આજનો યુવાન કૉન્ફિડન્ટ કે કન્ફ્યુઝ્ડ?

એક એવા જેમનું લક્ષ્ય નિશ્ચિત છે, બીજા એવા છે જેઓ કોઈ પણ ફીલ્ડમાં ઍડ્જસ્ટ થઈ જવાનો ગુણ ધરાવે છે અને ત્રીજા એવા યુવાનો છે જેઓ પોતાની દિશા બાબતે સ્પષ્ટ જ નથી. મુંબઈના કેટલાક યુવાનોને પૂછીએ કે તેઓ કઈ કૅટેગરીમાં આવે છે

rajkumar

વર્ષા ચિતલિયા

સામાજિક પરંપરાઓ, પારિવારિક દબાણ અને વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત ભારતીય યુવાનોની વિશિષ્ટ લાક્ષણિકતા વિશે કરવામાં આવેલા એક અભ્યાસમાં આર્યચકિત કરી દેતું તારણ બહાર આવ્યું છે. વિશ્વભરમાં કૉર્પોરેટ ક્ષેત્રે ડંકો વગાડનારા ભારતીય યુવાનોની પ્રતિભા અને સફળતા પાછળનાં કારણોની ખણખોદ કરતાં આંખો ખોલી નાખતી વાસ્તવિકતા જાણવા મળી છે. આજનો યુવાન કારર્કિદીને લઈને સૌથી વધારે ગંભીર છે એમાં બેમત નથી, પરંતુ કારર્કિદીની પસંદગીની બાબતમાં તેઓ એક તબક્કે ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. પોતાના રસ અને રુચિના વિષયોની પસંદગી કરવામાં તેઓ ચોક્કસ હોતા નથી. આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનો પણ સમયસરના નિર્ણયો લેવામાં પાછા પડે છે. પરિણામે તેમની સફળતા પાછળ ઠેલાઈ જાય છે. રિસર્ચ કહે છે કે ભારતીય યુવાનોનો જીવન પ્રત્યેનો અભિગમ પૉઝિટિવ છે અને તેમની પાસે આઇડિયાઝનો ખજાનો છે તેમ છતાં તેઓ નાસીપાસ થાય છે એનું કારણ છે

ફૅમિલી-પ્રેશર, દેખાદેખી અને ગાડરિયા પ્રવાહમાં તણાતા જવાની ટેવ. ૮૦ ટકા યુવાનો તેમની રુચિ કરતાં સાવ અલગ જ ક્ષેત્રમાં કારર્કિદી બનાવે છે. આર્યની વાત એ છે કે મૂંઝવણમાં લીધેલા નિર્ણયોમાં પણ તેઓ પોતાની ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરી સફળતાનાં સોપાનો સર કરે છે. આવી વિશિષ્ટ લાક્ષણિકતાના કારણે તેઓ દરેક ક્ષેત્રમાં ઝળકી ઊઠે છે.

અભ્યાસ કહે છે કે આપણા દેશમાં ત્રણ પ્રકારના યુવાનો છે, એક એવા જેમણે પહેલેથી જ પોતાના જીવનનું ધ્યેય નક્કી કરેલું છે અને ચોક્કસ દિશામાં જ આગળ વધતા રહે છે. જોકે આવા યુવાનોની સંખ્યા માત્ર વીસ ટકા જેટલી જ છે. ૭૦ ટકા યુવાનો એવા છે જેમનું વિઝન ક્લિયર હોવા છતાં ભાવિ યોજનાઓ અને પરિણામો બાબતે મૂંઝવણ અનુભવે છે અને ગાડરિયા પ્રવાહમાં જોડાઈ જાય છે. નવી દિશામાં ફંટાઈ ગયા બાદ પણ આત્મવિશ્વાસ અને મહેનતથી તેઓ સફળતાપૂર્વક આગળ વધતા રહે છે. આવા યુવાનોમાં ઍડ્જસ્ટમેન્ટ નામનો ગુણ ઠાંસી-ઠાંસીને ભર્યો હોય છે. ૧૦ ટકા યુવાનો એવા છે જેમની સામે કોઈ લક્ષ્ય જ નથી. આમાં સ્પોર્ટ્સ, ફિલ્મ, કલ્ચરલ ઍક્ટિવિટી અથવા અન્ય ઑફબીટ ફીલ્ડના વિષયોમાં રસ ધરાવતા યુવાનોની સંખ્યા વધુ હતી. પોતાના લક્ષ્ય બાબતે કોઈ સ્પષ્ટતા ન ધરાવતા આવા યુવાનો આખરે ૭૦ ટકાના ટોળામાં ક્યાંક ગોઠવાઈ જાય છે. આજે આપણે મુંબઈના કેટલાક યુવાનોને પૂછીએ કે તેમના જીવનનું ધ્યેય શું છે? તેઓ કૉન્ફિડન્ટ છે કે કન્ફ્યુઝ્ડ?

શરૂઆતમાં લગભગ બધા જ કન્ફ્યુઝ્ડ હોય છે એનું કારણ જણાવતાં વસઈમાં રહેતો ૧૬ વર્ષનો રિશી પરજિયા કહે છે, ‘નાનપણમાં કોઈ વિઝન હોતું નથી. મને એમ થતું કે હું મોટો થઈને ક્રિકેટર બનીશ, પણ વાસ્તવમાં એ શક્ય નથી એની સમજણ પડ્યા પછી એને હૉબી તરીકે જ અપનાવી લીધું. એ પછીનો તબક્કો એવો હોય છે જેમાં બધાં બાળકો પર પેરન્ટ્સનો કે મોટાં ભાઈ-બહેનનો પ્રભાવ હોય છે. એ લોકો જે ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય એ જ ક્ષેત્ર મારા માટે બેસ્ટ છે એવું લાગતું હોય. મારા પપ્પા એન્જિનિયર છે એટલે મને પણ સૉફ્ટવેર એન્જિનિયર જ બનવું હતું, પરંતુ નવમા ધોરણમાં આવ્યા બાદ મને થયું કે જો હું એ ફીલ્ડમાં જઈશ તો મારા ગમતા વિષયોનો અભ્યાસ નહીં કરી શકું. મને શરૂઆતથી જ ગણિત અને ડ્રૉઇંગમાં બહુ દિલચસ્પી રહી છે. એન્જિનિયરિંગમાં ગણિત તો આવે, પણ ડ્રૉઇંગનું શું? આ બાબતે થોડું કન્ફ્યુઝન હતું. હું મારાં ફઈથી ઘણો નજીક છું અને તેઓ મારાં પ્રેરણાસ્રોત છે. મારી મૂંઝવણ તેઓ સમજી ગયાં અને આર્કિટેક્ચરના અભ્યાસની સલાહ આપી. મારું અંગતપણે માનવું છે કે તમારે કોઈકની સલાહને અનુસરવું જ પડે. સમજ્યા-વિચાર્યા વગર નિર્ણય લો તો કંઈક તો પાછળ છૂટવાનું જ. તેમની સલાહ બાદ હવે મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે અને એ જ રીતે અભ્યાસને ફોકસ કરું છું. આ ક્ષેત્રમાં ખૂબ જ તકો છે અને પૈસા પણ સારા મળે છે. અત્યારે હું સાચી દિશામાં જઈ રહ્યો છું અને મારી મૂંઝવણ દૂર થઈ ગઈ હોય એવું લાગે છે.’

મેટ્રો સિટીમાં રહેતા યુવાનોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય એવું હું નથી માનતો એમ જણાવતાં ખારઘરમાં રહેતો વીસ વર્ષનો હર્શિલ ભાટિયા કહે છે, ‘આજના સમયમાં ૧૪-૧૫ વર્ષની વયના ટીનેજરોને પણ ખબર છે કે તેમને આગળ જઈને શું કરવાનું છે. મારી દૃષ્ટિએ આપણી આસપાસ કૉન્ફિડન્ટ યુવાનોની સંખ્યા વધારે છે. શિક્ષિત પેરન્ટ્સનાં બાળકો હાર માને એવાં નથી. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં જાય, સ્પર્ધાનો સામનો કરવાની માનસિક તૈયારી સાથે જ પ્રવેશે છે. વર્તમાન સમયમાં દરેકને પોતાનું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ વધારવું છે, જે આત્મવિશ્વાસ વગર શક્ય નથી. ક્ન્ફ્યુઝ્ડ રહેશે તો અપ્સ ઍન્ડ ડાઉનનો સામનો કરવો પડશે. પસંદગીના ક્ષેત્રમાં અભ્યાસ કરતાં-કરતાં થોડો સમય વેડફાય એ ચાલે, પણ દિશા ન ફંટાવી જોઈએ. જેમ કે મેં પહેલાંથી જ નક્કી કરી રાખ્યું છે કોઈ પણ ભોગે CA બનવું જ છે. એક, બે કે ત્રણ અટેમ્પ્ટમાં પણ કરવાનું તો છે જ. આમ કરવાથી કદાચ થોડું મોડું થશે, પણ પસંદગીનું ફીલ્ડ છે એટલે સફળતાના ચાન્સિસ વધારે છે. તમારી પાસે બે જ ઑપ્શન હોય છે, એક ડિગ્રેડેશન અને કૉમ્પ્રોમાઇઝ માટે તૈયાર રહો અથવા તો ધારેલી કામિયાબી હાંસલ કરવા એફર્ટ નાખો. એ પછી પણ જો નસીબ સાથ ન આપે તો પસંદગીને મળતાં આવે એવાં અનેક ક્ષેત્ર છે અને તક પણ ઘણી છે.’

કારર્કિદીની પસંદગી કરતાં પહેલાં પોતાના રસ અને રુચિના વિષયોને ધ્યાનમાં રાખવા જોઈએ એ વાત સાથે સહમત થતાં કાંદિવલીમાં રહેતો ૧૮ વર્ષનો આશય વોરા કહે છે, ‘હું પહેલેથી જ એકદમ સ્પષ્ટ હતો કે મારે કયા ફીલ્ડમાં કારર્કિદી બનાવવી છે. પસંદગીના ક્ષેત્રમાં જવું જોઈએ, પરંતુ માત્ર એક જ ફીલ્ડમાં કામ કરીશ એવું પહેલેથી વિચારીને રાખીએ એ આજના સમયમાં ન ચાલે. આજે બજારની પરિસ્થિતિ અને કમાવાની તક ક્યાં અને કેટલી છે એ પણ જોવું પડે. કયા ક્ષેત્રમાં સારું રિટર્ન છે એનો તમને આઇડિયા હોવો જોઈએ. માત્ર રસ પડ્યો એટલે ઍડ્મિશન લઈ લીધું એમ ન ચાલે, તમારે સતત ધ્યાન આપવું પડે. દાખલા તરીકે મને કૉમર્સમાં રસ છે એ બાબતમાં હું સ્પષ્ટ છું, પરંતુ એમાં મને ગમે એવાં પાછાં બીજાં બે-ત્રણ ફીલ્ડ છે. આ

બે-ત્રણમાંથી એકની પસંદગી ત્યારે શક્ય બને જ્યારે તમારો અભ્યાસ પૂરો થાય. એ વખતે મારી સામે જે સૌથી સારી તક હશે એ સિલેક્ટ કરવી પડશે. મારું અંગતપણે માનવું છે કે તમે ગાડરિયા પ્રવાહમાં તણાઈને સેટલ થઈ જાઓ છો, કારણ કે આખરે એક સમયે બધાએ ઘર ચલાવવાનું હોય છે. આર્થિક બાબતો જ્યારે સામે આવે છે ત્યારે ઍડ્જસ્ટમેન્ટનો ગુણ આપોઆપ ડેવલપ થઈ જાય છે, પરંતુ જો તમે તમારા કામને એન્જૉય ન કરી શકો તો જોઈએ એવી પ્રગતિ ન થાય. દુનિયામાં એવા ધૂની લોકો પણ હોય છે જેમના માટે પૈસા નહીં, પણ કામ મહત્વનું હોય છે. આવા લોકો તેમના કામને ખૂબ એન્જૉય કરે છે અને એમાં સફળ પણ થાય છે. તમારી જરૂરિયાત, વર્તમાન ઇકૉનૉમિક પરિસ્થિતિ અને તમારી રુચિ એમ બધું જ જોવું પડે છે. મને કારર્કિદીને લઈને અત્યારે કોઈ મૂંઝવણ નથી. સમય આવશે ત્યારે આપમેળે દરવાજા ખૂલી જશે.’

કરીઅરની પસંદગી કરતાં પહેલાં એ નક્કી કરો કે આજથી પાંચ વર્ષ બાદ તમે તમારી જાતને ક્યાં જોવા માગો છે? - કરીઅર ઍન્ડ કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ પૂનમ અગ્રવાલ, અંધેરી


આજનો યુવા આત્મવિશ્વાસથી ભરપૂર છે કે દબાણ હેઠળ જીવી રહ્યો છે એ સંદર્ભે સ્પષ્ટતા અને પોતાના અનુભવો વિશે જાણકારી આપતાં અંધેરીનાં કરીઅર ઍન્ડ કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ પૂનમ અગ્રવાલ કહે છે, ‘મુંબઈ જેવા શહેરમાં વર્તમાન સમયમાં બે પ્રકારના યુવાનો વધુ જોવા મળે છે. એક એવા જેઓ શ્યૉર છે કે તેમને શું કરવું છે અને કઈ દિશામાં ડગલાં માંડવાં છે. બીજા એવા જેઓ અત્યંત મૂંઝવણભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેઓ છેલ્લી ઘડી સુધી કોઈ નિર્ણય લઈ શકતા નથી. તેમના પર પારિવારિક દબાણ અને આસપાસના લોકોનો પ્રભાવ એટલો વધારે હોય છે કે પોતાની ક્ષમતા વિશે પણ સરખી રીતે વિચારી શકતા નથી. વાસ્તવમાં તેઓ દિશાહીન હોય છે. મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં એક ટીનેજરને દસમા ધોરણમાં ૯૭ ટકા માર્ક્સ આવ્યા હતા. રિઝલ્ટ આવ્યું એ પહેલાંથી તેને કૉમર્સમાં ખૂબ રસ હતો અને નક્કી કરી રાખ્યું હતું કે આ ફીલ્ડમાં જ કરીઅર બનાવવી છે.

હવે તેને ધાર્યા કરતાં વધારે સારા માર્ક્સ આવ્યા તો સાયન્સમાં જવાનું ફૅમિલી-પ્રેશર વધી ગયું. બીજું, તેના મિત્રો કે જેને તેમનાથી ઘણા ઓછા માર્ક્સ હતા એ પણ સાયન્સમાં ઍડ્મિશન લેવાના હતા એવી ખબર પડતાં તે વધારે મૂંઝવણમાં મુકાઈ ગયો. આખરે તાણ અને દબાણમાં આવીને સાયન્સમાં જ ગયો. આપણે ત્યાં આવું વધારે જોવા મળે છે.’

અન્ય એક કેસ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એક ટીનેજરનાં ખ્વાબ ખૂબ ઊંચાં હતાં, પણ પર્ફોર્મન્સમાં કોઈ ખાસ દમ નહોતો. હવે પ્રૅક્ટિકલી શક્ય નથી કે તમે જે સપનાં જુઓ છો એ પૂરાં થાય. અહીં ક્ષમતા અને ઍકૅડેમિક પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખી વિકલ્પો શોધવા પડે. જેમ કે તમે એન્જિનિયરિંગમાં જવા માગો છો તો જીદ ન કરો કે મારે મેકૅનિકલ એન્જિનિયરિંગ જ કરવું છે. બીજું, એમાં રસ છે તો એને મૂકીને બીજા ક્ષેત્રમાં પણ ન જાઓ. અહીં વિકલ્પ તરીકે ટેક્નિશ્યન બની શકાય. તમારું લક્ષ્ય નક્કી કરતી વખતે તમામ પરિબળોને નજરમાં રાખો અને વિકલ્પ મળે એ રીતે આગળ વધવાની માનસિક તૈયારી રાખો અથવા પહેલેથી જે લક્ષ્ય નક્કી કર્યું છે એ પ્રમાણે પર્ફોર્મન્સ પર ફોકસ કરો. યુવાનોને મારે ખાસ કહેવાનું કે તમે આજથી પાંચ વર્ષ બાદ તમારી જાતને ક્યાં જોવા માગો છો એ નક્કી નહીં કરી શકો તો કંઈ જ નહીં કરી શકો. યાદ રાખો, આજે કૉમ્પિટિશનનો જમાનો છે તેથી હંમેશાં બેથી ત્રણ વિકલ્પ ખુલ્લા રાખવા પડશે. અહીં પેરન્ટ્સનો રોલ ખૂબ જ મહત્વનો છે. પેરન્ટ્સે પણ તેમનાં બાળકોનાં સપનાં, લક્ષ્ય અને તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખી પ્રોત્સાહન આપવું જોઈએ. અન્ય બાળકો સાથે તમારા બાળકની સરખામણી તેની કારર્કિદીને રગદોળી નાખશે.’

નાનપણમાં બધા જ કન્ફ્યુઝ હોય છે. એક તબક્કો એવો આવે છે જ્યારે શું કરવું એનો નિર્ણય તમે લઈ શકતા નથી. જો સાચી દિશામાં જવું હોય અને સફળતા હાંસલ કરવી હોય તો અનુભવી વ્યક્તિની સલાહને અનુસરવું પડે

- રિશી પરજિયા, વસઈ

હું પહેલેથી જ સ્પષ્ટ હતો કે મારે કયા ફીલ્ડમાં કારર્કિદી બનાવવી છે, પરંતુ માત્ર એક જ ફીલ્ડમાં કામ કરીશ એવું પહેલેથી વિચારીને રાખીએ એ આજના સમયમાં ન ચાલે. બજારની વર્તમાન પરિસ્થિતિ અને કયા ક્ષેત્રમાં સારું રિટર્ન છે એનો આઇડિયા પણ હોવો જોઈએ

- આશય વોરા, કાંદિવલી

મારી દૃષ્ટિએ આપણી આસપાસ કૉન્ફિડન્ટ યુવાનોની સંખ્યા વધારે છે. શિક્ષિત પેરન્ટ્સનાં બાળકો કૉમ્પ્રોમાઇઝ કરવામાં માનતાં નથી, કારણ કે તેમને ખબર છે કે સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ વધારવું હશે તો એફર્ટ નાખવા જ પડશે. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં જાય, સ્પર્ધાનો સામનો કરવાની માનસિક તૈયારી સાથે જ પ્રવેશે છે

- હર્શિલ ભાટિયા, ખારઘર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK