબન્ડનું કામકાજ લોકો કરતાં ઊંધી દિશામાં ચાલે છે. બધા પુરુષો સોમથી શુક્ર ઑફિસમાં જઈને કામ કરતા હોય અને વીક-એન્ડ ફૅમિલી માટે ફાળવતા હોય, પરંતુ  મારા પતિદેવ તો ચાલુ દિવસે ઘરમાં હોય અને વીક-એન્ડ આવે એટલે સુરત ઊપડી જાય. અઢાર વર્ષથી આમ જ ચાલે છે. હસબન્ડ માટે ટિફિન બનાવવા જેવી પ્રથા કોને કહેવાય એનો મને અનુભવ જ નથી મળ્યો

- તેજલ અને નીલેશ કાણકિયા, અંધેરી

મારા હસબન્ડ અમેરિકન કંપની સાથે સંકળાયેલા છે તેથી તેમના કામનો સમય વિચિત્ર છે. આપણી રાત પડે ને તેની સવાર એટલે ઘરમાં શાંતિ રાખવી પડે. ટીવી પણ ન જોઈ શકાય અને મહેમાનોને પણ ના પાડવી પડે. જોકે વર્કિંગ વુમન તરીકે મને આ વાતથી ફાયદો પણ થયો છે. તેમને સવારમાં કોઈ કામ ન હોય એટલે બહારનાં કામ કરી આપે

- માનસી અને વિશાલ ગોરડિયા, બોરીવલી

ઘરમાં પતિદેવની હાજરીના ફાયદા છે તો કેટલાંક ભયસ્થાનો પણ છે. ઘરમાં જગ્યાની મોકળાશ હોય અને પરિવારના સભ્યોની સંખ્યા ઓછી હોય તો ઘરે બેસીને કામ કરતા હસબન્ડથી વસ્તી લાગે, પરંતુ ઘરમાં હોય એટલે થોડી-થોડી વારે તેમને કંઈક ખાવાપીવાનું આપતા રહેવું પડે. એ રીતે ગૃહિણીઓ રસોડામાં થોડી બંધાઈ જાય

- બિન્દુ અને જયંત શાહ, બોરીવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK