દરેક નવી શોધની જનની હોય છે કોઈક મજબૂરી

આ ફન્ડા પ્રમાણે પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કંઈક ક્રીએટિવ સર્જન કરવામાં ઉપયોગ કરીએ તો?

bag

સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

આખરે ત્રણ દિવસથી આપણે પ્લાસ્ટિકમુક્ત ટાઇમઝોનમાં પ્રવેશી ચૂક્યા છીએ. મહિનાઓથી ઢોલ-નગારાં વાગતાં હતાં કે પ્લાસ્ટિકની થેલીઓ અને એક વાર વાપરીને ફેંકી દેવાતી પ્લાસ્ટિકની ચીજોના વપરાશ પર મુંબઈમાં ૨૦૧૮ની ૨૩ જૂનથી કડક પ્રતિબંધ આવવાનો છે. BMCએ વારંવાર રિમાઇન્ડર પણ આપ્યાં હતાં કે તમારા ઘરે પ્લાસ્ટિકની આવી વસ્તુઓ કે થેલીઓ હોય તો એ માટે અમે કલેક્શન સેન્ટર્સ ખોલ્યાં છે એમાં જમા કરાવી દો. પણ મોટા ભાગના લોકોને હતું કે આવું તો અવારનવાર જાહેર કરે છે અને પાછળ ઠેલાતું જાય છે તો ભલેને એટલો વધારે સમય આપણે પ્લાસ્ટિકની થેલીઓ વાપરી લઈએ. ઑફિસ જતી મહિલાઓને રોજ ટિફિન લઈ જવા માટે આ થેલીઓ ખાસ્સી ઉપયોગી લાગે. વળી આ ચોમાસામાં તો ટ્રેન, બસ કે રિક્ષા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી મહિલાઓ ઈવન પોતાની બ્રૅન્ડેડ બૅગ્સ અને પર્સને પણ પ્લાસ્ટિકની થેલીઓનું કવચ પહેરાવીને લઈ જતી જોવા મળે!

પરંતુ આ વખતે નિયમનો ભંગ કરનારને થનારી સજા અને દંડની રકમ સાંભળીને પ્લાસ્ટિકપ્રેમીઓ ફફડી ઊઠ્યા છે. ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં અચાનક નોટબંધી જાહેર થઈ ત્યારે ઘરોમાં પાંચસો અને હજારની નોટો માટે જેવી શોધખોળ થઈ હતી એની યાદ અપાવી દે એવી થેલી-ખોજ કેટલાંક ઘરોમાં શરૂ થઈ ગઈ છે. તમારા પોતાના કે આસપાસનાં યા સગાં-સ્નેહીનાં ઘરોમાં પ્લાસ્ટિકની થેલીઓ સ્ટૉક કરેલી હશે. એમાંય જે ઘરની સ્ત્રી જરા વ્યવસ્થિત મિજાજની હોય ત્યાં તો જુદી-જુદી સાઇઝની અને ક્વૉલિટીની બૅગ્સના અલગ-અલગ સ્ટોરેજની વ્યવસ્થા હોય : નાની કોથળી ટિફિન માટે, પાતળી શાકભાજીનો કચરો નાખવા માટે, મોટી અને મજબૂત ગ્રોસરી કે બજારમાં પરચૂરણ ચીજો લઈ જવા માટે અને સારી બ્રૅન્ડ્સની સરસમજાની સ્માર્ટ બૅગ્સ સારા પ્રસંગે વાપરવા માટે!  આવી કંઈક કલરફુલ અને સ્માર્ટ પ્લાસ્ટિક શૉપિંગ બૅગ્સ મહિલાઓના કબાટમાં સચવાયેલી  હોય. આ બધી વીણી-વીણીને કાઢી નાખતાં એ મહિલાઓના જીવને કેટલી તકલીફ પહોંચે એની તો કલ્પના જ કરવી રહી!

અલબત્ત, આ વિષય બાબતે એટલે કે કઈ થેલીઓ પ્રતિબંધિત છે અને કઈ નથી એ વિશે હજી પણ પૂરેપૂરી સ્પક્ટતા નથી એટલે મહિલાઓ પોતાના કપબોર્ડ કે વૉર્ડરોબમાં સચવાયેલા કીમતી બૅગ-સ્ટૉકને કાઢી નાખવાની ઉતાવળ નહીં કરે એમ લાગે છે. દરમ્યાન વિચાર આવે છે કે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કોઈ સર્જનાત્મક ઉપયોગ થઈ શકે તો! અને આવો વિચાર દુનિયાના વિચારશીલ, કલ્પનાશીલ લોકોના દિમાગમાં ક્યારનો આવી ગયો છે. ભારતની જ વાત કરીએ તો મદુરાઈની થિયાગારાજાર કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર રાજાગોપાલન વાસુદેવને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને મજબૂત, ખાડામુક્ત રસ્તા બાંધ્યા છે. તેમની કૉલેજના કૅમ્પસમાં છેક ૨૦૦૨માં પ્લાસ્ટિકનો કચરો અને ગરમ કરેલા ડામરના મિશ્રþણને પથ્થર પર ઢાળીને રસ્તો બનાવેલો, જે આજે સોળ વર્ષ પછી પણ તિરાડ કે ખાડાખબડા વગરનો મજબૂત છે. પ્રોફેસર વાસુદેવન કહે છે કે આ રસ્તાની તૂટ-ફૂટ ઓછી થાય છે અને ઘસારો પણ ઓછો પહોંચે છે. વળી એના નિર્માણની પ્રક્રિયા પણ આસાન છે. એને માટે કોઈ નવાં મશીન વસાવવાં નથી પડતાં અને સાથે જ એમાં ઘણાબધા પ્લાસ્ટિક-કચરાનો ઉપયોગ થઈ જાય છે એટલે પ્લાસ્ટિકના નિકાલનો જે મહાપ્રશ્ન છે એનો ઉકેલ મળી જાય છે. આનાથી આગળ વધીને તેમણે પ્લાસ્ટિક અને પથ્થરનું મિશ્રણ કરીને ટકાઉ સ્ટોનબ્લૉક જેવો ‘પ્લાસ્ટોન’ બનાવ્યો છે. આ પ્લાસ્ટોન ઘણું વજન ખમી શકે છે અને એમાં પાણીનું ગળતર પણ નથી થતું. પ્લાસ્ટોનનો ઉપયોગ ઘરની બહારના ભાગમાં કે કમ્પાઉન્ડમાં ફરસ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. સીમેન્ટ બ્લૉકની અવેજીમાં પ્લાસ્ટોન એક સસ્તો છતાં મજબૂત અને ટકાઉ વિકલ્પ થઈ શકે એમ છે. વળી એ એક પ્લાસ્ટોન બનાવવામાં ત્રણસો પ્લાસ્ટિક બૅગ્સ અને છ જેટલી પ્લાસ્ટિકની બાટલીઓનો ઉપયોગ થઈ જાય. આ ધોરણે માથાદુખણ પ્લાસ્ટિક-વેસ્ટમાંથી મુક્તિ કેટલી સહેલી અને ઝડપી બની જાય? આ ‘પ્લાસ્ટિક મૅન ઑફ ઇન્ડિયા’ને દુનિયાના અનેક દેશો પોતાને ત્યાંની પ્લાસ્ટિક-વેસ્ટની સળગતી સમસ્યા ઉકેલવા માટે બોલાવે છે એમાં કઈ નવાઈ? પરંતુ પ્રોફેસર વાસુદેવ પોતાની આ શોધનો લાભ પહેલાં પોતાના દેશને આપવા માગે છે. આશા કરીએ કે આપણું તંત્ર આવા ક્રીએટિવ દિમાગોનો સહી ઉપયોગ કરી જાણે! હકીકતમાં તેમણે બનાવેલા પ્લાસ્ટોનનો ઉપયોગ બેન્ચિસ કે બસ-સ્ટૅન્ડ વગેરે બનાવવામાં પણ કરી શકાય. કલ્પનાશીલતાને કામે લગાડીએ તો બીજા પણ વ્યાપક ઉપયોગ સૂઝી આવે એમ છે.

મને યાદ આવે છે એક બીજી મહિલા જે વરસો પહેલાં અચાનક મળી ગઈ હતી. એ અજાણી મહિલાના હાથમાં એક રંગબેરંગી સરસમજાની બૅગ હતી. જોતાં જ એ અનોખી અને મજબૂત દેખાતી બૅગે ધ્યાન ખેંચ્યું હતું. સહજ પૂછેલું, ક્યાંથી લીધી? જવાબમાં જાણવા મળેલું કે એ તો તેણે પોતે બનાવી હતી. શેમાંથી? આજે પર્યાવરણ સાથે કાળો કેર વર્તાવી રહી છે એે વપરાયેલી પાતળી ઝભલા થેલીઓમાંથી! એવી થેલીઓને સાફ કરીને, એકબીજા સાથે ગાંઠ મારીને જોડવાની. એમ તૈયાર થયેલા લાંબા પ્લાસ્ટિકને ખૂબ વળ ચડાવીને એનું તંગ દોરડું બનાવવાનું અને પછી એવાં ત્રણ દોરડાંમાંથી ચોટલો ગૂંથી એની એ બૅગ બનાવેલી હતી. એક બૅગમાં કેટલીબધી બૅગનો ઉપયોગ થઈ જાય! થોડી કલ્પના દોડાવીએ તો એ જ પદ્ધતિએ કાર્પેટ કે મૅટ્સ જેવી ચીજો પણ બનાવી શકાયને! વળી પ્લાસ્ટિક હોઈને ધોવા-સૂકવવાનું પણ સહેલું પડે. ગરીબ કે અભાવગ્રસ્ત પરિવારો માટે આ બધી કિફાયતી ચીજો પાયાની સગવડ પૂરી પાડી શકે.

આપણાં રસ્તા, નદી-નાળાં, દરિયો, હવા, સમસ્ત પર્યાવરણને ગૂંગળાવતાં અને એના થકી આપણા સ્વાસ્થ્યને જોખમાવતાં તત્વોને નાથીને આ રીતે આફતને અવસરમાં બદલવાની યુક્તિઓ વિચારવા માટે જાહેર આહïવાન કરવા જેવું છે. બધાં ક્રીએટિવ દિમાગ કામે લાગી જાય તો બીજા પણ ઘણા ઉકેલ મળી આવે. અને જનતા તરીકે આપણે આ પ્લાસ્ટિક-પ્રદૂષણ ઓછું કરવામાં મદદ કરીએ - પ્લાસ્ટિક બૅગની આદતને તિલાંજલિ આપીને. શરૂઆતમાં થોડું અઘરું લાગશે, પણ પછી ફાવી જશે. દરેક નવી શોધની જનની આવી જ કોઈક પરિસ્થિતિ છે, બરાબરને!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK